Thursday 25 October 2012

કોઈ જિંદગી અમીર કે ગરીબ નથી હોતી………………

કોઈ જિંદગી અમીર કે ગરીબ નથી હોતી………………
 આપણે જોઈએ છીએ કે કેટલાક માણસો કલાકો સુધી કામ કરે છે. થાકીને લોથ થઈ જાય છે. પૂરી ઊંઘ પામતા નથી, પૂરતું ભોજન પણ પામી શકતા નથી હોતા અને છતાં આજે પણ આવા કેટલાક માણસો એટલી મોજથી અને એટલી મસ્તીથી જીવતા હોય છે કે આપણને એમ લાગે છે કે તેનામાં શરીરના અને મનના થાકને માણવાની પણ ત્રેવડ છે. તે ઊંઘને જરૂર ચાહે છે, ઝંખે છે પણ ઉજાગરાને પણ માણી શકે છે. રશિયાના મશહૂર નવલકથાકાર ફાઈદોર દોસ્તોવસ્કીએ એની નવલકથા, લગભગ દરેક નવલકથા ચાર-ચાર વાર લખી છે. એક વાર્તા લખીને પછી ફરીને સુધારી સુધારીને લખવાનું કામ ભારે કંટાળાજનક હોય છે. પાંચસો કરતાં વધુ પાનાંની એક નવલકથા દોસ્તોવસ્કીએ પાંચ વાર લખી પણ છઠ્ઠી વાર લખી ના શક્યો તે અંગે અફસોસ વ્યક્ત કરતાં લખે છેઃ છઠ્ઠી વાર લખી શક્યો હોત તો મને ખૂબ સંતોષ થાત. છઠ્ઠી વાર લખી ના શક્યો, કેમ કે હમણાં તબિયત એકદમ નરમ છે. નાણાંની મુશ્કેલી, તબિયતની મુશ્કેલી, બધી જ મુશ્કેલી જોતાં વાચકો મને માફ કરે એવું તો કેમ કહેવાય, પણ ચલાવી લેશે તેવી આશા જરૂર રાખી શકું!

મોબી ડીકના લેખક તરીકે અમેરિકાના હરમાન મેલ્વીને આજે જગતના શ્રેષ્ઠ નવલકથા-કારોની પંક્તિમાં મૂકવામાં આવે છે, પણ તેણે જયારે આ વાર્તા ઉપર પોતાની બધી જ શક્તિ કામે લગાડી ત્યારે તેને ભવિષ્યની કોઈ ર્કીતિ કે કદરની કશી કલ્પના પણ નહીં હોય. મેલ્વીન સફળ લેખક નહોતો. તે નિષ્ફળ કે ખાસ નોંધપાત્ર નહીંએવો લેખક ત્યારે ગણાતો હતો.

આજે આપણે અમેરિકાના અબ્રાહમ લિંકન વિશે ઘણું જાણીએ છીએ. ગુલામોના મુક્તિદાતા અને અમેરિકાના એક મહાન પ્રમુખ તરીકે આપણે તેમને જરૂર પિછાનીએ પણ તે જયારે એક નિષ્ફળ અને ગરીબ માણસ હતા ત્યારે પણ તેમણે એક વ્યવસાયી વકીલ તરીકે નામ માત્ર ફી લઈને પણ કેટલી એકાગ્રતા અને મહેનત કામે લગાડ્યાં હતાં તે જાણવા જેવું છે. લિંકન દેખાવમાં કદરૂપાહોવાની છાપ પાડતા. કપડાં પણ ગરીબ માણસના અને જિંદગીના પ્રતિકૂળ સંજોગોને લીધે તેમનું મન ગ્લાનિમાં અને નિરાશામાં ડૂબી જતું. કેટલાકને જેમ શરદીનો કોઠો હોય છે તેમ લિંકનને નિરાશાનો જ કોઠો, પણ આ માણસ તેની સામે બરાબર લડ્યા. 

લિંકનની જુવાનીના દિવસોમાં તે એક યુવતીના પ્રેમમાં હતા. યુવતી અચાનક મૃત્યુ પામી અને લિંકન શોકમાં ડૂબી ગયા ત્યારે આત્મઘાતક વૃત્તિઓ એટલી જોરમાં હતી કે લિંકનના મિત્રો તેનાં ગજવાં તપાસતા-રખે છરી-ચાકુ તેની પાસે હોય અને તે પોતાનું ગળું કાપી બેસે! પણ લિંકન જાતે જ પોતાની આ નિરાશા અને આત્મઘાતની વૃત્તિઓ સામે લડ્યા. લિંકન કહે છે કે બહારનો ટેકો બહુ જૂજ હતો પણ ટેકા વગર ચાલે તેવું નહોતું એટલે અંદરથી ટેકા ઊભા કર્યા. પળે પળે નિષ્ફળતા મળતી હતી એટલે મનની અંદર સફળતાની એક શ્રદ્ધા ઊભી કરી. લિંકનના હજાર રમૂજી ટૂચકાઓની પાછળ સાચાં આંસુઓની અનેક માળાઓ પડી છે. ખરો મુદ્દો છે તેની મૂળભૂત ભાવનાનો. જીવનને, ઘરને, સમાજને, ધરતીને અને આકાશને ચાહવાની એની ઊડી લગનનો. એથી જયારે તમે જીવનના કેન્દ્રસ્થાને આ ભાવનાને બરાબર સ્થાપો છો ત્યારે બહારના સંજોગો, કમનસીબીઓ, પ્રતિકૂળતાઓ, જાતજાતની ઊણપો અને બંધનો બધું જ પાર કરીને તમે જીવનના આનંદ અને તૃપ્તિની પૂરી ગુંજાશ અજમાવી શકો છો.

જયારે જીવનના કેન્દ્રસ્થાને તમે આવી ભાવનાને સ્થાપી શકતા નથી ત્યારે તમારી લાખ સફળતા છતાં તમે અંદરખાને ભાંગેલા અને હતાશ જ રહો છો. તમે સફળ બનો ત્યારે પણ અંદર ક્યાંક કડવાશ ટપકી પડે છે, કારણ કે તમે તો જિંદગીને ધિક્કારતા જ રહ્યા છો એટલે જિંદગી જયારે તેની ખુશીનો ખજાનો ખુલ્લો કરશે ત્યારે તમને અગાઉના તમારા ખાલીખમ પટારાઓનું જ ચિત્ર તમારા આંતરિક દૃશ્યપટ ઉપર દેખાશે! તમારી પોતાની જીતને જ તમે મનાવી નહીં શકો-દુનિયાને તમે ગમે તે મનાવો.

જિંદગીને ચાહનારી વ્યક્તિને નાનામાં નાની ભેટ મોટી બક્ષિસ લાગે છે. જિંદગીને ધિક્કારનારી વ્યક્તિને મોટામાં મોટું ઈનામ વેર વસૂલ કરીને મેળવેલા વળતર જેવું લાગે છે. કેટલાક માણસોને તમે તેમની સફળતાની, સુખની, યશની પળોમાં પણ કડવાશ વાગોળતા જોશો તો તેનું કારણ તેમના મનમાં ઊંડે ઊંડે પડેલો ધિક્કાર જ હોય છે. પોતાને મળેલી સફળતા માટે તેઓ પોતાની જાતને પણ માફ કરી નથી શકતા! જાણે ખુદ પોતાની જ અદેખાઈ કરવાના કામે લાગી જાય છે.

ફ્રાન્સના મશહૂર નિબંધલેખક મોન્ટેઈને ક્યાંક એવા મતલબનું કહ્યું છેઃ કોઈ જિંદગી અમીર કે ગરીબ નથી હોતી. જિંદગીની અમીરી કે ગરીબીનો આધાર તેના જીવનારા પર છે.

-          ભૂપત વડોગરિયાના પુસ્તકમાંથી

Thursday 18 October 2012

માણસનું અભયસ્થાન તે પોતે જ છે...........

માણસનું અભયસ્થાન તે પોતે જ છે...........

 જર્મન લેખક હરમાન હેસ તેની સિદ્ધાર્થનવલકથા માટે ભારતીય વાચકોમાં વિશેષ જાણીતા છે.
હરમાન હેસની વાર્તાઓ, સંસ્મરણો અને નિબંધો વાંચનારને એમ લાગે કે આ માણસનો આત્મા ભારતનો કે કંઈક ચીનનો જ હશે. હેસને ભારતીય તત્ત્વજ્ઞાન અને ધર્મ માટે ઊંડી લગની હતી. ૮૫ વર્ષની ઉંમરે ઈ. સ. ૧૯૬૨માં એમનું અવસાન થયા પછી તે હજુ તેની કોઈ ને કોઈ કૃતિ માટે જિજ્ઞાસા અને રસ જગાડ્યાં જ કરે છે. હરમાન હેસે એમની સાડા આઠ દાયકાની જિંદગીમાં ઘણાં સુખદુઃખ જોયાં હતાં, ઘણી ચડતીપડતી જોઈ હતી. યુરોપની યુવાન પેઢીના એ પયગંબર પણ બન્યા હતા અને પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીના લશ્કરવાદનો વિરોધ કરીને નિર્માલ્ય દેશદ્રોહી લેખક જેવી ગાળ પણ તેમણે ખાધી હતી અને હડધૂત પણ થયા હતા.

તેમણે એક જગ્યાએ લખ્યું છે કે, ‘મેં તનમનથી ઘણી પીડા વેઠી છે. અને છેવટે પીડાનો સ્વીકાર ખુલ્લા દિલે કરતાં મારી જાતને હું શીખવી શક્યો ત્યારે જ મને શાંતિ અને ચેનનો અનુભવ થઈ શક્યો હતો. મેં જોયું છે કે માણસ પીડાથી દૂર ભાગે છે, તેનાથી બચીને ચાલે છે, તેને ગમે તે રીતે ટાળવા મથે છે તેથી તે વધુ દુઃખી થાય છે. પીડા તેને અકારી લાગે છે, પીડાનો ડર લાગે છે તેથી તે નાહિંમત થઈ જાય છે. જે પીડાથી ડરતો નથી, તેની કલ્પના કરીને તે ભડકતો નથી અને પીડાનો સામનો કરવા તત્પર રહે છે તેને પીડાથી પરેશાન થવું પડતું નથી. એક એવી સ્થિતિ આવે છે જ્યારે તેને પીડા સંગીત જેવી લાગે છે. ખરેખર એ સંગીત એટલા માટે છે કે તે કોઈક કરુણ ગીત માટે પણ હૃદયની વીણાના તારને તંગ અને તેજીલા કરી આપે છે. 

હરમાન હેસ કહે છે કે, ‘જીવન સાથે આવા સમાધાન પર આવતાં પહેલાં મારે મારી જાત સાથે ખૂબ લડવું પડ્યું છે. હું કેટલીક વાર બૂરાઈનાં દ્વાર પરથી પાછો ફર્યો છું. કેટલીક વાર પાગલખાના સુધી પહોંચીને પાછો ફર્યો છું અને કેટલીક વાર મોતના દરવાજેથી પાછો આવ્યો છું. એવી જ રીતે મેં ઘણી બધી વાર ક્યાંક શાંત એકાંત ખૂણો શોધ્યો છે. શાંત અને સલામત ગુપ્ત સ્થાન, જ્યાં મને કોઈ શોધી શકે નહીં, પરેશાન કરી શકે નહીં! પણ આવો શાંત એકાંત વિસામો મને ક્યાંય મળ્યો નથી. સ્વિટ્ઝર્લેન્ડની સૌંદર્યભૂમિમાં આટલાં બધાં વર્ષો રહ્યો પણ ત્યાં પણ ક્યાંય આવું આશ્રયસ્થાન જડ્યું નથી. છેવટે આવું આદર્શ અભય સ્થાનમળ્યું. બહાર નહીં, પણ મારા મનની અંદર! અંતરની આ ગુફા જેવું શાંત, એકાંત, સલામત સ્થળ બીજે ક્યાંય સંભવી શકતું નથી. મારું આ આશ્રયસ્થાન એવું છે કે ત્યાં બીજું કોઈ પહોંચી શકતું નથી. મારા અંતરની ગુફામાં કોઈ તોફાન પ્રવેશી શકતું નથી, કોઈ આગની ઝાળ ત્યાં પહોંચી શકતી નથી. ગમે તેવું દારુણ યુદ્ધ ત્યાં કશો સંહાર કે વિનાશ નિપજાવી શકતું નથી. મારી પોતાની અંદર એક નાનકડો કમરો, એક નાનકડી પેટીએક નાનકડું પારણું!

હરમાન હેસે તેમની નોંધપોથીમાં એક બીજી વાત કહી છે કે, ‘માણસ વિચાર કરે છે અને સ્વપ્નની કોક મંઝિલ જુએ છે  આ લાંબા પંથમાં કોઈક ઠેકાણે એવું તીર્થધામ આવી જાય કે જ્યાં શાંતિથી, આનંદથી, ચિંતા વિના, આરામથી જીવી શકાય! અચળ સુખનો આવો વિસામો માણસ ઝંખે છે, પણ આવો તો કોઈ ટાપુ કદી જીવનસાગરમાં ક્યાંય હોતો જ નથી. બહુ વિચાર કરતાં લાગ્યું કે આવું અંતિમ સુખશોધવાની મથામણમાં આપણે ઊલટા વધુ દુઃખી થઈએ છીએ. સોનાની ખાણ અને હીરાઝવેરાતની ખાણની શોધમાં આપણે જે રઝળપાટ કરીએ છીએ તેને લીધે આપણી આંખ સામે જ જે નાનાં નાનાં આનંદઝરણાં વહી રહ્યાં હોય છે તે જોવાનું ચૂકી જઈએ છીએ. સંસારવહેવારની ભુલભુલામણીમાંથી ઘડીક વાર મન બહાર કાઢીને તમે તમારી આંખ સામેની સૃષ્ટિ જ જુઓ. મેં કેટલીક વાર મારી પોતાની ઉપાધિઓના કૂવામાંથી કૂદકો મારીને બહાર નીકળી જવાનું પસંદ કર્યું છે. કોઈક વાર બધું ભૂલીને આપણે જાણે બીજા કોઈ ગ્રહ ઉપરથી પૃથ્વીની મુલાકાતે આવ્યા હોઈએ એ રીતે બધું જ વિસ્ફારિત આંખે જોવાનો પ્રયાસ કરીએ તો આપણને અચંબો થાય. એક દૂબળો પણ સુડોળ બાંધાનો કૂતરો મોજથી ઊભો છે  કોઈક વૃક્ષની ડાળીઓ અજબ મસ્તીથી પવનને ભેટે છે અને પાંદડાં જાણે અંદર અંદર હસે છે! આકાશ તો જાણે નવા ને નવા, વધુ ને વધુ રંગીન તાકા ખોલીને તહેરતરેહનાં વસ્ત્રો લહેરાવે છે!

ભૂપત વડોદરિયાના પુસ્તકમાંથી

જિંદગીમાં તમારા ભાગે આવેલું પાત્ર તમારે સાક્ષીભાવે જ ભજવી લેવું.........

જિંદગીમાં તમારા ભાગે આવેલું પાત્ર તમારે સાક્ષીભાવે જ ભજવી લેવું......... 

રવીન્દ્રનાથ  ટાગોરે પોતાના જીવન વિશે વાત કરતાં કહ્યું  છે કે, ‘જિંદગીમાં કાંટાઓ ઊગે છે, પછી જયારે ફૂલ આવે છે ત્યારે કાંટા સાર્થક બની જાય છે. કાંટા વાગે, લોહી નીકળે, પીડા થાય ત્યારે એમ થાય કે કાંટા શા માટે? માત્ર કાંટા જ કેમ? ફૂલ આવે ત્યારે કાંટાનો ડંખ ભુલાઈ જાય છે અને કાંટાની હસ્તીમાં કાંઈક અર્થ દેખાય છે.

લગભગ દરેક માણસની આ કથા છે. દુઃખ આવે, આપત્તિ આવે, અવરોધ આવે, સમસ્યા આવે ત્યારે મન ગભરાય છે. હૃદયમાં નિરાશા વ્યાપી જાય છે, પણ એક જ છોડ પર કાંટા અને ફૂલ બંને ઊગે છે. કાંટા અને માત્ર કાંટા જ ઊગે ત્યારે કદીક ફૂલ પણ આવશે તેવું માની શકાતું નથી. કાંટાની જેમ ફૂલ પણ એક હકીકત છે અને એ પણ હકીકત છે કે કાંટા અને ફૂલ બંને નિશ્ચિત મુદતનાં જ મહેમાન છે. તખ્તા કે પડદા ઉપર આપણે જોઈએ છીએ તેવી એક દૃશ્યમાળા આ જિંદગી છે. ડોન કિહોટેનો સર્જક સર્વાન્ટિસ આ વાત સૌથી વધુ સારી રીતે જાણે છે. આથી એ કહે છે કે, ‘નાટકમાં એક નટ રાજાનો પોશાક પહેરે છે, એક માણસ નોકર-દરવાનનો પોશાક પહેરે છે, એક નટી રાણી બનીને ઊભી રહે છે. બીજી એક નટી દાસીના સ્વાંગમાં આવે છે. ખેલ પૂરો થતાં બધાં નટ-નટીઓનાં એ નાટકનાં વસ્ત્રો ઉતારી નાખવામાં આવે છે. મોટી અને નાની ભૂમિકા ભજવનાર બધાં જ એક જ હરોળમાં આવી જાય છે. મૃત્યુનો પડદો પડે છે અને રાજા, રાણી, નોકર અને દાસી બધાં જ એક જ કબ્રસ્તાનમાં પોઢી જાય છેએટલે તમારો પાઠ તમે ઓતપ્રોત થઈને ભલે બરાબર દીપાવો, તેનાં આનંદ અને પીડા પણ જરૂર વ્યક્ત કરો, પણ પાઠને, પોશાકને કે પીડાને બહુ હૃદય સરસાં ચાંપવાની જરૂર નથી. કોઈ પણ આનંદ કે પીડાને આપણા શરીરની ત્વચાની જેમ પહેરવાનાં ના હોય. બહુ ચુસ્ત રીતે પહેરેલું વસ્ત્ર ગમે તે બનાવટનંુ હોય, માણસને તે તંગ કરે છે. કપડાં આપણે માપનાં જ પહેરીએ અને એ પણ જરા ખૂલતાં પહેરીએ. કોઈ કીમતી હાર ગળાફાંસાની જેમ પહેરી શકાય નહીં.

એક માણસ બેઠો છે. ત્યાં એક બીજો માણસ સુખનો ચહેરો લઈને આવે છે અને બીજો એક માણસ દુઃખનો ચહેરો લઈને આવે છે. મૂળ માણસને થાય છે કે સુખના ચહેરાવાળો ઝાઝી વાર બેસે તો સારું અને દુઃખના ચહેરાવાળો જલદી રવાના થાય તો સારું! મૂળ માણસ જો આટલું યાદ રાખે કે હું પણ મહેમાન જ છું અને મારે પણ છેવટે જવાનું  જ છે તો સુખનો ચહેરો આંખમાં પકડી રાખવાની જરૂર નહીં રહે અને દુઃખના ચહેરાને વિદાય કરી દેવાનો અજંપો નહીં રહે!

એક યુવાન ઈજનેર હતો. યુવાન એક સુંદર યુવતીના પ્રેમમાં હતો. યુવતી તેને મળી નહીં. હૃદય હતાશાથી ભરાઈ ગયું. એક ક્ષણ તો એમ લાગ્યું કે હવે જીવી શકાશે નહીં. બીજી ક્ષણે થયું કે મારી અંદર જે એક કૌશલ છે, કલા છે, શક્તિ છે તે તેને બતાવતો જાઉં! યુવાન ઈજનેરે આપઘાતનો વિચાર માંડી વાળ્યો ને પોતાના જીવનદીપને વધુ ઝળહળતો બનાવવાનું નક્કી કર્યું. એણે એક અશક્ય લાગતું કામ હાથમાં લીધું. તેણે સુએઝની નહેર બનાવી. એ ફ્રેન્ચ ઈજનેરનું નામ  હતું લેસેપ્સ. ઈજનેરની પ્રેયસી રાજકુમારને પરણી હતી. તેણે જયારે નહેર જોઈ ત્યારે તેને પોતાના પ્રેમીના હૈયાનો કાંઈક તાગ મળ્યો. એક વિરાટ પુરુષાર્થનું રૂપ લઈને અહીં સાક્ષાત્ પ્રેમપુરુષ ઊભો હતો, પ્રેયસીનું મસ્તક નમી પડ્યું.
એક ભગ્નહૃદયી યુવાને એક ફિલસૂફને કહ્યુંઃ મારા માટે જીવવાનું અશક્ય છે.ફિલસૂફે કહ્યું- માણસ માટે જીવવાનું અઘરું છે અને મરવાનું પણ અઘરું છે, પણ કદાચ વધુ અઘરું કામ જીવવાનું છે. જેને જીવવાનું અઘરું કામ આવડી જાય છે તેને પછી મરવાનું અઘરું કામ પણ આવડી જાય છે, સહેલું લાગે છે.યુવાને દલીલ કરીઃ પણ જિંદગીમાં શું છે? થોડુંક લોહી બોલે છે, થોડીક લાગણી બોલે છે. થોડાંક સ્મિત વેરાયેલાં છે. વધુ તો આંસુઓનું ઝાકળ જ છે. આમાં નવું શું છે? ધર્મશાળા જેવી આ ઈમારતમાં કેટલા માણસો આવ્યા, રહ્યા અને ગયા? છે કંઈ નવું જોવાનું?’

ફિલસૂફ જવાબમાં કહે છેઃ કશું જ નવું નથી, પણ જિંદગીની મિજલસને નિસબત છે ત્યાં સુધી તમે સાવ નવા છો અને એટલે આખી આ મિજલસ અનોખી બની જાય છે. તમે નહીં હો ત્યારે પણ આ બધું તો હશે જ, પણ તમે નહીં હો એટલે તમને લાગેવળગે છે ત્યાં સુધી અહીં કશું જ નહીં હોય! તમે છો તો બધું જ છે, તમે નથી તો કંઈ જ નથી. બરાબર જીવ્યા વિના મરવું તે ભૂખ વગર ભોજન કરવા જેવું છે. તમે તમારી ઈચ્છાથી આ સંસારમાં આવ્યા નથી. તમે તમારી ઈચ્છાથી આ દુનિયા છોડી શકો એવો ખ્યાલ એક મિથ્યાભિમાન છે. તમારે મોતની પાછળ પડવાની જરૂર નથી. એ એના પોતાના સમયે અચૂક આવશે. મોત જે તમારા માટે છેક અજાણ્યું છે તેને આટલા વહાલા થવાની તમારે શી જરૂર? મોત તો ઘૂંઘટમાં પોતાનો ચહેરો રાખે છે. જિંદગીનો હસતો કે રડતો ચહેરો સહેજસાજ પણ તમારા માટે પરિચિત છે તો તેને વધુ વહાલા થાવ ને!

- ભૂપત વડોગરિયાના પુસ્તકમાંથી -

Tuesday 16 October 2012

લોહીના સંબંધોની સાથે લાગણીનો રંગ પણ ઘૂંટાવો જોઇએ....








લોહીના સંબંધોની સાથે લાગણીનો રંગ પણ ઘૂંટાવો જોઇએ....  
 એક યુવાન ફરિયાદ કરે છે. મારો સગો ભાઈ મારા કરતાં એના મિત્ર માટે વધુ લાગણી રાખે છે. એવું નથી કે એનો મિત્ર વધુ લાયક છે. છતાં તેને હંમેશાં વિશેષ લાગણી એના માટે જ થાય છે. સગા ભાઈ સાથે જે સારો વહેવાર કરવો જોઈએ તે બધો જ તે મારી સાથે કરશે, કારણ કે મારો ભાઈ બહુ ચકોર છે. વહેવારકુશળ માણસ છે, એટલે સમજે છે કે જો સગા ભાઈ સાથે સારો દેખાય તેવો વહેવાર ન કરીએ તો તુરત સગાંસંબંધીઓને તેનો ખ્યાલ આવી જાય. લોકલાજના હિસાબે ઉપર ઉપરથી હેત બતાવે. મને એ સમજાતું નથી કે સગા ભાઈ કરતાં ભાઈબંધ વધુ વહાલો લાગે તેનું કારણ શું? શું ભાઈબંધે તેને કાંઈ આપી દીધું છે? કંઈ મોટો ઉપકાર કર્યો છે? શું કોઈ ખાસ મદદ કરી છે? લોહીના સંબંધમાં કેમ બિલકુલ ખેંચાણ નથી? મારામાં શી ખામી છે

આવી જ પીડા એક બીજી યુવતી વ્યક્ત કરે છે:  તમને ખબર છે કે હું ફલાણા ભાઈની સગી બહેન છું! બહેન પ્રત્યેની એક ફરજ બજાવવાની હોય તે બજાવે. સગાંસંબંધીની નજરે યોગ્ય લાગે તે માટે ઉપર ઉપરથી થોડો વહેવાર કરે, થોડો દેખાવ કરે, પણ સગી બહેન પ્રત્યે જે પ્રેમ હોવો જોઈએ તે ક્યાં? મારા માટે તે અડધા અડધા નહીં થઈ જાય. તેમની એક બીજી બહેન છે. આ બહેન સગી બહેન નથી, કાકાની દીકરી કે મામાની દીકરી પણ નથી. પણ એ બહેન માટે મારા ભાઈ અડધા અડધા થઈ જવાના! હું સગી બહેન બાંધું એ રાખડી પાઈની, એ પારકી બહેન રાખડી બાંધે એ સવા લાખની! મનની માનેલી બહેન! ધર્મની બહેન! કોઈ કોઈ વાર તો મારું લોહી ઊકળી ઊઠે છે. થાય છે કે નક્કી દાળમાં કાંઈક કાળું હશે! બાકી એક બહેન તરીકે મારી લાગણીમાં, મારી વર્તણૂકમાં શું ખોટું છે?

લોહીના સંબંધમાં આપણે બધું જ સામી વ્યક્તિની ફરજ ગણી લઈએ છીએ. તે જે કંઈ કરે તે ઓછું જ કહેવાય તેમ ગણીએ છીએ. આથી પરસ્પરની કદર કરીને લાગણીનો સંબંધ વિકસાવી શકતા નથી. સગો ભાઈ કે સગી બહેન  તે સ્વતંત્ર વ્યક્તિ છે. તેથી તેની મનહૃદયની ભૂખપ્યાસ, તેની રુચિ, ખ્યાલો બધું જ પોતાના કરતાં જુદું પડી જવાનો પૂરો સંભવ હોય છે. તેથી લોહીનો સંબંધ ભૂંસાઈ કે ભુલાઈ જતો નથી, પણ લાગણીના નવા સંબંધોને તે બાંધે છે અને તેમ કરવાનો તેને હક્ક છે. ભાઈ અને ભાઈબંધ બંને અલગ આધાર છે. તેની તુલના કે સ્પર્ધાનો સવાલ જ ન હોય. કૃષ્ણને સગી બહેન સુભદ્રા માટેે સ્નેહ છે, પણ જે સગી બહેન નથી તેવી દ્રૌપદી માટે કંઈક વિશેષ ભાવ છે. લાગણીની લેણદેણના આ સંબંધનાં મૂળ જોવાતપાસવાનું મુશ્કેલ બને છે.

નવલકથાકાર દોસ્તોવસ્કી જ્યારે કિશોર હતો ત્યારે તેની સગી માતા મરી ગઈ. સગી માતા માટે તેણે શોક ધારણ ન કર્યો પણ કવિ પુશ્કિન ગુજરી ગયા ત્યારે કવિ પુશ્કિન માટે શોક ધારણ કર્યો! દોસ્તોવસ્કી પોતાની સગી માતાને ધિક્કારતો હતો કે માતૃદ્રોહી હતો એવું અનુમાન કરવાની જરૂર નથી. દોસ્તોવસ્કીની માતા સાથેનો લોહીનો જે સંબંધ હતો તે લાગણીનો સંબંધ બન્યો જ નહોતો. આવા રૂપાંતરની કોઈ તક મળે તે પહેલાં માતા ચાલી ગઈ. અમેરિકન વાર્તાકાર અર્નેસ્ટ હેમિંગ્વે માતા સાથે લાગણીનો સંબંધ કદી બાંધી જ શક્યો નહીં. કોનો શો વાંક હતો તે નક્કી કરવું મુશ્કેલ છે.

તમે જન્મથી ભાઈ હો તો તમારે કર્મથી તમારી લાગણીની નક્કર ક્રિયાથી ફરી ભાઈ બનવું પડે છે. માત્ર રક્ષાબંધન કે ભાઈબીજના વહેવારથી ભાઈબહેન બનતાં નથી. એવી જ રીતે પિતાએ ફરી પિતાનો લાગણીનો પરવાનો રિન્યૂ કરવો પડે છે. આ બધું કર્યા પછી પણ એટલો ખ્યાલ કરવો જ પડે છે કે લોહીનો ગમે તેટલો ગાઢ અને લાગણીથી ઘૂંટેલો સંબંધ એકમાત્રઅને એકાધિકારબની ન શકે. આપણો લોહી કે લાગણીનો સંબંધ પાકો, પણ બીજી શાખા માટે થોડી જગ્યા છોડી દેવી જોઈએ. હું સારો પિતા રહી શકું અને સાથેસાથે મારા પુત્રને માટે પિતાતુલ્ય આદરની અધિકારીએવી બીજી વ્યક્તિ હોઈ શકે. એવી રીતે ભાઈ અને ભાઈબંધ બાબતમાં પણ બની શકે છે.

Bhupat Vadodaria
*****