Thursday 27 September 2012

જે જીતે તે હારેય ખરો, પણ સારો ખેલાડી સારો જ રહે છે.......

જે જીતે તે હારેય ખરો, પણ સારો ખેલાડી સારો જ રહે છે.......

 સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા- વિશ્વ ધર્મ પરિષદમાં ભારતના ‘પ્રતિનિધિ’ તરીકે ગયા ત્યારે તેમને કોઈ ‘પ્રતિનિધિ’ તરીકે સ્વીકારવા તૈયાર નહોતું! પરિષદને હજુ વાર હતી- હજુ સમય હતો. ભારતમાંથી કોઈ સંસ્થા તેમને પોતાના પ્રતિનિધિ હોવાનું પ્રમાણપત્ર આપે તો સ્વામી વિવેકાનંદ આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં માનભેર હાજરી આપી શકે! પણ ત્યારે તેમને આવું પ્રતિનિધિત્વનું પ્રમાણપત્ર આપવા ભારતની કોઈ ર્ધાિમક સંસ્થા તૈયાર થઈ નહીં! ભારતના મઠાધીશોએ સાફ ના જ પાડી! સ્વામી વિવેકાનંદને વિશ્વ ધર્મ પરિષદમાં ‘પ્રતિનિધિત્વ’ અમેરિકાના એક વિદેશી ગૃહસ્થે જ મેળવી આપ્યું- તેણે મેલાંઘેલાં કપડાંમાં આ ભારતીય યુવાન સંન્યાસીની વાણી સાંભળી અને કહ્યું કે કોઈ પણ પરિષદમાં ઈશ્વર કે ધર્મ વિશેની વાત કરવા માટે આ માણસની પાસે કોઈ પ્રમાણપત્ર માગવું તે સૂર્યના પ્રકાશ ફેલાવવાના અધિકાર માટે સૂર્ય પાસે પ્રમાણપત્ર માગવા બરોબર છે! સ્વામી વિવેકાનંદને મદદ કરવાની પ્રેરણા ઈશ્વરે જ અમેરિકાના એ માણસના દિલમાં મૂકી અને સ્વામી વિવેકાનંદની વાણી ગુંજી ઊઠી- અમેરિકામાં જ નહીં, સમગ્ર સંસારમાં! સ્વામી વિવેકાનંદનું પૂર્વજીવન જોઈએ તો તેમને માટે પણ આશા રાખવાનું કોઈ કારણ રહ્યું નહોતું અને ઈશ્વરમાં પણ લગીરેય શ્રદ્ધા રાખવાને કોઈ કારણ રહ્યું નહોતું! પણ સાચી શ્રદ્ધા કોઈ જ કારણો કે પ્રમાણોની ઓશિયાળી હોતી નથી. જેમણે અનુભવ કર્યો છે તે જાણે છે કે સત્યની જેમ જ શ્રદ્ધા પણ સ્વયંસિદ્ધ હોય છે.
જીવનમાં શ્રદ્ધા વિના ચાલતું નથી તો શ્રદ્ધાના કોઈક આધાર વિના પણ ચાલતું નથી.

તમે ઈશ્વરનો આધાર ન સ્વીકારો તો છેવટે કોઈ માણસનો કે કોઈ સિદ્ધાંતનો કે કોઈ આદર્શનો આધાર લેવો જ પડે છે! એચ.જી. વેલ્સ સફળ લેખક બન્યા. ધન પામ્યા, બંગલો બનાવ્યો પછી એમના એક મિત્ર તેમને ઘેર મળવા ગયા. મિત્રે બંગલો જોયો. એચ.જી. વેલ્સ પોતે એક નાનો ખંડ વાપરતા હતા. મિત્રે પૂછ્યું કે, આ મોટો ખંડ કોણ વાપરે છે? એચ.જી. વેલ્સે કહ્યું કે, ‘અમારી કામવાળી!’ મિત્રને આશ્ચર્ય થયું ત્યારે એચ.જી. વેલ્સે ખુલાસો કર્યો- ‘મારી માતા પણ કામવાળી હતી!’

એચ.જી. વેલ્સે માતાને શ્રદ્ધાનો આધાર બનાવી. કોઈ આ રીતે પિતાને, ગુરુને કે મિત્રને આ હોદ્દો આપે છે. આમાં કશું ખોટું પણ નથી. કેમ કે માતા, પિતા, ગુરુ જ નહીં, કોઈ પણ માણસમાં ઈશ્વર તો બેઠો જ છે. ક્યારેક એ તમારો પરીક્ષક બને ત્યારે તમને તે અણગમતો લાગે છે, પણ તે તમારો મિત્ર અને માર્ગદર્શક પણ હોઈ શકે છે એટલે સહાયક પણ એ જ બને.

જે માણસ આશા રાખે છે તેની કસોટી પણ થાય છે. તેમાં આશા ‘નપાસ’ થાય તો તેનું દુખ લાગે, પણ માણસે સમજવું રહ્યું કે તેની આશા નપાસ થઈ તેનો અર્થ એ કે હજુ વધુ તૈયારીની જરૂર છે! આ રીતે શ્રદ્ધા પણ કસોટીએ ચઢે છે અને હકીકતે વધુ ને વધુ કસોટીમાંથી પસાર થઈને શ્રદ્ધા વધુ અણિશુદ્ધ બને છે. શ્રદ્ધા તકલાદી હશે તો તેને તૂટતાં વાર નહીં લાગે. અમેરિકાના ચિંતક-લેખક મહાત્મા એમર્સનનો દીકરો ગુજરી ગયો ત્યારે તેમને એક ધક્કો લાગ્યો. પછી છેક ૬૯ વર્ષની ઉંમરે ઘર બળી ગયું ત્યારે બીજો મોટો ખળભળાટ થયો. માણસ છીએ એટલે દુખ તો લાગે જ, પણ છેવટે માણસે દુખને પણ દવાની જેમ પીવું જ પડે છે અને પોતાની ‘સ્વસ્થતા’ને વિશેષ શક્તિશાળી બનાવવી પડે છે. એક એવો સમય આવે છે કે જયારે માણસને સમજાય છે કે સાચો ખેલાડી હોવું તેનો અર્થ રમતની કુશળતાની સજજતા હોવી તે છે. તે રમતનાં સાધનોની પ્રાપ્તિ કે માલિકી નથી. એ જ વાત માણસને લાગુ પડે છે. જીવનને સમજવાની અને માણવાની જેટલી ‘સજજતા’ માણસમાં વધારે એટલું એનું જીવન ચઢિયાતું. ખેલાડીને સફળતા મળે, તે જીતે અને નિષ્ફળ પણ જાય- તે હારે પણ ખરો, પણ સારો ખેલાડી સારો જ રહે છે. એક કે અમુક ખેલના પરિણામ ઉપર તેના છેવટના મૂલ્યાંકનનો આધાર નથી. જિંદગીનો મુકાબલો કરવાની જેટલી ક્ષમતા-સજજતા તેનામાં વધારે એટલો તે માણસ વધુ ‘પ્રાણવાન’. ગમે તેટલી ઊંડી ખીણમાં ગબડ્યા પછી પણ આકાશમાં તારાની સાથે નજર સાંધો અને ઊંચું નિશાન પકડી જ રાખો ત્યારે તમારું જીવન સાર્થક દૃષ્ટાંત બને છે. જિંદગીના સ્થૂળ-ક્ષુદ્ર હેતુઓની પાછળ દોડો ત્યારે તમને તેમાંથી ગમે તે મળે- તેનાથી તમારા જીવનચરિત્રમાં કોઈ રંગ ઉમેરાતો નથી. જીવનનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જયાં આશા કે શ્રદ્ધા વગર માણસ કંઈ પણ કરી શક્યો હોય. અમુક આશા સાથે, અમુક શ્રદ્ધા સાથે જ આગળ વધવું પડે છે- આ પ્રારંભિક મૂડી વગર તો એકપણ ડગલું આગળ વધી ન શકાય- સંશોધનનો લાંબો પંથ કાપી પણ ન શકાય!

માણસનો ઇતિહાસ એવાં અનેક દૃષ્ટાંતોથી ભરપૂર છે જેમાં માણસ ગરીબ હોય, દુખી હોય, રોગગ્રસ્ત હોય, અપંગ હોય- જાતજાતનાં દુર્ભાગ્યોથી ઘેરાયેલો હોય અને છતાં તે એક ‘આત્મા’ રૂપે, એક દૈવતભર્યા વ્યક્તિત્વરૂપે, એક જબરદસ્ત હસ્તીરૂપે ઝળહળી ઊઠ્યો હોય અને જગતનો કોઈ ને કોઈ ખૂણો અજવાળી
ગયો હોય!

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃતમાંથી ..................

પૈસાથી શું મેળવી શું કોને મનાવી શકીશું – એ વિચાર કર્યો છે ખરો.....

પૈસાથી શું મેળવી શું કોને મનાવી શકીશું – એ વિચાર કર્યો છે ખરો.....

માણસે ઈશ્વરને નહીં, માણસને મદદ કરવાની ખાસ જરૂર છે. ઈશ્વરને માણસની મદદની જરૂર નથી  માણસની મદદની જરૂર માણસને છે. મંદિરોની સંખ્યા અનેકગણી કરી નાખવાથી ઈશ્વરનો મહિમા વધવાનો નથી  તેને આટલાં બધાં ધર્મસ્થાનોની જરૂર પણ નથી, કેમ કે ઈશ્વરમાં માનતા જ હો તો ઈશ્વર તો કણેકણમાં અને ક્ષણેક્ષણમાં વસે છે. તે તો સર્વત્ર અને સર્વવ્યાપી છે. ઈશ્વર ન હોય એવું કોઈ અવકાશનું સ્થળ જ નથી. ધર્મસ્થાનો જરૂર હોવાં જોઈએ, પણ વેપારી ગણિત અને વેપારી ગણતરીથી ધાર્મિક સ્થળો ખીલે અને વધે તેમાં નથી ઈશ્વરનો કોઈ મહિમા કે નથી માણસની કોઈ શોભા. જે એક દુખી માણસને કંઈ પણ મદદ કરે છે તે ઈશ્વરને જ મદદ કરે છે  ઈશ્વરના વતી એમનું જ કામ કરે છે. છેવટે મંદિરમાં જઈને શું કરવાનું છે? મૂ્ર્તિ જોતાંવેંત તમારું હૃદય અરીસો બનીને તમારા અંતરમાં પ્રભુને પ્રગટ ન કરે તો પછી એ દેવદર્શનનો કંઈ અર્થ નીકળતો નથી. જે માનવી પોતાના હૃદયમાં ઈશ્વરને સ્થાન આપવા માગતો હશે તેણે પહેલાં ત્યાં માનવીને આશ્રય આપવો પડશે. ઈશ્વરની મૂર્તિ આગળ અન્નકૂટ અને જીવતા માણસને ખાવાના સાંસા એવું ધર્મનું વાતાવરણ હોઈ ન શકે. દુખથી કણસતા દરેક મનુષ્યમાં ઈશ્વરને જ કણસતો જોઈ શકીએ એ જ ધર્મનો સાચો મર્મ છે.

માણસો ધર્મ વિશે જે ખોટી સમજ કેળવે છે તે ઉપરથી તો એવું જ લાગે કે તેને પહેલાં બારમા ધોરણની પરીક્ષા પાસ કરવી નથી અને એ વિના ગ્રેજ્યુએટ થઈ જવું છે. તેને પહેલાં માણસ બનવું નથી અને માણસ બન્યા વિના જ દેવ બની જવું છે.

માણસની સામે સૌથી મોટો પડકાર આ જ છે  તે જો સંપૂર્ણ મનુષ્યત્વ પ્રાપ્ત કરે તો તે સુખીથઈ શકે અને બીજાઓને પણ સાચા અર્થમાં સુખી કરી શકે. પણ એ આવો પડકાર ઝીલે નહીં અને માત્ર પોતાના અહંકારને સંતોષવા માટે માત્ર પોતાને માટે જ કશુંક હાંસલ કરવા મથે ત્યારે તે ભલે ગમે તેટલું ધન કે સત્તા કે કીર્તિ હાંસલ કરે  તેને કશું સાચું સુખ કે સાચી શાંતિ પ્રાપ્ત નહીં થાય. આપણે એવાં અનેક દ્રષ્ટાંતો જાણીએ છીએ જેમાં માણસ પોતાની આખી જિંદગીને સત્તાની કે ધનની કે કીર્તિની એક ખોજ બનાવી દે અને તેણે ઝંખેલું આ બધું તેને મળી જાય ત્યારે તેને લાગે કે હું આટલા ઊંચા શિખર ઉપર ચઢી ગયો અને સાવ એકલો પડી ગયો! તેને લાગશે કે આટલી બધી કઠિન યાત્રા પછી તેને ખરેખર તો કાંઈ મળ્યું નહીં. જે કંઈ મેળવ્યું તે માત્ર પોતાના માટે જ મેળવ્યું અને તેમાં કોઈને ભાગીદાર તો બનાવી ન શક્યો! તેને છેવટે એટલું ભાન થાય છે કે બધાંમાંથી પોતે ધાર્યું હતું એવાં કોઈ સુખશાંતિ કે સાર્થકતા પણ પ્રાપ્ત થયાં નહીં.

કેટલાક માણસોને સાચા કે ખોટા રસ્તે લક્ષ્મી મળે એટલે એમના મનમાં એવી હવા ભરાઈ જાય કે લક્ષ્મીજીને કબજે કરી લીધાં એટલે હવે ભગવાન વિષ્ણુ પણ આપણા ખિસ્સામાં આવી ગયા! પણ લક્ષ્મી તો કોઈની થઈ નથી અને કદી થવાની નથી. માણસ માને છે કે પૈસા આવ્યા છે તો લાવો થોડાક પૈસા ભગવાનને આપીએ! ભગવાન કેમ જાણે કોઈક ભ્રષ્ટ સત્તાધિકારી હોય! ભગવાનને આ રીતે કોઈ મનાવી શક્યું નથી. આ રીતે પૈસાથી કોઈને મનાવી શકાતા નથી પત્નીને પણ નહીંં અને સગા સંતાનને પણ નહીં. એવા દાખલા છે કે જેમાં કોઈ પુત્ર કે પુત્રીએ નિર્ધન માબાપની સેવાચાકરી પૂરા ભક્તિભાવથી કરી હોય અને એવા પણ દાખલા છે કે શ્રીમંત માબાપની ચાકરી કરવા તેમનાં સંતાનો આગળ આવ્યાં જ ન હોય!

એક શ્રીમંત કુટુંબના જુવાને ઘર છોડ્યું ત્યારે કોઈએ તેને પૂછ્યું કે તમને શેનું દુઃખ હતું? યુવાને કહ્યું કે મારા પિતા  દરેક પ્રસંગે પોતાની લક્ષ્મી આગળ કરતા હતા  તેમણે હંમેશાં મને પૈસા જ બતાવ્યા  કદી પ્રેમ બતાવ્યો નહીં! મારે પૈસા નથી જોઈતા! મને ખબર છે કે પૈસાની બહુ મોટી તાકાત હોય છે, પણ મારે એમની તાકાતનો વારસો જોઈતો નથી! હું બાપના પૈસાની તાકાત ઉપર મારું વાવટો ફરકાવવા માગતો નથી! હું પોતે મારું પોતાનું સુખ અને મારું પોતાનું સ્વમાન નિર્માણ કરવા માગું છું. હું નથી માનતો કે મારા પિતાના પૈસાથી મને કોઈ મોટું સુખ મળી જાય! સુખને વારસામાં જ લઈને હું શું કરું! એમાં મજા પણ શું! સુખ તો હું જાતે કમાઉં તો જ મને મજા પડે!

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃતમાંથી...............

Tuesday 25 September 2012

કાર્લ માર્ક્સ જલદી હાર કબૂલે એવો માણસ નહોતો........................

કાર્લ માર્ક્સ જલદી હાર કબૂલે એવો માણસ નહોતો........................

સામ્યવાદી ક્રાંતિની ગીતા કે બાઇબલ ગણાતા પુસ્તક દાસ કેપિટલનો પ્રથમ ખંડ કાર્લ માર્ક્સે ઈ. સ. ૧૮૬૫ના ડિસેમ્બર માસની આખરમાં તૈયાર કર્યો હતો. ત્યારે કાર્લ માર્ક્સની ઉંમર ૪૭ વર્ષની હતી. લંડનમાં બ્રિટિશ મ્યુઝિયમમાં ભાગ્યે જ કોઈ માણસે વાચનઅધ્યયનમાં આટલી એકાગ્રતાથી તપ કર્યું હશે. કાર્લ માર્ક્સને દાળરોટીની ચિંતા, મકાનના ભાડાની ચિંતા અને છતાં તેનો નિશ્ચય અડગ. તેની આંખની પીડા, માથાનો દુખાવો આખા શરીરે ફોલ્લાં, પેટમાં દર્દ, ગળામાં દર્દ  તેની નાનીમોટી બીમારીઓની વિગતો વાંચીએ ત્યારે તાજુબી થાય કે આટઆટલી પીડા વચ્ચે આ માણસ જીવ્યો તે તો સમજ્યા, પણ એ આટલું કામ કઈ રીતે કરી શક્યો તે સમજવું મુશ્કેલ પડે તેવું છે.

માર્ક્સ એના વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓ પર તૂટી પડતો પણ પતિ તરીકે અને ત્રણ પુત્રીઓના પિતા તરીકે અત્યંત પ્રેમાળ હતો. તેણે હિંસક ક્રાંતિની હિમાયત કરી પણ એનું પોતાનું જીવન નિરુપદ્રવી ભદ્રસમાજની કોઈ પણ વ્યક્તિના જીવન જેવું જ હતું.

તેનાં કોઈ સ્વપ્નો સિદ્ધ થતાં તેણે તેની સગી આંખે જોયાં નહીં પણ તેના મૃત્યુ પછી પાંત્રીસ વર્ષમાં જ રશિયામાં ૧૯૧૭માં ક્રાંતિ થઈ અને એકસો વર્ષમાં તો તેના નામે દુનિયાના ઘણા બધા મુલકોમાં રાજપલટા થયા.

સંસારમાં બહુ થોડા પુરુષોને માર્ક્સની પત્ની જેની જેવી પત્ની મળી હશે. બહુ થોડા પુરુષોને ફ્રેડરિક એંજલ્સ જેવો મિત્ર મળ્યો હશે. બહુ થોડા માણસોને માર્ક્સ જેવાં બુદ્ધિતેજ અને વેધક દ્રષ્ટિ પ્રાપ્ત થયાં હશે. બીજી બાજુ ગરીબી, માંદગી અને તરેહતરેહની કમનસીબીઓ તેના પલ્લે પડી હતી. આપણા જવાહરલાલ નહેરુની જેમ કાર્લ માર્ક્સને પ્લુરસીના રોગે ખૂબ તંગ કર્યા હતા. માર્ક્સનાં ફેફસાંમાં ગાંઠ જામી ગઈ હતી અને તેમાંથી લોહી પડવા માંડ્યું હતું. મૃત્યુનું તાત્કાલિક કારણ કદાચ એ હતું કે બે જ મહિના પહેલાં માર્ક્સની પ્યારી પુત્રી કેન્સરથી મૃત્યુ પામી હતી અને તેનો જબરો આઘાત તેને લાગ્યો હતો. સવા વર્ષ પહેલાં માર્ક્સની પત્ની ખૂબસૂરત જેની પણ કેન્સરથી મૃત્યુ પામી હતી. ત્યારે કાર્લ માર્ક્સ એટલો બધો માંદો પડી ગયો હતો કે જેનીની સ્મશાનયાત્રામાં સામેલ થઈ શક્યો નહોતો. જેની અને કાર્લ માર્ક્સે પ્રેમલગ્ન કર્યાં હતાં. જેની કાર્લ માર્ક્સથી ચાર વર્ષ મોટી હતી. 

કાર્લ માર્ક્સ એમનાં માતાપિતાનાં આઠ સંતાનોમાં એક હતા. તેમના પિતા માનતા કે કાર્લમાં કોઈક દાનવવસે છે અને પુત્રના ભવિષ્યની ચિંતા તેમનું કાળજું કોરતી હતી. પિતાનો અંદાજ સાચો હતો. કાર્લ માર્ક્સમાં કોઈ રુદ્રશક્તિ વિરાજતી હતી. કાર્લ માર્ક્સ જ્યાં જાય ત્યાં કંઈ ને કંઈ હલચલ ઊભી કરે  એટલે પછી તેની હકાલપટ્ટી થાય, એટલે તે કોઈ બીજા શહેરમાં જઈ વસે. કાર્લ માર્ક્સે દૈનિક અખબાર પણ કાઢ્યું હતું  એક વર્ષ ચલાવી શકાયું.

એંજલ્સ પોતાના મિત્ર કાર્લ માર્ક્સની શક્તિ અને સ્થિતિ પિછાણી ગયો હતો એટલે ઈ. સ. ૧૮૫૦માં એંજલ્સ માન્ચેસ્ટર રહેવા ગયો. પિતાના ધંધામાં પડ્યો. એ નાણાં કમાવા માગતો હતો, કારણ કે તે કાર્લ માર્ક્સને નાણાકીય મદદ કરવા માગતો હતો. અંત સુધી એંજલ્સે માર્ક્સને ટકાવી રાખ્યો અને માર્ક્સના મૃત્યુ પછી અંજલ્સે માર્ક્સની પુત્રીઓને પોતાની મિલકતમાંથી ભાગ આપ્યો.

કાર્લ માર્ક્સ વિદ્યાર્થીકાળથી ધૂમ્રપાન કરતા હતા. આખી રાત જાગીને વાચનલેખ કરે અને એમાં સિગારેટનો સહારો લે. પાછળનાં વર્ષોમાં કાર્લ માર્ક્સ કહેતા કે દાસ કેપિટલગ્રંથમાંથી એટલી કમાણી પણ થઈ નથી કે લખવા માટે પીધેલી સિગારેટનો ખર્ચ પણ નીકળે!

લંડનમાં બે ઓરડીનું નાનકડું ઘર (ભાડાનું), ફર્નિચરમાં ખાસ કશું નહીં. એક પણ ખુરશી કે ટેબલ સાજું નહીં  બધું જ ભાંગેલું, તૂટેલું અને ભંગાર. કોલસાનો ધુમાડો અને સિગારેટનો ધુમાડો! દરિદ્રતાનો આ દરબાર! પણ અહીં જ માર્ક્સના હાસ્યના અને કટાક્ષના પડઘા ઊઠતા અને અહીં જ ક્રાંતિકારી પરિવર્તનના ખ્યાલોના પડછંદા ગાજી ઊઠતા!

કાર્લ માર્ક્સની છાતી ઉપર જિંદગી જાણે ચઢી બેઠી હતી! પણ જલદી હાર કબૂલે એવો આ માણસ નહોતો. એનો દમ ઘૂંટતી જિંદગી એની છાતી ઉપરથી ઊતરી ત્યારે જાતે જ શરમાઈને જાણે બદલાઈ ગઈ હતી  માર્ક્સ માટે નહીં પણ દુનિયાના લાખો લોકો માટે!

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃતમાંથી...............

માનવીના જીવનમાં ભૌતિક સફળતાની સિવાય પણ કંઇ છે તે ભૂલવું ન જોઇએ..............

માનવીના જીવનમાં ભૌતિક સફળતાની સિવાય પણ કંઇ છે તે ભૂલવું ન જોઇએ..............

ડેથ ઓફ એ સેલ્સમેનઅને ઓલ માય સન્સજેવાં સફળ નાટકોના લેખક અમેરિકન નાટ્યકાર આર્થર મિલરે વર્ષો પહેલાં આપેલી એક મુલાકાતનું બયાન હમણાં વાંચ્યું. અમેરિકા જઈ વસેલી કેટલીય ભારતીય વ્યક્તિઓના મોંએ ત્યાંના જીવનની ભરપૂર પ્રશંસાની વચ્ચે પણ જે એક બળતરા અછાની રહેતી નથી તે પણ આ જ છે.

મુલાકાત લેનારે આર્થર મિલરને પ્રશ્ન કર્યો હતોઃ તમે ડેથ ઓફ એ સેલ્સમેનનાટક લખ્યું ત્યારે અમેરિકાના જીવનમાં અંગત સફળતા માટેની જે લાલચા અને દોડધામ હતી તેમાં આજે વધારે થયો છે એવું તમે માનો છો? જવાબમાં આર્થર મિલરે કહ્યુઃ  હું માનું છું કે મેં ‘‘ડેથ ઓફ એ સેલ્સમેન’’ નાટક લખ્યું (ઈ. સ. ૧૯૪૯) ત્યારે અમેરિકામાં અંગત સફળતા માટેનો જે ધખારો હતો તે અત્યારે (ઈ. સ. ૧૯૬૬) ઊલટો વધ્યો છે. આજે તો લાલસા પાગલપન જેવી બની ગઈ છે.આર્થર મિલરનું આ મંતવ્ય તેમણે વ્યક્ત કર્યું તે પછીના ત્રણ દાયકામાં આ ચસકો વધ્યો છે. તેનું સમર્થન અમેરિકામાં સંપત્તિ અને સુખ શોધવા ગયેલા અને ભારત પાછા ફરેલા હિંદીઓ છે. દુનિયાના લગભગ તમામ સમાજોમાં વધતાઓછા અંશે આ ઝંખના જોવા મળે છે. અલબત્ત, જે દેશોમાં ધાર્મિકતાનું વિશેષ બળ છે ત્યાં આ ઝંખનાનું જોર ઓછું હોવું જોઈએ. છતાં આપણા દેશમાં ઊંડી ધાર્મિકતાના વિશાળ દાવા છતાં આ ઝંખનાએ ઘણું બધું જોર પકડ્યું છે. પશ્ચિમની દુનિયા અને ખાસ કરીને અમેરિકાના જીવનને એક અર્વાચીન આદર્શ ગણીને તેનું અનુકરણ કરવાની તાલાવેલી વધી ગઈ છે. 

અંગત સફળતાને આરાધ્ય દેવ બનાવી દેવાની આ તત્પરતા સમાજવાદી દેશમાં નહીં હોય એવું માનવાનું મન થાય. પણ તાજેતરમાં રશિયા અને ચેકોસ્લોવેકિયા જેવા સમાજવાદી દેશોની ઊડતી મુલાકાતે જઈને પાછા ફરેલા એક ગૃહસ્થે કહ્યું કે દર ત્રીજા કુટુંબમાં છૂટાછેડા અને ખંડિત લગ્ન જોયું. બહારથી બધું બરાબર છે. શ્રેષ્ઠ ગાય કે શ્રેષ્ઠ ભેંસની જેવી સ્પર્ધામાં જાણે માણસ ઊભો છે. પણ તે બહારથી તાજોતગડો લાગતો હોવા છતાં તેની આંખમાં એક ભય અને દીનતા છે. આવો ભાવ હરીફાઈઓમાં ઊભેલા પ્રાણીની આંખમાં પણ નથી હોતો. પ્રાણી હરીફાઈમાં ભલે ઊભું પણ તે પોતાની પસંદગીથી ઊભું નથી. જીતી જવાય તો ઠીક નહીંતર મારા કેટલા ટકા? એટલી ખુમારી તેની આંખમાં છે, આવી ખુમારી ત્યાં માણસની આંખમાં નથી.

આર્થર મિલરે સાચું જ કહ્યું છે કે વ્યક્તિગત સફળતાની આ ધૂન એક કેદખાનું છે  સફળતાની આ કોટડી તરફ દોડનારી વ્યક્તિએ તેને આશ્રયસ્થાન માન્યું હોય છે. પણ જ્યારે તે આ કુટિર પર પહોંચે છે ત્યારે તેને ખબર પડે છે કે આ રક્ષણસ્થાન નથી, પણ કેદખાનું છે. પછી આ વ્યક્તિ આ કેદખાનામાંથી છટકી પણ શકતી નથી. માણસે જ્યારે પ્રથમ વાર સફળતા ઝંખી હોય છે ત્યારે તેણે એમ માનીને સફળતાની આરાધના કરી હોય છે કે મને સફળતા મળશે એટલે હું મુક્ત માણસબનીશ. મને જિંદગીમાં મનમાની પસંદગીનો વિકલ્પ મળશે, પણ આવો વિકલ્પ રહેતો જ નથી. સફળતા બાંધે છે  એવું બંધન બને છે કે તમારી સ્વતંત્રતા લુપ્ત થઈ જાય છે અને તમારું જીવન સફળતાના જ એકમાત્ર ગણિતના આધારે આગળ ચાલે છે.

મિલરે કહ્યું છે કે મેં ક્યાંય આવું જોયું નથી. એક અમેરિકા જ એવો દેશ છે કે જ્યાં તમે કોઈકને ઘેર મળવા જાઓ એટલે હજુ પૂરા બેઠા પણ ન હો ત્યાં સવાલ પૂછવામાં આવે છે કે, ‘તમે શું કરો છો? તમારો ધંધો શું છે? તમારી આવક શું?’ એક અમેરિકન તરીકે હું ખુદ આવી ભૂલ કરી બેઠો છું અને બીજા લોકોને આવો સવાલ કરી બેઠો છું. સવાલ કર્યા પછી હું મૂંઝાયો પણ છું અને પસ્તાયો પણ છું. મને મારી ભૂલ સમજાઈ છે. શું કામ આપણે સામે મળતા દરેક માણસને આ એક જ માપદંડથી માપીએ? તમે માણસને માણસ તરીકેના ગુણોથી બિલકુલ માપવા જ માગતા નથી? શું દરેક માણસ રેસકોર્સનું એક પ્રાણી જ છે અને શું તમે તેની ઉપર એક બાજી ખેલીને બેઠા છો?

આપણે ત્યાં અંગત જીવનની સફળતાની આ ધૂન અમેરિકાની બરોબરીમાં આવે એટલી નહીં હોય છતાં તે ઉત્તરોત્તર વધી રહી છે તે એક હકીકત છે. આ ધૂનને લીધે ઘણા બધા માણસો નિરાશા અને હતાશાનાં ચક્કરમાં સપડાયા છે. માનવીના જીવનમાં ભૌતિક સફળતાની બહાર પણ કોઈ બીજા પ્રકારની સિદ્ધિ કે સંતોષનું કારણ સંભવી શકે છે તે ભૂલવા જેવું નથી.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃતમાંથી............

Monday 24 September 2012

જીવતાં હોવાનો પણ એક આનંદ છે, તેનો એહસાસ માણસે કરવો જોઇએ.........

જીવતાં હોવાનો પણ એક આનંદ છે, તેનો એહસાસ માણસે કરવો જોઇએ.........

તમારી જિંદગીના પત્રકમાં જુદાંજુદાં ખાનાંમાં તમે શું શું જમા કર્યું છે તેના પરથી તેનો એકંદર ગુણાંક નક્કી થશે. તમે કોઈ સ્ત્રીને જિંદગીભર નિઃસ્વાર્થભાવે ચાહી છે? તે સ્ત્રી તમારી માતા હોય કે પત્ની હોય કે પ્રિયતમા હોય કે બહેન હોય કે પુત્રી હોય. તમે કોઈ મિત્રને દિલોજાનથી ચાહ્યો છે? એવો કોઈ મિત્ર જેને યાદ કરતાં તમને ક્યારેક કૃષ્ણનો ભાવ તો ક્યારે સુદામાનો ભાવ હૃદયમાં ઊભરાયો હોય. તમારી જિંદગીમાં તમે એક માણસ તરીકેની કેટલી પરીક્ષામાં પાસ થયા અને કેટલી કસોટીમાં નિષ્ફળ નીવડ્યા તેનો કોઈ હિસાબ માંડ્યો છે? ગમે તેટલા કપરા સંજોગોની વચ્ચે તમે જીવનનો શુદ્ધ રસ કેટલો પીધો, એમાંથી કેટલો આનંદ મેળવ્યો તેનો કોઈ ખ્યાલ કર્યો છે?

જીવતાં હોવાનો જ એક આનંદ છે, પણ એ આનંદ પણ માણસ મિલકતની જેમ સંતાડી રાખે છે. અડોશપડોશમાં, સગાંસંબંધીઓમાં, બીજે ક્યાંક મોત દરોડો પાડે છે ત્યારે રખે મારો દલ્લોલૂંટાઈ જાય તેનો ડર તેની પાસે એ મિલકત જાહેર કરાવે છે અને પછી મોત કોઈકને ઉપાડી ગયું પણ પોતે બચી ગયા  પોતાનો દલ્લોબચી ગયો તેનો આનંદ એક ક્ષણિક ઊભરારૂપે પ્રગટ થાય છે. પણ જીવતા હોવાનો જ આ એક અનોખો આનંદ રોજબરોજના જીવનમાં પ્રગટ થતો નથી. આપણો ઘણો બધો સમય આપણા માટે કીમતી પોશાક તૈયાર કરવામાં અને કીમતી રહેઠાણ તૈયાર કરવામાં જાય છે. પોશાકો તૈયાર થઈ જાય, રહેઠાણ તૈયાર થઈ જાય, આખી જિંદગી ખૂબ ખૂબ મહેનત કરીને ઘણું કમાયા તેનું માનપત્રપણ તૈયાર થઈ જાય પણ પછી મૂળ માણસ પાસે નિજાનંદે જીવવાનો ઝાઝો વખત રહ્યો જ નથી હોતો. આનંદથી જીવવા માટે પણ એક મિજાજ જોઈએ છે. 

હાસ્યકથાઓના મશહૂર લેખક પી. જી. વૂડહાઉસે આત્મકથનીના એક લેખમાં લખ્યું છે કે મારી પાસે ઘણા બધા માણસો આવે છે અને મને કહે છે કે તમે મારી જિંદગીની કથા સાંભળો! મારી જિંદગીની કથા સાંભળીને આફરીનપોકારી ઊઠશો અને પછી તેના ઉપરથી તમે જે વાર્તા લખશો તે એટલી રસિક અને દિલધડક હશે કે વાચકો ખુશખુશ થઈ જશે. જ્યારે એ પોતાની જિંદગીની કથા કહેવા માંડે છે ત્યારે ઘણું બધું કહી નાખવાના તાનમાં હોય છે, પણ પછી લોચા વાળવા માંડે છે. એમની જિંદગીની કથા હું સાંભળી લઉં પછી મને થાય છે કે આ માણસોને શું કહું? તેમને સાચું કહું તો તેમને માઠું લાગી જાય. બાકી એમને એટલું કહેવાનું મને મન થાય છે કે, ભલા માણસ, ઠીક છે. તમે મલાવી મલાવીને તમારી જિંદગીની વાત તો કરી પણ આમાં ક્યાં છે રસ, ક્યાં છે દિલધડક પ્રસંગો, ક્યાં છે સાહસ, ક્યાં છે શૌર્ય? શું છે તમારી જિંદગીમાં? એવું લાગે છે કે તમે તો ખરેખર સાચા અર્થમાં જીવ્યા જ નથી.
કેટલાક માણસો માને છે કે સુખસંપત્તિનાં સાધનો ગમે તે ભોગે ઊભાં કરવાં, પેદા કરવાં એનું નામ જિંદગી. બીજા કેટલાક વળી માને છે કે સાચાં કે ખોટાં જાતજાતનાં માનપત્રો અને પ્રમાણપત્રો ભેગાં કરવાં એ જ જિંદગી! બીજા કેટલાક વળી એમ જ માને છે કે બસ ક્યાંક નજર ચોંટેલી રહેવી જોઈએ, નહીં પોતાની અંદર જોવાનું, નહીં આસપાસ નજર કરવાની, નહીં દિલને ઢંઢોળવાનું કે નહીં મગજને ક્યાંક સાચી રીતે કસોટીએ ચઢાવવાનું. દુનિયા જેને સુખ’, ‘આનંદ’, ‘વૈભવ’, ‘નસીબસમજે છે તે તો માત્ર રૂપિયાની જાદુગરી છે! એટલે ગમે તેમ કરીને ગમે તે ભોગે રૂપિયા મેળવોબસ! એ માટે ભલે બધું હોમી દેવું પડે. જિંદગીમાં જે કંઈ લીલુંછમ છે તે બધું ભલે બળીને કાળુંમેંશ કે રાખ થઈ જાય. પછી માણસ પાસે કંઈ જ બચતું નથી. તે પોતે પણ બચી શકે તેમ નથી હોતો ત્યારે તેને અંતિમ ક્ષણે સંભવતઃ ભાન થાય છે કે જિંદગીમાંથી કશું કામનું તો પામ્યા નહીં અને જે પામ્યા તે હવે પોતાના કોઈ કામનું જ તો રહ્યું જ નથી. 

પોતાની અંદર જ પરમ આત્માના કે પરમ શક્તિનાં દર્શન કર્યાં હોત, સમગ્ર સૃષ્ટિમાં પ્રાણ અને પદાર્થના અગણિત આવિષ્કારોમાં પરમ આત્માના કે પરમ શક્તિના એક અંશરૂપે પોતાની જ છબીનાં પણ દર્શન કર્યાં હોત આ બધાંમાં પોતાને ભેળવીને અને પોતાનામાં આ બધું મેળવીને જીવ્યા હોત તો જિંદગીનો આનંદ કાંઈક જુદો જ હોત. એવું કર્યું હોત તો મોતની ક્ષણે મૂલ્યવિહીન મીંડું બની ગયાની  નામશેષ થઈ ગયાની લાગણી ન થાત, પણ પ્રેમ અને પ્રકાશની પરમ ચેતનામાં ભળી જઈને મુક્તિ પામ્યાનો આનંદ જ થયો હોત.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃતમાંથી......................