Monday, 22 June 2015

માનવીની દૃષ્ટિ - તેની મર્યાદા અને શોભા


મશહૂર અંગ્રેજ વાર્તાકાર સમરસેટ મોમની એક વાર્તા છે. એમાં એક નવોદિત લેખક પોતાની એક કહાની એક પ્રતિષ્ઠા લેખકને માર્ગદર્શન મેળવવા માટે બતાવવા જાય છે. પીઢ લેખક એ કહાની વાંચીને નવોદિત લેખકને કહે છે કે બીજાંુ બધું તો ઠીક પણ તમે તમારી વાર્તામાં રાજકુમારીનું જે પાત્ર આલેખ્યું છે તે તદ્દન બનાવટી લાગે છે. સાચી રાજકુમારી તમે જોઈ છે? તમે સાચી રાજકુમારી જુઓ. વાસ્તવિકતાનું અવલોકન અને અભ્યાસ કર્યા પછી જ તમે કલ્પિત પણ જીવંત પાત્રો સર્જી શકો.

નવોદિત લેખકે કહ્યું - "મેં જે રાજકુમારી મારી વાર્તામાં બતાવી છે તે બરાબર જ છે. સાચી રાજકુમારી આવી જ હોય. તમને મારી રાજકુમારી કેમ અપ્રતિતીકર લાગે છે તે જ મને સમજાતું નથી.!"
પીઢ લેખકે કહ્યું - 'આજે રાત્રે મારે ત્યાં એક રાજકુમારી ભોજન માટે આવવાની છે. તમે પણ ભોજન લેવા આવો, તમે સગી આંખે રાજકુમારીને જોશો એટલે તમને તરત જ સમજણ પડી જશે કે તમે વાર્તામાં બતાવેલી રાજકુમારી ખોટી છે.'

નવોદિત લેખક કોઈ પણ પડકાર માટે તૈયાર હતા. રાત્રે પીઠ લેખકના નિવાસસ્થાને નવોદિત લેખક આવી પહોંચ્યા. ભોજનના એક જ ટેબલ પર રાજકુમારી સાથે પીઢ અને નવીન લેખક બેઠા. ડાઈનિંગ ટેબલ ઉપર ચાલે તેવી હસીખુશીની વાતો ચાલી. દોઢ કલાક પછી રાજકુમારી વિદાય થયાં અને પીઢ લેખક તેમજ નવોદિત લેખક એકબીજાની સામે જોઈ રહ્યા.

પીઢ લેખકે કહ્યું - "સાચી રાજકુમારી તમે જોઈ લીધી ને? ખ્યાલ આવ્યો જ હશે કે તે કેવો પોશાક પહેરે, કેવા અલંકારો ધારણ કરે, તેની રીતભાત કેવી હોય, તેની ચાલ કેવી હોય, તેના હાથની છટા કેવી હોય! હવે તમારી વાર્તાની બનાવટી રાજકુમારીની સરખામણી આ સાચી રાજકુમારી જોડે કરી જુઓ! તમને તમારી ભૂલ તરત જ સમજાઈ જશે!" પીઢ લેખકે માનેલું કે નવોદિત લેખક હવે પોતાની ભૂલ કબૂલ કરશે અને સાચું માર્ગદર્શન આપવા માટે પોતાનો આભાર માનશે.

પણ નવોદિત લેખકે તો જાણે પીઢ લેખકની બેવકૂફી ઉપર હસતો હોય તેમ હસીને કહ્યું - "અરે મારા સાહેબ! મને સમજાતું નથી કે હું તમને શું કહું! આંધળો પણ જોઈ શકે તેમ છે કે અહીં ભોજન માટે આવેલી સાચી રાજકુમારી મેં મારી કહાનીમાં બતાવેલી મારી રાજકુમારી જેવી જ છે! મને તો મારી વાર્તાની રાજકુમારીની આબેહૂબ નકલ જેવી જ આ જીવતી સાચી રાજકુમારી લાગી તમે મારી વાર્તા બરાબર વાંચી નથી! તમે મારું પાત્રાલેખન બરાબર સમજ્યા નથી!"

સમરસેટ મોમે અત્યંત ચોટદાર રીતે માણસ તરીકેની આપણી મર્યાદા અહીં બતાવી આપી છે. ઘણા બધા માણસો પોતે જે ખરેખર સામે છે તે જોતા જ નથી પણ પોતે જે જોવા માગે છે તે જ સામે પડેલા દૃશ્યમાં નિહાળે છે! આપણી કેટલી બધી પીડાઓ આમાંથી જ ઉદ્ભવે છે, આપણી આંખ સામે જે નક્કર વાસ્તવિકતા પડી હોય છે તે આપણે બરાબર નિહાળતા નથી પણ આપણે જે જોવા માગીએ છીએ તેનું જ દૃશ્ય જોઈએ છીએ. માણસની દૃષ્ટિની આ મર્યાદા છે અને છતાં આ મર્યાદામાં કેટલીક શોભા પણ છે. આવી દૃષ્ટિ મર્યાદા માણસોમાં ના હોત તો માણસને પોતાનો કદરૂપો છોકરો કદરૂપો જ દેખાત. માણસને પોતાનો ખુદનો ચહેરો અરીસામાં જોવો ના ગમત! કુદરતે માણસને આ એક આશીર્વાદ આપ્યો છે. માણસે તેને ખરેખરો આશીર્વાદ પૂરવાર કરવો પડે છે તે આશીર્વાદ જ રહે ત્યાં સુધી સારી વાત છે. પણ આપણે જો આ મર્યાદા અંગે સાવધાન ના રહીએ તો તે એક શાપ પણ બની શકે છે. જો આપણે વાસ્તવિકતાને નરી આંખે જોવાની વિવેકટ દૃષ્ટિ ગુમાવી બેસીએ તો ઘણું બધું ગુમાવી બેસવાની સંભાવના રહે છે. આપણે ભ્રમમાં પડીએ, ખોટા રસ્તે આગળ વધીએ, ખોટી ધારણાઓ બાંધીએ અને ખોટા નિર્ણયો કરી બેસીએ તેવા જોખમો એમાંથી ઊભા થાય છે. એકંદરે જિંદગીના સૂકા ઘાસને કંઈક લીલુંછમ જોવાના લીલા રંગના એક અદૃશ્ય કોન્ટેક્ટ લેન્સ આપણને મળ્યાં છે પણ આ લેન્સનો ઉપયોગ સમજી વિચારીને કરવાનો છે. કેટલાંક પ્રસંગોએ માણસે આ કોન્ટેક્ટ લેન્સને આંખથી અળગા કરવા પડે છે અને સૂકા ઘાસને સૂકા ઘાસ રૂપે જ જોવું પડે છે.

આપણે જિંદગીને સહી શકીએ, માણી શકીએ, આપણી આંખમાં સૂકા-લુખ્ખા પદાર્થો વાગે નહીં એ માટે આપણને દૃષ્ટિનો આ વધારાનો રંગ મળ્યો છે. આપણી દૃષ્ટિમાં માત્ર આ લીલો રંગ જ અતિશય છવાઈ જાય તો વાસ્તવિકતા સાથે અથડાઈ પડવાની અને મુશ્કેલીમાં મુકાઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય છે. આપણા ઋષિમુનિઓ આ વાતનો મર્મ જાણતા હતા એટલે એમણે જ્યોતિષશાસ્ત્રની આગાહીઓ બાબતમાં પણ કેટલીક મનાઈ ફરમાવી છે. સગી દીકરાની કુંડળી બાપ જુએ તો તે તેમાં કયો અમંગળ બનાવ જોઈ શકવાનો? માણસ પોતાના પ્રતિસ્પર્ધી કે શત્રુ માનેલી વ્યક્તિની કુંડળી જુએ તો તેમાં તે કયો સારો યોગ જોઈ શકવાનો?


માણસે વાસ્તવિકતા જોવાની છે અને છતાં માત્ર વાસ્તવિકતા જ જોવાની છે. તમે જે જુઓ છો તે બરાબર સાચું જુઓ, તેથી જરા આગળ પણ દૃષ્ટિ દોડાવીને જુઓ, પણ તમે જે જે જુઓ છો, તેમાં તમે જે જોવા માગો છો તે મુજબનો ફેરફાર કરીને ના જુઓ! સામે વાસ્તવિકતા ઊભી છે, તેનો ચહેરો અણગમતો છે, તમે તે ચહેરાની આગળ બીજા કોઈ અંતરે ઊભેલો વધુ રૂપાળો ચહેરો જરૂર જુઓ પણ તમે જે કદરૂપો ચહેરો જોઈ રહ્યા છો તેને જ રૂપાળા ચહેરાના રૂપમાં ના જુઓ!

વાત પ્રથમ નજરે વિરોધાભાસી લાગે તેવી છે, પણ ખરેખર વિરોધાભાસી નથી. બે અંતિમ છેડાના દર્શન વચ્ચેના મધ્યમ દર્શનની આ વાત છે. એટલે ઉપર ઉપરથી જે વિરોધાભાસ લાગે છે તે ખરેખર વિરોધાભાસ નથી. બે વિરોધી છેડાનો મેળ બેસાડવા માટેનું આ આપણી દૃષ્ટિનું શુદ્ધિકરણ છે. રાજા જ્યારે નગરનું સૌથી સુંદર બાળક જોવા માગે ત્યારે દરેક માણસને પોતાનું જ બાળક રજૂ કરવાનું મન થાય તે સ્વાભાવિક છે. પણ સમજદાર માણસ પોતાની જાતને અહીં રોકે છે અને એ એટલું સમજે છે કે મારે પોતાની નજરે સૌથી સુંદર બાળક રજૂ કરવાનું નથી. મારે તો કોઈ પણ માણસની નજરે જે સરેરાશ સુંદર લાગે તેવું બાળક રજૂ કરવાનું છે.

જિંદગીમાં આપણને જે નરી નજરે દેખાય તેનો વિવેકપૂર્વક વિચાર આપણે કરવો જોઈએ પણ આપણે જે જોવા માગતા હોઈએ તે જ આપણને દેખાય એવા દૃષ્ટિબંધનથી બચીને ચાલવું જોઈએ.

આપણે 'વાવડી ચસ્કી'ની વાર્તાથી સુમાહિતગાર છીએ. પોતાની પાઘડીનું દોરડું બનાવીને અમુક વ્યક્તિઓ પાણીની આખી વાવ ખસેડવા મથે છે અને તેમાં પાણીની વાવ તો જરા પણ ચસકતી નથી પણ પાઘડીનું કાપડ ફાટે છે. અને તેનો 'ચરરર' અવાજ સાંભળીને પેલા શેખચલ્લીઓને લાગે છે કે વાવ ચસકી લાગે છે. સહેજ ખસી છે. હમણાં ખેંચી જઈએ! અહીં પણ આજ મુદ્દો છે. આપણે જે કરવા માગીએ તેને માટે આવશ્યક બળ અને આવડતનો ખ્યાલ કર્યા વિના કંઈક અપૂરતો અર્થહીન ઈલાજ હાથ ધરીએ અને પછી ક્યાંકથી કશોક ભળતો અવાજ આવે કે કંઈક ભળતું ચિહ્ન દેખાય એટલે માની બેસીએ કે આપણો યત્ન ફળદાયી બનીરહ્યો છે. પેલા વાવડી ઉપાડી જવા માગનારા છેવટે પાઘડી ફાટી જવાથી ભોંય પર પટકાય છે. જે હકીકત છે તેને બરાબર જોવાને બદલે જ્યારે માણસ પોતે જે ઝંખે છે કે જોવા માગે છે તેને જ જોઈ બેસે છે ત્યારે તેને પણ આવો જ અનુભવ થાય છે, તે પણ કઠોર વાસ્તવિકતાની જમીન પર પટકાય છે, ત્યારે તેને ભાન થાય છે કે તે હકીકતની અવગણના કરીને, માત્ર પોતાની ઈચ્છાનું છાયા ચિત્ર નિહાળીને અને તેને નક્કર ગણીને જે પરિણામ મેળવવા ગયો તેવું પરિણામ આ રીતે કદી આવી જ ના શકે.

બ્રિટનના એકવારના અડીખમ વડાપ્રધાન િવન્સ્ટન ચર્ચિલે પોતાની કથામાં એક જગ્યાએ કંઈક આવી મતલબનું નોંધ્યું છે - "સ્વપ્નો મીઠાં લાગે - જિંદગીમાં વાસ્તવિકતાને સ્વપ્નોથી વધુ મીઠી બનાવવી તે માણસનું કામ છે."

નજર સામે જે છે ેને પણ બરાબર નિહાળીએ. જે આપણને જોવાનું મન થાય તેના જ પડછાયાને હકીકત ના સમજીએ.

(ભૂપત વડોદરિયાનાં પુસ્તકમાંથી)

Rajdeep Sardesai, media celebrity interviewed by journalist & political ...

Thursday, 18 June 2015

આપણા અંતરમનની દુનિયા ખૂબ જ ભેદી હોય છે


મનોવિજ્ઞાનના પિતા સિગ્મંડ ફ્રોઇડના સાથી-શિષ્ય અને થોડાંક વર્ષોમાં તેનાથી અલગ પડનારા કાર્લ ગુસ્તેવ યુંગના ખ્યાલોનો બહુ પ્રચાર થયો નથી, કેમ કે યુંગમાં પૂર્વની ધાર્મિક માન્યતાઓ, જુદા જુદા ધર્મોની પુરાણકથાઓ અને ગૂઢવિદ્યાઓની એટલી બધી છાંટ જોવા મળે છે કે પશ્ચિમના જગતને એ મનોવિજ્ઞાની કરતાં તત્ત્વજ્ઞાની કે રહસ્યવાદી વધુ લાગે છે. ફ્રોઈડ અને યુંગની સરખામણીમાં એડલર કંઈક નાનો લાગે છે અને એડલરનું કંઈ નક્કર પ્રદાન હોય તો તે માણસની લઘુતાગ્રંથિનો ખ્યાલ તેમ જ અતૃપ્ત ઈચ્છાઓનું વળતર વાળતા વર્તનનો ખ્યાલ ગણી શકાય.

ફ્રોઈડના કેટલાક ખ્યાલોની નક્કરતા કબૂલ કરીએ તો પણ માનવીનું મુખ્ય પ્રેરક ચાલકબળ તેની કામવૃત્તિ જ છે, તે ખ્યાલ કંઈક વધુ પડતો લાગે છે. યુંગની માન્યતા વધુ સાચી છે કે એક જમાનામાં જ્યારે માનવીની મૂળભૂત વૃત્તિઓમાંની એક ભૂખને સંતોષવાની વાત જ મુખ્ય હતી ત્યારે ખોરાક મેળવવાની બાબત જ કેન્દ્રમાં હતી. માણસ દંગલમાંથી બહાર આવ્યો અને નગરસમાજમાં દાખલ થયો પછી રોટી સુલભ બની અને જાતીયવૃત્તિની તૃપ્તિમાં તેની નિસબત વધી. આહારની બાબતમાં તે ઠીક ઠીક નિશ્ચિંત બની જતાં તેની મુખ્ય ચિંતા અને રસની બાબત જાતીયવૃત્તિ બની હોય તે બનવાજોગ છે, પણ માનવીના વર્તનના તમામ તાણાવાણામાં આ જ વાત મુખ્ય ગણવાનું કંઈક ભૂલભરેલું છે. એવી જ રીતે સત્તાપ્રભાવની ભૂખને પણ માનવવર્તનની પ્રેરણાનું મહાકેન્દ્ર ગણીને તેનું શાસ્ત્ર રચવાનું ખોટું છે. આ એકાંગી દર્શન છે અને તેથી સમગ્ર દર્શન માટે યુંગ વધુ પ્રસ્તુત બને છે. યુંગ પોતાના કેટલાક ખ્યાલોને આગ્રહપૂર્વક ચોક્કસ આગળ કરે છે પણ વખતોવખત એ કબૂલ કરે જ છે કે મનની દુનિયા એટલી મોટી છે કે થોડીક ગુરુચાવીઓનો ઝૂડો લઈને એવું માની શકાય એમ નથી કે તેના બધા જ ખંડના ભેદ પાડી શકાશે. એવી રીતે માણસના મનને દાગીનો પણ ગણી શકાય તેવું નથી. બધા ખેલ અંદરના જ છે, બહારનું કંઈ નથી!

દાખલા તરીકે જ્યોતિષ વિજ્ઞાન સાચું કે ખોટું? ફ્રોઈડનો વૈજ્ઞાનિક ભૌતિકવાદ જ્યોતિષને વહેમ કે અંધશ્રદ્ધાના ખાનામાં ફેંકી દે છે પણ યુંગ કહે છે કે આમાં તથ્ય નથી તેવું છાતી ઠોકીને કહી શકાય તેવું નથી. તે સો ટકા સાચું વિજ્ઞાન છે તેમ કહેવા વૈજ્ઞાનિક તૈયાર નહીં હોય પણ તે ખોટું જ છે એમ જો તે કહેતા હોય તો તેનો ચુકાદો મર્યાદિત અને મનપસંદ પુરાવાઓ તપાસનારા ન્યાયાધીશના જેવો છે. એ જ વાત આત્મા અને પુનર્જન્મની બાબતને લાગુ પડે છે. યુંગ જરાય સંકોચ વગર કહે છે, માણસને ડગલે ને પગલે ચઢિયાતા બળનો અનુભવ થાય છે. માણસ પોતાની ઈચ્છા અને સંકલ્પ પ્રમાણે બધું કરી શકતો નથી. કોઈક ચઢિયાતી તાકાત ડગલે ને પગલે તેની સામે આવે છે. યુંગ કહે છે કે હું આને ઈશ્વર કહીશ. આ માત્ર માન્યતાની બાબત નથી. હું અનુભવું છું કે ઈશ્વર છે.

યુંગની એક બીજી વાત પણ સાચી છે. તે કહે છે કે બાળક જન્મે છે ત્યારે શું તેને મગજ જેવું કંઈ હોતું જ નથી? બાળકનું મગજ શું ખાલી કે કોરી પાટી જેવું હોય છે? નવજાત બાળકનું મગજ શું ખાલી ફૂલદાની જેવું છે કે તમે તેમાં પસંદગીનાં ફૂલો ગોઠવી શકો? કેટલાંક માને છે કે બાળક જન્મે છે ત્યારે તેના મનમાં કંઈ જ નથી, પણ યુંગ કહે છે કે હું માનું છું કે બાળક જન્મે છે ત્યારે તેના મગજમાં બધું જ છે. તે હજુ જાગૃત નથી પણ બધી ગુંજાશ ત્યાં પડી છે. પૂર્વમાં આ જ ખ્યાલ છે અને મને સાચો લાગ્યો છે.

કાર્લ ગુસ્તેવ યુંગ ઈ.સ. ૧૮૭૫ની ૨૬ જુલાઈએ જન્મ્યો હતો. ‌િસ્વટ્ઝર્લેન્ડનો યુંગ સિગ્મંડ ફ્રોઈડ કરતાં ૧૯ વર્ષ નાનો હતો. ફ્રોઈડ બહુ જવલ્લે જ પંડિતાઈના ચીલાની બહાર પગ મૂકે છે પણ યુંગ આપસૂઝવાળા ખેડૂત જેવો છે. તે પોતાનું મન ખુલ્લું રાખીને બેઠો છે ને પોતાનાં પૃથક્કરણો અને માન્યતાઓની બહાર ઘણીબધી શક્યતાઓ વધુ ચઢિયાતા ઉકેલના દાવા સાથે ઊભી હોવાનું માનવા માટે તૈયાર છે. માણસનાં સ્વપ્નમાં તે માત્ર માણસની કામવૃત્તિની જ માયાજાળ કે વૃત્તિઓના દમનમાંથી છટકેલી કમાનોની કળા જ હોવાનું તે માનતો નથી.

સ્વપ્નો પણ માત્ર માણસની અંદરની જ રમત નથી. યુંગ કહે છે કે મેં એક વાર ધરતીકંપ જોયો ત્યારે મને પૃથ્વી પોતે જ એક મહાન પ્રાણી જેવી લાગી હતી. પૃથ્વી શેષનાગના માથા પર છે તેવી હિંદની પુરાણી માન્યતા કે આ અંગેની ચીન-જાપાનની જૂની માન્યતાઓને હસી કાઢવા એ તૈયાર નથી. વૈજ્ઞાનિક પોતાની બહુ જ નાનકડી પાટી લઈને બેસી જાય અને પોતાના અભ્યાસક્રમની બહારનો કોઈ દાખલો સાંભળવા કે ગણવા જ તૈયાર ના થાય અને આવા પ્રત્યેક સવાલને તે પરીક્ષા બહારનો અને ‘માત્ર વહેમ’ ગણાવી દે તેવો અભિગમ કાર્લ ગુસ્તેવ યુંગને મંજૂર નથી. 

-ભૂપત વડોદરિયાના પુસ્તક ' જાગરણ ' માંથી પંસદ કરેલા લેખો....

Sunday, 14 June 2015

અપેક્ષા વગરની મિત્રતા જ્વલ્લે જ મળે

























કોઈ વાર કોઈ માણસ જે રીતે બીજા માણસ સાથે વર્તે છે તે જોઈને હૃદયમાં ચુંથારાની લાગણી થાય છે. એક માણસ તરીકે માણસમાં આપણી શ્રદ્ધા ડગી જવા માંડે છે, પણ કેટલીયે વાર આપણે એવું અનુભવીએ છીએ કે, જ્યારે આપણી શ્રદ્ધા ડગમગવા માંડે છે ત્યારે જ આપણા મનના આકાશમાં કેટલાક ચહેરા ઝગમગી ઊઠે છે. 

એક માણસની આ વાત છે. તેનો એક મિત્ર. બંને શાળામાં સાથે ભણતા હતા. કોલેજમાં પણ બંને સાથે હતા. જોકે બંનેના અભ્યાસક્રમ જુદા હતા. જે માણસની આ વાત છે તેની આર્થિક સ્થિતિ પ્રમાણમાં સારી હતી. એના મિત્રની સ્થિતિ તદ્દન સાધારણ, પણ આર્થિક રીતે જેની સ્થિતિ સારી હતી તેને જ મિત્રની મદદની જરૂર પડતી અને સાધારણ સ્થિતિના એ મિત્રે તેને આવી મદદ અનેક પ્રસંગોએ કરી હતી. સાધારણ સ્થિતિનો આ મિત્ર, પણ તેને કોઈની પાસેથી કશું જ લેવાની મુદ્દલ તૃષ્ણા જ નહીં. તેને બસ આપવું જ ગમે. આપે પણ કોઈ અહેસાન ચઢાવીને નહીં, પોતે કોઈની ઉપર કોઈ નાનો કે મોટો ઉપકાર કરી રહ્યો છે તેવું તેના મનમાં પણ નહીં. જે માણસની આર્થિક સ્થિતિ એકંદરે સારી હતી તેની શરૂઆતની કારકિર્દીમાં તેને કંઈ ને કંઈ સમસ્યાઓ અને મૂંઝવણોનો સામનો કરવો પડેલો. દરેક વખતે તેના ગરીબ મિત્રે જ તેને મદદ કરેલી! તે માણસ પછી તો ખૂબ જ શ્રીમંત બન્યો, પણ પોતાના જૂના દિવસોને યાદ કરતાં તેણે કહ્યું કે, મને હંમેશાં એક વાતની ધરપત રહેતી કે, મારે એક એવો મિત્ર છે જે ભલે ગરીબ છે, પણ ગમે તેવી મંૂઝવણ વખતે તેનું નામ ભગવાનની જેમ લઈ શકાય તેમ છે. તેને ખબર પડે કે, હું કાંઈક તકલીફમાં મુકાયો છું એટલે તરત દોડી આવે! તમે તેની સહાય માગો તે પહેલાં તે તમારી સમક્ષ હાજર થઈ જાય! સૌથી મોટી વાત તો એ છે કે, એ વાતમાં મોણ ન નાખે. 

એક પ્રસંગને યાદ કરતાં એ માણસ આજે પણ આટલાં બધાં વર્ષો પછી ગળગળો થઈ જાય છે. એ માણસની વિધવા બહેનની પુત્રીનાં લગ્ન હતાં. એ માણસના પિતાએ સટ્ટામાં પૈસા ગુમાવ્યા અને વિધવા પુત્રીના દાગીના ગીરો મૂકી દીધા. વિધવા પુત્રીએ તો પિતાને સાચવવા આપેલા. ભાઈની સ્થિતિ કફોડી થઈ. પિતા કંઈ ને કંઈ બહાનાં બનાવતા. માણસ સમજી ગયો કે કંઈ ગરબડ છે અને હવે વિધવા બહેનને તેની પુત્રી માટે થોડું સોનું તો મેળવી આપવું જ પડશે. આ માણસ તો આવી કોઈ મૂંઝવણ વખતે પોતાના સાધારણ સ્થિતિના મિત્ર ઉપર જ મીટ માંડતો. એ માણસે મિત્રને પેટછૂટી વાત કરી ત્યારે મિત્રે આખી વાત જાણી. પેલા માણસના પિતાને પોતાને ઘેર લઈ ગયો અને પ્રેમથી-કુનેહથી સમજાવ્યા. મિત્રે પોતાની પત્નીને પણ વિશ્વાસમાં લીધી. એના પિયરના દાગીના ગીરો મૂકીને પોતાના મિત્રની વિધવા બહેનના દાગીના છોડાવી આપ્યા. મિત્રતાની ખરી કિંમત તો કટોકટીની ચોક્કસ ક્ષણે મળતી મદદની જ હોય છે.

આ મિત્રની આટલી સાધારણ સ્થિતિ અને છતાં તેની ત્રેવડ આટલી મોટી તેનું કારણ શું? કારણ માત્ર એટલું જ કે તેને કોઈ તૃષ્ણા નહોતી. પેલા માણસે એક વાર એમના મિત્રને પૂછ્યું હતું, ‘તને કદી તને મહત્ત્વાકાંક્ષા જેવું થયું જ નથી? તને કદી વધુ સારી સગવડવાળી જિંદગી જીવવાનું મન થયું જ નથી?’ મિત્રે કહ્યુંઃ ‘મને બીજાની દેખાદેખી કરીને જીવવાનું ગમતું નથી.

મેં કોઈ કોઈ વાર મહત્ત્વાકાંક્ષાનો, વધુ સગવડ ભરેલી જિંદગીનો વિચાર કર્યો છે. બહુ વિચાર કરતાં લાગ્યું છે કે, તમે જ્યારે બીજા લોકોની સાથે મહત્ત્વાકાંક્ષાની બાબતમાં કે કીર્તિની બાબતમાં કે વધુ સારા જીવનધોરણની બાબતમાં હરીફાઈમાં ઊતરો છોે ત્યારે તમારે એ બધું કરવા માટે તમારાં સુખ-શાંતિનો ઘણો બધો ભોગ આપવો પડે છે. જીવનમાં આપણે જેમ સુખ-સગવડો વધારવા માટે જ દોડાદોડી વધારીએ છીએ તેમ આપણાં પોતાનાં ઉધામા અને અશાંતિ એટલાં વધી પડે છે કે આપણને પછી ખરેખર જીવવાની ફુરસદ જ રહેતી નથી. આપણી સફર એક સફર માણવા માટે નથી, પણ આપણે એકઠા કરેલા માલસામાનના માત્ર ચોકીદાર તરીકે જ આપણે મુસાફરી કરી રહ્યા છીએ! જાણે સાચા મુસાફરો આપણા આ માલસામાનના દાગીના છે અને આપણે તો માત્ર તેના ચોકીદારો જ છીએ!’

 ભૂપત વડોદરિયાના પ્રકાશિત પુસ્તકોમાંથી પસંદ કરેલા લેખોનો સંગ્રહ

Thursday, 11 June 2015

કેટલીક ચીજોનો પીછો કરવાથી તે દૂર ભાગે છે


ચીલીના એક મહાન કવિ પેબ્લો નેરુદાએ ક્યાંક કહ્યું છેઃ ‘આશા કોઇ જ કારણની ઓશિયાળી નથી હોતી અને હકીકતે આશાનાં કોઇ માબાપ હોતાં નથી, દરેક માણસે તેને દત્તક જ લીધી હોય છે.’ જેમણે જેમણે આશા અને ઉમંગના ખજાના ખુલ્લા કર્યા છે તેમણે પોતાના મનના ભંડારો જ માત્ર ખુલ્લા કર્યા છે. આ ખજાનાથી તેમણે ઘણુંબધું મેળવ્યું છે કે ઘણુંબધું નહીં પણ મેળવ્યું હોય.

જેમણે નિરાશાનાં લાખ કારણો વચ્ચે આશાને તદ્દન અકારણ રીતે હૈયાસરસી ચાંપીને જિંદગીનો જંગ ખેલ્યો છે તે જીત્યા છે, અગર બહાદુર માણસની જેમ હાર્યા છે. જેમણે નિરાશાને તાબે થવાનું પસંદ કર્યું તે લડી પણ શક્યા નથી એટલું જ નહીં, આ બંધનમાંથી નાસી છૂટવાની હિંમત પણ કરી શક્યા નથી! નિરાશા ડગલે ને પગલે તેમને શિક્ષા થવાનો ડર બતાવ્યા કરે છે.

નિષ્ફળ જવાની બીકે તમે પરીક્ષામાં બેસતા નથી. લગભગ તમામ નાના-મોટા મુકાબલા ટાળો છો, પણ તમે જ્યારે આ ડરને દૂર કરીને આગળ વધો છો ત્યારે આખી રાત રમત અને તેની મજા બદલાઇ જાય છે. ‘એનિમલ ફાર્મ’ અને ‘૧૯૮૪’ જેવી નવલકથાઓના લેખક જ્યોર્જ ઓરવેલનો એક અનુભવ હમણાં જાણ્યો ત્યારે તે દૃષ્ટાંતકથા કે રૂપકકથા જેવો લાગ્યો.

જ્યોર્જ ઓરવેલે બ્રિટનના સામ્રાજ્યવાદના ઝળહળતા સૂરજના દિવસોમાં ઇમ્પિરિયલ પોલીસ સર્વિસમાં સરકારી નોકરી લીધી અને જુવાન ઓરવેલ બર્મામાં પોલીસ અફસર બન્યો. પાંચ વર્ષ સુધી આ પોલીસમેનની નોકરી કર્યા પછી તેણે રાજીનામું આપ્યું. નક્કી કર્યું કે લેખક થવું છે. પેરીસમાં અઢાર મહિના કાઢ્યા ગરીબી અને બેહાલીની દશામાં! હોટલમાં કપ-રકાબી અને વાસણ માંજનાર તરીકે પણ કામ કર્યું, પછી લંડન આવ્યો. લંડનમાં તેણે લેખક થવાની તાલીમના એક ભાગરૂપે જિંદગીના જુદા જુદા અનુભવો લેવાનું નક્કી કર્યું, આવા ખ્યાલના એક ભાગરૂપે ઓરવેલે જેલમાં જવાનું નક્કી કર્યું!

જ્યોર્જ ઓરવેલને જેલમાં જવું હતું! જેલનો જાત-અનુભવ મેળવવા! જેલમાં જવા માટે શું કરવું? એક મિત્રને તેણે કહ્યું કે ટ્રફાલગર સ્કવેરમાં આગનું તાપણું કરું તો પોલીસ પકડી જાય કે નહીં? મિત્રે કહ્યું કે આગના તાપણાનું તોફાન કરવા માટે પોલીસ કદાચ પકડશે તો પણ જેલની સજા નહીં થાય! જાહેર સ્થળો પર આવા આગના ઉંબાડા જુવાનિયા કરતા હોય છે! ઠપકો આપશે, દંડો મારશે, ભગાડી મૂકશે! બાકી સજા નહીં થાય!
ખરેખર જેલમાં જવું જ હોય તો સાદો અને સીધો રસ્તો ચોરી કરવાનો છે! પણ જેલમાં જવાનો હેતુ સિદ્ધ કરવા માટે એક તમાશારૂપે પણ ચોરી કરવાનું જ્યોર્જ ઓરવેલને પસંદ ના પડ્યું. તેણે તો ટ્રફાલગર સ્કવેરમાં આગનું તાપણું કર્યું! પેલા મિત્રે કહ્યું હતું તેમ પોલીસવાળાઓએ પકડીને છોડી દીધો પણ જેલનો લહાવો ના મળ્યો!

જ્યોર્જ ઓરવેલ વિશ્વવિખ્યાત લેખક પછી બન્યો. એણે ત્રીસ વર્ષની ઉંંમરે વેઠેલી નિષ્ફળતા અને નિરાશાની દશામાં જે જે અખતરા કર્યા તે વખતે તો તેણે આ તખલ્લુસ પણ ધારણ કર્યું નહોતું! તે ત્યારે તો ઇરીક બ્લેર નામનો એક અજાણ્યો માણસ જ હતો પણ જેલનો અનુભવ લેવા માટે તેણે જે પ્રયોગ કર્યો તેમાંથી તેને આટલું જાણવા મળ્યું કે જેની પાછળ પડીએ તે દૂર ભાગે છે!

પીછો પકડીને આ નસાડવાની શક્તિ એક રચનાત્મક બળ બની શકે છે. તમે જ્યારે ખુલ્લી છાતીએ નિષ્ફળતાને બાથ ભરવા તૈયાર થાઓ છો ત્યારે ઘણુંખરું તે તમારી સાથે કુસ્તી કરવા આવતી જ નથી! આવું કેમ બને છે તેનો કોઇ તર્કશુદ્ધ ખુલાસો મળી શક્યો નથી.

એક અગર બીજું બનવાની જે પચાસ-પચાસ ટકાની શક્યતા હોય છે તેનું જ કાંઇક ગણિત અહીં લાભકારક રીતે કામ આપતું જોઇ શકાય. અલબત્ત, આછા-પાતળા અનુમાન તરીકે જ આવો ખુલાસો ચાલી શકે. માણસે સૈકાઓના અનુભવમાં એવું જાણ્યું છે કે કેટલીક ચીજોનો પીછો કરવાથી તે દૂર ભાગે છે અને તમે જ્યારે તેનાથી દૂર ભાગો છો ત્યારે તે તમારી પાછળ દોડે છે!

- ભૂપત વડોદરિયાના પુસ્તકમાંથી ચૂંટેલા લેખસંગ્રહ....

Thursday, 4 June 2015

તમારા કિસ્મતની લગામ તમારા હાથમાં લો


ચીલીના કવિ પેબ્લો નેરુદાનું એક કાવ્ય છે: ‘હું કદાચ તેને ચાહતો હતો, કદાચ હું તેને ચાહતો નહીં હોઉં, પ્રેમ બહુ ટૂંકો હતો પણ તેને ભૂલી જવાની વાત બહુ લાંબી ચાલી!’ 

જુવાન માણસ પોતાની જિંદગીની એક કલ્પનામૂર્તિ ઘડે છે. જિંદગીની આ સ્વપ્નમૂર્તિને તે ચાહે છે. જિંદગીની એ આદર્શ મૂર્તિ અને વાસ્તવિક જિંદગી વચ્ચે અંતર વધતું જ જાય છે. પેલી મૂર્તિથી એ દૂર ને દૂર ચાલ્યો જાય છે. એક વાર એ કલ્પનામૂર્તિને ખૂબ ચાહી હોય છે, પછી તેને ભૂલવા એ કોશિશ કરે છે. પેલી મૂર્તિ વારે વારે તેને યાદ આવ્યા કરે છે અને ભૂલવાની કોશિશ સ્વયં જ વધુ તીવ્ર યાદ બની જાય છે. અડધી જિંદગી વીતી ગયા પછી પણ એ મૂર્તિ વારે વારે મનની ક્ષિતિજ પર વીજળીની જેમ ઝબક્યા કરે છે.

માણસની જિંદગીના આદર્શરૂપ એક હજાર હોઈ શકે છે. જિંદગીના આરંભે માણસ પોતાની જિંદગીની એકસો કલ્પનાકુંડળી કાઢી શકે છે. સેલ્વેડોર ડાલી નામના ચિત્રકારે તેની આત્મકથામાં લખ્યું છે-નાનો હતો ત્યારથી નેપોલિયન બનવાનું સ્વપ્ન હતું. ડાલી ચિત્રકાર બન્યો, નેપોલિયન તો ના બન્યો પણ અંગત સંબંધોમાં, દુનિયા સાથેના સંબંધોમાં તેનો વહેવાર લગભગ નાનકડા નેપોલિયન જેવો લાગે છે. જે કોઈ તેના પરિચયમાં આવે તેને એ પીડા જ આપે છે. બીજાને પીડા આપવામાં તેને કાંઈક વિચિત્ર આનંદ આવે છે. ઘણાબધા જાણ્યે-અજાણ્યે બીજાઓને-પોતાના આપ્તજનો સહિતના તમામ સંબંધીઓને-નાની કે મોટી પીડા આપ્યા કરે છે. પોતાની ઈચ્છા મુજબનો એક હસીન ખ્યાલ પોતાની જિંદગી વિષે ઊભો કરવો તેમાં કાંઈ ખોટું નથી, પણ આ ખ્યાલ જિંદગીના છોડને બાંધી દેનારું એક લોખંડી પાંજરું બની જાય ત્યારે પોતાની જાત સાથે જ એક અથડામણ જાગે છે. કેટલાક નક્કી કરેલા નકશામાં જિંદગીને આલેખી શકે છે, પણ આવું તો બહુ થોડા માણસોની બાબતમાં જ બની શકે. મોટા ભાગના માણસોને તો પોતાની જિંદગી સાથે એવી રીતે કામ પાડવાનું આવે છે કે જાણે રાત કાપવા માટે કોઈ ધર્મશાળામાં અજાણ્યા વટેમાર્ગુ સાથે ગંજીફાની બાજી રમવા બેઠા! માણસ માટે ખાસ વિકલ્પ હોતા નથી અને તેણે પોતાના વિશે કરેલી પૂર્વ-કલ્પના મુજબની રમત તો તે ગોઠવી જ શકતો નથી.

સામાન્ય રીતે માણસ એવો અનુભવ કરે છે કે તેના કિસ્મતે, તેના સંજોગોએ, તેની લાચારીએ તેને બરાબર ડોકમાંથી પકડી લીધો છે અને જ્યાં દોરી જાય ત્યાં દોરાઈ જવું પડે છે! પણ ઈતિહાસમાં કેટલા બધા માણસોએ કિસ્મતની લગામ પોતાની ડોક કે મોંમાંથી કાઢી નાખીને પોતાના કિસ્મત ઉપર જ જાણે ચઢાવી દીધી છે. સર વોલ્ટર સ્કોટની ઐતિહાસિક નવલકથાઓમાં પાણીદાર અશ્વો કુદાવનારા નાયકોનાં રંગ નીતરતાં સાહસો વાંચનારને ખબર નથી હોતી કે વોલ્ટર સ્કોટ નાની ઉંમરે પગ વગરના થઈ ગયા હતા!
સમરસેટ મોમની સરળ અને શબ્દકોશને પૂછવા જવું ના પડે તેવી રીતે વાંચી શકાતી પ્રવાહી શૈલીમાં ભીંજાઈ જનારા માણસને ખબર જ ના પડે કે મોમની પોતાની જીભ તોતડાતી હતી અને બહુ જ લાંબી કષ્ટદાયક કસરત કરીને તેણે પોતાની જીભને ઠીક ઠીક સીધી કરી હતી!

માણસ જ્યારે પોતાના જીવનના આદર્શ ચરિત્રની કલ્પના કરવા બેસે છે ત્યારે ખરેખર તો તે આદર્શ સંજોગોની કલ્પના કરતો હોય છે! આદર્શ સંજોગો કદી સંભવી શકતા નથી એટલે આવા સંજોગોનો વિયોગ અનુભવીને એ રડે છે! પણ કેટલાક માણસો પ્રતિકૂળ સંજોગોની ભુલભુલામણીમાં કેમ આગળ જવું અગર આગળ ન જવાય ત્યારે પણ કઈ રીતે નાસીપાસ ના થવું અને ટકી રહેવું તેનો જ ખ્યાલ કરીને પોતાની જાતને ઘડે છે.

આવો માણસ જિંદગીના ફળનાં જે કંઈ રસ-કસ છે તે ઠીક અંશે પામે છે. પાકી લીંબોળીની પણ એક મીઠાશ છે પણ પાકી લીંબોળી મોંમાં હોય ત્યારે દ્રાક્ષના વિચાર કરીને અને દ્રાક્ષ મોંમાં આવે ત્યારે પાકી લીંબોળીનો વિચાર કરીને કેટલાક મજા મારી નાખે છે. જિંદગી જેમ જેમ ઉકેલાતી આવે તેમ તેમ તેનું ભરતગૂંથણ કરવું તેમાં મજા છે, પણ જિંદગીના આ તાણાવાણા સુતરાઉ કાપડના નહીં, રેશમના હોત તો સારું હતું, તેના વસવસામાં સુતરાઉની શોભા ખોઈ બેસવાનો કંઈ અર્થ નથી. 
- લેખકના પુસ્તકમાંથી

Sunday, 24 May 2015

દેખાવ પરથી નહીં, ગુંજાશ પરથી માણસનું માપ નીકળે

એક સીધોસાદો દેખાતો ડૉક્ટર આપણી સામે ઊભો હોય ત્યારે શસ્ત્રક્રિયાના એ નિષ્ણાતની, તેની કાબેલિયતની કોઈ બાહ્ય નિશાની આપણે પકડી શકતાં નથી! અબ્રાહમ લિંકનને જોઈ વિચાર આવે કે, આ ગરીબ અને ગાલ બેસી ગયેલો, બહુ દેખાવડો નહીં તેવો માણસ ગુલામોનો મુક્તિદાતા હતો? આલ્બર્ટ આઇન્ટાઇનનાં અવ્યવસ્થિત વાળ અને કપડાં, એનું ભુલકણાપણું અને તેની રીતભાત જોઈને સવાલ થાય કે આ જ મહાન વૈજ્ઞાનિક?

 માણસનો દેખાવ, તેનું સ્થૂળ વ્યક્તિત્વ, તેનાં બાહ્ય લક્ષણો કે તેના જીવનની ‘હકીકતો’ સાથે તેના આત્મબળનો, તેની સર્જનશક્તિનો, તેનાં કૌશલ અને વિદ્યાનો, તેનાં ખમીર અને હિંમતનો કોઈ તાળો મળતો નથી અને છતાં આપણે સતત તેનો મેળ બેસાડવા મથ્યા કરીએ છીએ! કોઈ રહસ્ય હાથમાં આવતું નથી, કોઈ ચાવી જડતી નથી! આપણને લાગે છે કે, કંઈક ચમત્કાર જેવું બન્યું છે! ટોલ્સ્ટોયને નેપોલિયન સમજાતો નથી. તે બધો ખુલાસો નેપોલિયનના જમાનાના સંજોગો અને ઘટનાઓમાં શોધે છે! માંડ પાંચ ફૂટનો આ માણસ યુરોપને ધ્રુજાવી શકે તે વાત માની શકાતી નથી! આજે પણ જર્મનીના એડોલ્ફ હિટલર અંગે આવી જ લાગણી થાય છે! એક ગરીબ, ધૂની અને રેલવે ગાર્ડ જેવો લાગતો માણસ શી રીતે ‘હિટલર’ બન્યો? પોણા ત્રણ વર્ષ સુધી તેણે આ યુરોપ ઉપર પોતાનો ઝંડો શી રીતે ફરકતો રાખ્યો?

આપણે સવાલો કરતા રહીએ છીએ, પણ આપણે સાથે ભૂલી જઈએ છીએ કે, અણુનાં કદ અને આકૃતિ પરથી તેની અમાપ શક્તિનો અંદાજ આંગળીના વેઢાની સીધી સાદી ગણતરીથી કાઢવાનું શક્ય જ નથી! એક નાનકડું પંખી તેના નાનકડા કદ પરથી સાબિત કરી શકે તેમ જ નથી કે તે આકાશની કેટલી ઊંચાઈ અને કેટલો પંથ સર કરી શકે છે. એક નાનકડા જીવડાની કૂદકો મારવાની શક્તિ જમીન પરના તેના રંગઢંગ જોઈને કલ્પી પણ શકાતી નથી! મહાન શક્તિનું આસન એક રાઈ જેટલું કે એક બિંદુ જેટલું નાનકડું હોઈ શકે છે એટલે વાત માણસની હોય કે ગમે તેની, તેના દેખાવ પરથી નહીં, તેની ગુંજાશ પરથી જ તેનું માપ નીકળી શકે! એક સામાન્ય દેખાવનું, દૂબળું-પાતળું સાધારણ બુદ્ધિનું બાળક આગળ ઉપર એક સમર્થ વ્યક્તિ બની જાય એવું શક્ય છે!

 માણસના ઉપલક દેખાવ અને તેના આંતરિક દૈવતને કોઈ સંબંધ છે કે નહીં, હોય તો શું સંબંધ હશે તે કળવું કે કહેવું મુશ્કેલ છે. દેખાવ પરથી અંદાજ બાંધવો નહીં તે જ ડહાપણભર્યું છે. વધુ આગળ જઈએ તો એમ કહી શકાય કે, માણસે ખુદ પોતાની ‘લઘુતા’ અને ‘લાચારી’ પરથી પોતાનામાં કંઈ જ નહીં હોય તેવું માની લેવાની જરૂર નથી. એવું બને છે કે, કેટલાક માણસો મોરની જેમ ધરતી ઉપર રૂપાળા લાગે છે - તેમનાં રંગીન પીંછાંની શોભા ચિત્ત હરી લે છે, પણ આ મોર આકાશમાં ઊંચે ઊડી ન શકેે! ધરતી ઉપર દમામ વગરનું લાગતું કોઈ પંખી આકાશમાં કોઈ નવું જ વ્યક્તિત્વ પ્રગટ કરી દે તેવું બને છે. આ પૃથ્વી પર સૌથી મોટી વૈજ્ઞાનિક શોધ ‘જીવન’ની છે અને જીવન એટલું વ્યાપક અને વિસ્મયકારી છે કે તેનાં પરાક્રમોને પામવાનું, તેની ગુંજાશને માપવાનું માણસની તાકાતની બહારનું છે! નરી આંખે નહીં દેખાતાં એક સૂક્ષ્મ જંતુમાં ‘મોત’નો પયગામ હોઈ શકે છે અને એવી જ રીતે એક સૂક્ષ્મ કણમાં પ્રાણ આપવાની શક્તિ પણ હોઈ શકે છે! માણસનો પોતાનો અરીસો પોતાની અંદર જ છે અને એ અરીસામાં તે વધુ ઊંડી નજરે કશુંક શોધી શકે છે અને જાહેર પણ કરી શકે છે. બહારના દેખાવ ઉપર આપણે બહુ વારી જઈએ છીએ એટલે અંદરની સજ્જતાની ઝાઝી સમજ પડતી નથી!

આવી સજ્જતા બહાર પડીને પોતાનો કંઈક ‘રંગ’ દેખાડે ત્યારે આપણું મોં આશ્ચર્યથી ફાટી જાય છે! કાળી માટીનો આ ઘાટઘૂંટ વગરનો એક પિંડ આટલી બધી શક્તિનો પાતાળકૂવો કેવી રીતે હોઈ શકે? મૂળ કોઈક પર્વતમાં છે અને પર્વત ગમે તેટલો ઊંચો હોય તો પણ નદી છેવટે જ્યાં પહોંચે છે તે દરિયાનો પરિચય પર્વત આપી શકે તેમ નથી.

ભૂપત વડોદરિયાના લેખસંગ્રહમાંથી પસંદ કરેલા લેખો.....