Monday 10 December 2012

જિંદગીને સાર્થક રીતે જીવવી હોય તો શ્રદ્ધાનો કોઈ વિકલ્પ નથી…..

જિંદગીને સાર્થક રીતે જીવવી હોય તો શ્રદ્ધાનો કોઈ વિકલ્પ નથી…..

માણસ પ્રશ્ન કરે છેઃ જીવનનો અર્થ શું? આ પ્રશ્ન વિશે જેમણે થોડુંક પણ વિચાર્યું છે તેઓ સાદો જવાબ આપે છે. જીવનનો અર્થ એક જ છે. ભરપૂર જીવો. આ પૃથ્વી ઉપર જે અનંત જીવસૃષ્ટિ આપણે જોઈ રહ્યા છીએ તેનો ભેદ કોઈ ઉકેલી શકે તેમ નથી. એટલે જ શ્રદ્ધાળુ મનુષ્યો કહે છે કે ઈશ્વરની લીલા અપાર છે અને તેનું રહસ્ય પામવાનું મુશ્કેલ છે. માણસ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, આ બધું કોણે બનાવ્યું એવા પ્રશ્નોના જંગલમાં તો ભૂલા પડી જવાય એવું છે. એટલે સાચો માર્ગ એક જ છે કે માણસને જિંદગીની જે એક વારની અમૂલ્ય ભેટ મળી છે તે બરાબર માણવી. બરાબર જીવવું. બીજાઓને માટે જીવવું. એવી રીતે જીવવું કે અંત આવે ત્યારે નિરર્થકતાની નહીં, સાર્થકતાની લાગણી થાય. સુખદુઃખના ચક્રથી કોઈ બાકાત નથી, પણ આપણે જોઈએ છીએ કે એક નાના બાળકથી માંડીને કિશોરો, યુવાનો, પ્રૌઢો અને વૃદ્ધો પણ હસતા મોંએ આકરી પીડા સહન કરી લે છે. વિકટ પરિસ્થિતિમાં પણ હિંમત હારી ન જવી અને માણસે પોતાનું કર્તવ્ય બજાવવું એ જ સાચો રસ્તો છે.

આ સંસારમાં અનેક મનુષ્યોએ પોતાની જિંદગીને સુખદુઃખના ત્રાજવે તોળવાનો ઇનકાર કર્યો છે અને પોતાનું જીવન રાજીખુશીથી હાથ ધરેલી વિકટ ધર્મયાત્રા તરીકે જીવવાનું પસંદ કર્યું છે. બદરી-કેદારનાથ કે માનસરોવરની યાત્રાએ જનાર વ્યક્તિઓને અનેક સંકટ વેઠવા પડે છે. કોઈ વાર દુર્ઘટનામાં પ્રાણ પણ જાય છે, પણ તેથી કરીને એ યાત્રા નિરર્થક બની જતી નથી. જે શ્રદ્ધાળુ છે તેને માટે તે સંપૂર્ણ સાર્થક જ છે. કોઈ પણ ધર્મની વ્યક્તિ માટે આ વાત સાચી છે. ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા રાખવી અને એ શ્રદ્ધાનું આત્મશ્રદ્ધામાં રૂપાંતર કરવું એ જ માણસનો પુરુષાર્થ બની રહેવો જોઈએ. જિંદગીને સાર્થક રીતે જીવવી હોય તો શ્રદ્ધાનો કોઈ વિકલ્પ નથી.

ફ્રાંસના એક વારના પ્રમુખ ચાર્લ્સ દગોલ માટે એવું કહેવાય છે કે એ ઈશ્વરને પ્રાર્થના કરતા ત્યારે કહેતા કે, ‘હે ઈશ્વર, તું મારામાં વિશ્વાસ રાખ!આ આત્મશ્રદ્ધાનો અતિરેક પણ લાગે, પણ ઈશ્વર શ્રદ્ધા કોઈક વ્યક્તિની બાબતમાં આવી આત્મ શ્રદ્ધારૂપે પ્રગટ થાય એવું બની શકે. ઈશ્વર શ્રદ્ધા અને આત્મશ્રદ્ધા એક જ સિક્કાની બે બાજુ છે. આત્મા ઈશ્વરનો અંશ જ છે અને ઈશ્વરની શ્રદ્ધાનું રૂપાંતર આત્મ શ્રદ્ધામાં અને આત્મશ્રદ્ધાનું રૂપાંતર ઈશ્વર શ્રદ્ધામાં થતું જ રહેતું હોય છે. આત્મા અને પરમાત્મા વચ્ચે આ એક જીવંત વહેણ બની શકે છે. લંકાના રાજા રાવણની જેમ તેની અનન્ય શિવભક્તિ અભિમાનના-અહંકારના અતિરેકમાં પરિણમે તો તે ખોટું છે.

અમદાવાદમાં લગભગ નેવું વર્ષની ઉંમરના એક ડોક્ટર આજે પણ ગરીબોની સેવામાં ગળાડૂબ છે. પૈસાદાર નથી. તબિયતના પણ પ્રશ્નો હશે પણ તેમને માટે જિંદગીનો મર્મ દુઃખી મનુષ્યોની સેવા એ જ છે. બીજી એક વૃદ્ધા કહે છે કે, ‘હું ભણી નથી પણ એમ માનું છું કે કટાઈ મરવા કરતાં ઘસાઈ મરવું સારું!કોઈકને માટે કંઈ ને કંઈ કરી છૂટવું. બીજા માણસને મદદ કરવાથી માણસનું મન પ્રસન્ન થાય છે. અમેરિકન વાર્તાકાર અર્નેસ્ટ હેમિંગ્વેએ એટલે જ કહ્યું છે કે, ‘હું માનું છું કે હું કાંઈક કરું અને એ કર્યા પછી મનને સારું લાગે એ ધર્મ.

ભગવાન બુદ્ધે કહ્યું છે કે, ‘બધા જ જીવો પર જેને કરુણા જાગે એ મનુષ્ય ઉમદા છે.
માણસે આ જીવનમાં અને આ જગતમાં જ રસ લેવો જોઈએ. જવાહરલાલ નહેરુએ એવું કહ્યું છે કે, ‘મને આ જિંદગીમાં અને આ જગતમાં જ રસ છે. કોઈ બીજી દુનિયામાં કે મૃત્યુ પછીની જિંદગીમાં નહીં.ફિલસૂફ સોરેન કીર્કગાર્ડે એવું કહ્યું છે કે, ‘જિંદગી એ કોઈ ઉકેલવા માટેનો કોયડો નથી- અનુભવવા જેવી વાસ્તવિકતા છે.નિત્સે કહે છે કે, ‘આ જિંદગી એટલી ટૂંકી છે કે તેમાં કંટાળાને સ્થાન હોઈ ન શકે.એક વધુ દિવસ સવારે જાગવું એના જેવો અમૂલ્ય અનુભવ બીજો એકેય નથી.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી

Monday 3 December 2012

ભાગ્યને નામે જિંદગીનો ડર મનમાં સંઘરી શકાય નહીં…….

ભાગ્યને નામે જિંદગીનો ડર મનમાં સંઘરી શકાય નહીં…….
વાત તો સાચી છે. કોઈ કોઈ માણસનું જીવન તો આશ્ચર્ય કરતાં પણ કોઈક વિશેષ આશ્ચર્ય જેવું લાગે છે. ટૂંકી જિંદગીમાં ઘણુંબધું કરી ગયા તેવા માણસોની યાદી કંઈ નાનીસૂની નથી. એક જુવાન માણસ માત્ર પોતાને માટે જ જીવતો નથી - પોતાની કારકિર્દી માટે જીવતો નથી પણ અનેક દુઃખી લોકોના જીવનમાં બળ પૂરે છે, આશ્વાસન બને છે એવો એક જુવાન માણસ જયારે ભરજુવાનીમાં ચાલ્યો જાય ત્યારે માણસનું આશ્ચર્ય કોઈ રીતે શમી ના શકે એવો ઊભરો બની જાય છે. જુવાનને એક અસાધ્ય રોગ લાગુ પડ્યો છે - દાક્તરો કહે છે કે દર લાખ માણસમાં એક માણસને આવો રોગ લાગુ પડવાની શક્યતા રહે છે! દાક્તર પણ આખરે માનવી છે - એ કંઈ જીવનમરણની કોઈ સર્વોચ્ચ સત્તાના સીધા સંપર્કમાં નથી. કોઈક અસાધ્ય રોગનાં કારણો નક્કી થઈ શકતાં નથી ત્યારે તબીબી વિજ્ઞાન તેને એક ખાસ નામ આપે છે - અમુક્તમુક પ્રકારનો સિન્ડ્રોમએ રીતે તેને ઓળખવામાં આવે છે. લોહીના અને સ્નાયુઓના આવા કેટલાક વિચિત્રરોગોનું કોઈ કારણ જડતું નથી પણ એ જેને લાગું પડે છે તેને માટે મોતની જાસાચિઠ્ઠી બની જાય છે. નિષ્ણાત ડોક્ટરો આ અસાધ્ય-અકળ રોગનાં કારણો જાણતા નથી પણ જીવનને ભરખી જવાની તેની વાઘ-ગતિ જાણે છે. બસ, વધુમાં વધુ દર્દી આઠ કે દસ મહિના કાઢશે!

માણસ, કર્મમાં માને છે, પોતાની તર્કશક્તિનું તેને ગૌરવ છે, તેને પોતાની બુદ્ધિ માટે ખૂબ માન છે - જયારે કોઈક બાળક કે જુવાનને આવો રોગ લાગુ પડે છે અને નિશ્ચિત મોતની ભેટ તેને આપે છે ત્યારે માણસને એક આંચકો લાગે છે - કવિ કાલિદાસ કહે છે તેમ જિંદગી શું એક અકારણ આશ્ચર્ય જ છે?’ શેક્સપિયર કહે છે તેમ શું જિંદગી એક મૂરખ માણસે કહેલી ઢંગધડા વગરની વાર્તા જ છે?’ આવું બને ત્યારે કોઈ કશો સંતોષકારક તો શું, તદ્દન પાંગળો ખુલાસો પણ કરી શકતા નથી. દર્દીનાં સગાંસંબંધી, મિત્રો, પરિચિતો, શુભેચ્છકો, દાક્તરો બધા જ એક જ શબ્દ ઉચ્ચારે છે - કિસ્મત!

જેનું સ્વજન આ રીતે અકાળ જિંદગીના તખ્તા પરથી વિદાય લે છે એ માણસ આંસુ ભરી આંખે પૂછે છે ઃ આટલી નાની ઉંમર, આટલી તેજસ્વી કારકિર્દી, આટલી તીવ્ર બુદ્ધિ, આટલું સંગીન કાર્ય, આટલો પરગજુ સ્વભાવ, આટલી સ્વાર્થરહિતતા - ઉદારતા, આવા માણસને આમ ઓચિંતો ઉપાડી લેવાનું કારણ શું? સંસારમાં અનેક લોકો હેતુરહિત, પશુવત્, નિરર્થક જીવે છે! લાંબું જીવે છે - કશું કરતા નથી. પોતાનું કશું ભલું કરતા નથી તેમ બીજા કોઈનું પણ કશું કરતા નથી! આવા નકામામાણસો જીવે છે, લાંબું જીવે છે, તબિયતથી જીવે છે, માત્ર પાપનું જ પરાક્રમ કરે છે અને તેને કંઈ થતું નથી! ગંભીરમાં ગંભીર અકસ્માતમાંથી પણ એ ઊગરી જાય છે અને ફરી પગ પછાડી પછાડીને ધરતી ઉપર વધુ ને વધુ વજન મૂકે છે!

બીજી બાજુ આવો જુવાન - એને આટલો વહેલો રવાના કરી દેવાનો હતો - ઉપાડી લેવાનો જ હતો તો તેને આટલી શક્તિ શું કામ આપી? આટલી નિષ્ઠા શું કામ આપી આટલો ઉમંગ શું કામ આપ્યો? આવાં ઉમદાં સ્વપ્નો શું કામ આપ્યાં? આગલા જનમનાં કર્મોનું આ ફળ છે? એમ જ હોય તો તેને આવો સારો દેહ મળ્યો, આટલું સારું મન મળ્યું, આટલી ઊંચી ભાવના મળી, આટલી બધી બુદ્ધિ મળી, આટલી અપ્રતિમ કાર્યશક્તિ મળી અને તેની એ સિદ્ધિને લોકોની માન્યતા પણ મળી - આ કયા જન્મનું ફળ? આ ગયા જન્મનું ફળ હોય કે આ જન્મનું ફળ હોય - એ ફળ તો સારું જ છે પણ એક બાજુ આવું ફળ અને બીજી બાજુ સારાં ફળઆપતાં આ વૃક્ષને ઓચિંતું ધરાશાયી કરી દેવાનું? ગયા જન્મનાં ફળો આટલાં બધાં વિરોધાભાસી કેમ?

કોઈ કશો જવાબ આપી શકે તેમ હોતું નથી. કોઈ કર્મનો સિદ્ધાંત આગળ કરે છે, કોઈ વળી ગત જન્મ અને આ જન્મનાં કર્મોનું વર્ગીકરણ બતાવે છે. તેના જુદા જુદા ગુણ નક્કી કરી આપે છે પણ આપણે પ્રામાણિક હોઈએ તો સ્વીકારવું જ પડે કે આપણે ગળે ઊતરી શકે તેવા ખુલાસાની ગમે તેટલી કોશિશ કરીએ પણ આપણે સાચો ભેદ પામી શક્યા છીએ એવો દાવો ભાગ્યે જ કોઈ કરી શકશે. જીવન એક આશ્ચર્ય અને મૃત્યુ એક સ્વાભાવિકતાવિષે દુનિયામાં ગ્રંથોના ગ્રંથે લખાય છે પણ એ બધા પછી પણ આ વિષયનો પાર પામ્યાની આત્મપ્રતીતિ થતી નથી.

છેવટે ભાગ્યની વાત આગળ આવે છે. જીવનમાં ભાગ્યનું ગૌણ સ્થાન છે એવું દાખલાદલીલોથી ભલે સાબિત કરવાની ગમે તેટલી કોશિશ આપણે કરીએ પણ જિંદગીની કિતાબમાં સૌથી મહત્ત્વનો શબ્દ કોઈ હોય તો તે છે - કિસ્મતએક સંવેદનશીલ અને સર્જક જુવાનના આ શબ્દ છે. તેણે એમ પણ કહ્યું ઃ ક્યારેક ઈશ્વર ઉપરથી ઈતબાર ઊઠી જાય એ હદ સુધી માણસની જિંદગી સાથે જંજીરની જેમ કિસ્મત જકડાયેલું હોય છે.

આ જુવાને વર્ષો પહેલાંના પોતાના એક દોસ્તનો કિસ્સો આગળ કર્યો હતો. એ દોસ્તે શિક્ષણમાં તેમ જ બીજી અનેક બાબતોમાં બેનમૂન યોગ્યતા હાંસલ કરી હતી. પોતાની માલિકીનો બંગલો, પત્ની અને બે રૂપાળાં બાળકોની નાનકડી સુખી દુનિયા હતી. એ જુવાન ફક્ત સત્તાવીસ વર્ષની ઉંમરે જ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો. કિસ્મતની એક જ ટક્કર અને જિંદગીની આકી ઈમારત કડડભૂસ! એના કાટમાળ નીચે વિધવા માતા, જુવાન પત્ની, બે નિર્દોષ બાળકો અને બીજાં સ્નેહીજનો દટાઈ ગયાં.
આમ જુઓ તો પુરુષાર્થની સરહદ ક્યાં સુધીની અને કિસ્મતની હદ ક્યાંથી શરૂ થયેલી ગણવી તે પ્રશ્નનો કોઈ જવાબ આપી શકશે નહીં. નાની ઉંમરે સફળતા મેળવનાર જુવાનની એ સિદ્ધિને આપણે કિસ્મતકહીએ પણ તેનો પુરુષાર્થ પણ તેમાં ભલેલો જ હશે. બીજી બાજુ માણસ અથાગ પુરુષાર્થ કરે, અખંડ પરિશ્રમ કરે અને છતાં ભાગ્યની દેવી રીઝે નહીં એવું પણ બને છે. કિસ્મત જેવું જે કંઈ અકળ છે તેની હસ્તીનો તો કોઈ ઈનકાર થઈ શકે જ નહીં. પણ માણસ દૈવની આંધળી લાકડીને જિંદગીની સર્વોચ્ચ અફર વાસ્તવિકતા ગણીને પણ જીવી ના શકે! તે જો આ રીતે કિસ્મતના તાબે થઈને પુરુષાર્થ સંકેલી લે અને બેસી જાય તો શું પરિણામ આવે? આમાં કિસ્મતની અવગણના કરવાની વાત નથી - પણ વાત એટલી જ છે કે કિસ્મતની ઉપર મીટ માંડીને પુરુષાર્થને તિલાંજલિ આપી ન જ શકાય. ભાગ્ય તો અકળ છે. ભાગ્યની કોઈને અગાઉથી ખબર પડતી નથી. ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે!પુરુષાર્થથી ભાગ્ય બને છે કે ભાગ્યના ઈશારે પુરુષાર્થ સૂઝે છે તે કહેવું મુશ્કેલ છે. એટલે માત્ર ભાગ્યના ભરોસે આપણે જિંદગીનાં સંઘર્ષો અને પડકારોમાંથી હટી જઈ શકીએ નહીં. મનુષ્યજીવનની ઘટનાઓ ભૂતકાળ બનીને થીજી જાય છે. પાષણની કોતરેલી નક્કર પ્રતિભાઓ જાણે કે બની જાય છે અને ત્યારે સિંહાવલોકન કરતાં આપણને એમ જ લાગે છે કે, આ ઘટનાઓનું આ જ નક્કી ને પૂર્વર્નિિમત રૂપ હતું અને એવી જ રીતે ભવિષ્યમાં બનનારી ઘટનાઓ પણ આવી જ અફર હશે પણ આવું માનીને શું માણસે પોતાની ઈચ્છાશક્તિ અને પુરુષાર્થનું વિસર્જન કરી નાખવું? ખરેખર વિચારવા જેવો આ પ્રશ્ન છે. ભાગ્ય તો ભલે રહ્યું - તે કોઈ વાર અચાનક મોતનો  ચહેરો પણ બતાવે - આપણે ભાગ્યની બાબતમાં કોઈ તકરાર ના કરીએ કેમ કે જે આપણા અંકુશની બહાર છે તેનો વિચાર જવા દઈએ પણ જે કંઈ આપણા હાથમાં છે તેનો વિચાર તો જરૂર કરીએ. આપણા હાથપગ બીજા કોઈના ઈશારે ચાલે છે ને, આપણે તો હાથ હલાવવાની પણ જરૂર નથી - જે થવું હોય તે થાય! એમ માનીને નિષ્ક્રિય અને નિર્જીવ થઈ જઈએ તો જીવવાનું શું રહ્યું? આવી માન્યતાથી તો કંઈ દહાડો વળવાનો જ નથી.

મોતની વાત અલગ છે. ગરીબી કે અમીરી સાથે તેને નિસ્બત નથી. મોત તો ગમે તેનું, ગમે ત્યારે, ગમે તે બહાને ગળું પકડે છે. ગરીબ માણસ અકાળે મરી જાય તો કોઈ કહેશે કે બિચારો છૂટી ગયો! સુખી માણસ અકાળે ચાલ્યો જાય તો કોઈ કહેશે કે નસીબની દેવીને તેની ઈર્ષા થઈ! સદ્ભાગ્ય અગર દુર્ભાગ્ય કેટલા બધા કિસ્સામાં તો આપણું અર્થઘટન માત્ર હોય છે. એક શ્રીમંત માનવી પોણોસો વર્ષ જીવે અને પોતાના જુવાનજોધ પુત્રનું અકાળ અવસાન જુએ તો એનું લાંબું આયુષ્ય ગણવું કે દુર્ભાગ્ય ગણવું?
એક માણસ ભરજુવાનીમાં પોતાનું સુખી કુટુંબ જોઈને આંખ મીંચે તો એ સદ્ભાગ્ય કે દુર્ભાગ્ય? આના કોઈ ચોક્કસ જવાબો નથી. તમે કઈ કઈ બાબતોને લક્ષમાં લો છો, કયા દૃષ્ટિકોણથી જુઓ છો તેના ઉપર આ પ્રશ્નનો ઉત્તર અવલંબે છે.

સામાન્ય રીતે આપણી સામે પડેલી તકને, આવી પડતી અનુકૂળતાને આપણે સદ્ભાગ્યનું નામ આપીએ છીએ અને આપણી સામે આવી ઊભેલી પ્રતિકૂળતાને દુર્ભાગ્ય તરીકે ઓળખીએ છીએ. પણ કેટલીક વાર જે વસ્તુ તક લાગે તેમાં બરબાદીનું બીજ હોય છે અને જે વસ્તુ કમનસીબી લાગે તેમાં આગળ ઉપર સદ્ભાગ્ય પડ્યું હોય તેવું બને છે. આ વાત ખરેખર ગહન છે.

ભાગ્ય શું કરે છે, આપણું કિસ્મત શું છે તેનો વિચાર કરીને આમ કરવું કે આમ ના કરવું તેનો નિર્ણય શક્ય જ નથી હોતો. માણસે પોતાની શક્તિ અને બુદ્ધિનો ઉપયોગ કરીને પોતાની જિંદગીનું યુદ્ધ લડવું જ પડે છે. માણસ ભૂતકાળ જાણે છે અને ભૂતકાળની સ્મૃતિઓ પોતે જ એક બોજો બની જાય છે. ભૂતકાળની સ્મૃતિઓ જ કેટલીકવાર વર્તમાનને રંજાડે છે ત્યારે માનવી પોતાનું ભવિષ્ય જાણતો હોત તો? એ જીવી જ ના શકત.

ઈ.સ. ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ સાંજે મારે બંદૂકની ગોળી ખાવાની છે તે વાતની ખબર જો લંડનના વકીલાતનો અભ્યાસ કરી રહેલા એક જુવાન મોહનદાસ કરમચંદ ગાંધીને ખબર હોત તો? સંભવતઃ એમણે જીવનને કોઈક જુદો જ વળાંક આપ્યો હોત! આપણને આવતી કાલની ખબર નથી તે એકંદરે સારી વાત છે. પાંચ વર્ષ પછી મારો જીગરી દોસ્ત મારી પીઠમાં ખંજર ભોંકવાનો છે તે હું આજે જાણતો હોઉં તો દોસ્તીના સોનેરી દિવસો હું માણી જ ના શકું. છતાં આવતી કાલ વિષે જાણવાની માણસને જિજ્ઞાસા રહ્યા જ કરે છે. આવતી કાલનાં મધુર સ્વપ્નો રૂપે તે જોવાનું ગમે છે. પણ આવતી કાલે આપણા માટે કંઈક નક્કી જ છે તેમ માનીને આજે જિંદગીનો વેપાર બંધ કરીને બેસી જવાની જરૂર નથી. આજનું તદ્દન કોરું પાનું તમારા હાથમાં છે. આવતી કાલે દિગ્વિજય થવાનો તમારા ભાગ્યમાં નક્કી હોય તો પણ આજની નાનકડી લડાઈ ગુમાવશો નહીં. ભગવદ્ગીતા એટલે જ કહે છે કે લાભ-ગેરલાભ, વિજય-પરાજય કશાની ચિંતા કર્યા વિના તમે તમારું કાર્ય કરો, પ્રારબ્ધ છે જ. તમારા હાથમાં ગુલામ, રાણી  અને સત્તો આવે અને તમારા હરીફના હાથમાં ત્રણ એક્કા આવે તે ભાગ્યની વાત છે. પણ રમત તો તમે સારી રીતે રમી શકો છો અને તમારે રમ્યા વિના બાજી છોડી દેવાની જરૂર નથી. તમારા હરીફ પાસે શું છે તેની તમને ખબર નથી. જિંદગીની બાજીમાં તો તમારી પોતાની પાસે શું પાનાં છે તેનીય તમને ખબર નથી હોતી અને છતાં તમારે રમવાનું છે. અમદાવાદથી મુંબઈ મોટર રસ્તે જતો માણસ, વાપી પાસે એક ખરાબ વળાંક આવે છે તેનો વિચાર કરીને, નડિયાદ આવ્યા પહેલાં જ મોટરનું સ્ટિયરિંગ આમ કે તેમ ફેરવી ના શકે.

ભાગ્ય છે તેની ના નથી પણ ભાગ્યને નામે જિંદગીનો ડર મનમાં સંઘરી શકાય નહીં. અજાણી આવતી કાલની ચિંતામાં આજના સૂરજથી મોં ફેરવી લઈ શકાય નહીં. પરમ શક્તિમાં શ્રદ્ધા રાખીને આજના સૂરજને વધાવી જ લેવો પડે છે. માણસ કિસ્મતને બહાને ભયભીત બનીને જીવે તે ખોટું જ છે.
પ્રારબ્ધમાં ખરેખર માનતા જ હો તો પછી આટલા બધા ડરો છો શા માટે? જે થવાનું હશે તે થશે - તમે તો મોકળા મને જીવો!

મોટરની માલિકી બીજા કોઈની છે તેમ માનીને આડેધડ ડ્રાઈવિંગ કરી ના શકો અને ઉદાસીન બનીને બીતાં બીતાં પણ કરી ના શકો. તમારે તો તમારું કૌશલ એક ડ્રાઈવર તરીકેનું બતાવવાનું છે. જિંદગીનું પણ એવું જ છે. આપણે આપણી જાતને સાચી યોગ્યતા પૂરવાર કરવા મથવું જોઈએ. આપણે માનીએ કે આપણે માત્ર ઢીંગલા જ છીએ, ઉપરવાળો દોરી જેમ ખેંચે તેમ - તે ગતિ નક્કી કરે તે ખરી એમ માનીને નિષ્ક્રિય રહેવું એ બરોબર નથી.

જયોતિષમાં જ રચ્યાપચ્યા રહેતા એક રાજાએ ખેડૂતને સવાલ કર્યો ઃ તું તારા હાથની રેખાઓનો કદી વિચાર કરે છે ખરો?’

ખેડૂતનો હાથ તો હળ ઉપર રોકાયેલો હતો. તેણે કહ્યું ઃ નામદાર, રેખા જોવા માટે હાથને ખુલ્લો રાખીને બેસવાનું મને પાલવે તેમ નથી. રજપૂત જયારે હાથમાં તલવાર પકડે છે ત્યારે રેખાઓ ભિડાઈ જાય છે અને ખેડૂત હળ ચલાવે છે ત્યારે તેનો હાથ બંધ હોય છે. માણસ કામ કરે છે ત્યારે હાથની રેખાનું માપ લેવા તે હાથને ખુલ્લા રાખી શકતો નથી. પણ કામ કરવા માટે માણસનો હાથ ઉઘાડબંધ થયા કરે છે. તેમાં જ તેની રેખાઓ વધુ સારા ભાગ્ય માટે બદલાતી હોય એવું ના બને?’   

ભૂપત વડોદરિયાના પંચામૃત માંથી.....