Thursday 1 January 2015

'લાગણી'ની ન્યાયી-અન્યાયી વહેંચણી!


પ્રેમ બાંધે છે અને કોઈપણ બે વ્યક્તિઓની વચ્ચેના પ્રેમના આ બંધનમાં એવી જગા રાખવી પડે છે કે ઉછરતી - વિકસતી જિંદગીનો વેગ અને વિસ્તાર રંુધાય નહીં. એક માતા પોતાના જ રૃધિરમાંસ અને પ્રાણમાંથી બનેલા એક બાળકને વર્ષો સુધી પોષણ અને પ્રેમ પૂરાં પાડે છે. વીસ-બાવીસ વર્ષના પ્રેમનું આ જબ્બર રોકાણ એક ક્ષણે સ્વેચ્છાપૂર્વક બીજી વ્યક્તિને સોંપી દેવું પડે છે. પિતા કન્યાદાન કરે છે તેમ માતા પુત્રદાન પણ કરે છે. ઉપલક નજરે આ એક રુઢિ કે સંસારનો નિયમ લાગે છે પણ વાસ્તવમાં આ પ્રેમનો જ નિયમ છે. આપણી લોકભાષા પોતાની વિશિષ્ટ અભિવ્યક્તિરૃપે અધિકારની આ સોંપણીનો મર્મ બહુ સરળ શબ્દોમાં સમજાવી દે છે. "લોચાપોચા માડીના, છેલછબીલા લાડીના!" રુધિરમાંસનું એક પરવશ પોટલું હતું ત્યાં સુધી એ માતાનું હતું. એ બાળકે વીસ વર્ષે એક છેલ-છબીલા જુવાનનું ગજું કર્યું ત્યારે માતાના પ્રભાવક્ષેત્રની સરહદ પૂરી થઈ. એક નવી નારી આ પુરુષના જીવન કેન્દ્રમાં સ્થાન પામીને લગભગ સર્વાધિકાર ભોગવતી થઈ ગઈ.

એક માતા ફરિયાદ કરે છે. "છોકરી એકદમ બદલાઈ ગઈ છે મને કંઈ જ કહેતી નથી. એની બહેનપણીઓ કહે ત્યારે આપણને ખબર પડે કે બહેન કઈ દિશામાં જવાનાં છે. એના પિતાને છોકરી ઉપર કેટલી લાગણી! પણ છોકરી હવે પોતાના બાપને પણ ઘણું બધું કહેતી જ નથી! હમણાં એક મિજબાની પછી છોકરી સગા બાપની મોટરમાં બેસવા તૈયાર ના થઈ અને એક છેલબટાઉ છોકરાના ભંગાર સ્કૂટરની પાછલી સીટ ઉપર બેસી ગઈ ત્યારે બાપને એટલું લાગી આવ્યું!"

 આવી જ ફરિયાદ પિતાની પણ હોય છે. સગાભાઈઓ એકબીજાની બાબતમાં આવી જ ફરિયાદ કરતાં હોય છે. શાળા કૉલેજના જૂના મિત્રો આગળ ઉપર એકબીજા વિષે આવી જ ફરિયાદ કરતા હોય છે. એમને માઠું લાગે છે. કેટલીકવાર તેમનું અભિમાન ઘવાય છે. તેમને સામી વ્યક્તિ અગમ્ય લાગે છે, વિચિત્ર લાગે છે દંભી કે ઘમંડી લાગે છે, સાવ સાદી વાત આટલી જ હોય છે કે દરેક વ્યક્તિને પોતાના જીવનના બદલાયેલા સંજોગોમાં પોતાના નાના-મોટા સંબંધોની તારગૂંથણી બદલવી પડી હોય છે. આ 'વાયરિંગ' નવેસરથી કરતાં ક્યાં જોડાણ કપાય છે. ક્યાંક જોડાણમાં વીજળી પ્રવાહ વધે છે. કોઈ પ્રગટ સ્વાર્થ કે ગણતરીપૂવક આવું કર્યું હોય છે, એવું પણ નથી હોતું. અંતરમાં લાગણી અગાઉના જેવી જ હોય અને છતાં વહેવારના જોડાણમાં એકદમ 'લૉ વોલ્ટેજ' દેખાય! કેટલાંક આવા સંજોગોમાં ગેરસમજ કરે છે, ગુસ્સે થાય છે, કડવી ટીકા કરે છે.

એક લાગણીપ્રધાન વ્યક્તિ ફરિયાદ કરે છે ઃ "સાહેબ, આ દુનિયા આવી જ છે. આપણે જ્યારે નિશાળમાં સાથે ભણતા હતા ત્યારે એકબીજાને ઘેર દિવસો સુધી પડ્યા-પાથર્યા રહેતા હતા પણ આજે એ મોટા સાહેબ થઈ ગયા! જ્યારે મળીએ ત્યારે જાણે ઓછા-ઓછા થઈ જતા હોય તેવો દેખાવ કરે! કંઈ કામ હોય તો કરી આપવાનું પણ કહે! ભલા માણસ, કામ કંઈ નથી! બેચાર કલાક ગપ્પાં મારવા છે. એટલું જ કામ છે! પણ એ તો કહે છે કે યાર, એટલો વખત નથી! અને એમ કરવાનું મન પણ નથી! અમે તો બધું જ સમજીએ છીએ! ભાઈ મોટા માણસ થઈ ગયા એટલે હવે અમારા જેવા નાના માણસ માટે ફરિયાદ ક્યાંથી હોય!"

હવે, પોતાને "નાના માણસ" તરીકે ઓળખાવનારી આ વ્યક્તિને જ બીજી કોઈ વ્યક્તિ ચાર-છ કલાક પોતાની સાથે ખેંચી જવાની વાત કરે, આગ્રહ, દબાણ કરે તો એ શું જવાબ આપે છે? ત્યારે આ નાનો માણસ પૂરી પ્રામાણિકતાથી કહેશે કે આવું રોકાણ આપણા રામને ફાવે જ નહીં! ના, ભાઈ - મારી જિંદગી મેં એવી રીતે ગોઠવી છે કે હવે એમાં બહુ આઘા-પાછા થવાય એવું જ નથી! આદત કહો કે જે કહો તે બાકી આપણે તો બપોરે અડધો કલાક ઊંઘવા જોઈએ! હમણાં મોટા મહાત્માને મળવાનું હતું! પણ સમય નક્કી થયો બપોરનો! આપણે તો કહી દીધું કે, મહાત્માને દૂરથી દંડવત પ્રણામ! બપોરના સમયે આપણાથી નહીં પહોંચાય!

આ નાનો માણસ પોતાની આ વાત ટેપરેકોર્ડ કરીને ફરી સાંભળે તો તેને તરત પેલો મોટો માણસ યાદ આવ્યા વગર ના રહે! એને તરત જ ભાન થાય કે એ જૂનો દોસ્ત પણ પોતાના જેવી - આવી જ વાત જુદા શબ્દોમાં કહી રહ્યો હતો!

પ્રેમના સંબંધમાં એક બીજી વાત એ છે કે એક વ્યક્તિ ઉપર પ્રેમના સમાન અધિકારનો દાવો કરનારી વ્યક્તિ કેટલીકવાર ભૂલી જાય છે કે દરેક આવા જોડાણમાં વૃક્ષ અને ધરતીના સંબંધનું ગણિત કામ કરતું હોય છે. એક ઝાડ ધરતીમાંથી પોતાનું પોષણ મેળવે છે અને એક નાનો છોડ પણ ધરતીમાંથી પોતાનું પોષણ મેળવે છે. કોઈકવાર છોડને એવું લાગે કે ધરતી ઝાડનો જ પક્ષપાત કરે છે. જુઓ ધરતી બધું જ હીર ઝાડમાં જ ભરી રહી હોય એવું નથી લાગતું? હું તો એક નાનકડો છોડ છું - મને બહુ થોડું જ આપવામાં આવે છે! હું ફરિયાદ કરું તો કદાચ જવાબ મળશે કે તું નાનકડો છોડ છે અને તારું ગજું આટલું જ કહેવાય! તને ઝાઝું પોષણ કઈ રીતે આપીએ, તારી ત્રેવડ તો જોઈએ ને?

એક પિતાના ત્રણ પુત્રોમાંથી એક ડૉક્ટર બને છે, એક વકીલ બને છે, એક કારકૂન બને છે. ક્યારેક કારકૂન કહે છે. "મારા બાપ પાસે પૈસા હતા પણ મોટાભાગના પૈસા ડોક્ટર ઉપર લગાવી દીધા! તેમની પાછળ ભણતરનો જે ખર્ચ કર્યો તેના પચીસ ટકા પૈસા રોકડા મને આપ્યા હોત તો હું કરિયાણાની દુકાન કરીને બેસી ગયો હોત અને ડોક્ટર અત્યારે જે કમાણીનો દાવો કરે છે તેનાથી બમણું કમાતો હોત!" કેટલાંક બાળકો વર્ષો પછી આગળ ઉપર માબાપની મમતાને યાદ કરતાં કહે છે ઃ "કેટલીકવાર એવું લાગે છે કે પિતા નાનાભાઈનું ખેંચ-ખેંચ કર્યા કરતા હતા અને માતા મોટાભાઈની તરફ પક્ષપાતથી વર્તતા હતા પણ આજે હવે બધું જ જુદી રીતે સમજાય છે. આજે હવે સમજાય છે કે તે દિવસે મેં જેમાં માબાપનો પક્ષપાત નિહાળેલો તેમાં ખરેખર પક્ષપાત કે પૂર્વગ્રહ જેવું કંઈ નહોતું. એક બાળકમાં વધુ હીર હોય, આગળ વધવાની તેની ત્રેવડ વધુ હોય તો માબાપ તેને જરા વધુ બળ પૂરું પાડવા લલચાય તે સહજ છે. આજે હું પિતા તરીકે આ વાત બરાબર સમજું છું. આ વાત હું માત્ર પુત્ર હતો ત્યારે નહોતો સમજી શક્યો. મેં જોયું કે, માબાપ પોતાના સંતાનોમાં, કોઈ ને કોઈ બાળકમાં કુટુંબને તારનારી મૂર્તિ નિહાળે છે. દાદા કે વડદાદાની કોઈક ફરીવાર જીવતી થઈ હોય એવું તેમને લાગે છે. આવા બાળકને વિશેષ પોષણ અને વિશેષ પ્રોત્સાહન મળે છે. આમાં એકને વધુ આપવું અને બીજાને ઓછું આપીને અન્યાય કરવો એવો કોઈ ખ્યાલ સુદ્ધાં હોતો નથી. માબાપ પોતાના સંતાનમાંથી કોઈકની વિશિષ્ટ ગુંજાશ પારખીને તેને વધુ ખાતર-પાણી પૂરાં પાડે છે અને એવી જ રીતે પોતાના સંતાનોમાંથી સૌથી નબળા બાળકની ખોડ-ખામીનો ખ્યાલ કરીને તેને કંઈક વધારે આપવાની કોશિશ કરે છે. સફળ દાક્તરને વધુ આપ્યું તેથી વહેમ પડ્યો કે માબાપે લાલચથી આપ્યું હશે. પક્ષપાત કરીને આપ્યું હશે પણ નિષ્ફળ બીમાર પુત્રને પણ અધિક આપ્યું ત્યારે તેમાં શું સ્વાર્થ, ગણતરી કે બદલો મેળવવાનો ખ્યાલ હોઈ શકે?"

પ્રેમના કોઈ પણ સંબંધમાં આ બે મુદ્દા મહત્ત્વના બની જાય છે. એક તો પ્રેમનું બંધન સ્વતંત્ર વ્યક્તિત્વ અને તેના વિકાસને રુંધે નહીં એ મુદ્દો લક્ષમાં રાખીને દરેક વ્યક્તિએ પોતાના પ્રીતિપાત્રોના જીવનમાં થોડી કોરી જગા વખતોવખત છોડવી પડે છે અને પ્રેમનો સંબંધ હાથકડીના સંબંધમાં સરી ના પડે તેની તકેદારી રાખવી પડે છે. ધીરે ધીરે અને વધુ ને વધુ દોર છોડવો જ પડે છે. એક તબક્કે તો દોરી કાપી પણ નાખવી પડે છે. જન્મ વખતે બાળક માતાથી સૌથી પહેલીવાર કેવી રીતે અલગ પડે છે? એક જોડાણ કાપવું પડે છે ત્યારે જે તેની અલગ હસ્તી શરૃ થાય છે તેની તમામ શક્યતા ત્યારે ખૂલ્લી થાય છે.

પુત્રવધૂ આવે એટલે માતાએ પુત્રની બાજુએથી હટી જવું પડે છે. પિતાએ પોતાની પુત્રી પાસે બીજા પુરુષની હાજરીને સલામ કરીને દૂર ખસી જવું પડે છે. લગભગ આવી જ રીતે જુદા જુદા પ્રેમસંબંધોમાં લોહી અને લાગણીના બધા સંબંધોમાં વર્તવું પડે છે.

બીજો મુદ્દો હતો પ્રેમના અધિકારની વહેંચણીનો. અહીં પણ ચાર ભાઈ  એક માતાપિતા કે એક બહેનની લાગણીના સરખા ઢગલા કરી નહીં શકે અને કોઈ એક માણસની દોસ્તીના ચાર સરખા ઢગલા તેના ચાર મિત્રો કરી નહીં શકે. આમાં ન્યાય-અન્યાય કે પક્ષપાત-પૂર્વગ્રહનો સવાલ જ નથી હોતો. માણસ માણસ વચ્ચે પાંગરતાં લાગણીના સંબંધોમાં પ્રેમના કેટલાંક નિયમો અફર રીતે કામ કરે છે અને તેને પિછાનવા પડે છે. ક્યાંકને ક્યાંક અપવાદ જડી આવે છે પણ તેથી મૂળ વાત ખોટી ઠરતી નથી.

(લેખકનાં પુસ્તકમાંથી)

ઓ ગરીબડા જીવ,તને ક્યાં રહેવું ગમશે?


‌એક પછી એક વિકલ્‍પ બતાવવામાં આવે છે, પણ જીવ કોઈ જવાબ દેતો નથી. કવિ આખરે પૂછે છેઃ ઉત્તર ધ્રુવ જવું છે? જિંદગીથી ખૂબ જ દૂર! ધ્રુવ પર જઈએ
ફ્રાન્‍સનાે મહાન કવિ ચાર્લ્સ બોદલેર ઇ.સ.૧૮ર૧માં નવમી એપ્રિલના રોજ જન્‍મ્‍યો હતો અને ઇ.સ. ૧૮૬૭માં ૩૧ ઓગસ્‍ટે ૪૯ વર્ષની ઉંમરે મૃત્‍યુ પામ્‍યો.
અમેરિકાના કવિ-વાર્તાકાર એડગર એલનની સાચી કદર અમેરિકાએ પણ કરી નહોતી ત્‍યારે બોદલેરે અેડગર એલનની વાર્તાઓને ફ્રેન્‍ચ ભાષામાં ઉતારી અને તેને આંતરરાષ્‍ટ્રીય માન અપાવ્‍યું. એક મૌલિક પ્રતિભા ધરાવતા કવિ તરીકે બોદલેરે કીર્તિ સંપાદન કરી પણ તેના સમકાલીનોએ તેને પૂરતો ન્‍યાય ન કર્યો.
બોદલેર ફ્રેન્‍ચ એકેડેમીનો સભ્‍ય બનવા માગતો હતો, પણ ફ્રેન્‍ચ એકેડેમીએ તો ઓન ધ બાલ્‍ઝાકને પણ સભ્‍યપદ આપ્યું નહોતુું. તમારા માથે ખૂબ દેવું છે અને એથી અકાદમીનો મોભો તૂટી જાય એવી દલીલ અકાદમીએ કરી હતી. એ જ દલીલ સમર્થ નાટયકાર મોલિયર માટે પણ કરી હતી અને તેથી મોલિયર પણ ફ્રેન્‍ચ અકાદમીમાં પ્રવેશી ન શકયો. એ જ દલીલ બોદલેર અંગે પણ કરવામાં આવી અને બોદલેરે ઉમેદવારી પાછી ખેૅૅચી લીધી. બોદલેરના જીવનનો વિચાર કરીએ ત્‍યારે તેમાંથી હકીકત આપણી સામે આવીને ઊભી રહે છે તે એ છે કે બોદલેર જેવો સંવેદનશીલ કવિ હોય કે એક સંવેદનશીલ સામાન્‍ય જુવાન હોય તેને જે નિરર્થકતાની લાગણી જન્‍મે છે તેના મૂળમાં બે બાબત હોય છે. તેની સ્‍નેહની ભૂખ વણસંતોષાયેલી રહે છે અને બીજું કે તેના સંજોગોની ભીંસને લીધે તેને સતત એવી લાગણી પીડયા કરે છે કે તે કોઇને ઉપયોગી થઇ શકતો નથી, પછી તેના જીવતા રહેવાનો અર્થ શું? આજે પણ આપણે અનેક સંવેદનશીલ જુવાનોને પૂરી જિંદગી જીવ્‍યા વિના જ મોત દ્વારા મુકિત ઝંખતા જોઇએ છીએ.
બોદલેરે પોતાનો વારસો વેડફી નાખ્‍યો, તે પેરિસની બદનામ ગલીઓમાં જ રખડતો રહ્યો, તેમાં પણ સ્‍પષ્‍ટ દેખાતું કે એની માતાનું ધ્યાન કોઇ પણ રીતે પોતાના તરફ આકર્ષિત કરવા માગતો હતો. તે પ્રેમનો ભૂખ્‍યો હતો અને કદરનો  પણ ભૂખ્‍યો હતો.
બોદલેર પ્રથમ પંકિતનો કવિ જ નહીં, પ્રથમ પંકિતનો વિવેચક પણ હતો. વિવેચક તરીકેની એની શકિતની કદર પણ તેના સમકાલીનોએ ના કરી. તેના મૃત્‍યુ પછી તેની સાચી કદર થઇ. કવિ તરીકે અને વિવેચક તરીકે પણ! બોદલેરને વિકટર હ્યુગોની એક વાત ગમી હતી. વિકટર હ્યુગોએ કહ્યું છે કે એક સાચા કલાકારની અંદર સર્જક અને વિવેચક બંને એક જ ઊંચાઇના હોય છે!
બોદલેરે સાબિત કરી કે વાત સાચી છે. એક પ્રતિભાશાળી સર્જક જિંદગીના હિમાલયને અને ઊંડામાં ઊંડી ખીણ બંનેને ત્‍યાગી ચૂકયો હોય છે. આથી એક સમર્થ સર્જક એવો જ સમર્થ વિવેચક બની શકે છે.
બોદલેરનાં પદ્યકાવ્‍યો જાણીતાં છે પણ એણે પદ્યકાવ્‍યો ઉપરાંત ગદ્યકાવ્‍યો પણ લખ્‍યાં છે અને તેનો સંગ્રહ તેના મૃત્‍યુ પછી બહાર પડયો હતો. બોદલેરનાં ગદ્યકાવ્‍યોમાં પણ તેથી સર્જકતાનું એક ઉન્‍નત શિખર જોઇ શકાય છે. એક ગદ્યકાવ્‍યમાં બોદલેર કહે છે કે ‘ઓ મારા જીવ! મારા ગરીબડા જીવ, તને કયાં રહેવું ગમશે?’
એક પછી એક વિકલ્‍પ બતાવવામાં આવે છે, પણ જીવ કોઇ જવાબ દેતો નથી. કવિ આખરે પૂછે છે કે, ‘ઉત્તર ધ્રુવ જવું છે? જિંદગીથી ખૂબ જ દૂર! ધ્રુવ પર જઇએ. ત્‍યાં સૂર્યનાં કિરણો ત્રાંસાં પડે છે અને ત્‍યાં અજવાળું અને અંધારું ધીમી સંતાકૂકડી રમે છે-કશું જ વૈવિધ્ય નહીં, માત્ર એકવિધતા! શૂન્‍યતાનો બીજો ચહેરો!'
છેવટે જીવ જવાબ આપે છે ગમે ત્‍યાં જઇએ આ દુનિયાની બહાર ગમે ત્‍યાં.
માણસ જિંદગીની એક લાંબી સફરના અંતે પણ આ દુનિયાની બહાર કયાંય ‘શાંતિ’ ઇચ્‍છે છે. આ સંસારમાં ગળાડૂબ દુઃખમાં જીવેલા માણસો કે અનહદ સુખમાં જીવેલા માણસો પણ કોઇ ને કોઇ ક્ષણે આ જગતની બહાર કયાંક શાશ્વત શાંતિ માગે છે.
બોદલેર ‌ઇશ્વરમાં માનતો હતો. ધાર્મિક વિધિઓમાં માનતો નહોતો. બોદલેરને એક મિત્રે પૂછયું હતુંઃ ‘ઇશ્વર છે?’ બોદલેરે ‘હા’ કહી. મિત્રે પૂછયુંઃ ‘તમે ઇશ્વરમાં કેમ માનો છો? ઇશ્વર કયાં છે?’
સંધ્યાનો સમય હતો. સંધ્યાની સુવર્ણજ્વાળાથી આખું આકાશ જાણે રંગાઇ ગયુું હતું. બોદલેરે મિત્રને આકાશ બતાવ્‍યું-બસ, એમાં જ એનો આખો જવાબ આવી જતો હતો.
- લેખકના પુસ્‍તકમાંથી