Saturday 18 May 2013

નિષ્ફળતાઓમાંથી પેદા થતી લાયકાત



એક બેન્ક અધિકારીને સાત વરસ પહેલાં મળવી જોઇતી બઢતી છેક હમણાં મળી એટલે તે અંગેના અભિનંદનનો સ્વીકાર કરતાં તેમણે અફસોસ પ્રગટ કર્યો કે સવારે ચાના કપની રાહ જોતા બેઠા હોઇએ અને ચાનો કપ સાંજે મળે તેવું થયું!
માણસ કે તે પ્રાપ્તિ માટે પોતાના મનથી એક સમયબિંદુ નક્કી કરી નાખે છે. તે ક્ષણે તે તલપાપડ બનીને પ્રાપ્તિની રાહ જુએ છે, પછી તરસ્યા કરે છે. જ્યારે તેને ઇચ્છિત ફળ મળે ત્યારે તેને થાય છે કે કેટલું મોડું થઇ ગયું! આવું વિચારીને તે આનંદના પ્રસંગે પણ ગમગીન બની જાય છે. પછી તેને ખબર પડે છે કે કેટલીક ઘટનાઓ તો એક વાર બને છે. તે વહેલી મળે તો કંઇ ન્યાલ થઇ જવાતું નથી અને મોડી મળે તો કંઇ પાયમાલ થઇ જવાતું નથી. ઘણાંને તો તેમણે ઇચ્છેલી વસ્તુ અંત સુધી મળતી પણ નથી. કેટલાંકને આખી જિંદગી ઝંખેલી કીર્તિ તેમના મૃત્યુ પછી મળી હોય તેવું પણ બન્યું છે. મોડા મોડા પણ ઇચ્છેલું જે કાંઇ મળે તેને માટે સંતોષ માનવો તે સાચું વલણ છે, પણ માણસનું મન એવું છે કે પોતાની ધારણા કરતાં સહેજ પણ મોડું થાય ત્યારે વિરોધની લાગણી સાથે તેનો સ્વીકાર કરે છે!
દરેક માણસને પોતાની જિંદગીના નકશારૃપે ઊંચો પહાડ જોવાનું ગમે છે, પણ યાદ તો રાખવું પડે છે કે જે પર્વતની ટોચ પર પહોંચે છે તેણે તળેટી તરફ પાછા ફરવાનું આવે છે અને ઊંચામાં ઊંચા પહાડ પર તમે પહોંચો પછી શું? કોઇ આકાશને અડી શકતું નથી. કોઇ પર્વતની ટોચ પર રહી શકતું નથી. કેટલાક માણસો
ગૌરવપૂર્વક પર્વત પરથી નીચે ઊતરે છે, કેટલાક ગબડી પડે છે, કેટલાક ધક્કે ચઢીને નીચે આવે છે, પણ ઊંચા ને ઊંચા ઊડ્યા કરવાનું લગભગ અશક્ય છે.
મનોવાંછિત ફળ વહેલું મળ્યું હોત તો સારું હતું એવો અફસોસ હૃદયમાં ઘૂંટતી વખતે વિચારવું જોઇએ કે તે વહેલું મળ્યું હોત તો શું ફરક પડત? આવો અફસોસ કરનાર એવું સમજતા હોય છે કે આજે મોડું મળેલું ફળ પોતે જે ક્ષણે વધુમાં વધુ ઝંખ્યું હતું તે ક્ષણે મળ્યું હોત તો તેઓ આજે તેના કરતાં પણ વધુ મોટી પ્રાપ્તિને લાયક બની ચૂક્યા હોત! હકીકતે માણસની જિંદગી સીધા ને સીધા તેમજ ઊંચે દોરી જતાં પગથિયાંનો નકશો કદી હોતી નથી. કેટલાક બનાવો એક વાર બને છે પછી તે વહેલા બને કે મોડા બને. વહેલા બને તો ચઢતીની વધુ તકો બાકી રહે અને મોડા મળે તો છેવટની તક બની જાય તેવો કોઇ નિયમ નથી.
કોઇ પણ પ્રકારની બઢતી કે પ્રાપ્તિને માણસે પોતાની લાયકાતના આખરી પ્રમાણપત્ર કે પુરાવારૃપે જોવાની પણ જરૃર નથી. ઝંખેલી વસ્તુ ચોક્કસ ક્ષણે મળતી નથી તેનું જે દુઃખ માણસને થાય છે તેના મૂળમાં લાગણી પડેલી છે. તે માને છે કે તેણે ઘણી વહેલી લાયકાત પ્રાપ્ત કરી લીધી છે અને છતાં પોતે માગેલું સ્થાન કે ઇચ્છેલી સ્થિતિ પ્રાપ્ત થઇ નહીં તેનો અર્થ કે પોતાની લાયકાતની અવગણના થઇ! તમે ખરેખર તમારી કોઇ લાયકાતમાં માનતા હો તો તેને તમારે અમુક દરજ્જાની પ્રાપ્તિના ગજથી માપવાની જરૃર નથી. માણસની જિંદગીમાં ખરેખર ધન્યતાની લાગણી આપનારી ચીજ લાયકાતની સુસજ્જતાની ઝંખના છે. વધુ ને વધુ કુશળ બનવાનો એક આનંદ છે. આવા કૌશલની પ્રાપ્તિ એક મોટો આનંદ છે. સ્થાન કે બઢતી મળે તે સારી વાત છે, પણ તેને સાર્થકતા સમજવાની જરૃર નથી. સંપૂર્ણ લાયકાત હોય અને તે લાયકાત મુજબનું સ્થાન ના મળે તે કોઇ મોટી કમનસીબી નથી. વધુ મોટી કમનસીબી તો પ્રાપ્ત થયેલી બઢતી કરતાં લાયકાત ટૂંકી પડે તે છે.
મોડે મોડે માણસને જે કાંઇ મળે છે તે માટેની તેની લાયકાતના મૂળમાં ભૂતકાળની ઘણી 'ગેરલાયકાતો' પડી હોય છે. રશિયાના સ્ટાલિનની ઊંચાઇ ઓછી ના પડી હોત અને લશ્કરમાં ભરતી થઇ ગયો હોત તો તે લશ્કરમાં કોઇક નાની કે મોટી પાયરી પર પહોંચીને ગુમનામ નિવૃત્તિમાં ધકેલાઇ ગયો હોત! અમેરિકાના મશહૂર વાર્તાકાર .હેનરીને હિસાબની ગોલમાલના ખોટા આરોપસર જેલમાં મોકલવામાં આવ્યો ના હોત તો તેણે વાર્તા લખી ના હોત! હકીકતે માણસે પોતાની માનેલી બધી લાયકાત છતાં મળેલી નિષ્ફળતાને ખરી નિષ્ફળતા ગણવાની જરૃર હોતી નથી. બધી નિષ્ફળતાઓમાંથી એક લાયકાત પેદા થાય છે, જે નવી સફળતાને પ્રાપ્ત કરવામાં નિમિત્ત બની રહે છે. એક રશિયન કવિએ ઠીક કહ્યું છે કે આકાંક્ષાના બહુ ઊંચા વડને પાણી પાયાં અને આવાં મોટાં ઝાડને બહુ નાનકડા ટેટા આવ્યા ત્યારે છાતી બેસી ગઇ. બીજી બાજુ સહેજ પણ ઊંચા નહીં ચઢી શકતા વેલા જમીન પર પથરાયા. જમીનદોસ્ત વેલાનાં તરબૂચ જોયાં ત્યારે આશ્ચર્યથી છાતી ગજગજ ફૂલી! ઊંચાં ઝાડ ઊભાં કરીએ એટલે મોટાં અને મીઠાં ફળ મળે તેવા ભ્રમમાંથી છુટકારો થયો!
- લેખકના પુસ્તકમાંથી

No comments:

Post a Comment