Thursday 19 February 2015

ભૂપત વડોદરિયાઃ મહેનતકશ પત્રકારની પરમ સંતુષ્ટી - સમભાવ ગ્રુપ















પત્રકારત્વના આદર્શો અને આયામોને અક્ષુણ્ણ રાખીને વ્યાવસાયિક સફળતાનો માર્ગ સ્વાભાવિક પણે અને અનાયસ રીતે પ્રશસ્ત બને એ જ ઇચ્છનીય રહ્યું છે. પત્રકારત્વના આ મુકામે સમભાવ મીડિયા ગ્રુપ ભૂપત વડોદરિયાને સાદર શ્રદ્ધા સુમન અર્પણ કરે છે...

માતાના શબ્દો... 'હાથ પર લીધેલા કામને કોઈકની ખોટ કે તેના શોકનું કારણ આગળ ધરીને છોડવું ન જોઈએ. એ રીતે વિચારવું એ પણ આત્મહત્યા છે.' આ શબ્દોએ 'સમભાવ' દૈનિકને આફતની અનેક ક્ષણોએ વિસર્જનના વિચારમાંથી ઉગારી લીધું...
---

અખબારના કેન્દ્રમાં વાચક રહેવો જોઈએ. આ વાચક ક્યાંય પાનાના છેવાડે પણ શોધ્યો ન જડે એવી પત્રકારત્વની સ્થિતિ તેમને માટે ચિંતાનું કારણ હતી...

---
ભૂપતભાઈ વડોદરિયાના જીવનનો મહત્ત્વનો વળાંક અને આખરી પડાવ એટલે 'સમભાવ' દૈનિકનો આરંભ. કોઈ અખબારની શરૃઆત અને તેના અસ્તિત્વમાં માતાના આશીર્વાદ પડેલા હોય તો એ 'સમભાવ' છે. દૈનિક અખબારને ચલાવવું એ અત્યંત કઠિન કામ છે, તેનો અનુભવ 'સમભાવ' શરૃ કર્યા પછીના સમયમાં ડગલે ને પગલે ભૂતપભાઈને થતો રહ્યો. ભૂપતભાઈના જીવનનો આદર્શ જ માતુશ્રી ચતુરાબહેન હતાં. 'સમભાવ' શરૃ કર્યાના ત્રણેક મહિનામાં જ માતુશ્રીનું અવસાન થયું ત્યારે એ અવસાદગ્રસ્ત અવસ્થામાં ભૂપતભાઈને એવો વિચાર પણ આવી ગયેલો કે, જો માતુશ્રી હયાત ન હોત તો કદાચ તેમણે 'સમભાવ' શરૃ કરવાનો વિચાર પડતો મૂક્યો હોત. આવા વિચાર પછી તત્ક્ષણ ભૂપતભાઈને માતાના શબ્દો યાદ આવે કે...'તને હું કહું છું કે તારું છાપું ચાલશે. બહુ દોડાદોડ નહીં કરે તો પણ થોડા સમયમાં સ્થિર થઈ જશે.' માતાના આશાવાદના આ આશીર્વચન 'સમભાવ'ના સંચાલનમાં ભૂપતભાઈ માટે આશાનું કિરણ બની રહ્યા. કપરી મુસીબતોમાં આ શબ્દો દીવાદાંડીની ગરજ સારતા. માતાનાં મૃત્યુના આઘાતની એ વસમી ક્ષણોમાં તેઓ યાદ કરતા... 

તેમની માતાના શબ્દો... 'હાથ પર લીધેલા કામને કોઈકની ખોટ કે તેના શોકનું કારણ આગળ ધરીને છોડવું ન જોઈએ. એ રીતે વિચારવું એ પણ આત્મહત્યા છે.' આ શબ્દોએ 'સમભાવ' દૈનિકને આફતની અનેક ક્ષણોએ વિસર્જનના વિચારમાંથી ઉગારી લીધું, એટલું જ નહીં તો જાણે માતાના આશીર્વાદ સાક્ષાત્ સાકાર બની રહ્યા હોય તેમ 'સમભાવ' એ માત્ર એક દૈનિક ન રહેતાં તેની સાથે અન્ય પ્રકાશનો અને મીડિયા માધ્યમો ઉમેરાતા ગયાં. ભૂપતભાઈએ તેમની હયાતીમાં જ 'સમભાવ'ને એક મજબૂત અખબારી જૂથ અને સતત પોતાની ક્ષિતિજોને વિસ્તારતી મીડિયા સંસ્થા તરીકે, મીડિયા ગ્રુપ તરીકે નિહાળ્યું. એક મહેનતકશ પત્રકાર તરીકે એ તેમના જીવનની પરમ આનંદ અને સંતુષ્ટીની ક્ષણો હતી એ તેમની સાથેના આખરી દિવસોના સંવાદોમાં નિહાળી છે.


મહેનતકશ પત્રકાર. હા, ભૂપતભાઈ 'સમભાવ' દૈનિકના માલિક-તંત્રી બન્યા ત્યારે પણ પોતાને એ રીતે ઓળખાવાનું પસંદ કરતા હતા અને મહેનતકશ પત્રકાર તરીકેની તેમની દિનચર્યા માલિક-તંત્રી તરીકે પણ યથાવત્ રહી. સવારમાં ઓફિસમાં આવી જવાથી લઈને લેખનકાર્યને ચાલુ રાખવાની સાથે 'સમભાવ'ના તંત્રી વિભાગની રોજિંદી કામગીરીની રજેરજની જાણકારી અને તેમાં તેમની સક્રિય સામેલગીરી છેક મોડી રાત્રે અખબારની નકલ પ્રિન્ટ થઈને હાથમાં આવે એટલે તેના પર નજર કરીને તેની સિટી આવૃત્તિમાં જરૃરી સુધારાની સૂચના સાથે દિનચર્યા પૂર્ણ થતી. કવિ નર્મદનું 'દાંડિયો' અને મહાત્મા ગાંધીના 'હરિજન બંધુ'ને આદર્શ તરીકે નજર સમક્ષ રાખીને લોકજાગૃતિ, લોક શિક્ષણ અને અભિપ્રાય કેળવણીના પાયાનાં કાર્યો અખબારો વિસરી ગયાં છે, તેને આગળ ધપાવવાનો ઉપક્રમ 'સમભાવ' દ્વારા થતો રહેવો જોઈએ, આવી સ્પષ્ટ સંકલ્પના અખબાર શરૃ કરવાના વિચારમાં પડી હોય ત્યારે એ તેના ઉદ્દેશોમાંથી વિચલિત ન થાય એ સ્વાભાવિક છે. અખબારના કેન્દ્રમાં વાચક રહેવો જોઈએ. આ વાચક ક્યાંય પાનાના છેવાડે પણ શોધ્યો ન જડે એવી પત્રકારત્વની સ્થિતિ તેમને માટે ચિંતાનું કારણ હતી. 

 'સમભાવ'ના આરંભની ક્ષણોએ ભૂપતભાઈએ આવું ગહન ચિંતન કર્યું હતું. સ્વાભાવિક રીતે જ આ પ્રકારે અવતાર ધારણ કરનાર અખબાર એ માત્ર વ્યાવસાયિક સફળતા પાછળ દોટ ન મુકે. 'સમભાવ'ની નિયતિ પણ એવી જ રહી. પત્રકારત્વના આદર્શો અને આયામોને અક્ષુણ્ણ રાખીને વ્યાવસાયિક સફળતાનો માર્ગ સ્વાભાવિક પણે અને અનાયસ રીતે પ્રશસ્ત બને એ જ ઇચ્છનીય રહ્યું છે. પત્રકારત્વના આ મુકામે સમભાવ મીડિયા ગ્રુપ ભૂપત વડોદરિયાને સાદર શ્રદ્ધા સુમન અર્પણ કરે છે. 

tarundattani.abhiyaan@gmail.com