Monday 28 October 2013

જિંદગી-એક અનોખી મિજલસ











એક યુવાન ઇજનેર હતો. યુવાન એક સુંદર યુવતીના પ્રેમમાં હતો. યુવતી તેને મળી નહિ. હૃદય હતાશાથી ભરાઈ ગયું. એક ક્ષણ તો લાગ્યું કે મારી અંદર જે એક કૌશલ છે, કલા છે, શક્તિ છે, તે તેને બતાવી જોઉં! યુવાન ઇજનેરે આપઘાતનો વિચાર માંડી વાળ્યો ને પોતાના જીવનદીપને વધુ ઝળહળતો બનાવવાનું નક્કી કર્યું. એણે એક અશક્ય લાગતું કામ હાથમાં લીધું. તેણે સુએઝની નહેર બનાવી. ફ્રેન્ચ ઇજનેરનું નામ હતું લેસેપ્સ. ઇજનેરની પ્રેયસી રાજકુમારને પરણી હતી. તેણે જ્યારે નહેર જોઈ ત્યારે તેને પ્રેમીના હૈયાનો કાંઈક તાગ મળ્યો. એક વિરાટ પુરુષાર્થનું રૃપ લઈને અહીં સાક્ષાત્ પ્રેમપુરુષ ઊભો હતો. પ્રેયસીનું મસ્તક નમી પડ્યું.

એક ભગ્નહૃદયી યુવાને એક ફિલસૂફને કહ્યુંઃ 'મારે માટે જીવવાનું અશક્ય છે.'
ફિલસૂફે કહ્યું : 'જે શક્ય હોય તે કરો.'
યુવાને કહ્યું : 'મરી જવાનું શક્ય લાગે છે. કદાચ સરળ પણ છે.'
ફિલસૂફે કહ્યુંઃ 'માણસ માટે જીવવાનું પણ અઘરું છે અને મરવાનું પણ અઘરું છે, પણ કદાચ વધુ અઘરું કામ જીવવાનું છે, જેને જીવવાનું અઘરું કામ આવડી જાય છે તેને પછી મરવાનું અઘરું કામ પણ આવડી જાય છે, સહેલું લાગે છે.'

યુવાને દલીલ કરીઃ 'પણ જિંદગીમાં છે શું? થોડુંક લોહી બોલે છે, થોડીક લાગણી બોલે છે, થોડાંક સ્મિત વેરાયેલાં છે. વધુ તો આંસુઓની ઝાકળ છે. આમાં નવું શું છે? ધર્મશાળા જેવી ઇમારતમાં કેટલા માણસો આવ્યા, રહ્યા અને ગયા! છે કંઈ નવું જોવાનું?'
 
ફિલસૂફઃ 'કશું નવું નથી, પણ જિંદગીની મિજલસને નિસબત છે ત્યાં સુધી તો તમે સાવ નવા છો અને એટલે આખી મિજલસ અનોખી બની જાય છે. તમે નહીં હો ત્યારે પણ બધું તો હશે , પણ તમે નહીં હો એટલે તમને લાગેવળગે છે ત્યાં સુધી અહીં કશું નહિ હોય! તમે છો તો બધું છે. તમે નથી તો કંઈ નથી! બરાબર જીવ્યા વિના મરવું તે ભૂખ વગર ભોજન કરવા જેવું છે. તમે તમારી ઇચ્છાથી સંસારમાં આવ્યા નથી. તમે તમારી ઇચ્છાથી દુનિયા છોડી શકો એવો ખ્યાલ એક મિથ્યાભિમાન છે. પૃથ્વી ઉપર એટલા બધા માણસો જીવી ચૂક્યા છે કે તેમના ઊના-ઊના શ્વાસનો સરવાળો હવામાં હોત તો હવામાન ક્યારનુંયે ગંધાઈ ઊઠ્યું હોત! કોઈક હવા બદલે છે, કોઈક એવું ચક્ર ચાલે છે કે જેના લીધે હવા બદલાય છે, તાજી થાય છે, નવી જિંદગીનો શ્વાસ બનવા માટે કાબેલ બને છે. તમારે મોતની પાછળ પડવાની જરૃર નથી. એના પોતાના સમયે અચૂક આવશે. મોત જે તમારા માટે છેક અજાણ્યું છે તેને આટલા વહાલા થવાની તમારે શી જરૃર? મોત તો ઘૂંઘટમાં ચહેરો રાખે છે. જિંદગીનો હસતો કે રડતો ચહેરો સહેજસાજ પણ તમારા માટે પરિચિત છે તો તેને વધુ વહાલા થાવ ને.'

તમારી પોતાની પીડા એક નાનો કાંટો છે. તેને દૂર કરવા બીજી વ્યક્તિની મોટી પીડાનો વિચાર કરો. બીજી વ્યક્તિની મોટી પીડા મોટો કાંટો બનીને તમારી પીડાના નાના કાંટાને દૂર કરી આપશે. કમસે કમ તમારી પીડા તમારા મનમાં તો નહિ ખટકે. નાની કે મોટી પીડા તો દરેક જીવને છે. કેટલાક માત્ર પોતાની દયા ખાય છે. તમારા અંતરમાં ભરપૂર દયા ભરી છે. તે માત્ર તમારી જાત ઉપર ના ઢોળો. તમારી કરુણાને બહાર વહેવાનો માર્ગ આપો. તે બહાર જશે તો એક ચમત્કાર કરશે. તમને હેરત થશે કે બીજા માટે સારેલાં આંસુ આપણી પોતાની જાત ઉપર ઢોળેલાં આંસુ કરતાં વધુ સાર્થક નીવડે છે. આપણી પોતાની પીડા ઉપર ઢોળેલાં આંસુ કશું ઉગાડી શકતાં નથી. બીજાની પીડાને આપણા અંતરમાં રોપીને આંસુનો છંટકાવ કરીએ છીએ ત્યારે આપણી પોતાની અંદર એક હરિયાળી પ્રગટે છે. બહારની બીજાની પીડાનો ખ્યાલ જ્યારે આપણા અંતરમાં ભીડ રચે છે ત્યારે આપણું અંતર એક એવો નીડ બને છે કે જેમાંથી આપણી પીડાનું પંખી બહારના આકાશનું યાત્રી બને છે અને કંઈક મેળવીને પાછું ફરે છે.

મહાન ફ્રેંચ સર્જક અને ક્રાંતિકાર વોલ્ટેરે કહ્યું છે કે, 'ઈશ્વર છે કે નહીં તે હું જાણતો નથી, પણ હોય તો તે જરૃર માણસના હૃદયમાં છે.' માણસની સૌથી મોટી દોલત સહિષ્ણુતા અને સૌને માટે સદ્ભાવ છે.
આપણે ખરેખર જિંદગીનું વિસ્મય, તેનું સૌન્દર્ય અને તેની અનેક અદ્ભુત છટાઓ વિશે વિચારવા પ્રયાસ કરીએ તો આપણને કોઈક પળે એવી પ્રતીતિ થયા વગર રહેશે નહીં કે તે નાશવંત છે એટલે તો આટલી સુંદર અને મીઠી છે. જિંદગી પરિવર્તનની એક અખંડ લીલા છે અને પૃથ્વી પર નહીં, સમગ્ર બ્રહ્માંડમાં જે શિવ-નૃત્ય ચાલ્યા કરે છે તેમાં એક પણ એવી ચીજ નથી કે જે તેના તાલ કે લયમાં સામેલ હોય. અવકાશના અવાજોની જો કેસેટ સાંભળીએ, રાત્રે માત્ર રાતનું સંગીત સાંભળીએ, દરિયાના કિનારે દરિયાનું ગીત સાંભળીએ, પર્વત પર ચડીને પવનની ગાયકી સાંભળીએ, એક અવિરત ગુંજન ચાલે છે અને ખબર નથી પડતી કે અમુક જૂના સૂર ક્યાં ગયા અને અમુક નવા સૂર ક્યાંથી આવ્યા! ખબર નથી પડતી કે વૈજ્ઞાનિકો મારા આંગણામાં સવારે આવેલા તડકાને 'વાસી' ગણતા હોય તોય મને તે આટલો તાજો અને હમણાં કુમળાં કિરણોનો મુગટ પહેરીને આવી ઊભેલો કેમ લાગે છે!
ખરી મુશ્કેલી છે. તમને ખબર નથી કે આજની તારીખમાં તમારે આંગણે આવેલી તમારી પૌત્રી કોઈ નવો આત્મા છે કે હકીકતમાં તમારી દાદીમા કે નાનીમા. આજની તારીખે રવાના થઈ ગયેલો દીકરો ખરેખર ગયો છે કે કોઈને મોકલવા ગયો છે તેની ખબર નથી પડતી. નાનકડા પૌત્ર કે પૌત્રીની શરારતી આંખમાં કે તોફાની સ્મિતમાં દાદા-દાદીની અદાઓના ભણકારા વાગી શકે છે. માત્ર શરીરની મૂર્તિમાં નહીં તેના શિલ્પસૌષ્ઠવમાં, તેના ચહેરાઓની રેખામાં, આંખમાં, ચાલમાં, બોલીમાં, સ્મિતમાં આટલો બધો વારસો ઊતરી આવે છે. વિજ્ઞાનની કેફિયત સાંભળીને તાજુબી થાય છે કે જો માણસનું શરીર પણ પૂરેપૂરું નષ્ટ થતું હોય, તેનાં લક્ષણો, તેનાં ચિહ્નો, તેની ચેષ્ટાઓ બિલકુલ ખતમ થઈ શકતાં હોય તો પછી આત્મા તો ચોક્કસ કદી નાશ પામી નહીં શકતો હોય!

જ્યારે તમે સાચી રીતે જિંદગીનો સ્વીકાર કરો છો ત્યારે તેમાં મોતનો પણ સ્વીકાર સમાઈ જાય છે. પિતાની પહેલાં પુત્ર કે પુત્રીની વિદાય અસહ્ય લાગે, પણ પિતા જો પોતાના દિલમાં દીકરાને ઉતારો કરી આપે તો બાપ-દીકરાનો સંબંધ નહીં તૂટે. મોતને સંબંધનો અંત ગણીને આપણે વિશેષ દુઃખી થઈએ છીએ. સંબંધનો અંત નથી. મારા પિતાને મારે ચાહવા હોય તો તે જીવતા અને પુરાવારૃપ હોવાનું અનિવાર્ય નથી. અર્નેસ્ટ હેમિંગ્વે કહે છે કે ગુજરી ગયા તે પણ, હું છું ત્યાં સુધી મોજૂદ છે અને હું જ્યારે જઈશ ત્યારે જે જીવે છે એમની જિંદગીના તંબુમાં દાખલ થઈ ગયા વિના રહેવાનો નથી!
તમારે મૃતજનો સાથે કંઈ પ્રયત્નપૂર્વક સંબંધ નિભાવવાના હોતા નથી. તે સંબંધ સહજ રીતે ચાલતો રહે છે. તમને જે પ્રિય હતો તે ગયો પણ તેને જે કંઈ પ્રિય હતું તે બધું પોતાની સાથે લઈને ગયો નથી. તમે જેને ચાહતા હતા તેણે જ્યારે ઓચિંતી વિદાય લીધી ત્યારે તમારે તેને દુર્ભાગ્યરૃપે જોવાની જરૃર નથી. પ્રિયજનની નિર્દયતા કે અણગમારૃપે જોવાની જરૃર નથી કે તમારા પોતાના ગુના તરીકે અગર ગુનાની શિક્ષારૃપે જોવાની જરૃર નથી. તે વહેલો ચાલ્યો ગયો. તમારા વારસામાંથી તે બાકાત થયો હોય તો પણ તેનો બધો વારસો તમારી પાસે છે અને તમારે તેનું નામ ક્યાંયથી રદ કરવાની પણ જરૃર નથી. હકીકતે તમારે મોતનું બહાનું કાઢીને પણ સંબંધ કાપવાનો નથી. જનાર વ્યક્તિનો વાંક નથી અને તમારો પણ કંઈ વાંક નથી. જે ગયો છે તે ઘણુંબધું મૂકીને ગયો છે, તેને ફરી સમજો, ફરી ઉકેલો, ફરીથી ચાહો, તમારું બળ વધશે.

હમણાં અમેરિકામાં બાસઠ વર્ષના કૃત્રિમ હૃદયના પ્રયોગવીર એવા દાક્તર મૃત્યુ પામ્યા. તેમના મૃતદેહના પોસ્ટમોર્ટમ પછી તેમના કોઈક સાથીએ કહ્યું છે કે પોસ્ટમોર્ટમ તો સાફ છે, પણ માણસમાં વેદનાને હસતા મોંએ પી જવાની, ઝેરને પચાવવાની અને મોત સહિતની કોઈ પણ પરિસ્થિતિ સામે લડવાની આટલી શક્તિ અને હિંમત ક્યાંથી પેદા થતી હતી તેની સમજ પડતી નથી! કોઈ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આત્માની શક્તિનું પૃથક્કરણ આપી શકતો નથી. તમે તમારા પ્રિયજન સ્વજનના શરીરનું પોસ્ટમોર્ટમ તમારા પોતાના મનના ઓપરેશન ટેબલ ઉપર પણ કરશો નહીં. વિચાર કરવો હોય તો વ્યક્તિની ખૂબીઓ અને તેના સ્વભાવની મીઠાશ કે તીખાશનો અને સૌથી વધુ તો તેની આંતરિક શક્તિનો કરવો જોઈએ.

જીવન સુંદર છે અને મુશ્કેલ છે. અનંત છે અને છતાં નાશવંત છે. માણસ છે અને નથી, બેમાંથી એક શરત મંજૂર અને બીજી શરત નામંજૂર એવો કરાર ચાલતો નથી. જિંદગી ના હોત તો મોત પણ ના હોત! માણસ મરે છે ત્યારે અને ત્યાં તે પૂરો થઈ જતો નહીં હોય. આપણે આપણાં વરદાનની બંને શરતો સ્વીકારીએ તે સાચું છે.
---------.