Tuesday 16 October 2012

લોહીના સંબંધોની સાથે લાગણીનો રંગ પણ ઘૂંટાવો જોઇએ....








લોહીના સંબંધોની સાથે લાગણીનો રંગ પણ ઘૂંટાવો જોઇએ....  
 એક યુવાન ફરિયાદ કરે છે. મારો સગો ભાઈ મારા કરતાં એના મિત્ર માટે વધુ લાગણી રાખે છે. એવું નથી કે એનો મિત્ર વધુ લાયક છે. છતાં તેને હંમેશાં વિશેષ લાગણી એના માટે જ થાય છે. સગા ભાઈ સાથે જે સારો વહેવાર કરવો જોઈએ તે બધો જ તે મારી સાથે કરશે, કારણ કે મારો ભાઈ બહુ ચકોર છે. વહેવારકુશળ માણસ છે, એટલે સમજે છે કે જો સગા ભાઈ સાથે સારો દેખાય તેવો વહેવાર ન કરીએ તો તુરત સગાંસંબંધીઓને તેનો ખ્યાલ આવી જાય. લોકલાજના હિસાબે ઉપર ઉપરથી હેત બતાવે. મને એ સમજાતું નથી કે સગા ભાઈ કરતાં ભાઈબંધ વધુ વહાલો લાગે તેનું કારણ શું? શું ભાઈબંધે તેને કાંઈ આપી દીધું છે? કંઈ મોટો ઉપકાર કર્યો છે? શું કોઈ ખાસ મદદ કરી છે? લોહીના સંબંધમાં કેમ બિલકુલ ખેંચાણ નથી? મારામાં શી ખામી છે

આવી જ પીડા એક બીજી યુવતી વ્યક્ત કરે છે:  તમને ખબર છે કે હું ફલાણા ભાઈની સગી બહેન છું! બહેન પ્રત્યેની એક ફરજ બજાવવાની હોય તે બજાવે. સગાંસંબંધીની નજરે યોગ્ય લાગે તે માટે ઉપર ઉપરથી થોડો વહેવાર કરે, થોડો દેખાવ કરે, પણ સગી બહેન પ્રત્યે જે પ્રેમ હોવો જોઈએ તે ક્યાં? મારા માટે તે અડધા અડધા નહીં થઈ જાય. તેમની એક બીજી બહેન છે. આ બહેન સગી બહેન નથી, કાકાની દીકરી કે મામાની દીકરી પણ નથી. પણ એ બહેન માટે મારા ભાઈ અડધા અડધા થઈ જવાના! હું સગી બહેન બાંધું એ રાખડી પાઈની, એ પારકી બહેન રાખડી બાંધે એ સવા લાખની! મનની માનેલી બહેન! ધર્મની બહેન! કોઈ કોઈ વાર તો મારું લોહી ઊકળી ઊઠે છે. થાય છે કે નક્કી દાળમાં કાંઈક કાળું હશે! બાકી એક બહેન તરીકે મારી લાગણીમાં, મારી વર્તણૂકમાં શું ખોટું છે?

લોહીના સંબંધમાં આપણે બધું જ સામી વ્યક્તિની ફરજ ગણી લઈએ છીએ. તે જે કંઈ કરે તે ઓછું જ કહેવાય તેમ ગણીએ છીએ. આથી પરસ્પરની કદર કરીને લાગણીનો સંબંધ વિકસાવી શકતા નથી. સગો ભાઈ કે સગી બહેન  તે સ્વતંત્ર વ્યક્તિ છે. તેથી તેની મનહૃદયની ભૂખપ્યાસ, તેની રુચિ, ખ્યાલો બધું જ પોતાના કરતાં જુદું પડી જવાનો પૂરો સંભવ હોય છે. તેથી લોહીનો સંબંધ ભૂંસાઈ કે ભુલાઈ જતો નથી, પણ લાગણીના નવા સંબંધોને તે બાંધે છે અને તેમ કરવાનો તેને હક્ક છે. ભાઈ અને ભાઈબંધ બંને અલગ આધાર છે. તેની તુલના કે સ્પર્ધાનો સવાલ જ ન હોય. કૃષ્ણને સગી બહેન સુભદ્રા માટેે સ્નેહ છે, પણ જે સગી બહેન નથી તેવી દ્રૌપદી માટે કંઈક વિશેષ ભાવ છે. લાગણીની લેણદેણના આ સંબંધનાં મૂળ જોવાતપાસવાનું મુશ્કેલ બને છે.

નવલકથાકાર દોસ્તોવસ્કી જ્યારે કિશોર હતો ત્યારે તેની સગી માતા મરી ગઈ. સગી માતા માટે તેણે શોક ધારણ ન કર્યો પણ કવિ પુશ્કિન ગુજરી ગયા ત્યારે કવિ પુશ્કિન માટે શોક ધારણ કર્યો! દોસ્તોવસ્કી પોતાની સગી માતાને ધિક્કારતો હતો કે માતૃદ્રોહી હતો એવું અનુમાન કરવાની જરૂર નથી. દોસ્તોવસ્કીની માતા સાથેનો લોહીનો જે સંબંધ હતો તે લાગણીનો સંબંધ બન્યો જ નહોતો. આવા રૂપાંતરની કોઈ તક મળે તે પહેલાં માતા ચાલી ગઈ. અમેરિકન વાર્તાકાર અર્નેસ્ટ હેમિંગ્વે માતા સાથે લાગણીનો સંબંધ કદી બાંધી જ શક્યો નહીં. કોનો શો વાંક હતો તે નક્કી કરવું મુશ્કેલ છે.

તમે જન્મથી ભાઈ હો તો તમારે કર્મથી તમારી લાગણીની નક્કર ક્રિયાથી ફરી ભાઈ બનવું પડે છે. માત્ર રક્ષાબંધન કે ભાઈબીજના વહેવારથી ભાઈબહેન બનતાં નથી. એવી જ રીતે પિતાએ ફરી પિતાનો લાગણીનો પરવાનો રિન્યૂ કરવો પડે છે. આ બધું કર્યા પછી પણ એટલો ખ્યાલ કરવો જ પડે છે કે લોહીનો ગમે તેટલો ગાઢ અને લાગણીથી ઘૂંટેલો સંબંધ એકમાત્રઅને એકાધિકારબની ન શકે. આપણો લોહી કે લાગણીનો સંબંધ પાકો, પણ બીજી શાખા માટે થોડી જગ્યા છોડી દેવી જોઈએ. હું સારો પિતા રહી શકું અને સાથેસાથે મારા પુત્રને માટે પિતાતુલ્ય આદરની અધિકારીએવી બીજી વ્યક્તિ હોઈ શકે. એવી રીતે ભાઈ અને ભાઈબંધ બાબતમાં પણ બની શકે છે.

Bhupat Vadodaria
*****

No comments:

Post a Comment