Wednesday 25 July 2012

લોહીના સંબંધમાં લાગણીનો રંગ ઘુટાવો જોઇએ........


એક યુવાન ફરિયાદ કરે છે. મારો સગો ભાઈ મારા કરતાં એના મિત્ર માટે વધુ લાગણી રાખે છે. એવું નથી કે એનો મિત્ર વધુ લાયક છે. છતાં તેને હંમેશાં વિશેષ લાગણી એના માટે જ થાય છે. સગા ભાઈ સાથે જે સારો વહેવાર કરવો જોઈએ તે બધો જ તે મારી સાથે કરશે, કારણ કે મારો ભાઈ બહુ ચકોર છે. વહેવારકુશળ માણસ છે, એટલે સમજે છે કે જો સગા ભાઈ સાથે સારો દેખાય તેવો વહેવાર ન કરીએ તો તુરત સગાંસંબંધીઓને તેનો ખ્યાલ આવી જાય. લોકલાજના હિસાબે ઉપર ઉપરથી હેત બતાવે. મને એ સમજાતું નથી કે સગા ભાઈ કરતાં ભાઈબંધ વધુ વહાલો લાગે તેનું કારણ શું? શું ભાઈબંધે તેને કાંઈ આપી દીધું છે? કંઈ મોટો ઉપકાર કર્યો છે? શું કોઈ ખાસ મદદ કરી છે? લોહીના સંબંધમાં કેમ બિલકુલ ખેંચાણ નથી? મારામાં શી ખામી છે?
આવી જ પીડા એક બીજી યુવતી વ્યક્ત કરે છે ઃ તમને ખબર છે કે હું ફલાણા ભાઈની સગી બહેન છું! બહેન પ્રત્યેની એક ફરજ બજાવવાની હોય તે બજાવે. સગાંસંબંધીની નજરે યોગ્ય લાગે તે માટે ઉપર ઉપરથી થોડો વહેવાર કરે, થોડો દેખાવ કરે, પણ સગી બહેન પ્રત્યે જે પ્રેમ હોવો જોઈએ તે ક્યાં? મારા માટે તે અડધા અડધા નહીં થઈ જાય. તેમની એક બીજી બહેન છે. આ બહેન સગી બહેન નથી, કાકાની દીકરી કે મામાની દીકરી પણ નથી. પણ એ બહેન માટે મારા ભાઈ અડધા અડધા થઈ જવાના! હું સગી બહેન બાંધું એ રાખડી પાઈની, એ પારકી બહેન રાખડી બાંધે એ સવા લાખની! મનની માનેલી બહેન! ધર્મની બહેન! કોઈ કોઈ વાર તો મારું લોહી ઊકળી ઊઠે છે. થાય છે કે નક્કી દાળમાં કાંઈક કાળું હશે! બાકી એક બહેન તરીકે મારી લાગણીમાં, મારી વર્તણૂકમાં શું ખોટું છે?
લોહીના સંબંધમાં આપણે બધું જ સામી વ્યક્તિની ફરજ ગણી લઈએ છીએ. તે જે કંઈ કરે તે ઓછું જ કહેવાય તેમ ગણીએ છીએ. આથી પરસ્પરની કદર કરીને લાગણીનો સંબંધ વિકસાવી શકતા નથી. સગો ભાઈ કે સગી બહેન  તે સ્વતંત્ર વ્યક્તિ છે. તેથી તેની મનહૃદયની ભૂખપ્યાસ, તેની રુચિ, ખ્યાલો બધું જ પોતાના કરતાં જુદું પડી જવાનો પૂરો સંભવ હોય છે. તેથી લોહીનો સંબંધ ભૂંસાઈ કે ભુલાઈ જતો નથી, પણ લાગણીના નવા સંબંધોને તે બાંધે છે અને તેમ કરવાનો તેને હક્ક છે. ભાઈ અને ભાઈબંધ બંને અલગ આધાર છે. તેની તુલના કે સ્પર્ધાનો સવાલ જ ન હોય. કૃષ્ણને સગી બહેન સુભદ્રા માટેે સ્નેહ છે, પણ જે સગી બહેન નથી તેવી દ્રૌપદી માટે કંઈક વિશેષ ભાવ છે. લાગણીની લેણદેણના આ સંબંધનાં મૂળ જોવાતપાસવાનું મુશ્કેલ બને છે.
નવલકથાકાર દોસ્તોવસ્કી જ્યારે કિશોર હતો ત્યારે તેની સગી માતા મરી ગઈ. સગી માતા માટે તેણે શોક ધારણ ન કર્યો પણ કવિ પુશ્કિન ગુજરી ગયા ત્યારે કવિ પુશ્કિન માટે શોક ધારણ કર્યો! દોસ્તોવસ્કી પોતાની સગી માતાને ધિક્કારતો હતો કે માતૃદ્રોહી હતો એવું અનુમાન કરવાની જરૂર નથી. દોસ્તોવસ્કીની માતા સાથેનો લોહીનો જે સંબંધ હતો તે લાગણીનો સંબંધ બન્યો જ નહોતો. આવા રૂપાંતરની કોઈ તક મળે તે પહેલાં માતા ચાલી ગઈ. અમેરિકન વાર્તાકાર અર્નેસ્ટ હેમિંગ્વે માતા સાથે લાગણીનો સંબંધ કદી બાંધી જ શક્યો નહીં. કોનો શો વાંક હતો તે નક્કી કરવું મુશ્કેલ છે.
તમે જન્મથી ભાઈ હો તો તમારે કર્મથી તમારી લાગણીની નક્કર ક્રિયાથી ફરી ભાઈ બનવું પડે છે. માત્ર રક્ષાબંધન કે ભાઈબીજના વહેવારથી ભાઈબહેન બનતાં નથી. એવી જ રીતે પિતાએ ફરી પિતાનો લાગણીનો પરવાનો રિન્યૂ કરવો પડે છે. આ બધું કર્યા પછી પણ એટલો ખ્યાલ કરવો જ પડે છે કે લોહીનો ગમે તેટલો ગાઢ અને લાગણીથી ઘૂંટેલો સંબંધ એકમાત્રઅને એકાધિકારબની ન શકે. આપણો લોહી કે લાગણીનો સંબંધ પાકો, પણ બીજી શાખા માટે થોડી જગ્યા છોડી દેવી જોઈએ. હું સારો પિતા રહી શકું અને સાથેસાથે મારા પુત્રને માટે પિતાતુલ્ય આદરની અધિકારીએવી બીજી વ્યક્તિ હોઈ શકે. એવી રીતે ભાઈ અને ભાઈબંધ બાબતમાં પણ બની શકે છે.
Panchamrut:  26-7-2012

Monday 23 July 2012

નીરોગીપણું એ લાંબી જિંદગી માટેનું પ્રમાણપત્ર નથી...................



નોર્વેના નોબેલ પારિતોષિક વિજેતા લેખક નટ હેમસનની અલગારીકથાઓ વિશે વાંચતો હતો તેમાં નટ હેમસનના જીવનની પણ ઘણી વિગતો વાંચી. ઈ. સ. ૧૮૫૯માં જન્મેલા આ નોર્વિજન લેખકની પ્રથમ નવલકથા હન્ગર’ (ભૂખ) ખૂબ વખણાયેલી. નટ હેમસન ગરીબ, રોટીના એક ટુકડાનો મોહતાજ પણ તદ્દન મસ્ત માણસ. પગરખાં વગરના પગે, જૂનાં જર્જરિત કપડાંમાં એ ખાલી ખિસ્સે ગમે ત્યાં ઘૂમ્યા કરે. અક્ષરશઃ યાત્રિક! જુવાન નટ હેમસન અમેરિકા ગયેલો અને ત્યાં લોહીની ઊલટીઓ થઈ. હેમસનને ઇસ્પિતાલમાં લઈ ગયા અને ક્ષયરોગનું નિદાન થયું. નટ હેમસને હસીને કહ્યું કે આવા રોગના દવાદારૂ કરવાના ફાજલ પૈસા મારી પાસે નથી! એમણે લખ્યું હતું, ‘તાજી હવા લઉં છું અને તાજી હવા મારાં ફેફસાંમાં ભરું છું.શું બન્યું એ તો કોણ જાણે પણ નટ હેમસન ક્ષયરોગથી મુક્ત થયો હોય કે ના થયો હોય, પોતાની રખડુ જિંદગીમાં ખાસ કંઈ ફેરફાર કર્યા વિના નેવું વર્ષથી વધુ જીવ્યો.

અંગ્રેજી ભાષાના એક સમર્થ નવલકથાકાર ટોમસ હાર્ડી પણ ઘણું બધું લાંબું જીવ્યા. બરાબર અઠ્ઠયાસી વર્ષ જીવ્યા અને ઘણી માંદગીઓમાંથી પસાર થયા. બેત્રણ માંદગી તો એવી આવી હતી કે તેમના જીવવાની આશા લગભગ છોડી દેવામાં આવી હતી, પણ એમનું આત્મબળ પણ એવું કે જાણે એ કોઈ પણ રોગની સામે હાર કબૂલ કરવા તૈયાર જ ન હતા. આપણે સૌ જાણીએ છીએ કે સારામાં સારી તંદુરસ્તી અને દાક્તરી પ્રમાણપત્ર અનુસારનું નીરોગીપણું લાંબી જિંદગીનો કોઈ વીમો નથી. આપણે તંદુરસ્ત માનેલા માણસોને આપણે અચાનક મૃત્યુ પામતા જોઈએ છીએ. અચાનક બેચાર દહાડાની તબિયતની કોઈ ગરબડમાં ચાલ્યા જતા જોઈએ છીએ. આપણામાં કહેવત છે કે નાના જાણીને કોઈ જીવતા નથી અને મોટા જાણીને કોઈ મરતા નથી. એટલે માણસનું આયુષ્ય ખરેખર અકળ બાબત છે. કોણ કેટલું જીવશે અગર ક્યારે તેનું મૃત્યુ થશે તે ચોક્કસપણે કોઈ કહી શકતું નથી. 
આમાં એક વાત ઘણી બધી નિશ્ચિતતા સાથે કહી શકાય એવી છે કે માંદગીની સામે ટક્કર લેવામાં દર્દીનું પોતાનું દ્રઢ મનોબળ વિજયવંત ભૂમિકા ભજવી શકે છે અને મૃત્યુની અનિવાર્યતાને પણ જાણે કે પાછી ઠેલી શકે છે. એ બધા પોતાના કાર્યમાં જ બરોબર પરોવાયલા રહ્યા છે. તબિયતની ગમે તેટલી અસહ્ય કનડગત અને આર્થિકસામાજિક સંજોગોની ગમે તેટલી પ્રતિકૂળતા વચ્ચે પણ આવી વ્યક્તિઓએ પોતાનું કાર્ય ચાલુ જ રાખ્યું છે. તેનું એક નોંધપાત્ર દ્રષ્ટાંત રશિયન નવલકથાકાર દોસ્તોવસ્કીનું ગણી શકાય. તેને વાઇનું દર્દ હતું અને તેનો હુમલો આવે ત્યારે તે દિવસો સુધી માંદો અને નિર્બળ બની રહેતો. તેના મૃત્યુ પામેલા ભાઈના કુટુંબનો ભાર, પોતાના કુટુંબનો ભાર અને આવકનું કોઈ નિશ્ચિત સાધન નહીં. વધુમાં નસીબ અજમાવવાની લાલચમાં તેણે કરેલું મોટું દેવું કઈ રીતે ચૂકવવું એની પણ સતત ચિંતા! લેણદારો સતત તંગ કર્યા કરે. તબિયત પરેશાન કર્યા કરે. આ બધા છતાં એ પોતે પોતાના લેખનકાર્યમાં પૂરી ગંભીરતાથી રાતદિવસ મચ્યો જ રહે! અત્યંત વિકટ સંજોગો વચ્ચે તેણે એક નવલકથા ધી ઇડિયટતો સાત વાર ફરી ફરીને લખેલી છે! 

માંદગી સામે અડીખમ મુકાબલો કરવામાં જેમ દ્રઢ મનોબળ વિધાયક ભૂમિકા ભજવે છે તેમ પોતાની કાર્ય પ્રત્યેની નિષ્ઠા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણા બધા લોકોને એવો અનુભવ થઈ ચૂકેલો છે કે પ્રવૃત્તિ  કોઈ ને કોઈ પ્રકારનું કાર્ય તે માણસ માટે માત્ર માનસિક ખોરાક જ નથી, તે માણસની શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં બળ પૂરનારું એક ઔષધ પણ છે. ઈંગ્લેન્ડના નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શોએ બહુ વર્ષો ભૂખમરો વેઠ્યો અને બર્નાર્ડ શોની જિંદગીનાં પ્રથમ ચાળીસ વર્ષ દરમિયાન જે દુઃખો અને દરિદ્રતા તેમને માથે આવી પડ્યાં, તે આસાનીથી વેઠી શકાય તેવી સારી તબિયત તો તેમની નહોતી જ પણ શુદ્ધ શાકાહારી બનીને, ચોક્કસ પ્રકારની શિસ્ત પાળીને તેમણે પોતાની તબિયત પાસેથી ધાર્યું કામ લીધું. મોં કટાણું કર્યા વિના અને હસતાં હસતાં!એમણે લોકોને કેટલાક પ્રશ્નોમાં ગંભીરતાથી વિચારતા પણ કર્યા અને સાથે સાથે એમણે લોકોને ખૂબ હસાવ્યા! એમની વિનોદવૃત્તિ, ધારદાર કટાક્ષો, વક્રોક્તિઓ આજે પણ આપણને જરાય વાસીલાગતાં નથી. બર્નાર્ડ શો પણ ખૂબ લાંબું જીવ્યા અને તબિયતના ગંભીર પલટાઓ સામે તેમણે હસતા ચહેરા સાથે જ મુકાબલો કર્યો!
-------------------------------------