Tuesday 28 May 2013

ખોટ કે શોકને વટાવાય નહીં!

માબાપને પોતાનું પ્રથમ બાળક કેટલું વહાલું હોય? બાળક બે વર્ષનું થયું-- કમળો થઇ ગયો, એક પ્રતિષ્ઠિત દાકતરના નર્સિંગ હોમમાં તેને દાખલ કર્યું અને દાકતરની બધી મહેનત અને માબાપની પ્રાર્થના પછી પણ બાળક જીવ્યું નહીં.

યુવાન માતાપિતાનો શોક સમજી શકાય પણ શરૃઆતના શોક પછી તુરત બાળકના પિતા વકીલ પાસે ગયા. બાળકની સારવાર બરાબર કરવામાં ના આવી, દાકતરે પૂરતી કાળજી ના લીધી એટલે મારું બાળક છિનવાઇ ગયું. બાળકના પિતાએ દોઢ લાખ રૃપિયાની નુકસાની માગી હતી. વકીલે નોટિસ આપી. દાકતર વકીલને ઓળખતા હતા. તેમણે વકીલનો સંપર્ક સાધ્યો. આખા કેસની વિગતો સમજાવી. દાકતરે કહ્યું કે બધા આક્ષેપો તદ્દન ખોટા છે. દાકતરને હાથે પણ કેટલીક વાર ભૂલ થઇ જવાનો સંભવ રહે છે. પણ આમાં ખરેખર સારવારની કે કાળજીની કોઇ ખામી નહોતી. દાકતર કંઇ ભગવાન નથી અને આજને જમાનામાં દાકતરની સારવારથી કેટલીક જિંદગી લંબાતી લાગે છે, પણ તેથી કરીને કોઇ દાકતર એવા ભ્રમમાં નથી કે તે માણસની જીવાદોરી લંબાવી શકે છે. હું પણ એવા ભ્રમમાં રહેતો નથી. હું પ્રામાણિકપણે માનું છું કે મેં બધી તજવીજ કરી પણ બાળકનું આયુષ્ય ટૂંકું હશે.
વકીલે મૃત બાળકના પિતાને- પોતાના અસીલને સમજાવવા કોશિશ કરી. યુવાને માની લીધું કે દાકતરે વકીલની કોણીએ કંઇક ગોળ ચોંટાડ્યો લાગે છે. વકીલે યુવાનને આવું માની લેવા માટે ઠપકો આપ્યો અને એનો કેસો હાથમાં લેવાની ના પાડી. જુવાને અહીંતહીં અરજી-અહેવાલો કર્યા, વકીલો સાથે મસલત કરી. પાંચસો-હજાર રૃપિયા ખર્ચી નાખ્યા. પછી તેના વતનમાં રહેતા તેના પિતાના મોટા ભાઇ- મોટા બાપુની સલાહ લેવા તે ગયો.

મોટા બાપુએ પોતાના સગા ભત્રીજાના માસૂમ બાળકના મૃત્યુની બધી વાત જાણી અને પછી કહ્યુંઃ 'ભાઇ, માની લે કે દાકતરની કંઇ ભૂલ હતી પણ હવે દાકતરને કંઇ પણ સજા તું કરાવી શકે તોપણ તેથી તને શું મળશે? તું દાકતર પાસેથી નુકસાનીની રકમ આખી કે અડધી વસૂલ કરશે તોપણ તેથી તારું બાળક પાછું આવશે? તે જીવતું થશે? પહેલા બાળકના મૃત્યુથી તને લાગેલો આઘાત શમી જશે? ભાઇ, કેવો સંતાન પ્રેમ! પોતાનાં બાળક તો સૌને પ્રાણથી અધિક વહાલાં હોય પણ કેવો સંતાન માટેનો શોક? ભાઇ, તારો શોક તું વેચવા નીકળ્યો છે? આમાં તો પોતાનું બાળક ગુમાવ્યાની બાપની વેદનાની કોઇ શોભા મને દેખાતી નથી. આપણે જાણે બધા માણસો મટી ગયા છીએ અને માત્ર સોદાગરો-- દલાલો-- પૂરી ના શકાય તેવી ખોટના રોકડા વળતર શોધનારા ઝઘડાખોર બની ગયા છીએ? સાંભળ, એક વાર મારી સગી માના હાથે મેં દૂધનો એવો કટોરો પીધો હતો જેના તળિયે ઝેરી જંતુ હતું! દોડાદોડ થઇ પડી-- તે સમયે તો આટલા દાકતરો કે દવાખાનાં નહોતાં પણ હું બચી ગયો. આપણા ગામના કામદારના સગા સાળા મોટા દાકતર હતા. સગી બહેનનું ઑપરેશન તેમણે કર્યું, કોઇક મદદનીશની કંઇક ભૂલ થઇ અને બહેન ગુજરી ગઇ. હવે કામદારની પાસે આવીને તેમના સાળા-- ડૉકટર પોટલાં આંસુએ રડ્યા. કામદારે કહ્યું કે શું કરો છો. તમે તો દાકતર છો. તમે તો જાણો છો કે દાકતર દવા આપે, સારવાર કરે-- તે કોઇને પ્રાણ આપી શકતો નથી કે તેની જીવાદોરી જાદુઇ રીતે લાંબી કરી શકતો નથી. કોઇ કોઇ વાર દાકતર જીવનની તૂટી રહેલી દોરીને ગાંઠ મારી શક્યો હોય તેવું બને છે. બાકી આવા કિસ્સામાં આપણી જાતને આપણે અપરાધી ગણીને શોક કરવાની જરૃર નથી! મેં પત્ની ગુમાવી તેનો શોક હું કરું --તમે બહેન ગુમાવી તેનો શોક તમે કરો પણ શોકની શોભા સાચવો. આપણે કોઇને જિવાડી શકીએ છીએ કે આપણે આપણા હાથે કોઇનું મોત પણ નિપજાવી શકીએ છીએ એમ માનવું પણ એક પ્રકારનું મિથ્યાભિમાન છે તેમ હું માનું છું.

યુવાનના મનનું સમાધાન ખરેખર થયું કે નહીં તે કહેવું મુશ્કેલ છે પણ મુલાકાત પછી તેણે વકીલોનાં ચક્કર બંધ કર્યાં-- દાકતર પાસેથી નુકસાનીની કોઇ રકમ લેવાની માથાકૂટ પડતી મૂકી. માણસ આજે જ્યાં ને ત્યાં નુકસાની પછી તે મોટી હોય કે મામૂલી હોય. તરત નગદ નાણાંના રૃપમાં ભરપાઇ કરાવવા તલપાપડ થાય છે! મોટરની એક ટક્કર વાગી, સ્કૂટરની એક ટક્કર વાગી, કંઇક બન્યું અને તરત આખી વાત રૃપિયા પર આવીને ઊભી રહે છે. જે કિસ્સામાં રાહદારીનો જાન ગયો હોય, ઇજા પહોંચી હોય તે કિસ્સામાં તેને ચોક્કસ વળતર મળવું જોઇએ. આમાં બેમત હોઇ ના શકે-- વાંધો લેવા જેવી બાબત છે કે માણસ જાણે પોતાની પ્રત્યેક હાનિને, પોતાની ખોટને, પોતાના શોકને એકદમ રોકડા વળતર રૃપે જોવા માંડ્યો છે. આમાં જિંદગીની કોઇ સારી કદર નથી અને મોતની પણ કોઇ અદબ નથી. માણસ પોતાનાં જખમોનો, પોતાની વેદનાનો, કદી પૂરી ના શકાય તેવી પોતાની ખોટનો રીતે રીતસર વેપાર કરવા લલચાય તે હકીકત ચિંતાપ્રેરક નથી? આવી બધી નાનીમોટી બાબતોમાં વેર લેવાની, ખબર પાડી દેવાની વૃત્તિ એકદમ ઊછળી ઊઠે છે પણ આવી વેરની વૃત્તિમાં પણ કોઇ સાચી ખાનદાની નથી-- બધી વાત આવીને રોકડા હિસાબ પર અટકી જાય છે! શારીરિક ઇજા થઇ-- લાવો રોકડું વળતર રૃપિયા આટલા! માનસિક ત્રાસ પહોંચ્યો તેના લાવો રોકડા રૃપિયા આટલા! વાજબી ફરિયાદના કિસ્સામાં, ખરેખર નુકસાનીના કિસ્સામાં ચોક્કસ વળતરની વ્યવસ્થા હોવી જોઇએ --છે પણ ખરી અને જેને નુકસાન કે જાનહાનિનો ભોગ બનવું પડ્યું હોય તેને પૂરતું વળતર મળવું જોઇએ તેમાં શંકા નથી. પણ દરેક બાબતમાં ખ્યાલ આગળ કરીને માણસ પોતાની ખોટને એક હિસાબી આંકડા તરીકે જુએ, તે રીતે પોતાની પીડા કે શોકને વેચાણની ચીજ બનાવી દે, વળતર મેળવવાનું એક બહાનું બનાવી દે-- તે જાતની દાનત તેને શોભા આપતી નથી. માણસ તરીકેની તેની શોભા આથી ચોક્કસ ઝાંખી પડી જાય છે.

થોડા સમય પહેલાં એક જુવાન મળવા આવ્યો. તેણે એક યુવતીને પ્રેમ કર્યો હતો અને બન્નેએ લગ્ન કરવાનું પણ નક્કી કરી નાખ્યું હતું પણ અચાનક યુવતી બીજા યુવાનને પરણી ગઇ-- કોઇક શ્રીમંતના પુત્રને પરણી ગઇ. હવે પ્રેમભંગ થયેલા યુવાનનો પ્રશ્ન હતો કે તેણે શું કરવું? તેણે યુવતીના પતિનો સંપર્ક સાધતાં પહેલાં યુવતી સાથે વાત કરવી કે નહીં? ખાસ તો એને જાણવું હતું કે તેણે પોતાની નુકસાનીના વળતર રૃપે કેટલી રકમ માગવી? યુવાને
કહ્યું કે યુવતીનો પતિ ખૂબ માલદાર છે! એટલે તેની પાસેથી પોતે મોટી નુકસાની વસૂલ કરવા
માગે છે.

ટૂંકમાં તમારું હૃદય કોઇકે તોડ્યું એટલે તમારું હૃદય ખરેખર તૂટયું હોય કે ના તૂટ્યું હોય તમે તેની નુકસાનીના વળતરની રકમ મેળવી લો એટલે તમારું હૃદય પાછું યથાવત્ થઇ જાય. હૃદયની પીડા શમી જાય અને હૃદયમાં ટાઢક થઇ જાય. યુવાનની વાત સાંભળ્યા પછી હસવું કે રડવું તે નક્કી થઇ ના શકે. પણ આમાં એક યુવાનનો વાંક ક્યાં કાઢીએ? માણસનો વિચારવાનો આખો ઢંગ જ્યાં બદલાઇ ગયો છે!

તે જાણે જિંદગીની બધી પીડા, બધી નુકસાની, બધી ખોટનો વિચાર વળતરની રકમના રૃપમાં કરે છે. તમે પ્રેમભંગ થયા અને તમે ચાહેલી યુવતી બીજે પરણી ગઇ-- ગમે તે કારણે પરણી ગઇ એટલે તમે તેને શિક્ષા કરવાના હક્કદાર થઇ ગયા અને શિક્ષા એટલે બીજું કંઇ નહીં માત્ર તમે નક્કી કરેલો દંડ અને તે પણ રોકડા રૃપિયામાં! તમે તમારા હૃદયની શું કિંમત આંકી? તમે તમારા પ્રેમની શું કિંમત આંકી? તમે પેલી યુવતીના પ્રેમની શું કિંમત આંકી? યુવતીની ઇજ્જત કે આબરૃની શું કિંમત તમે તમારા મનમાં આંકી? આવા પ્રેમસંબંધમાં શું શોભા? તમે નિષ્ફળ ગયા-- તમે કંઇક અમૂલ્ય એવું ગુમાવ્યું પણ પ્રેમની બાબતમાં તો કશુંક અમૂલ્ય ગુમાવ્યાની કિંમત પણ અમૂલ્ય હોય છે-- પ્રેમમાં તો હારની પણ એક શોભા હોય છે. તમે તો દરેક જખમ પછી-- તે શરીરનો હોય, હૃદયનો હોય, તમારા સ્વમાનનો હોય, તમારી ઇજ્જતનો હોય-- તમે તો દરેક જખમને વેચવામાં માનો છો!

જો જિંદગીમાં દરેક પીડા, દરેક નુકસાની, દરેક ખોટને સરભર કરી શકે તેવું કિંમતનું-- વળતરની રકમનું-- ભાવપત્રક નિશ્ચિત રૃપમાં હોત તો તો પછી જિંદગીમાં જીવવા જેવું, સહન કરવા જેવું, માણવા જેવું, સ્મરણ કરવા જેવું રહ્યું શું? માણસની જિંદગી ખુદ જો આવો એક રોકડિયો વેપાર હોય તો પછી માણસની શોભા, તેનું ગૌરવ, એનું ખમીર, એની ખાનદાની-- કશું રહેતું નથી!

કોઇક લાચાર માણસ પોતાનું લોહી વેચે, પોતાની કિડની વેચે કે પોતાનું કશુંક વેચે તે સમજી શકાય છે. પણ માણસ પોતાની વેદના કે પોતાના શોકને જ્યારે રીતે વેચવા નીકળે છે ત્યારે તેનો અર્થ એટલો નીકળે કે તેની વેદના સાચી વેદના નહોતી અને તેનો શોક પણ સાચો નથી. સાચી વેદના અને સાચા શોકની કિંમત ઘણી મોટી છે-- જો માણસ તેનો વેપાર ના કરે તો! જ્યારે તે તેનો વેપાર કરે છે ત્યારે તેની કિંમત કંઇ રહેતી નથી પછી ભલે તે વળતરની ગમે તેટલી મોટી રકમ મેળવે!

અકસ્માતનો ભોગ બનેલો માણસ જરૃર વળતરનો હક્કદાર છે. તેને આવું વળતર મળ્યા પછી પણ તેને થયેલી હાનિનો પૂરેપૂરો બદલો મળતો નથી. એક માણસ રસ્તા પરના અકસ્માતમાં કે કારખાનામાં પોતાનો હાથ કે પગ ગુમાવી બેસે અને તેને કાયદા મુજબનું કે ઉદાર માનવતા મુજબનું કોઇ પણ વળતર રૃપિયામાં મળે તોપણ તેની ખોટ તેનાથી પૂરી થતી નથી. માણસની જિંદગી આમ જુઓ તો અનેક જોખમોથી ભરેલી છે અને તે જ્યારે કંઇક ગુમાવે છે ત્યારે તે ખરેખર તો તેને થયેલા નુકસાનના પ્રમાણમાં ઓછું છે. બાબતમાં કશું કહેવાનું નથી પણ આપણો મુદ્દો અહીં બીજો છે. અહીં જે મુદ્દો છે તે તો છે કે માણસ પોતાની કોઇ ને કોઇ ઇજા કે ખોટ કે શોકને વટાવવાનું વલણ કેળવે અને એમ કરીને તેના ખોટ કે શોકનું સંપૂર્ણપણે અવમૂલ્યન કરી નાખે ત્યારે તે માણસ તરીકેની તેની યોગ્યતાને-- શોભાને એક ગંભીર ધક્કો પહોંચાડે છે. દાકતરની ગમે તેટલી કાળજી પછી પણ દરેક દર્દી બચી જાય તેવું બનતું નથી અને કે તે દર્દી દાકતરની ગેરકાળજીને કારણે મરે છે તેમ માનવું પણ બરોબર નથી. અમુક કિસ્સામાં તે સાચું હોય તોપણ તેને માત્ર વેચાણની ચીજ બનાવવાનું વલણ નૈતિક રીતે યોગ્ય કે તંદુરસ્ત નથી.

આજે પ્રકારનું વલણ આપણે જોઇ રહ્યા છીએ અને પ્રશ્નમાં કોઇના પક્ષકાર બન્યા વિના તટસ્થ રીતે વિચારીએ તો એટલું કબૂલ કરવું પડે કે રીતે પોતાની ઇજા કે શોકને વટાવવામાં સરવાળે તેને કશો લાભ નથી. અકસ્માતની ઇજાથી માંડીને ઑપરેશન ટેબલના મૃત્યુ સુધીના તમામ કિસ્સામાં માણસે કે તે માણસને અપરાધી ગણીને ચાલવાનું કે તેની સામે બદલો લેવાની દૃષ્ટિએ વિચારવાનું યોગ્ય નથી. આમાં એક સારા દયાળુ માણસને શોભે તેવું વર્તન વધુ યોગ્ય બને છે. જો આવા કિસ્સામાં સાચી વ્યક્તિમાં ઇરાદાનું આરોપણ કરવામાં આવે, તેને શત્રુતાનું કૃત્ય ગણીને તેની સામે વેર લેવાનું વલણ અખ્યતાર કરવામાં આવે તો એમ કરવાથી સામી વ્યક્તિનું તો જે થવાનું હોય તે થાય-- પોતાનું નુકસાન થયું હોવાનું માનનારી વ્યક્તિ રીતે વધુ નુકસાન વેઠે છે.

આપણે એક જુદા પ્રકારના દૃષ્ટાંતનો વિચાર કરીએ. એક વ્યક્તિને ત્યાં કોઇક લૂંટ કરી જાય છે, કિંમતી ચીજો લઇ જાય છે, લૂંટાયેલા પરિવારની પ્રત્યેક વ્યક્તિને એક માનસિક આઘાત પહોંચે છે. હવે કિસ્સામાં ફરિયાદ તો અનિવાર્ય છે પણ રીતે લૂંટાયેલી નિર્દોષ વ્યક્તિઓ જો લૂંટનારાઓમાં કોઇ પરિચિત ચહેરા જોવાની કોશિશ કરે, તેમની સામે બદલો લેવાનો વિચાર કરે અને તેમનો પીછો માનસિક રીતે કર્યા કરે તો ખુદ તેમનું જીવન બેચેન અને અસહ્ય બની જાય. તેણે એક તબક્કે એટલું સમજવું પડે છે કે માણસના હાથમાંથી કોઇ લઇ જઇ શકે છે, તેના ભાગ્યમાંથી કોઇ કશું લઇ જઇ શકતું નથી. એવી રીતે ઇજા કે ખોટની બાબતમાં પણ તેણે સમજવું પડે છે કે આવી ઇજા કે ખોટને જિંદગીની કાયમી ખોડ ગણીને ચાલવું નહીં જોઇએ અને જે કોઇક છીનવી લેનારું છે તેને બે હાથ કે બાર હાથ હશે પણ જે કોઇક આપનારું છે તેને હજાર હાથ છે.
(લેખકના પુસ્તકમાંથી)