Saturday 5 July 2014

પુરૂષાર્થ વડે ભાગ્ય અને સંજોગો બદલી શકાય છે...





દુનિયામાં પારાવાર અસમાનતાઓ અને અન્યાયો આપણે જોઈએ છીએ. કેટલાક આપણને અનેક બાબતમાં 'ભાગ્યશાળી' લાગે છે. આવા ભાગ્ય માટેની એમની કોઈ ખાસ લાયકાત પણ આપણી નજરે પડતી નથી. બીજી બાજુ જે સારા ભાગ્ય માટે અનેક રીતે લાયક છે અને ગુણવાન છે એવા માણસો બિચારા જાતજાતની કમનસીબીઓ વેઠતાં આપણે જોઈએ છીએ.

એક બાળક રૃપાળું કે કાળું જન્મે છે, એક બાળક બુદ્ધિશાળી કે મંદબુદ્ધિનું જન્મે છે. એક બાળક મહેલ જેવા બંગલામાં જન્મે છે, બીજું એક બાળક ઝૂંપડામાં જન્મે છે. એક કુટુંબ કંઈ કરે કે ન કરે, તેની સુખસાહ્યબીનો સૂરજ જાણે આથમતો નથી. પડોશમાં એક બીજું કુટુંબ છે. તે ગમેતેટલું કરે, રોજેરોજ ભોજનનો સવાલ હોય છે.

હવે આ પ્રકારની વિષમતાઓ અને અન્યાયોનો કોઈ સંતોષકારક ખુલાસો આપણી પાસે નથી - સિવાય કે કર્મનો સિદ્ધાંત. માણસ જેવું કરે તેવું પામે. ક્રિયા અને પ્રતિક્રિયા, કાર્ય અને તેની અસર, શબ્દ અને પડઘો - આ બિલકુલ વૈજ્ઞાનિક બાબત છે. કારણ વિના કશું બનતું નથી. તમે જેવું વાવો તેવું લણો છો - આ કર્મનો સિદ્ધાંત લગભગ બધા ધર્મોએ સ્વીકારેલો છે. આમ તો તે એક વૈજ્ઞાનિક તથ્ય લાગે છે, પણ બીજાં અનેક વૈજ્ઞાનિક તથ્યોની જેમ તે કંઈક અપૂર્ણ લાગે છે. વાવો તેવું લણો, પણ જેણે બરાબર વાવ્યું હોય, વાવેલાની માવજત પણ કરી હોય અને છતાં તેનો પાક નાશ પામે અને તેના હાથમાં કશું જ ન આવે એવું બનતું આપણે જોઈએ છીએ; બીજી બાજુ કેટલાય માણસો જાણે વાવ્યા વગર જ સારો પાક લણતા હોય તેવું આપણે સગી આંખે જોઈએ છીએ.

પણ જો કર્મનો સિદ્ધાંત બિલકુલ જડ હોય અને ગયા જન્મમાં માણસે કરેલાં પાપ કે પુણ્ય અને સત્કર્મ કે દુષ્કર્મોનું ફળ તેણે ત્રાજવે તોળીતોળીને ભોગવવાનું હોય તો પછી આ જન્મનો-જીવનનો અર્થ શું? ગયા જન્મનાં ફળો જ મારે ભોગવવાનાં હોય તો મારે કંઈ પણ કરવાનો અર્થ જ શું રહ્યો? હું કંઈ પણ સારું તો કરી શકવાનો નથી, કેમ કે ગયા જન્મનાં મારાં કર્મોએ મારા માટે કોઈ સ્વતંત્રતા રહેવા જ દીધી નથી! છતાં હું ગમે તેમ કરીને સારાં કર્મો કરવા જાઉં તો તેનો બદલો તો મને હવે પછીના જન્મમાં જ મળે! ખરેખર કર્મનો આ જ સિદ્ધાંત છે? સિદ્ધાંત જો આટલો બધો ચુસ્ત અને 'યાંત્રિક' હોય તો મારા જીવનનો કોઈ અર્થ જ રહેતો નથી. મારા માટે સારા માણસ બનવાની પણ કોઈ ચાનક રહેતી નથી. મારે શા માટે 'સારા' બનવું જોઈએ? એક બીજી વાત પણ સમજવા જેવી છે. આપણી ઉપર જે કંઈ સુખ-દુઃખ આવી પડે છે તે આપણા ઇરાદાપૂર્વકના કોઈ કાર્યનું સીધું જ પરિણામ હોતું નથી

'જિંદગી અને મૃત્યુનું ચક્ર' નામના પુસ્તકના લેખક ફિલિપ કેપલેવે એક દૃષ્ટાંત આપ્યું છે. માનો કે એક માણસ રસ્તા ઉપર ચાલ્યો જાય છે. સખત પવન ફૂંકાય છે અને તેની ઉપર ઝાડની એક ડાળી તૂટી પડે છે. આમાં એ માણસનો દોષ શું? કોઈ કહે કે તે પવન ફૂંકાતો હતો અને ઘરની બહાર નીકળ્યો અને તેથી તેટલા પૂરતી તેની જવાબદારી, પણ માણસ કંઈ આવો વિચાર કરીને પોતાના ઘરમાં પુરાઈને રહી ન શકે. કોઈ કહે કે તેના ગતજન્મના કોઈક કર્મનું તેને ફળ મળ્યું. આમ જુઓ તો અકસ્માત બનવાનું કારણ તો ફૂંકાતો પવન અને ઝાડની નબળી ડાળી જ છે, પણ તેનું પરિણામ એક નિર્દોષ માણસને ભોગવવું પડે છે, પણ માણસ એમ વિચારી શકે કે આવું તો બની જ શકે છે. માણસ પોતાના ઘરમાં બેઠો હોય અને તેની ઉપર કોઈક વજનદાર વસ્તુ પડે તેવું બની શકે છે. આમાં પૂર્વજન્મનાં કર્મ માટે અફસોસ કરીને દુઃખી થવાની જરૃર નથી. જિંદગીની આવી અચાનકતાઓને પહોંચી વળવાની, સહી લેવાની શારીરિક અને માનસિક સુસજ્જતા માણસે કેળવવી જ જોઈએ.

ટૂંકમાં કર્મના સિદ્ધાંતને અફર ભાગ્ય કે અફર નિયતિરૃપે જોવાની જરૃર નથી. માણસ પોતાની સ્વતંત્ર ઇચ્છાશક્તિ અને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને ુપુરુષાર્થ વડે ભાગ્ય તથા સંજોગોને બદલી શકે છે. ભલે પૂર્વજન્મનાં કર્મોનાં ફળ ભોગવવાં પડે, પણ માણસ સાથે-સાથે આ જન્મમાં પુરુષાર્થ વડે, પોતાની સુસજ્જતા વધારીને પોતાના જીવનની દિશા બદલી શકે છે ને ખરાબ ફળને ઓછું કરી શકે છે.

સુખેથી જીવવા વિસ્મૃતિનું વરદાન કામે લગાડવું...



આજે આપણે બધા લોકોને તેમની તબિયત વિશે જાતજાતની ફરિયાદો કરતાં સાંભળીએ છીએ. એક મિત્રે હસતાં હસતાં એવી ટકોર કરી કે આજકાલ હું તો કોઈને 'કેમ છો? મજામાં છો ને?' એવા ખબર શિષ્ટાચાર ખાતર પણ પૂછતાં ખચકાટ અનુભવું છું. કેમ કે 'કેમ છો?' એવો પ્રશ્ન કર્યો નથી અને તબિયતની નાની-મોટી તકલીફોનાં લાંબાં બયાનનાં હેલ્થ બુલેટિન બહાર પડ્યાં નથી! ગેરસમજ ન કરશો- મિત્ર કે સંબંધીની તબિયતમાં રસ જ નથી તેવી વાત નથી- તેના પ્રત્યે સહાનુભૂતિ નથી એવું નથી, પણ તબિયત અંગે આ પ્રકારનો માનસિક વળગાડ મને ગમતો નથી

આપણે જાણે કે ભૂલી ગયા છીએ કે, માનવનું શરીર 'જીવંત' છે અને શરીરની અંદર રોગની સામે લડનારાં સલામતી દળો પણ છે, પણ આપણે તો શરીરને એક 'જીવંત શક્તિ' માનવાને બદલે માત્ર એક નિર્જીવ યંત્ર માનીએ છીએ અને તેને એવું વાહન ગણીએ છીએ કે આપણે તેલ-પાણી તેમાં બરાબર પૂરીને બધા ભાગોની મરામત કરીને જ તેને 'ચાલુ' હાલતમાં રાખી શકીએ. નહીંતર તો જાણે ગેરેજમાં જ 'નોન-યુઝ'માં પડ્યું રહે! આપણો શ્વાસ જાગતાં-ઊંઘતાં ચાલ્યા જ કરે છે, કાન સાંભળે છે, આંખ જુએ છે, મગજ વિચાર કરે છે, લોહીનું પરિભ્રમણ ચાલે છે. શરીરનાં બધાં જ અંગો તેનું કામ કર્યાં જ કરે છે તે આપણી આજ્ઞાની રાહ જોતા નથી! કોઈ માણસ શ્વાસ લેવાનું ભૂલી ગયો એથી મૃત્યુ પામ્યો હોય એવું બન્યું નથી. માણસો બેભાન અવસ્થામાં દિવસોના દિવસો સુધી જીવતા રહ્યા હોય એવું બન્યું છે. આફ્રિકામાં ગરીબ લોકો વચ્ચે વર્ષો સુધી તબીબી સેવાઓ આપનારા ડો. આલ્બર્ટ સ્વાઇઝર જેવાએ કહ્યું છે કે, 'હું નિદાન કરું છું, દવા આપું છું, પણ દર્દીને સાજા કરે છે તેનામાં બેઠેલો ઈશ્વર!' તમારામાં બેઠેલી આ શક્તિ આત્મબળ-મનોબળરૃપે તમને પૂછ્યા કે જાણ્યા વગર અનેકાનેક કાર્યો બજાવે છે. તબીબી વિજ્ઞાને આશ્ચર્યજનક રીતે પ્રગતિ કરી છે અને એક સમયે જે રોગો અસાધ્ય હતા તેની અત્યંત અસરકારક દવાઓ આજે આપણને મળી શકે છે. આ કંઈ નાનોસૂનો આશીર્વાદ નથી, દવા જ ન કરવી, સારવાર ન લેવી, તબિયતની કાળજી ન લેવી એવું કહેવાનો કોઈ આશય નથી.

અહીં મુદ્દો એક જ છે કે જરૃર પડે તો, દવા લો, ઉપચાર કરો, પણ મનની સોયમાં તબિયતનો દોરો જ સતત પરોવેલો ન રાખો- એવી રીતે ન પરોવી રાખો કે રોજેરોજની જિંદગીનું કંઈ ભરતગૂંથણ તમે કરી જ ન શકો! ઉપચાર કરો, પણ તબિયતની ચિંતા છોડો! છેવટે ઉત્તમમાં ઉત્તમ ઔષધિ માત્ર દારૃગોળો છે, લડવાનું તો તમારે જ છે! રોગના ગમે તેવા મોટા શત્રુને હરાવવાનું કામ તમારે જ કરવાનું છે. શત્રુને મા'ત કરવાના કાર્યમાં શસ્ત્રસરંજામ, દારૃગોળો કે આવશ્યક સાધનો-હથિયારો બની શકે- લડવાની શક્તિ અને હિંમત તો તમારે જ બતાવવાં પડશે. આપણે જાણીએ જ છીએ કે, શ્રેષ્ઠ શસ્ત્રો અને બેસુમાર દારૃગોળો છતાં ડરપોક સૈન્ય હારી જાય છે અને ઓછાં શસ્ત્રો અને ઓછો દારૃગોળો છતાં બહાદુર સૈનિક જંગ જીતી જાય છે.

આપણે જાણીએ જ છીએ કે, નબળી તબિયત સાથે ઘણા લોકો લાંબું જીવ્યા અને સુખેથી જીવ્યા અને ઘણું કાર્ય કરી ગયા છે. બીજી બાજુ સંપૂર્ણ નીરોગી એવા કેટલાય લોકો ખાસ કશું જ કર્યા વગર માત્ર 'હાજરી' પુરાવતાં રહ્યા છે. આયુષ્યને તબિયતની સાથે થોડો સંબંધ છે- ખરેખર ઝાઝો સંબંધ નથી! એક માણસ હૃદયરોગના પાંચ હુમલા છતાં ટકી રહે અને બીજો માણસ પહેલા જ હુમલામાં ખપી જાય! આનો ભેદ આપણે જાણતા નથી.

ફિલસૂફ સ્પીનોઝાની તબિયત તદ્દન ખરાબ હતી. તેણે પોતાની તબિયતનો વિચાર કર્યો હોત તો તે કશું જ કરી શક્યો ન હોત. કદાચ જીવી પણ શક્યો ન હોત. આવા ધર્માત્માઓને અગર તત્ત્વચિંતકોને બાજુએ મૂકીને તમે મહાન યોદ્ધાઓ-સેનાપતિઓની જિંદગી વિશે પણ જાણકારી મેળવશો તો તમને નવાઈ લાગશે કે આમાં ઘણાખરાને તો તબિયતના ગંભીર પ્રશ્નો હતા! અમેરિકાના સરસેનાપતિ અને પ્રમુખ આઇઝનહોવરના ચરિત્રમાં યુરોપની યુદ્ધભૂમિ પર હિટલરની સામે તેણે મેળવેલ વિજયની વાત તો ઠીક છે, વધુ નોંધપાત્ર વિજય તો એણે પોતાની પર હૃદયરોગના થયેલા પ્રચંડ હુમલા વખતે રોગ સામે જે બહાદુરી બતાવી તેમાં સમાયેલો છે.

કરેલા ઉપકારનો બદલાનો ચોપડો બનાવવાની જરૂર નથી....



લગભગ વીસ વર્ષ પરદેશમાં રહીને પાછા ફરેલા એક ગૃહસ્થનો ચહેરો એકદમ બુઝાયેલો જોઈને પ્રશ્ન કર્યોઃ 'દેશમાં આવીને કંઈ માઠા સમાચાર સાંભળ્યા કે શું?'

ગૃહસ્થે કહ્યુંઃ 'માઠા સમાચાર જેવું તો કંઈ નથી, પણ હું આટલાં વર્ષો પછી દેશમાં જૂના સંબંધોને તાજા કરવા આવ્યો હતો. સગાંસંબંધીઓને મળ્યો અને એમને મળ્યા પછી થયું કે, હું અહીં પાછો આવ્યો જ ન હોત તો કેટલું સારું હતું. હું એક ભ્રમમાં જીવતો હતો અને એમાં સુખ હતું. અહીં આવ્યો અને કેટલાક ભ્રમ ભાંગી ગયા! મને સમજાતું નથી કે, માણસો આટલા બેકદર કેમ હોય છે! મારી સગી બહેન મંુબઈમાં રહે છે. એને ઘેર તે અલબત્ત સુખી છે. એકવીસ વર્ષ પહેલાં હું અહીં હતો ત્યારે તેના લગ્નનો બધો ખર્ચ મેં ઉઠાવ્યો હતો. એ ખર્ચને પહોંચી વળવા મેં મારું મકાન વેચી દીધું હતું. આટલાં વર્ષો પછી તાજેતરમાં હું જ્યારે એને મળ્યો ત્યારે જૂની વાતો નીકળી. બહેને વાતવાતમાં કહ્યું કે, 'મારે સગાં ભાઈઓ સાથે લેણું જ નથી! હું પાચં ભાઈઓની બહેન, પણ મારા એક પણ ભાઈએ મારા માટે કંઈ કર્યું હોય એવું મને યાદ આવતું નથી!' તેની વાત સાંભળીને મને માથા પર વીજળી પડી. મારે કહેવું તો નહોતું પણ કહ્યા વગર રહેવાયું નહીં કે બહેન, બીજા ભાઈઓની વાત તો હું જાણતો નથી, પણ તારા લગ્નનો બધો જ ખર્ચ મેં ઉઠાવ્યો હતો તે શું તું સાવ ભૂલી ગઈ?

જવાબમાં બહેને કહ્યું કે, 'બાપુજી હયાત હતા, કાકા હતા, મને ખબર નથી. મારા લગ્નનો ખર્ચ કોણે કર્યો હતો! એવી કંઈ ધામધૂમ કોઈ મોટો કરિયાવર કર્યો હોય એવું પણ યાદ નથી!' બહેનના આ શબ્દો મને છાતીમાં વાગ્યા. મેં મારી ફરજ બજાવી તે કબૂલ, પણ કૃતજ્ઞતા જેવું કંઈ છે જ નહીં? 
'મારો એક ભત્રીજો બેંગલોરમાં રહે છે. મારા ભાઈએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. તેને મેં ત્યારે હૂંફ આપી હતી અને બેંગલોરમાં નવું જીવન શરૃ કરવા બનતી મદદ પણ કરી હતી, પણ તેના વર્તન ઉપરથી એવી છાપ પડી કે તેને પણ કશું યાદ નથી! એણે તો કહ્યું કે, મારા પિતાએ જ્યારે મને ઘરમાંથી પહેરેલે કપડે કાઢી મૂક્યો ત્યારે કોઈ મારી મદદે આવ્યું નહોતું. એ તો વળી મારા નસીબ સારા તે મારું ભાગ્ય યારી આપી ગયું અને આજે હું સુખી છું. 'મને થાય છે કે લોકો આટલી સહેલાઈથી નાના કે મોટા અહેસાનનો બોજ કેમ ફેંકી દેતા હશે? મેં કરેલા અહેસાનના બદલામાં ઋણ-સ્વીકારના બે મીઠા શબ્દોની આશા રાખું તો તેમાં કંઈ ખોટું છે?' 

એક માણસ બીજા માણસ પર ઉપકાર કરે છે તે તેની પોતાની માણસાઈની શોભા છે. કોઈનું પણ કંઈક ભલું પોતાના હાથે થતું હોય તો તે કરીને પોતાને તેનાથી મળતા આનંદ કે સંતોષની લાગણીને જ પૂરતી ગણીને આખી વાત હિસાબપોથીમાંથી કાઢી નાખવામાં જ મજા છે. આપણે કોઈની ઉપર ઉપકાર કર્યો હોય તો તેનો ચોપડો બનાવવાની જરૃર નથી. આવો હિસાબ લખનારાઓને હંમેશાં કડવો અનુભવ થવાનું જોખમ રહે છે. જ્યારે ઉપકારનું પાનું તમે સાચી વ્યક્તિને બતાવવા જશો ત્યારે તે કદાચ નામક્કર જશે. પોતાની ઉપર કરવામાં આવેલા અહેસાનનો સ્વીકાર માણસ પોતાના મોંએ કરી શકતો નથી- સારો રસ્તો એક જ છે- કોઈએ તમારી ઉપર અહેસાન કર્યું હોય તો તેની નોંધ તમારી માનસિક નોંધપોથીમાં રાખો, પણ તમે કોઈની ઉપર ઉપકાર કર્યો હોય તો તેની કોઈ જ નોંધ રાખવા કે સાચવવામાં મજા નથી, જેમની ઉપર ઉપકાર કરવામાં આવ્યો હોય છે તે માણસોને હકીકતનું સંપૂર્ણ વિસ્મરણ થઈ ગયું હોય છે એવું નથી હોતું, પણ તેમનું અભિમાન તેમને ઋણ-સ્વીકાર કરતા રોકે છે. પછી તે પોતાની સ્મૃતિમાંથી તમારા ઉપકારની બીના છેકી નાખવાનો સભાન કે અભાન પ્રયાસ કરે છે. અલબત્ત, બધા માણસોની બાબતોમાં આ સાચું નથી. ઘણા બધા માણસો પોતાની ઉપર કરવામાં આવેલા નાનામાં નાના ઉપકારને ભૂલી જવાની ના પાડે છે. પોતાની ઉપર કરવામાં આવેલા એ ઉપકારનો વધુ મોટો બદલો આપવાની તક સતત શોધતા રહે છે.

પ્રકૃતિ સાથે આપણા સૌની અનોખી સગાઈ જોડાઈ છે



આપણે મોટા ભાગે તો સૂરજ આપણા ઘરમાં ક્યાંય ડોકાઇ જ ન શકે તેવી જડબેસલાક વ્યવસ્થા કરી છે. મોટા ભાગનાં ઘરો છુપાઇ જવાનાં આશ્રયસ્થાન જેવાં બનતાં જાય છે, બધી જ બારીઓ પર પડદા, જવલ્લે જ બારી ખૂલે-સૂર્યનું તો ઠીક, ઘરમાં રહેતો કોઇ માણસ પણ માથું બહાર કાઢી જ ન શકે. ઘરમાં એક પ્રકારનો 'અંધકાર' ઊભો કરવામાં જાણે આપણને અભયની એક લાગણી થાય છે! કોઇને બારી ખોલવાનું કહો તો એ કહેશે કે તમે જાણતા નથી, પણ સૂરજનો તડકો એકલો થોડો આવે છે? એની પાછળ કેટકેટલા જીવજંતુ દાખલ થઇ જાય, પણ બારીઓ બંધ હોય તો પણ ઘરમાં જ ક્યાંક ને ક્યાંક નાનાં જીવજંતુઓ તો હાજર હોય જ છે. મચ્છર જેવાં રોગ ફેલાવનારાં જંતુઓ સામે સાવધાની બરાબર છે, પણ છેવટે આ બધાથી સંપૂર્ણપણે સુરક્ષિત અલિપ્ત થવાનું તો શક્ય જ નથી. પરદેશથી થોડા દિવસો માટે પાછાં ફરેલાં આપણાં સગાંસંબંધીઓ અને મિત્રો તેમની સાથે શુદ્ધ પાણી લઇને ઘૂમતાં હોય છે. અહીનું પાણી તેમને પીવાલાયક લાગતું નથી. એ વાત ચોક્કસ સાચી છે કે દૂષિત જળ વાટે રોગો માણસના શરીરમાં દાખલ થાય છે, ફેલાતા પણ હોય છે, પણ શુદ્ધ જળનો આપણો આગ્રહ છેવટે જળના શુદ્ધ સ્ત્રોતો સુધી પહોંચવો જોઇએ અને આ બાબતમાં તો આખી દુનિયામાં ઓછેવત્તે અંશે જે સમસ્યા ઊભી થઇ છે તે ઔદ્યોગિકીકરણની છે અને તેને એક શિક્ષા તરીકે સ્વીકારી લેવી પડી છે, પણ આ તો અલગ મુદ્દો છે. મૂળ મુદ્દો એ છે કે માણસ કાચના બંધ કૂંપામાં જ નીરોગી રહી શકે-જીવી શકી એ જાતની વૃત્તિ કેળવવાનું વલણ ખોટું છે.

પ્રકૃતિ સાથેની આપણી સગાઇ ફરી ઓળખવાની-સમજવાની ઘડી આવી પહોંચી છે. સૂર્ય, ચંદ્ર, તારા, ધરતી, વૃક્ષો-આ બધાંને ફરી આપણે આપણા જીવનમાં યથાસ્થાને ગોઠવવાની જરૃર છે. જીવનને માત્ર પોષણ જ નહીં, બળ આપવાની તેની શક્તિ વિશે હવે ખુદ વિજ્ઞાનીઓને પણ શંકા રહી નથી. મહાન રશિયન નવલકથાકાર ફાઇડોર દોસ્તોવસ્કીએ કહ્યું છેઃ 'હું રાતે આકાશમાં તારાઓને જોઉં છું ત્યારે જિંદગી એટલી સુંદર લાગે છે! આકાશ કેટલું સુંદર-કેટલું અદ્ભુત છે! પણ ધરતી પર હું જોઉં છું અને લાગે છે કે કેટલું કદરૃપું, કેટલું ગંદું આપણું જીવન છે. કેટલી ક્ષૂદ્રતા, કેટલી હીનતા, ચારે તરફ ગંદકી
અને માણસ-માણસ વચ્ચે વેરઝેર!' રશિયાના ટૂંકી વાર્તાના એવા જ એક મહાન લેખક એન્ટન ચેખોવની એક વાર્તા છે--લાઇટ્સ--આમાં પણ અનંત કાળના આકાશના અદ્ભુત સૌંદર્ય નીચે, પ્રકૃતિની શાંત સંગીતસભર શોભા વચ્ચે માણસની ઇચ્છાઓ, આકાંક્ષાઓ અને પુરુષાર્થનું કીડિયારું કેટલું અલ્પ અને અર્થહીન લાગે છે એનું હૃદયસ્પર્શી દર્શન જોવા મળે છે.

આપણા ઘરની આંતરિક સજાવટ અને આપણા જીવનની બાહ્ય સજાવટમાં ભૌતિક સુખસગવડોનો આપણો ખ્યાલ મુખ્ય રહ્યો છે, પણ આપણી પોતાની અંદર જે લીલીછમ વાડીનો અહેસાસ આપણને થવો જોઇએ તે થતો નથી, કેમ કે એને પાણી અને પોષણ આપનારાં તત્ત્વોની ઉપેક્ષા જ થતી રહી છે. પ્રકૃતિ જ માતા છે અને પોષણ તેની પાસેથી જ મેળવવાનું છે. આપણે તો પ્રકૃતિની નજીક જઇ શકતા નથી, સમય નથી, વિશેષ તો ઇચ્છા નથી. પંખીઓ, વૃક્ષો, ફૂલો બધું જ અદૃશ્ય થઇ ગયું છે. પશુઓ હવે ઘર, ખેતર કે સીમની કોઇ શોભા રહ્યાં નથી. કેટલાંક પ્રાણીઓ મહાનગરના રસ્તા ઉપરની અડચણો તરીકે, નધણિયાતાં કાં તો બેઠાં હોય છે કે ઘૂમી રહ્યાં હોય છે. બીજાં કેટલાંક માત્ર માલસામાનનાં વાહનોનો ભાગ બની ગયા છે. આ આખો સવાલ તો બહુ વ્યાપક અને અટપટો છે, પણ માણસોએ પોતપોતાની રીતે પ્રકૃતિ સાથેની સગાઇ ફરી જીવતી કરવાનો વિચાર કરવો પડશે અને આજે જ્યારે આપણે બધા જ જીવનસંઘર્ષ અને મહત્ત્વાકાંક્ષાના કલેશમાં અટવાઇ ગયા છીએ ત્યારે આપણે માત્ર કોઇ યાંત્રિક ચરખો નથી, માત્ર બળતણ જ આપણું જીવન નથી, માત્ર ઉત્પાદકતા કે ધનલાભ એ જ આપણું શ્રેય નથી એટલું સમજવાની વિચારવાની જરૃર છે. આપણે માણસ છીએ, અવિનાશી આત્માના વાહક છીએ, માત્ર ધાનનાં જીવડાં નથી તે હકીકતનું સત્ય વૈજ્ઞાનિક રીતે પણ પામી શકાય તેવું છે. તે દિશામાં હવે વિજ્ઞાનના ઉપાસકો પણ વિચારતા થઇ ગયા છે. એક સમય એવો હતો જ્યારે દાકતરો માનતા કે જેમ પિત્તાશય (લીવર) પિત્ત બનાવે છે તેમ મગજ વિચારો પેદા કરે છે

આજે હવે તબીબી સહિતનાં બધાં જ વિજ્ઞાનોના અગ્રેસરો વિચારમાં પડ્યા છે કે જો વિચારો દૂર દૂર પહોંચી શકતા હોય તો તે માત્ર સ્થૂળ સ્ત્રાવ શી રીતે હોઇ શકે? જીવનને માત્ર પોષણ જ નહીં, પ્રાણની પણ જરૃર છે અને તે બંને માટે પ્રકૃતિ અને પરમાત્માની નજીક જવા સિવાય બીજો વિકલ્પ નથી.
- લેખકના પુસ્તકમાંથી