Friday 12 October 2012

માણસે પોતાના ભાગ્ય માટે પોતાનામાં વિશ્વાસ તો મુકવો જ પડશે.........

માણસે પોતાના ભાગ્ય માટે પોતાનામાં વિશ્વાસ તો મુકવો જ પડશે.........

પરમ ભૌતિકવાદી અને પરમ અધ્યાત્મવાદી એક જ જાતનું વર્તન કરતા લાગે છે. ભૌતિકવાદીને આત્મામાં, પરમાત્મામાં કશામાં વિશ્વાસ નથી. તે સુખસગવડનાં નક્કરસાધનો પોતાની છાતી સામે ખડકે છે અને આ આનંદના મહાયજ્ઞનો હેતુ પોતાની જાતને રીઝવવાનો જ હોવાનું કબૂલ કરે  છે! બીજાઓનું જે થવું હોય તે થાય, દુનિયા જાય જહાન્નમમાં, હું તો મારી જાતનું ભલું કરવા માગું છું! પરમ અધ્યાત્મવાદી પણ લગભગ આવો જ રસ્તો પકડેે છે. માણસ, દુનિયા, તેના દુઃખી જીવો આ બધાંને તે ભૂલવા માગે છે. તે એક ગુફામાં કે પોતાના મહેલના એકાંતવાસમાં ચાલ્યો જાય છે અને પોતાની આસપાસના જીવોના નિસાસા કે કલ્પાંત સાંભળવાની સાફ ના પાડે છે! પોતાના આધ્યાત્મિક જ્ઞાનથી તેણે જે રોકેટ છોડ્યું છે, જે ઉપગ્રહ તરતો મૂક્યો છે તેના સંદેશા પકડવામાં તેને રસ છે!

મોટા ભાગના લોકો અલબત્ત, આદત અને વ્યવહારનાં સલામત પગથિયાંને પકડી રાખે છે. કૌટુંબિક અને સામાજિક જીવનના બાંધેલા મંડપની વચ્ચે એ પોતાની જીવનવેલને બરાબર ઊંચે ચઢાવવામાં માને છે. આ લોકો જિંદગીને કારકિર્દીના ચોકઠામાં બરાબર ગોઠવે છે. પહેલાં બરાબર ભણવું, પછી પરણવું અને પછી બરાબર કમાવું અને બરાબર આબરૂ મેળવવી.

જે કાંઈ નાનાં-મોટાં કર્તવ્યોની જવાબદારી વ્યવહારિકરીતે પોતાની ગણાતી હોય તે બરાબર બજાવવી, પણ જિંદગીના લાંબા પ્રશ્નપત્રમાંથી અમુક ચોક્કસ સવાલો પસંદ કરીને એ જવાબ આપવા બેસે છે ત્યારે પણ તેને કામયાબી નથી મળતી ત્યારે તેને અગાઉ કદી નહીં જાગેલો સવાલ ઊઠે છે-આ કેવી પરીક્ષા? આ કેવું પરિણામ? હું બરાબર ભણ્યો, મહેનત કરીને સચ્ચાઈથી ભણ્યો છું. લગ્ન કર્યાં, પત્નીને બરાબર ન્યાય આપ્યો છે. બાળકો થયાં. પ્રત્યેક બાળકનું બરાબર ધ્યાન રાખ્યું છે. ફરજ પ્રમાણે દરેક કામ કરી આપ્યું છે. જિંદગીના પસંદ કરેલા આ થોડાક મુખ્ય સવાલો બરાબર હાથ ધર્યા તો એ સવાલોમાંથી જ નહીં, જે સવાલો હાથ ધર્યા જ નહોતા તેમાંથી  પણ સેંકડો પ્રોબ્લેમ મારી ઉપર તૂટી પડ્યા! આમ કેમ, ભલા? મારા દફતરમાં તમે મારી કામગીરી વિશેની ગુપ્ત રિમાર્ક જોઈ લ્યો, મારા ઘરમાં મારી વર્તણૂકનો રિપોર્ટ તમે પત્ની-બાળકોને પૂછી લ્યો. મિત્રોમાં, મુરબ્બીઓમાં મારા વિશે માહિતી પૂછો-કોઈ ને કોઈ કંઈક ટીકા કરશે પણ પાસ માર્ક મૂક્યા વગર નહીં રહે! પણ મેં હાથ નહીં ધરેલા સવાલો આ રીતે મારી ઉપર ક્યાંથી તૂટી પડ્યા? આનો જવાબ કોણ આપશે? મારે આ માટે કોને પૂછવું? મારી નાસીપાસી, મારી પીછેહઠ, મારી હતાશાનો પાર નથી! નફો, ચોખ્ખો નફોગણીને જીવતો રહ્યો છું ત્યાં છેવટે નફો તો શું, અચોક્કસ આંકડાની ખોટ દેખાય છે! એ તો ઠીક, હિસાબ પણ બરાબર બેસતો નથી! સાચે જ, માણસની જિંદગી શું આટલી અર્થહીન, આટલી હેતુશૂન્ય, આટલી મિથ્યા હોઈ શકે? આ કઈ જાતનું કાવતરું! કાં તો આ કાવતરું ઉપરવાળાએ કર્યું હોવું જોઈએ! ઠીક છે ઉપરવાળા પાસે તો ફરિયાદ કે અરજી પહોંચાડવાના રસ્તાની જ મને ખબર નથી એટલે લાચાર! પણ મને શંકા પડે છે કે કદાચ મારાં સગાંસંબંધી, સાથી, ઓળખીતાઓમાંથી તો કોઈ મારી વિરુદ્ધ સંપી ગયા નહીં હોય ને? આવી શક્યતા કંઈ કાઢી નાખવા જેવી નથી!

આવો માણસ ભાગ્ય-દુર્ભાગ્યના વિચારમાં અટવાય છે, તે જયોતિષીને પૂછે છે, આટઆટલી મારી મહેનત, આટઆટલી મારી આવડત-વિદ્યા છતાં આવું કેમ? જયોતિષી પ્રસ્તાવનામાં જ કહે છે કે ઋષિમુનિઓ કહી ગયા છે કે સર્વત્ર ફલતિ ભાગ્યં! ન ચ વિદ્યા ન ચ પૌરુષં! વિદ્યા અને પુરુષાર્થનું કાંઈ ના ઊપજે! માણસનું ભાગ્ય જ ફળે છે! તમારું ભાગ્ય તમે ભોગવો!

દફતર-દિમાગનો આ માણસ પછી મિજાજ ગુમાવે છે. આ ભાગ્ય મારું અને આ ભાગ્ય તમારું નક્કી કોણે કર્યું? ભાગ્યનો નિર્ણય કોણ કરે છે? નિર્ણય કરતાં પહેલાં તે આખા કેસની બધી જુબાની લે છે ખરો! આ માણસ પકડાઈ ગયેલા બળવાખોરની જેમ નીચા મસ્તકે ભગવાનના મંદિરમાં હાજર થાય છે!
માણસે શા માટે જીવવું, કોના માટે જીવવું, કેવી રીતે જીવવુ શું મેળવવા માટે જીવવું અને તેની કોઈ 
અંતિમ પરીક્ષામાં તેને શાબાશી  કે શિક્ષા મળશે કે નહીં મળે અ બધા જ સવાલો ઉપર બુદ્ધિમાનોએ, તત્ત્વચિંતકોએ અને ધર્મના મર્મજ્ઞો અને વિજ્ઞાનશાસ્ત્રીઓએ ઘણુંબધું વિચાર્યું અને લખ્યું છે એમાં મનન કરવા જેવું ઘણું બધું છે. હું કે તમે ઈશ્વરમાં ના માનીએ તો તેથી બ્રહ્માંડમાં કે પૃથ્વી પર કોઈ ઉલ્કાપાત થઈ નહીં જાય પણ માણસે માણસમાં તો માનવું જ પડશે અને ઈશ્વર હોય તો ઈશ્વરને પણ માનવાનું મન થાય તેવા માણસ બનવું પડશે.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી
 

No comments:

Post a Comment