Sunday 7 October 2012

યોગ્યતા મુજબ સફળતા મળવાની જ છે તેવી શ્રદ્ધાને જીવંત રાખવી........

યોગ્યતા મુજબ સફળતા મળવાની જ છે તેવી શ્રદ્ધાને જીવંત રાખવી........

માણસને સ્વાભાવિક એવો સવાલ જાગે છે : યોગ્યતા અને સફળતા વચ્ચે કંઈ સંબંધ છે કે નહીં અને ખરેખર હોય તેમજ તે ગૂઢ બાબત હોય તો માણસે પોતાના પુરુષાર્થનો ઢાંચો કઈ રીતે નક્કી કરવો? એણે પોતાના પરાક્રમને ચાનક કઈ રીતે ચઢાવવી? સફળતા નજરે ન ચઢવા છતાં તેણે પુરુષાર્થને અવિરત ચાલુ રાખવાની અને પોતાની યોગ્યતાને ધારદાર છરી જેવી રાખવાની પ્રેરણા ક્યાંથી મેળવવી? આત્મબળને ટકાવી રાખનારું કોઈક રસાયણ તો જોઈએ કે નહીં? પરિણામની, ફળની ચિંતા કર્યા વિના કાર્ય કર્યે જવાની ગીતાની શિખામણ સિવાય બીજું કાંઈ ચીંધવા જેવું તમારી પાસે છે?

તેનો જવાબ એ છે કે આવું બીજું કંઈક છે. તમારી યોગ્યતા તમે વટાવવા માગો ત્યારે બેરર ચેકની જેમ નાણાં આપી શકે તેમ ન હોય તો તેનાથી હતાશ થવાની જરૂર નથી. સંભવ છે કે તમારી યોગ્યતા બેરર ચેક કે બેન્ક ડ્રાફ્ટ ન હોય, તે અમુક મુદત પછી પાકનારી હૂંડી હોઈ શકે છે. આ માત્ર એક માનસિક તરંગ કે આશ્વાસનની ધારણા નથી. ઘણા બધા માણસોએ પોતાના જીવનમાં પ્રત્યક્ષ પ્રમાણેલું તથ્ય છે. ઈંગ્લેન્ડના એક યાદગાર વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ ઘણા શક્તિશાળી માણસ હતા. તેમના રૂઢિચુસ્ત પક્ષની ઘણી સરકારો સત્તા પર આવી, પણ તે છતાં ક્યારેય ચર્ચિલને તેની યોગ્યતા મુજબની તક ન મળી. દરેક વખતે તેમને કાં નાની જગ્યા મળે અને કાં તેમને બાકાત જ રાખવામાં આવે. ચર્ચિલ ૬૦ વર્ષના થયા ત્યાં સુધી તેમણે રાજકારણમાં હડસેલા જ ખાધા અને જ્યારે જ્યારે સારું સ્થાન મળ્યું ત્યારે ત્યારે તે ટૂંકજીવી અને બદનામી આપનારું જ બની રહ્યું, પણ છેવટે જ્યારે કુદરતે એવો યોગ ઊભો કર્યો કે વિન્સ્ટન ચર્ચિલ ઈંગ્લેન્ડના ઇતિહાસમાં એક મહાન વડા પ્રધાન તરીકે યાદગાર બની ગયા. ત્યારે ચર્ચિલે નોંધ્યું છે, ‘મને જ્યારે વડા પ્રધાન બનવાની તક એક ઐતિહાસિક પળે પ્રાપ્ત થઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી અત્યાર સુધીની જિંદગી આ જવાબદારી ઉઠાવવા માટેની પૂર્વતૈયારીનો તબક્કો જ હતો. જે અનુભવો કડવા લાગ્યા હતા, તે અત્યારે પાછળ નજર કરતાં જરૂરી અને ઉપકારક લાગ્યા.

આઇઝનહોવર અમેરિકાના પ્રમુખ બન્યા પહેલાં તે એક સફળ સરસેનાપતિ પુરવાર થયા. આ સ્થાન પર આવતાં પહેલાં તેમને યુરોપના સમરાંગણમાં જર્મની સામે સાથી રાષ્ટ્રોના સેનાપતિની કામગીરી સોંપાઈ હતી. આ ક્રમ તો બરાબર છે, પણ યુરોપમાં કામગીરી સોંપાઈ તે પૂર્વે ેઆઇઝનહોવર શું કરતા હતા? એક લશ્કરી કોલેજમાં અધ્યાપકની કામગીરીમાં દટાઈ ગયા હતા. કેટલા વર્ષ? બરાબર ૨૬ વર્ષ? આઇઝનહોવર કહે છે કે એ વર્ષોમાં જ્યારે જ્યારે મારા કામમાં ફેરફાર થાય અને નવો નિમણૂકપત્ર મળે ત્યારે ત્યારે મિત્રો મજાકમાં કહેતા કે આ બઢતી મળી કે ડિગ્રેડ થયો? સરસ શબ્દોમાં લખાયેલા એ પત્રો વાંચીને છાતી બેસી જતી. બઢતીનો આભાસ ઊભો કરતા એ દરેક પત્રમાં ખરેખર તો મને નીચી પાયરી પર જ ધકેલવામાં આવતો હતો. પણ એક દિવસ ચમત્કાર થયો. અમેરિકાના પ્રમુખ ફ્રાંકલિન ડિલોનો રૂઝવેલ્ટે અમેરિકન સેનાપતિઓની કંગાળ કામગીરીથી રોષે ભરાઈને બધા જ સિનિયર લશ્કરી અધિકારીઓનું લિસ્ટ મગાવ્યું! જુદીજુદી યુદ્ધભૂમિ માટેના સેનાપતિઓની પોતાની જાતે પસંદગી કરવા! 

આ લાંબીલચ યાદીમાં આઇઝનહોવરનું નામ હતું! પણ સિનિયોરિટીની એ સીડીમાં આઇઝનહોવરનો નંબર ૨૦૦ પગથિયાં પછીનો હતો! લશ્કરનાં છાપેલાં કાટલાંથી હતાશા થઈ ગયેલા અમેરિકન પ્રમુખે આ અજાણ્યા નામ ઉપર નિશાની કરી:  બોલાવો, આ માણસને! ખરેખરી લડાઈના કોઈ અનુભવ વગરના માણસને માત્ર લશ્કરી વ્યૂહના તેના નકશાના જોર પર યુદ્ધના યુરોપિયન તખ્તાનો સૂબો બનાવવામાં આવ્યો. આઇઝનહોવરનો પછીનો ઇતિહાસ જાણીતો છે. આ બાબતમાં આઇઝનહોવરે એક જગ્યાએ નોંધ્યું છે કે ઃ જ્યારે સર્વોચ્ચ સ્થાન મારી પાસે આવ્યું ત્યારે મને ભાન થયું કે હું માત્ર એક દોકડા માટે ફાંફાં મારી રહ્યો હતો અને દોકડો મળતો નહીં ત્યારે મારા કિસ્મતને અને બાકીની દુનિયાને ગાળો ભાંડતો હતો. કુદરતે મને દોકડો મળવા ન દીધો, કેમ કે તે મને સોનામહોર આપવા માગતી હતી.

યોગ્યતા મુજબ સફળતા મળવાની જ તેવી શ્રદ્ધાથી યોગ્યતાને વધુ ને વધુ ધારદાર બનાવો, એ ધારદાર છરી બટાટા કાપવાના રોજિંદા કામમાં ખપ ન લાગે તો તેથી નિરાશ થવાની જરૂર નથી, સંભવ છે કે તમારા પરાક્રમનું એ કોઈક વધુ અસરકારક શસ્ત્ર બનવાનું કુદરતે નિર્માણ કર્યું હશે.

ભૂપત વડોરિયાના પુસ્તક પંચામૃતમાંથી..................

No comments:

Post a Comment