Monday 20 July 2015

તમારી સામેના આક્ષેપ જુઠ્ઠા હોય તો બેચેન બનવાની જરૂર નથી


એક સુખી ગૃહસ્થને એક વાર ખબર પડી કે, તેમના સંબંધી તેમને સમાજમાં હલકા પાડવાની વ્યવસ્થિત પ્રવૃત્તિ કરતાં રહે છે. થોડાક દિવસ તો એ ગૃહસ્થ એક પ્રકારની માનસિક ઉત્તેજનામાં રહ્યા અને પોતાને સમાજમાં હલકા પાડવાની પ્રવૃત્તિ કરનારી વ્યક્તિની હિલચાલ ઉપર સતત નજર રાખતા રહ્યા. તેમની આવી પ્રવૃત્તિના પુરાવાઓ પણ શોધતા રહ્યા. પછી એક દિવસ તેમણે આ બાબતને મન ઉપરથી દૂર કરી નાખી. તેમના એક મિત્રએ પૂછ્યુંઃ ‘તમે કેમ એકદમ પાછા હટી ગયા? તમને બદનામ કરવાની પ્રવૃત્તિ કરી રહેલા તમારા સંબંધીનો બરાબર સામનો કરવાનો ખ્યાલ તમે કેમ છોડી દીધો? 

બે માણસો વચ્ચે લડાઈ થાય અને કડવાશ વધે તે જોવામાં મને રસ છે તેમ તમે માનશો નહીં, પણ આ જાતની પ્રવૃત્તિ અંગે મારી માન્યતા એવી છે કે, આવા માણસો પ્રત્યે આંખ આડા કાન કરવાથી સરવાળે એવું બને છે કે, આવા માણસો ફાવી જાય છે. તેમની આ પ્રવૃત્તિ વધુ ફાલેફૂલે છે અને આવા માણસો બેધડક અને કશા વળતા પ્રતિકારની ભડક વગર આગળ વધતા રહે છે, ત્યારે સારા માણસને જ સમાજમાં નુકસાન થાય છે. શરૂઆતમાં તમે આ પ્રવૃત્તિને ગંભીર ગણી હતી, પણ પછી તમે એ પ્રવૃત્તિ પ્રત્યે બેધ્યાન બની ગયા. આ તમે ઠીક ન કર્યું, તમે આવું કેમ કર્યું? શું તમે તેનાથી ડરી ગયા?’ થોડીક વાર ચૂપ રહીને ગૃહસ્થે જવાબ આપ્યોઃ ‘તમારા દૃષ્ટિબિંદુની હું કદર કરું છું. 

ખરેખર અગાઉ મારું દૃષ્ટિબિંદુ પણ તમારા જેવું જ હતું, પણ થોડાક અનુભવે અને વધુ તો આ બાબતનો પૂરેપૂરો વિચાર કરતાં મને આવું લાગ્યું છે કે, આવી બાબતોમાં પુરાવાઓ ભેગા કરવા કરતાં આરોપીને શંકાનો લાભ આપીને છોડી મૂકવાનું વધુ ડહાપણભર્યું હોય છે. એક માણસની બદનામી કરવાની પ્રવૃત્તિ બીજો માણસ કરે ત્યારે એ બીજા માણસની પ્રવૃત્તિ ચોક્કસ નિંદાપાત્ર છે, પણ બદનામી કરનારને બદનામ કરવાની પ્રવૃત્તિ પોતાને નિર્દોષ માનનારો માણસ પણ હાથ ધરે ત્યારે તેની એ પ્રવૃત્તિ પણ અનિચ્છનીય બની રહે છે. તમારી સામેના આક્ષેપોમાં તમને કંઈ પણ તથ્ય લાગતું હોય તો તમારા માટે વધુ સારો રસ્તો તમારી એ ત્રુટિઓને દૂર કરવાની કોશિશ કરવાનો છે. કેટલીક વાર આપણે આપણી કેટલીક ત્રુટિઓ જાણતા હોઈએ અને છતાં તે દૂર કરવાની સ્થિતિમાં ન હોઈએ એવું પણ બને છે. આવા સંજોગોમાં આપણી ત્રુટિઓ અને આપણી મર્યાદા સમજવાની અને સ્વીકારવાની જરૂર હોય છે. એક અગર બીજા પ્રકારની નિંદા કરનારાઓ પ્રત્યે આપણે અસહિષ્ણુ બનીએ છીએ અને ઉશ્કેરાઈ જઈએ છીએ તેનું કારણ એ જ હોય છે કે, આપણી ખામીઓ અને મર્યાદાઓ સ્વીકારી શકતા નથી. આપણને તેની જાણ હોય છે અને બીજાને તેની જાણ ન થાય તેવા હેતુથી આપણે તેને ઢાંકવા મથીએ છીએ.

રખે કોઈ માને કે આવા આક્ષેપો જાહેર જીવનમાં પડેલાઓની સામે જ થાય છે. રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ સહિત અનેક ધર્માત્મા-મહાત્માઓ વિશે આવા આક્ષેપો થયા છે. મોટા ભાગે આવા ધર્માત્માઓ સામે એવો આક્ષેપ બહુ જ પ્રચલિત છે કે, તેમનું મગજ ચસકેલું હતું! તેઓ મનોરોગી હતા!

સામાન્ય માણસ તો બિચારો બાંધી મુઠ્ઠી લાખની ગણીને બેઠો હોય છે. આજીવિકા કમાવા માટે પરસેવો પાડતો હોય છે, આબરૂભેર પોતાનો વહેવાર ચલાવવા સતત તાણીતાણીને છેડા બાંધતો હોય છે. આવા માણસની સામે જીભનું ઝેર ફેલાવવામાં આવે ત્યારે તેની દશા શું થાય? તેણે પોતાના મનની શાંતિ શી રીતે ટકાવી રાખવી? તેણે પોતાનું મોં બીજાઓને બતાવવાની હિંમત શામાંથી ઊભી કરવી?

છેવટે અમુક માણસ શું માને છે, અગર શું કહે છે તે તમારા માટે એટલું મહત્ત્વનું નથી. સૌથી વધુ મહત્ત્વનું તો એ છે કે, તમે તમારા વિશે શું માનો છો? તમારી સામેના આક્ષેપો તમે તદ્દન જૂઠા માનતા હો તો તમારે એટલા બેચેન બનવાની જરૂર નથી. 

( ભૂપત વડોદરિયાના પુસ્તકમાંથી પસંદ કરેલા લેખસંગ્રહ )

Monday 13 July 2015

બીજાનાં દુઃખ અને આપણાં સુખ જોતાં શીખવું જરૂરી છે


વર્ષોના સંઘર્ષ પછી પૈસેટકે સુખી થયેલા એક મિત્રએ કહ્યુંઃ ‘હું તમને ખૂબ સુખી લાગતો હોઈશ, પણ મને એવું લાગે છે કે મારા જેવું કોઈ દુઃખી નહીં હોય. તેજસ્વી બાળકો કિશોરાવસ્થા પાર કરતાં પહેલાં જ હંમેશ માટે પોઢી ગયાં અને જે બે બાળકો જીવિત છે તેમાં એક મંદ બુદ્ધિનો છે અને જે એક તેજ બુદ્ધિનો છે તેની ગાડી આડા પાટા પર દેખાય છે. પૈસાટકા તો ઠીક છે, પણ જે કંઈ વાવ્યું છે તે દુઃખનું જ વાવેતર લાગે છે. મારા કરતાં તારા જેવા મારા ઘણા મિત્રો મને વધુ સુખી લાગે છે. ક્યારેક મને તમારા લોકોની ઈર્ષા પણ થાય છે. ક્યારેક એવું પણ લાગે છે કે, ભૂતકાળમાં દુઃખ હતું, જે આજે સુખ જેવું દીસે છે અને ત્યારે સુખની જે કલ્પના કરેલી તે આજે મૂર્તિમંત થઈ છે ત્યારે તે દુઃખની જ બહુરૂપી માયા લાગે છે. આમ કેમ?’

માણસના જીવનની આ જ કરુણતા છે. તેને પોતાનું દુઃખ જ દેખાય છે અને બીજાનાં સુખ જ નજરે પડે છે. બીજાનું દુઃખ આપણને દેખાતું નથી. આપણું સુખ પણ આપણને દેખાતું નથી. બીજાનાં સુખ અને આપણાં દુઃખની આપણે જાણ્યે-અજાણ્યે સરખામણી કર્યા કરીએ છીએ અને દિલમાં અજંપો ભરી બેસીએ છીએ.
જિંદગીના કોઈ ને કોઈ બજારમાં પસ્તી લઈને રોકડા દામ પકડાવી ગયેલા પેલા ફેરિયા તેને શોધ્યા જડતા નથી. માણસ પછી માથું કૂટે છે. પસ્તી ગણીને વેચેલા કાગળમાં વિધવા માએ ગરબડિયા અક્ષરમાં લખેલો સ્નેહપત્ર હતો- વિદ્વાન પિતાએ છપાવવાના મોહ વગર લખેલો નાનકડો ગ્રંથ હતો- એ બધી મૂડી પસ્તીના ભાવે ગઈ. લોકો સુખ ખરીદવા ગમે તે વેચવા તૈયાર થઈ જાય છે, પણ સોદો થઈ ગયા પછી તેને ખોટના આ ધંધાની ખબર પડે છે, પણ ખબર પડે છે ત્યારે પાછા વળી શકાય તેવું હોતું નથી, કેમ કે સમય પાછો ફરતો નથી.

જિંદગીના પંથ પર જે કાંઈ મળે તેને માણવું-અપનાવવું અને આગળ જવું- આગળ વધવા જ ન દે તેવી આસક્તિનું લંગર ન નાખવું એમાં જ મજા છે. સુખનું ચલણ સાચું અને દુઃખનું ચલણ ખોટું છે, તેવા ખ્યાલમાં ક્યાંક ભૂલ છે. દુઃખનો સિક્કો મૂલ્ય વગરનો અને નાનો લાગે, પણ એ નક્કર છે. તેમાંથી કાંઈક મળે છે. સુખના ચલણમાં મોટા આંકડા, પણ સાથે ફુગાવાની માયા હોઈ શકે છે. પકવાનની ઝંખના કરનારા માણસને બત્રીસ ભાતનાં ભોજન મળે, પણ તેને ખબર પડે કે ભાણામાં જ્યારે રોટલો અને ખાટું મરચું હતું ત્યારે જે ભૂખ હતી તે ભૂખ બત્રીસ જાતની વાનગીઓનો થાળ સામે પડ્યો છે ત્યારે ભાંગી ગઈ છે. તો પછી આ થાળ શા કામનો? ભૂખ અને તરસ એ બંને જીવતાં રહે તો તે સૌથી મોટી મિલકત- ભૂખ મરી ગઈ હોય પછી મીઠાઈની બધી જ દુકાનોનો માલિક હું હોઉં તોય શું અને ન હોઉં તો પણ શું ફરક પડે છે? મારી તબિયત તૂટેલાફૂટેલા કાથીના ખાટલા જેવી હોય અને તાજું પાણી લિજ્જતથી પી શકું, માણી શકું એટલાં અમી મોંમાં ન હોય તો પછી હું દસ કૂવા, પાંચ આઈસ પ્લાન્ટ અને પચીસ રેફ્રિજરેટરનો માલિક હોઉં તોય શું?
દુઃખથી છુટકારો મેળવવાનું બરાબર છે, પણ સુખ એવું ન ખરીદવું જેમાં દુઃખની જ ભૂતાવળ હોય. સુખ અને દુઃખ જિંદગીના એક જ ચલણના બે પ્રકાર છે- બે અલગ ચલણ નથી.

સુખ મોટી નોટ છે અને દુઃખ નાની નોટ છે તેવો આપણો હિસાબ ખોટો છે. શ્રીમંત બહેન આવે એટલે ભાઈને સુખ લાગે અને ગરીબ બહેન આવે  તો દુઃખ લાગે! શ્રીમંત બહેન ગરીબ થઈ જાય તો સુખ એ દુઃખ થઈ ગયું અને ગરીબ બહેન શ્રીમંત બની ગઈ તો દુઃખ એ સુખમાં પલટાઈ ગયું! કોઈ વાર નિરાંતે દરેક માણસે પોતાની જિંદગીનાં સુખ-દુઃખનાં પોટલાંનો ‘સ્ટોક’ પણ લેવા જેવો હોય છે. સંભવ છે કે, કેટલાંક ‘રોકાણો’ ઘંટીનાં પડ જેવાં જ હોય અને કેટલોક ડેડસ્ટોક મધુર સંભારણાનો મધપૂડો હોય.

(-ભૂપત વડોદરિયાના પુસ્તકમાંથી ચૂંટેલા લેખસંગ્રહ)

Friday 10 July 2015

બોલાવો કે ના બોલાવો, ઈશ્વર હાજર છે



મનોવિજ્ઞાનના પિતા સિગ્મંડ ફ્રોઈડના સાથી-શિષ્ય અને થોડાક વર્ષોમાં તેનાથી અલગ પડનારા કાર્લ ગુસ્તેવ જુંગના ખ્યાલોનો બહુ પ્રચાર થયો નથી. કેમ કે જુંગમાં પૂર્વની ધાર્મિક માન્યતાઓ, જુદા જુદા ધર્મોની પુરાણકથાઓ અને ગૂઢ વિદ્યાઓની એટલી બધી છાંટ જોવા મળે છે કે પશ્ચિમના જગતને એ મનોવિજ્ઞાની કરતાં તત્ત્વજ્ઞાની કે રહસ્યવાદી વધુ લાગે છે. ફ્રોઈડ અને જુંગની સરખામણીમાં એડલર કંઈક 

નાનો લાગે છે. અને એડલરનું કંઈ નક્કર પ્રદાન હોય તો તે માણસની લઘુતાગ્રંથિનો ખ્યાલ તેમજ અતૃપ્ત ઈચ્છાઓનું વળતર વાળતાં વર્તનનો ખ્યાલ ગણી શકાય. નવામાં નવા સંપ્રદાયમાં જેમ શક્તિશાળી વ્યક્તિવિશેષની આગેવાની હેઠળ નવો ફાંટો પડે છે તેવું કેટલીક વિજ્ઞાનશાખાઓ અને શાસ્ત્રોમાં પણ બને છે. મનોવિજ્ઞાનની બાબતમાં પણ એવું બન્યું છે. ઘણી બધી વ્યક્તિઓના અલગ પંથ પડી ગયા છે. ઘણા બધા મુદ્દાઓમાં ફ્રોઈડનો ખ્યાલ સાચો કે જુંગનો ખ્યાલ સાચો એવો સવાલ પેદા થાય છે. માણસના મનની સૂક્ષ્મતા અને જટિલતાને લીધે માનસિક બાબતો વિષેની જુદી જુદી માન્યતાઓમાં ક્યાં કેટલું સત્ય છે તે નક્કી કરવાનું બહુ જ મુશ્કેલ છે પણ ફ્રોઈડના કેટલાંક ખ્યાલોની નક્કરતા કબૂલ કરીએ તો પણ માનવીનું મુખ્ય પ્રેરકચાલક બળ તેની કામવૃત્તિ જ છે, તે ખ્યાલ કંઈક વધુ પડતો લાગે છે. જુંગની માન્યતા વધુ સાચી છે કે એક જમાનામાં જ્યારે માનવીની મૂળભૂત વૃત્તિઓમાંની એક ભૂખને સંતોષવાની વાત જ મુખ્ય હતી, ત્યારે ખોરાક મેળવવાની બાબત જ કેન્દ્રમાં હતી. માણસ જંગલમાંથી બહાર આવ્યો અને નગરસમાજમાં દાખલ થયો પછી રોટી સુલભ બની અને જાતીય વૃત્તિની તૃપ્તિમાં તેની નિસ્બત વધી. આહારની બાબતમાં તે ઠીક ઠીક નિશ્ચિંત બની જતાં તેની મુખ્ય ચિંતા અને રસની બાબત જાતીયવૃત્તિ બની હોય તે બનવાજોગ છે. પણ માનવીના વર્તનના તમામ તાણાવાણામાં આ જ ભાત મુખ્ય ગણવાનું કંઈક ભૂલભરેલું છે. એવી જ રીતે સત્તા પ્રબાવની ભૂખને પણ માનવ વર્તનની પ્રેરણાનું મહાકેન્દ્ર ગણીને તેનું શાસ્ત્ર રચવાનું ખોટું છે. આ એકાંગી દર્શન છે અને તેથી સમગ્ર દર્શન માટે જુંગ વધુ પ્રસ્તુત બને છે. જુંગ પોતાના કેટલાંક ખ્યાલોને આગ્રહપૂર્વક ચોક્કસ આગળ કરે છે પણ વખતો વખત એ કબૂલ કરે જ છે કે મનની દુનિયા એટલી મોટી છે કે થોડીક ગુરૂચાવીઓનો ઝૂડો લઈને એવું માની શકાય અેમ નથી કે તેના બધા જ ખંડોનો ભેદ પકડી શકાશે. એવી રીતે માણસના મનને એક દાગીનો પણ ગણી શકાય તેવું નથી. બધા ખેલ અંદરનાં જ છે, બહારનું કંઈ નથી!

દાખલા તરીકે જ્યોતિષ વિજ્ઞાન સાચું કે ખોટું? ફ્રોઈડનો વૈજ્ઞાનિક ભૌતિકવાદ જ્યોતિષને વહેમ કે અંધશ્રદ્ધાના ખાનામાં ફેંકી દે છે પણ જુંગ કહે છે કે આમાં તથ્ય નથી તેવું છાતી ઠોકીને કહી શકાય તેવું નથી. તે સો ટકા સાચું વિજ્ઞાન છે તેમ કહેવા વૈજ્ઞાનિક તૈયાર નહીં હોય પણ તે ખોટું જ છે એમ જો તે કહેતા હોય તો તેનો ચુકાદો મર્યાદિત અને મનપસંદ પુરાવાઓ તપાસનારા ન્યાયાધીશના જેવો છે. એ જ વાત આત્માની અને પુનર્જન્મની બાબતને લાગુ પડે છે. જુંગ જરાય સંકોચ વગર કહે છે કે માણસને ડગલે ને પગલે ચઢિયાતા બળનો અનુભવ થાય છે. માણસ, પોતાની ઈચ્છા અને સંકલ્પ પ્રમાણે બધું કરી શકતો નથી. કોઈક ચઢિયાતી તાકાત ડગલે ને પગલે તેની સામે આવે છે. જુંગ કહે છે કે હું આને ઈશ્વર કહીશ. આ માત્ર માન્યતાની બાબત નથી. હું અનુભવું છું કે ઈશ્વર છે.

જુંગની એક બીજી વાત પણ સાચી છે. તે કહે છે કે બાળક જન્મે છે ત્યારે શું તેને મગજ જેવું કંઈ હોતું જ નથી? બાળકનું મગજ શું ખાલી કે કોરી પાટી જેવું હોય છે? નવજાત બાળકનું મગજ શું ખાલી ફૂલદાની જેવું છે કે તમે તેમાં પસંદગીના ફૂલો ગોઠવી શકો? કેટલાંક માને છે કે બાળક જન્મે છે ત્યારે તેના મનમાં કંઈ જ નથી. પણ જુંગ કહે છે કે હું માનું છું કે બાળક જન્મે છે ત્યારે તેના મનમાં બધું જ છે. તે હજુ જાગૃત નથી પણ બધી જ ગુંજાશ ત્યાં પડી છે. પૂર્વમાં આ જ ખ્યાલ છે અને મને સાચો લાગ્યો છે.

કાર્લ ગુસ્તેવ જુંગ ઈ.સ. ૧૮૭૫ની ૨૬મી જુલાઈએ જન્મ્યો હતો. સ્વીત્ઝર્લેન્ડનો જુંગ સિગ્મંડ ફ્રોઈડ કરતાં ૧૯ વર્ષ નાનો હતો. ફ્રોઈડ બહુ જવલ્લે જ પંડિતાઈના ચીલાની બહાર પગ મૂકે છે પણ જુંગ આપસૂઝવાળા ખેડૂત જેવો છે. તે પોતાનું મન ખુલ્લું રાખીને બેઠો છે ને પોતાનાં પૃથક્કરણો અને માન્યતાઓની બહાર ઘણી બધી શક્યતાઓ વધુ ચઢિયાતા ઉકેલના દાવા સાથે ઊભી હોવાનું માનવા માટે તૈયાર છે. માણસનાં સ્વપ્નોમાં તે માત્ર માણસની કામવૃત્તિની જ માયાજાળ કે વૃત્તિઓના દમનમાંથી છટકેલી કમાનોની કળા જ હોવાનું તે માનતો નથી. સ્વપ્નો પણ માત્ર માણસની અંદરની જ રમત નથી. જુંગ કહે છે કે મેં એકવાર ધરતીકંપ જોયો ત્યારે મને પૃથ્વી પોતે જ એક મહાન પ્રાણી જેવી લાગી હતી. પૃથ્વી શેષનાગના માથા પર છે તેવી હિંદની પુરાણી માન્યતા કે આ અંગેની ચીન-જાપાનની જૂની માન્યતાઓને હસી કાઢવા એ તૈયાર નથી.

વૈજ્ઞાનિક પોતાની બહુ જ નાનકડી પાટી લઈને બેસી જાય અને પોતાના અભ્યાસક્રમની બહારનો કોઈ દાખલો સાંભળવા કે ગણવા જ તૈયાર ના થાય અને આવા પ્રત્યેક સવાલને તે પરીક્ષા બહારનો અને 'માત્ર વહેમ' ગણાવી દે તેવો અભિગમ કાર્લ ગુસ્તેવ જુંગને મંજૂર નથી.

ફ્રોઈડ મન મૂકીને હસી શકતો નથી જ્યારે જુંગ વારંવાર ખટખડાટ હસે છે. ફ્રોઈડ સતત એક સર્વગ્રાહી મહા િસદ્ધાંત ઘડી કાઢવા તત્પર છે. કારણ કે તે 'ખાતરીબંધ' કેફિયત પેશ કરવા ઉત્સુક છે. પણ જુંગ આવી ઝંઝટમાં પડ્યો નથી, કેમ કે તે માને છે કે આપણે ઘણું બધું નથી જાણતા અને ખાત્રીપૂર્વક જાણતાં હોવાનો દાવો કરી શકીએ એવી બાબતો ઘણી ઓછી છે. ફ્રોઈડને ઈશ્વરનો ખ્યાલ ગળે ઉતરતો નથી. જ્યારે જુંગ તો ઈશ્વરની વાત જૂની દોસ્તીના નાતે કરતો હોય એવું લાગે છે.

એમાં શંકા નથી કે બન્ને જણને માનવીના મનની દુનિયા વિષેનું કૌતુક અપરંપાર અને અજબ હતું. ફ્રોઈડ અને જુંગ પહેલીવાર વિએનામાં મળ્યા ત્યારે લાગલગાટ તેર કલાક તેમની ચર્ચા ચાલેલી! ફ્રોઈડથી પોતે ખૂબ જ પ્રભાવિત થઈ ગયો હતો, તેવું નિઃસંકોચ જુંગે વારંવાર કહ્યું છે. થોડાંક વર્ષોમાં જ રસ્તો જુદો પડી જાય તેમ બનવું સ્વાભાવિક હતું. જુંગ વગર સંકોચે કહે છે કે ફ્રોઈડ પોતાના વ્યવસાયમાં એક સફળ માણસ હતો અને જાતીય આવેગો અને આનંદના સિદ્ધાંતમાં તેની વિશેષ દિલચશ્પી જાગવાનું સ્વાભાવિક છે. એડલર નાનો માણસ હતો. ફ્રોઈડ અતિ સફળ માણસ હતો, એડલરને સફળતાની ઝંખના હતી, તે હજુ સફળ બનવાની કોશિશમાં હતો, આથી તેની સત્તાની ગ્રંથિ ગુરૂચાવી જેવી લાગવાનું સ્વાભાવિક હતું.

સિગ્મંડ ફ્રોઈડ લાંબી જિંદગી અને લાંબા કામના અંતે સંતોષનો શ્વાસ લઈ શકતા નથી. મનમાં ઊંડો વસવસો, અસંતોષ છે. આખરી ખુલાસો મળ્યાની શ્રદ્ધા જાગી નથી. તે સુધારા વધારા કરે છે પણ એક અત્યંત વિકટ બાબતમાં અધીરતાપૂર્વક જે 'ટૂંકા રસ્તા'ની ખોજ તેણે કરી હતી, તે હવે તેને અપૂરતી લાગે તે દેખીતું છે. આથી તેને અસંતોષ જાગ્યો પણ જુંગ એટલો દુઃખી જણાતો નથી. ૮૦ વર્ષની ઉંમરે જુંગે અનેક અખબારી મુલાકાતો આપી, ટેલિવિઝનવાળાઓને મુલાકાતો આપી, તે બધામાં તે ખુલ્લા દિલથી અને ખુશાલી સાથે જવાબ આપે છે. તે માનવીના મન અને જીવન વિષેના જટિલ સવાલો વિષે કોઈ ભ્રમમાં નથી, તે તો પોતાના ઘરના બારણા ઉપર જ એવું સૂત્ર ટાંકીને બેઠો છે કે બોલાવો કે ના બોલાવો, ઈશ્વર હાજર છે! જુંગ કહે છે કે આ છેવટની વાસ્તવિકતા છે. આસ્તિક કે નાસ્તિક, ઉત્તેજના કે આપત્તિની નાજુક પળે બોલી ઊઠે છે, અરે, ભગવાન! આપણે એક ફૂલનું નામ ઉચ્ચારીએ કે ગુલાબ પણ 'ગુલાબ' શબ્દ એ ખરેખર 'ગુલાબ' ફૂલ નથી, નામની પાછળ એક નક્કર ચીજ છે અને આ નક્કર ચીજની પાછળ કંઈક બીજું જ વધુ નક્કર છે. ટૂંકમાં જુંગ માને છે કે મનના તૂંબડામાં જાતજાતના કાંકરા ભલે ખખડાવીએ પણ તેને એક માત્ર કે છેવટનો અવાજ ગણીને બાકીના બધા અવાજોની સામે કાન બંધ કરી ના દઈએ, કે આવા કોઈ પણ અવાજોની હસ્તી જ નથી તેવો દાવો ના કરીએ.

જુંગ દાક્તર હતો, મનોવિજ્ઞાની હતો, જૂના નવા ગ્રંથોનો કીડો હતો પણ સાથે સાથે ખુલ્લા મેદાનનો માણસ હતો. તેને પથ્થર તોડવા ગમતાં, તેને કડિયાનું કામ ગમતું, તેને બગીચાનું કામ ગમતું - તે કહે છે કે મને ધરતી ગમે છે, માટી સાથે મને મહોબ્બત છે. માટી સાથે જૂની સગાઈ હું મહેસૂસ કરું છું. જુંગ ડો. આલ્બર્ટ આઈન્સ્ટિન સાથે જ્ઞાનગોષ્ટિ કરતાં ધન્યતાની લાગણી અનુભવે છે. અને ઈતિહાસકાર આર્નોલ્ડ ટોયમ્બી પાસે ઈતિહાસના ખ્યાલો સાંભળવામાં પણ તેને મઝા આવે છે.

જુંગે પંદર સોળ વર્ષની એક કન્યાને દાદર ઉતરતી જોઈ અને તેને લાગ્યું કે આ મારી પત્ની છે. બસ, એ કન્યાની સાથે જુંગે લગ્ન કર્યા. લગ્નજીવન વિષેના જુંગના ખ્યાલોમાં સામાન્ય સમજદારી અને વ્યવહારિક જ્ઞાન પુષ્કળ છે. જુંગ કહે છે કે પુરુષ સ્ત્રીને સમજતો નથી અને સ્ત્રી પુરુષને સમજવાની કોશિશ કરતી નથી. સ્ત્રી સમજતી નથી કે પુરુષ બહારની દુનિયામાં રાજા નથી, બહારની દુનિયામાં તેને જાતજાતની દાદાગીરી વેઠવી પડતી હોય છે, તે ઠેકઠેકાણે 'તાબેદાર' બનીને ઊભો હોય છે. ઘર પંખીના માળા જેવું છે અને પંખીના માળામાં બંને પંખી માટે પૂરતી જગા નથી હોતી! ચોવીસ કલાક પતિ ઘરમાં રહે તો પત્ની પણ કંટાળી જવાની! પુરુષ દાણા પાણી લઈ આવે, માળાની રક્ષા કરે અને સ્ત્રી માળાને શણગારે-સાચવે. પરસ્પરને સમજવાનું પણ એક સુખ છે અને લગ્નમાં આટલું સુખ પણ ઘણું બધું આપી શકે છે.

જુંગની 'એનેલેટિકલ સાઈકોલોજી' અને ફ્રોઈડના 'સાઈકોએનેલિસ'માંથી કયા ખ્યાલને કઈ પદ્ધતિને વિશેષ સમર્થન ન મળશે કે વધુ તથ્ય કઈ પદ્ધતિમાં પૂરવાર થશે તે આપણે જાણતા નથી. સમય જતાં તેની કસોટી થશે પણ છેવટે આ બાબત આપણા માટે મહત્ત્વની નથી. જાતજાતના મનોદ્વંદ્વો વચ્ચે ગુપ્ત મનના પાતાળ ખૂંદતો અને કેન્સરની સામે ધીરજથી લડીને પોતાનું સંશોધન કાર્ય આગળ ધપાવતો ફ્રોઈડ એક ધરખમ માણસ છે અને જુંગ પણ એવો ધરખમ માણસ છે. આ તો ઠીક આ બંને બીજી કોઈ માન્યતાઓમાં સહમત થઈ શકે કે ના થઈ શકે. એક વાતમાં બંને એકમત છે. જિંદગી એક ખોજ છે અને દરેક માણસે યથાશક્તિ, યથા મતિ આવી ખોજ કરવી જોઈએ, અને આ ખોજમાં સફળતા નિષ્ફળતાના પરિણામથી સ્વતંત્ર એવો એક આનંદ છે. આવી ખોજ અને આવા આનંદમાં આપણે પણ એક નાનકડા ભાગીદાર બની શકીએ છીએ.

(ભૂપત વડોદરિયાનાપુસ્તકમાંથી ચૂંટેલા લેખો )