Monday 24 June 2013

શ્રદ્ધાના તણખા વિના તર્ક અને ગણિત કંઈ ન કરી શકે



કેટલીક વાર આપણે અનુભૂતિની જે અપાર ગુંજાશ છે તેને બાજુએ મૂકીને 'ખુલાસા' શોધવાની બૌદ્ધિક રમતમાં પડી જઈએ છીએ અને ત્યારે આપણી બુદ્ધિની કસરતથી એક નજીવો આનંદ આપણને મળે છે, પણ તૃપ્તિ થતી નથી. પાણીનું પૃથક્કરણ કરીએ તો તે હાઇડ્રોજનના બે અંશ અને ઓક્સિજનના એક અંશના સંયોજનરૃપે સમજી શકીએ. આ વાતમાં વૈજ્ઞાનિક સત્ય છે એમ આપણે કહીએ પણ તેથી શું આ આખરી સત્ય ગણીશું? હાઇડ્રોજન અને ઓક્સિજનના વાયુસ્વરૃપ પરથી, તેના અલગ અલગ 'રંગ' કે સ્વાદ પરથી પાણીનું સ્વરૃપ, રંગ કે સ્વાદની કલ્પના થઈ શકશે? પાણીમાં જે જીવનદાયક શક્તિ છે તેનો અંદાજ આપી શકીશું

ખુશબોદાર રંગીન પુષ્પોમાં ખુશબો અને રંગ પાછળથી ઉમેરવામાં આવેલા ગુણો નથી. શ્રદ્ધા પણ બહારથી ચોંટાડી શકાય તેવી વસ્તુ કે નુસખો નથી. તે અંદરથી જ ઉદ્ભવી શકે તેમ જ વૃદ્ધિ પામી શકે. જે કાંઈ માણસે સિદ્ધ કર્યું છે તે માત્ર શુદ્ધ તર્ક કે બુદ્ધિથી નથી થયું. ત્યાં પણ શ્રદ્ધા અને સ્ફુરણાએ જ 'ચમત્કારો' કર્યા છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન સહિતના તમામ પ્રથમ કોટિના વૈજ્ઞાનિકોએ કબૂલ કર્યું છે કે જે કોઈ ક્રાંતિકારી શોધો તેમણે કરી, તે બધામાં તર્ક અને ગણિત પછી આવ્યાં. પહેલાં કંઈક 'ગંધ' આવી. કાંઈક 'સળવળાટ' થયો અને કાંઈક ઝબકારો થયો! એક ઝબકારામાં કશુંક નવું અને ઘણું બધું દેખાઈ ગયું! જો વૈજ્ઞાનિક સત્યો માટે પણ માત્ર તર્ક, ગણિત અને બુદ્ધિ પૂરતાં થઈ પડતાં ન હોય તો આખરી સત્યો માટે તો તેનો વિચાર જ શી રીતે થઈ શકે?

સ્વામી વિવેકાનંદનો ઇશારો સાચો છે કે ધર્મ કે ઈશ્વરના નામે માત્ર તમે ચોપડાનાં ચિતરામણો કર્યા કરો - માત્ર બુક એન્ટ્રીઝ બતાવ્યા કરો, આ ખાતામાંથી તે ખાતામાં રકમ ખેંચી જાણો તેથી કશો ખરેખરો વેપાર થતો જ નથી. તમે એક માણસ તરીકે માણસાઈનો - માનવતાનો કેટલો વેપાર કરો છો તેની ઉપર જ તમારી માણસ તરીકેની મૂડી અને પ્રતિષ્ઠા વધે. છેવટે આ બધો વેપાર તો પરમાત્માનો જ છે, કેમ કે તમે એક લાખ નવા ચોપડા શરૃ કરીને બેસો, પણ તમારો પોતાનો ચોપડો - આ દુનિયામાં તમારી જિંદગીનું ખાતું એ બંધ કરી દે એટલે તમારા બધા ચોપડા બંધ જ જાહેર કરવા પડે. વિવેકાનંદ આથી જ ધર્મના નામે નિષ્ઠુરતા કે વિવેકશૂન્યતા સ્વીકારવા તૈયાર નથી. માણસ ભૂખે મરતો હોય ત્યારે ગાયના ઘાસ માટે નાણાં આપવાનો આગ્રહ કરનારને તેઓ ઠપકો આપે છે.

માણસો 'ક્યાં છે ઈશ્વર?' ઈશ્વરને બોલાવી 'ઈશ્વરને હાજર કરો'ની બૂમો મારે છે. પહેલાં તો માણસે પોતે માણસ તરીકે પોતાની પૂરી હાજરી ભરવાની છે. માણસે પોતાની અંદર પૂર્ણપણે પ્રગટ થવાનું છે. સાચો માણસ પ્રગટ થાય છે ત્યારે ત્યાં ઈશ્વર પણ પ્રગટ થઈ જાય છે. તમે એક સાચા સૈનિક તરીકે લડો અને ન્યાય માટે, માણસને માટે લડો ત્યારે સૈનિક તરીકે તમે સેનાપતિની પણ શાન જાળવો છો. તેની પણ હાજરી સ્થાપિત કરો છો. તમે કદાચ હારી જાઓ, અગર માર્યા જાઓ - પણ તેથી તમારી હસ્તી મટી જતી નથી, કેમ કે તમારા વતી, તમારા પછી બીજા સૈનિક તમારું કામ હાથમાં લે છે અને આ રીતે જીવનની કૂચ આગળ ને આગળ ધપે છે.

બીજા વિશ્વયુદ્ધની બાબતમાં એવું કહેવાય છે કે જર્મનીના હિટલર અને ઇટાલીના મુસોલિનીના બધા હુકમો એમના સૈનિકો સુધી પહોંચ્યા નહોતા. નેપોલિયન માટે પણ આવું જ કહેવાતું. કેટલાક એવું કહે છે કે, આ લડાઈ ચર્ચિલ કે રૃઝવેલ્ટની યોજના પ્રમાણે જ ખરેખર લડવામાં આવી નહોતી. આપણને ઘણી વાર એવું લાગે છે કે ઈશ્વરના આટઆટલા પયગંબરો પછી પણ એ કોઈના હુકમો સૈનિકો સુધી પૂરેપૂરા પહોંચતા જ નથી કે પછી પહોંચ્યા છતાં કાને ધરવામાં આવતા નથી છતાં દરેક લડાઈમાં એવું જોવામાં આવ્યું છે કે ક્યાંક કોઈના હાથ અદૃશ્ય રીતે દરમિયાનગીરી કરે છે અને માણસને ઉગારી લે છે! આટલા વર્ષના ધર્મ પછી 'નવો માણસ' ઈશ્વરની છબી જેવો માણસ બની શક્યો નહીં. વિજ્ઞાન 'જિનેટિક એન્જિનિયરિંગ'થી નવો માણસ બનાવવા મેદાને પડ્યું છે, ત્યારથી તેની સારી-માઠી શક્યતાઓથી સામાન્ય માણસોથી માંડીને ચિંતકો-વિચારકોની વ્યગ્રતા વધવા માંડી છે, છતાં અત્યારે પણ કોઈક અદૃશ્ય હાથની દરમિયાનગીરીનો અહેસાસ થવા માંડ્યો જ છે.

Saturday 22 June 2013

મોત આવે ત્યાં સુધી જે કાંઈ સમય પોતાના હાથમાં છે તે તેણે ફેંકી દેવો-વેડફી નાખવો નહિ જોઈએ.



મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇને એની જિંદગીનાં છેલ્લાં ત્રીસ વર્ષ આ વિશ્વનાં તમામ રહસ્યો સમજાવી આપે તેવા કોઈ એક જ સિદ્ધાંતની ખોજ કરી - 'થિયરી ઓફ એવરીથિંગ' - દરેક ઘટનાને સમજાવી શકે તેવી એક ગુરુચાવી. એક એવો સિદ્ધાંત જેમાં બધા જ નિયમો ચંદરવામાં જડેલા આભલાની જેમ સુસંગત રીતે ગોઠવાઈ જાય.

આઇન્સ્ટાઇનને આવા કોઈ એક જ સિદ્ધાંતની ખોજ કરવામાં સફળતા મળી નહિ. હજુ આ ખોજ પૂરી થઈ નથી અને આજે પણ એક અગર બીજા પ્રકારના જુદા જુદા નિયમોના સ્વતંત્ર વર્ચસ્વ હેઠળ જાણે આ બ્રહ્માંડ ચાલતું હોય એવી છાપ પડે છે. વિજ્ઞાની આઇન્સ્ટાઇન પછી કોઈક એક જ સર્વોપરી - સર્વવ્યાપક સિદ્ધાંતની ખોજ એક બીજા માણસે હાથ ધરી છે. એ વિજ્ઞાની બ્રિટનનો છે અને એનું નામ સ્ટીફન હોકિંગ છે. સ્ટીફન હોકિંગ પાસે આવી મુશ્કેલ ખોજ હાથ ધરવાની યોગ્યતા શું? આમ જોઈએ તો તેની સૌથી મોટી યોગ્યતા તો તેનું દૃઢ મનોબળ કહેવાય. આ વૈજ્ઞાનિક પાસે સૌથી મોટી મૂડી તેનું મન છે. બીજા કોઈ માણસની જિંદગીમાં આવી દુર્ઘટના બની હોત તો તેણે કદાચ આત્મહત્યા જ કરી નાખી હોત.
ખુદ સ્ટીફન હોકિંગના શરીરે જ્યારે 'દગો' દીધો ત્યારે તેને પહેલી લાગણી તો આવી જ નરદમ હતાશાની થઈ હતી. સ્ટીફન હોકિંગ જ્યારે એકવીસ વર્ષનો જુવાન હતો ત્યારે અચાનક એક દિવસ એક રોગ એની ઉપર ત્રાટક્યો. આ રોગને 'મોટર ન્યુરોન ડિસીઝ' કહે છે. માણસના સ્નાયુઓ તથા જ્ઞાનતંતુઓ પરનો મગજનો અંકુશ ચાલ્યો જાય છે. ધીરે ધીરે સંપૂર્ણ શરીરને ઘેરી લેતા અસાધ્ય પક્ષાઘાતના રોગનો જ આ પ્રકાર છે. સ્ટીફન હોકિંગ ઊભો થઈ ન શકે, ચાલી પણ ન શકે, ટેબલ ઉપર પડેલો પાણીનો પ્યાલો પોતાના હાથથી ઊંચકીને પોતાના હોઠ સુધી લઈ જઈ ન શકે.
પણ શરીરથી બિલકુલ ભાંગી પડેલા આ માણસ પાસે એક મજબૂત મન છે. તેનું સૌથી મોટું શસ્ત્ર આ મન છે. દરેક માણસ માટે એ જ સાચું છે. જે જોઈ શકાતું નથી, પામી શકાતું નથી, સમજી શકાતું નથી એ મન મગજથી તો તદ્દન ભિન્ન છે. સ્ટીફન હોકિંગના મનમાં ગરબડ નહોતી. તેના મગજમાં ગરબડ હતી. એક 'ખોટકો' ઊભો થયો હતો. મગજના જે ખંડમાં વિચારશક્તિ વસે છે તેને કોઈ આંચ નહોતી આવી, મગજના જે ખંડમાં યાદશક્તિ વસે છે તેને કંઈ આંચ આવી નહોતી, પણ મગજના જે ખંડમાં શરીરના સ્નાયુઓ ઉપરના આદેશ-અંકુશનું તંત્ર રહેલું છે તેમાં ગરબડ થઈ હતી. એ હિસ્સો જાણે કે મરી રહ્યો હતો.

આવો એ માણસ, એને પણ આવી એક આકાંક્ષા જાગી - કોઈ એક જ સિદ્ધાંતની ખોજ! એની મંજિલ તો હજુ દૂર જ લાગે છે, પણ એનો માર્ગ સાચો હોય તેમ લાગે છે. વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગની જીવનકથા અને તેની ખોજની કથા અદ્ભુત છે. કેમ કે તે કાંઈક ગૂઢ રીતે મનુષ્યના મનની બ્રહ્માંડના રહસ્ય સુધી પહોંચવાની - પરમશક્તિ સુધી પહોંચવાની સંભવિત ત્રેવડનું જ એક દૃષ્ટાંત પૂરું પાડે છે.
સ્ટીફન હોકિંગનો જન્મ ઓક્સફર્ડ ખાતે ઈ.. ૧૯૪૨ની આઠમી જાન્યુઆરીના રોજ થયો હતો. તેનું મન અવકાશમાં ઘૂમતું હતું. શરીર ગંભીર માંદગીનાં ચિહ્નો પ્રગટ કરી રહ્યું હતું. પોતાના હાથે જોડાંની દોરી બાંધવામાં પણ તકલીફ પડતી હતી. બોલવામાંય તકલીફ પડતી હતી. દાક્તરોએ નિદાન કર્યું કે, 'એમિયોટ્રાફિક લેટરલ સ્લેરોસીસ' એટલે કે 'મોટર ન્યુરોન ડિસીઝ' લાગુ પડ્યો છે. આ પક્ષાઘાતનું જ બીજું નામ અને આમાં સ્પાઇનલ કોર્ડના નર્વસેલ્સનું વિસર્જન ઉત્તરોત્તર થવા માંડે અને શરીરના સ્નાયુઓની સ્વૈચ્છિક પ્રવૃત્તિને વ્યવસ્થિત ચલાવતા મગજના કોષોનું પણ વિસર્જન ઉત્તરોત્તર થવા માંડે છે.

આખરે ડોક્ટરોએ કહ્યું કે, તે વધુમાં વધુ બે વર્ષ જીવશે. સ્ટીફન હોકિંગને ભરજુવાનીમાં આ ફેંસલો સાંભળીને પ્રચંડ હતાશાનો - ડિપ્રેશનનો હુમલો આવ્યો.

પણ સ્ટીફન હોકિંગના આ રોગની વચ્ચે પણ જાણે કાંઈક વિરામ - કાંઈક સ્થિરતા જેવું આવ્યું. સ્ટીફન હોકિંગને થયું કે મોત આવે ત્યાં સુધી જે કાંઈ સમય પોતાના હાથમાં છે તે તેણે ફેંકી દેવો-વેડફી નાખવો નહિ જોઈએ. મિત્રો, કુટુંબીજનો, હોકિંગના શિક્ષક વગેરેએ તેને પ્રોત્સાહન આપ્યું અને હોકિંગના જીવનમાં કાંઈક જીવ આવ્યો. હોકિંગે પોતાનું કાર્ય શરૃ કર્યું. અનેક પુસ્તકો પણ લખ્યાં. આજે હજુ એ પોતાની શોધમાં વ્યસ્ત છે.

જિંદગીને સાચો પ્રેમ કરનારા માણસના દિલમાં સાચા પ્રેમીની એક નીડરતા જાગે છે.

જે જિંદગીને સાચા પ્રેમથી ચાહે છે એને પોતાના જીવતરની સામાન્યતા કે ગરીબાઈ, નિરુત્સાહી કે નાહિંમત કરતી નથી. પ્રેમની નજરથી જ તે પોતાની સાધારણ જિંદગીને સૌંદર્યસમ્રાજ્ઞીની છટા અને રુઆબ બક્ષી દે છે. જિંદગીનો સાચો પ્રેમ નથી, પણ માત્ર મોહ જ છે ત્યાં માણસને સુખ-સગવડભરી જિંદગી પણ જાતજાતની અપૂર્ણતાઓથી ભરેલી લાગે છે. તેને કોઈ સુરેખતા દેખાતી નથી. તેને માત્ર ખૂણા જ દેખાય છે અને જિંદગીની આકૃતિ ગમે તેટલી સુંદર હોય તો પણ તેના ખૂણા તેને વાગ્યા કરે છે.

જિંદગી પર સાચો પ્રેમ નથી ત્યાં માણસ નજીવામાં નજીવી બાબતમાંથી દોષ શોધી કાઢે છે. માણસને ઘણુંબધું મળ્યું હોય છતાં કંઈ મળ્યું નથી તેમ લાગ્યા કરે છે. તે સતત ફરિયાદ કર્યા કરે. નર્યો કંટાળો, નરી શુષ્કતા, બધું જ અર્થહીન! જિંદગી તેને ઠગારી સ્ત્રી લાગે છે. લૂંટનારો પોતે હોય છતાં લૂંટાઈ ગયાની લાગણી જ સતત ઊભરાયા કરે. જિંદગી પર સાચો પ્રેમ નથી, પણ માત્ર મોહ છે, માત્ર કબજો કરવાની વૃત્તિ છે એટલે દરેક માણસ તેને પ્રતિસ્પર્ધી લાગે છે. તે પોતાની જિંદગી જીવતો નથી. બીજા માણસોની જિંદગી જોઈજોઈને માત્ર ઈર્ષા જ ઊભરાય છે અને તે માત્ર ઈર્ષાની જિંદગી જ જીવે છે. તે પોતાની જિંદગીમાં મન પરોવતો નથી. તે પોતાના મનને ચેન પડવા દેતો નથી. તે બીજા માણસોની જિંદગીના ચોપડામાં કીડો બનીને જીવે છે. પાડોશી કે સંબંધી, સ્નેહી કે મિત્રની પત્ની કે પુત્રીના ગળામાં ખોટો હાર હોય તો પણ પોતાની સળગતી ઈર્ષાવૃત્તિથી તેમાં સાચું સોનું કે સાચા હીરા જુએ છે.
જિંદગીને સાચો પ્રેમ કરનારા માણસના દિલમાં સાચા પ્રેમીની એક નીડરતા જાગે છે. સાચા પ્રેમીની શ્રદ્ધા તેની અંદર ઝળહળી ઊઠે છે. ગમે તેવા વિકટ સંજોગોમાં પણ તેના હૈયામાં આશાનો હિમાલય અડગ રહે છે. જેટલે અંશે તાપ તેને ઓગાળે છે તેટલે અંશે તે વહેતો રહે છે, પણ તે ઓગળીને સંકોચાઈ જતો નથી. માણસની આશાઓ તો સતત બંધાતી રહે છે અને તૂટતી રહે છે, પણ મહત્ત્વની બાબત તો આશાના અતૂટ આચ્છાદનની છે.

વિલિયમ બ્લેક જેવો કવિ આ રીતે જીવી ગયો હતો. કોઈકે બ્લેકના વ્યક્તિત્વને આ રીતે ઓળખાવ્યું છેઃ વસંતમાં પુષ્પ અને પર્ણની શોભા પણ પાનખરમાં પુષ્પ અને પર્ણની સંપૂર્ણ શ્રદ્ધાની અપ્રગટ શોભા! પેલી પ્રગટ શોભા કરતાં પણ આ આશાનું રૃપ વધુ ચિત્તાકર્ષક! જિંદગીની મસ્તી એટલી ભારોભાર કે તેના શરીર પર ફાટેલું વસ્ત્ર હોય છતાં તેમાં ગરીબીની જીર્ણતા ન લાગે, પણ અમીર માણસની બેપરવાઈ લાગે!

ચહેરા પર જખમ છે, ડાઘ છે, પણ માર ખાઈ લે એવા માણસના જખમનાં આ નિશાન નથી. જિંદગીના કોઈક સંજોગો વાઘનું રૃપ લઈને આવ્યા ત્યારે તેની સામે ખુલ્લી છાતીએ લડેલા માણસનાં આ નિશાન છે- શૂરવીરતાનાં નિશાન! જિંદગી નામની એક અલ્લડ પ્રિયતમાએ મારેલા નહોરનાં નિશાન છે!
કેટલાક દલીલ કરે છે. અમે ખરેખર જિંદગી સાથે પ્રેમમાં છીએ છતાં કેમ અમારી નજર બદલાતી નથી? ક્યાંય રળિયામણો પર્વત દેખાતો નથી! આંખ ચોળી ચોળીને થાક્યા - બસ કદરૃપા પાણા જ દેખાય છે. કાંટા અને કાંકરા!

જ્યાં માત્ર પ્રેમમાં હોવાની લાગણી છે ત્યાં આવો વહેમ માણસને માત્ર દૂર ભાગતાં શીખવે છે. કોઈક ઝંખેલી સ્ત્રીથી દૂર ભાગે છે. કોઈક જિંદગીથી દૂર ભાગે છે. મુલાકાત ટાળે છે, તે જિંદગીનો મુકાબલો ટાળે છે. કોઈ માણસની જિંદગી એકલા એરંડા જેવી તો હોતી નથી - જિંદગી તો એકબીજાના ગળામાં હાથ નાખતી ડાળીઓનું વૃક્ષવન છે. મુકાબલો ટાળીને દૂર ભાગતું એક માનવવૃક્ષ પોતાની સાથે બીજા કેટલાયને હતાશ કરતું જાય છે - ભાંગતું જાય છે.

રશિયન વાર્તાકાર એન્ટન ચેખોવે એક વાર્તામાં એક પાત્રના મુખે આવા શબ્દો ઉચ્ચાર્યા છેઃ 'જિંદગીમાં આ સંસારમાં ઘણુંબધું ખરાબ છે, પણ ઘણુંબધું સારું છે! હજુ વધુ સારું આવશે! નિરાશ કરે તેવું ઘણું છે તેથી શું નિરાશ થઈ જવું? આશા રાખવાને ખાસ કોઈ કારણ ન હોય એટલે શું આશા ન રાખવી? કોઈ તક ન હોય તો તેલ લેવા જાય - શું ખરેખર જીવવાની તક જતી કરવી?'

સાચું પૂછો તો તમારી મઝા કોઈ લઈ ગયું નથી. તે ખરેખર ચોરાઈ ગઈ નથી. તમે પોતે જ તેને ક્યાંક આડા હાથે મૂકી દીધી છે. તમારા મનમાં જ તે ક્યાંક પડી છે. તે ક્યાંક આડીઅવળી મુકાઈ ગઈ છે, બાકી છે તો તમારી અંદર જ! બરાબર જુઓ, મનમાં જ છે અને તેને બહાર આવવા દો!

સર્વત્ર આ રૃપિયો જ જાણે ઈશ્વર સુધી પહોંચવાનું એકમાત્ર પૈડું હોય તેવું દેખાય છે.

રશિયાનો મહાન નવલકથાકાર ફાઇડોર દોસ્તોવસ્કી હજુ સત્તર વર્ષનો કિશોર હતો ત્યારે તેણે ઉંમરમાં એક જ વર્ષ મોટા અને એકમાત્ર મિત્ર જેવા તેના મોટાભાઈ મિખેઇલને એક પત્રમાં લખ્યું હતુંઃ 'માણસ એક રહસ્ય છે. એનો ભેદ પામવો જોઈએ અને એ રહસ્ય પામવામાં તમારે આખી જિંદગી વિતાવવી પડે તોપણ તમે એવું માનશો નહીં કે જિંદગી નકામી ગઈ છે. માણસનું આ રહસ્ય મારું સમગ્ર મન રોકી રહ્યું છે, કેમ કે મારે માણસ બનવું છે.'

દોસ્તોવસ્કીની છ દાયકાની જિંદગી જાણે માણસને પામવા માટેની એક કોશિશ જેવી લાગે છે. તે લેખક તરીકે મહાન બન્યો, પણ તેનું રહસ્ય પણ એ જ કે તે માણસના હૃદય સુધી પહોંચવાની સતત મથામણ કર્યા કરે છે. આમ જુઓ તો એની જિંદગી દુઃખના એક દરિયા જેવી છે. તદ્દન અદનો માણસ છે. કોઈ પણ સામાન્ય માણસ જેવો જ વહેમી છે, એવો જ ઢીલો છે, લઘુતાગ્રંથિથી પીડાય છે, આત્મવિશ્વાસની કમી છે - પણ જેવી કસોટી-કટોકટી સામે આવી કે તરત તે એકદમ ટટ્ટાર, મક્કમ અને પોલાદી બની જાય છે. આખી જિંદગી એ દેવાદારનો દેવાદાર રહ્યો- પંચાવન વર્ષની ઉંમરે તેણે નાનકડું ઘર ખરીદ્યું- પોતાની માલિકીનું આ એનું પહેલું અને છેલ્લું ઘર. જિંદગીમાં નહીં નહીં તોય વીસ વાર પોતાનું સરનામું બદલવું પડ્યું હતું. શાહુકારો તેના લોહીના તરસ્યા હતા અને એ અહીંથી તહીં સંતાકૂકડી રમ્યા કરતો હતો, પણ એ તો જિંદગીને જુદી રીતે જ જોતો હતો. એને મન તો જિંદગી 'માણસનું રહસ્ય' પામવા માટેની એક વિકટ યાત્રા હતી

પોતે જીવતો છે તે હકીકત જ તેને પરમ આશ્ચર્ય જેવી લાગતી હતી. તે વારંવાર પોતાની જીભ જોયા કરતો. તે વારંવાર પોતાની નાડી પણ તપાસ્યા કરતો. તેને વાઈનું દરદ હતું અને શ્વાસની તકલીફ હતી. તબિયતની બીજી નાની-નાની ગરબડોનો પાર નહોતો. એના દાદા પાદરી હતા- તેથી જ કદાચ જિંદગીનાં અસહ્ય દુઃખો વચ્ચે પણ તે કોઈ ઊંડી શ્રદ્ધાના બળે અડગ અને ભાંગી ગયા વગર ઊભો રહી શક્યો હશે. તેના પિતા દાક્તર હતા

જિંદગીભર એ પ્રતિકૂળ સંજોગો સામે લડતો રહ્યો હતો અને જિંદગીની અનેક પીડાઓ અને પ્રશ્નોને કાગળ ઉપર આલેખવા મથતો રહ્યો હતો. એના સંજોગોનો ગેરલાભ ઉઠાવવામાં કોઈએ કશું બાકી રાખ્યું નહોતું, પણ દોસ્તોવસ્કી મોટા ભાગે પોતાની સર્જનપ્રવૃત્તિમાં જ આશ્વાસન અને આશ્રય શોધતો રહ્યો હતો. દોસ્તોવસ્કી સમાજવાદમાં માને છે, પણ એનો સમાજવાદ ઈસુ ખ્રિસ્તનો સમાજવાદ છે. એક માણસ બીજા માણસને પોતાના જેવો જ ગણે, એની પ્રત્યે કરુણા દાખવે તો માણસની અને આ સંસારની સિકલ બદલાઈ જાય.

પણ માણસ માણસની સાથે કરુણાનો વહેવાર રાખતો નથી. તે ઈશ્વરને મદદ કરવા તૈયાર છે, પણ માણસને મદદ કરવા તૈયાર નથી! તેને એટલો ખ્યાલ પણ આવતો નથી કે ઈશ્વરને માણસની મદદની કોઈ જરૃર નથી. તે ભૂખ્યો હોય તોય તમારા ભાવનો ભૂખ્યો હોઈ શકે છે, બાકી તમારી કાળી કે ધોળી લક્ષ્મીની એને કંઈ જરૃર નથી, મથુરામાં કંસના કારાવાસમાં જ્યાં કૃષ્ણનો જન્મ થયો હતો તે કૃષ્ણની જન્મભૂમિ તમને બતાવવા માટે બિચારા કેટલાય ગરીબ જુવાનો પડાપડી કરે છે. યાત્રીને મૂંઝવી દે છે. બસ પાંચ જ રૃપિયા/દસ જ રૃપિયા! તમને કૃષ્ણની ભૂમિ બતાવું, સરસ દર્શન કરાવું. બીજાં જોવાલાયક સ્થળો પણ બતાવું! હું ભિખારી નથી, હું ગરીબ વિદ્યાર્થી છું! તે છોકરો ખરેખર વિદ્યાર્થી હોવાનો પુરાવો પણ રજૂ કરે છે. તમે વૃંદાવનમાં જાઓ કે ગોકુળમાં જાઓ - એક બાજુ ભગવાનની મૂર્તિ પાસે નાણાંનો ઢગલો થયા કરે છે અને બીજી બાજુ આ ગરીબ કિશોરો-જુવાનો પાંચ-દસ રૃપિયા માટે ટળવળે છે. ગોકુળમાં તો માત્ર પાંચ રૃપિયાના બદલામાં, કંસના કારાવાસમાંથી મેઘલી રાતે શિશુ કૃષ્ણને લઈને યમુના નદી પાર કરીને સામા કાંઠા પર જે સ્થળે વસુદેવ આવી પહોંચ્યા હતા તે સ્થળ બતાવવા એક યુવાન અતિ ઉત્સુક હતો, પણ બીજો યુવાન પોતાનો હક છીનવાઈ ગયો હોય તેમ પેલા યુવાનની મારપીટ કરવા સુધી પહોંચી ગયો. માત્ર પાંચ જ રૃપિયા માટે! આ તો બિચારા લાચાર ગરીબ જુવાનો છે. તેમને કાંઈક કામ જોઈએ છે, પણ કશું કામ મળતું નથી એટલે આવી રીતે ભોમિયાની ભૂમિકા ભજવવા મથી રહ્યા છે, પણ કોઈ પણ મંદિરની અંદર પગ મૂકો - માખીઓની જેમ માણસો યાત્રીઓને ચોંટી પડે છે. પચાસ રૃપિયા આપો - તમને તદ્દન નજીકથી દર્શન કરાવું! સો રૃપિયા આપો - તમને મૂર્તિની ખૂબ નજીક લઈ જાઉં!

કોઈને એટલું સમજાતું નથી કે ઈશ્વરને ધનની આવી કોઈ જરૃર નથી. ધાર્મિક સ્થાનો બાંધવાની રીતસર હરીફાઈ આપણા દેશમાં જુદા જુદા પંથના સમર્થકો વચ્ચે ચાલ્યા જ કરે છે - સર્વત્ર આ રૃપિયો જ જાણે ઈશ્વર સુધી પહોંચવાનું એકમાત્ર પૈડું હોય તેવું દેખાય છે.