Thursday 18 October 2012

જિંદગીમાં તમારા ભાગે આવેલું પાત્ર તમારે સાક્ષીભાવે જ ભજવી લેવું.........

જિંદગીમાં તમારા ભાગે આવેલું પાત્ર તમારે સાક્ષીભાવે જ ભજવી લેવું......... 

રવીન્દ્રનાથ  ટાગોરે પોતાના જીવન વિશે વાત કરતાં કહ્યું  છે કે, ‘જિંદગીમાં કાંટાઓ ઊગે છે, પછી જયારે ફૂલ આવે છે ત્યારે કાંટા સાર્થક બની જાય છે. કાંટા વાગે, લોહી નીકળે, પીડા થાય ત્યારે એમ થાય કે કાંટા શા માટે? માત્ર કાંટા જ કેમ? ફૂલ આવે ત્યારે કાંટાનો ડંખ ભુલાઈ જાય છે અને કાંટાની હસ્તીમાં કાંઈક અર્થ દેખાય છે.

લગભગ દરેક માણસની આ કથા છે. દુઃખ આવે, આપત્તિ આવે, અવરોધ આવે, સમસ્યા આવે ત્યારે મન ગભરાય છે. હૃદયમાં નિરાશા વ્યાપી જાય છે, પણ એક જ છોડ પર કાંટા અને ફૂલ બંને ઊગે છે. કાંટા અને માત્ર કાંટા જ ઊગે ત્યારે કદીક ફૂલ પણ આવશે તેવું માની શકાતું નથી. કાંટાની જેમ ફૂલ પણ એક હકીકત છે અને એ પણ હકીકત છે કે કાંટા અને ફૂલ બંને નિશ્ચિત મુદતનાં જ મહેમાન છે. તખ્તા કે પડદા ઉપર આપણે જોઈએ છીએ તેવી એક દૃશ્યમાળા આ જિંદગી છે. ડોન કિહોટેનો સર્જક સર્વાન્ટિસ આ વાત સૌથી વધુ સારી રીતે જાણે છે. આથી એ કહે છે કે, ‘નાટકમાં એક નટ રાજાનો પોશાક પહેરે છે, એક માણસ નોકર-દરવાનનો પોશાક પહેરે છે, એક નટી રાણી બનીને ઊભી રહે છે. બીજી એક નટી દાસીના સ્વાંગમાં આવે છે. ખેલ પૂરો થતાં બધાં નટ-નટીઓનાં એ નાટકનાં વસ્ત્રો ઉતારી નાખવામાં આવે છે. મોટી અને નાની ભૂમિકા ભજવનાર બધાં જ એક જ હરોળમાં આવી જાય છે. મૃત્યુનો પડદો પડે છે અને રાજા, રાણી, નોકર અને દાસી બધાં જ એક જ કબ્રસ્તાનમાં પોઢી જાય છેએટલે તમારો પાઠ તમે ઓતપ્રોત થઈને ભલે બરાબર દીપાવો, તેનાં આનંદ અને પીડા પણ જરૂર વ્યક્ત કરો, પણ પાઠને, પોશાકને કે પીડાને બહુ હૃદય સરસાં ચાંપવાની જરૂર નથી. કોઈ પણ આનંદ કે પીડાને આપણા શરીરની ત્વચાની જેમ પહેરવાનાં ના હોય. બહુ ચુસ્ત રીતે પહેરેલું વસ્ત્ર ગમે તે બનાવટનંુ હોય, માણસને તે તંગ કરે છે. કપડાં આપણે માપનાં જ પહેરીએ અને એ પણ જરા ખૂલતાં પહેરીએ. કોઈ કીમતી હાર ગળાફાંસાની જેમ પહેરી શકાય નહીં.

એક માણસ બેઠો છે. ત્યાં એક બીજો માણસ સુખનો ચહેરો લઈને આવે છે અને બીજો એક માણસ દુઃખનો ચહેરો લઈને આવે છે. મૂળ માણસને થાય છે કે સુખના ચહેરાવાળો ઝાઝી વાર બેસે તો સારું અને દુઃખના ચહેરાવાળો જલદી રવાના થાય તો સારું! મૂળ માણસ જો આટલું યાદ રાખે કે હું પણ મહેમાન જ છું અને મારે પણ છેવટે જવાનું  જ છે તો સુખનો ચહેરો આંખમાં પકડી રાખવાની જરૂર નહીં રહે અને દુઃખના ચહેરાને વિદાય કરી દેવાનો અજંપો નહીં રહે!

એક યુવાન ઈજનેર હતો. યુવાન એક સુંદર યુવતીના પ્રેમમાં હતો. યુવતી તેને મળી નહીં. હૃદય હતાશાથી ભરાઈ ગયું. એક ક્ષણ તો એમ લાગ્યું કે હવે જીવી શકાશે નહીં. બીજી ક્ષણે થયું કે મારી અંદર જે એક કૌશલ છે, કલા છે, શક્તિ છે તે તેને બતાવતો જાઉં! યુવાન ઈજનેરે આપઘાતનો વિચાર માંડી વાળ્યો ને પોતાના જીવનદીપને વધુ ઝળહળતો બનાવવાનું નક્કી કર્યું. એણે એક અશક્ય લાગતું કામ હાથમાં લીધું. તેણે સુએઝની નહેર બનાવી. એ ફ્રેન્ચ ઈજનેરનું નામ  હતું લેસેપ્સ. ઈજનેરની પ્રેયસી રાજકુમારને પરણી હતી. તેણે જયારે નહેર જોઈ ત્યારે તેને પોતાના પ્રેમીના હૈયાનો કાંઈક તાગ મળ્યો. એક વિરાટ પુરુષાર્થનું રૂપ લઈને અહીં સાક્ષાત્ પ્રેમપુરુષ ઊભો હતો, પ્રેયસીનું મસ્તક નમી પડ્યું.
એક ભગ્નહૃદયી યુવાને એક ફિલસૂફને કહ્યુંઃ મારા માટે જીવવાનું અશક્ય છે.ફિલસૂફે કહ્યું- માણસ માટે જીવવાનું અઘરું છે અને મરવાનું પણ અઘરું છે, પણ કદાચ વધુ અઘરું કામ જીવવાનું છે. જેને જીવવાનું અઘરું કામ આવડી જાય છે તેને પછી મરવાનું અઘરું કામ પણ આવડી જાય છે, સહેલું લાગે છે.યુવાને દલીલ કરીઃ પણ જિંદગીમાં શું છે? થોડુંક લોહી બોલે છે, થોડીક લાગણી બોલે છે. થોડાંક સ્મિત વેરાયેલાં છે. વધુ તો આંસુઓનું ઝાકળ જ છે. આમાં નવું શું છે? ધર્મશાળા જેવી આ ઈમારતમાં કેટલા માણસો આવ્યા, રહ્યા અને ગયા? છે કંઈ નવું જોવાનું?’

ફિલસૂફ જવાબમાં કહે છેઃ કશું જ નવું નથી, પણ જિંદગીની મિજલસને નિસબત છે ત્યાં સુધી તમે સાવ નવા છો અને એટલે આખી આ મિજલસ અનોખી બની જાય છે. તમે નહીં હો ત્યારે પણ આ બધું તો હશે જ, પણ તમે નહીં હો એટલે તમને લાગેવળગે છે ત્યાં સુધી અહીં કશું જ નહીં હોય! તમે છો તો બધું જ છે, તમે નથી તો કંઈ જ નથી. બરાબર જીવ્યા વિના મરવું તે ભૂખ વગર ભોજન કરવા જેવું છે. તમે તમારી ઈચ્છાથી આ સંસારમાં આવ્યા નથી. તમે તમારી ઈચ્છાથી આ દુનિયા છોડી શકો એવો ખ્યાલ એક મિથ્યાભિમાન છે. તમારે મોતની પાછળ પડવાની જરૂર નથી. એ એના પોતાના સમયે અચૂક આવશે. મોત જે તમારા માટે છેક અજાણ્યું છે તેને આટલા વહાલા થવાની તમારે શી જરૂર? મોત તો ઘૂંઘટમાં પોતાનો ચહેરો રાખે છે. જિંદગીનો હસતો કે રડતો ચહેરો સહેજસાજ પણ તમારા માટે પરિચિત છે તો તેને વધુ વહાલા થાવ ને!

- ભૂપત વડોગરિયાના પુસ્તકમાંથી -

No comments:

Post a Comment