Saturday 1 September 2012

સ્મૃતિઓ જીવનશોષક હોય તેને ખંખેરી નાખવી જોઈએ………

સ્મૃતિઓ જીવનશોષક હોય તેને ખંખેરી નાખવી જોઈએ………

એક ભાઈનો પત્ર છે. એમને વાતવાતમાં રડવું આવી જાય છે. રુદન ઉપર કાબૂ રાખી શકતો નથી. ધ્યાનમાં બેસે, કંઈ પૂજાપાઠમાં બેસે ત્યારે પણ રડવું આવી જાય છે. સંતાનો બહારગામ જાય અગર ઘેર વહેલાં-મોડાં આવે તો અમંગળ વિચારો આવે છે. સગાંસંબંધીના પત્રો આવે તો તે વાંચતા પણ રડવું આવી જાય છે. જૂના મિત્રો મળે તો રડવું આવી જાય છે. આ રીતે મન અત્યંત નબળું પડી જતાં તેની અસર તેમની તબિયત પર થઈ હોવાનું તેઓ માને છે. તેમને નાનીમોટી શારીરિક તકલીફો રહ્યા કરે છે. સ્વભાવ અત્યંત ચીડિયો થઈ ગયો છે. જીવનમાં ખાલીપોશૂન્યતાએકલતા વ્યાપી ગયાં છે.

માણસ ૬૦-૬૫ વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તેને આવું બધું થતું હોય છે. જોકે એથી ઘણી નાની ઉંમરનાં સ્ત્રીપુરુષો પણ આવી ફરિયાદ કરતાં હોય છે. જે ગૃહસ્થનો પત્ર છે તેમનાં પત્નીનું અવસાન દસેક મહિના પહેલાં થયું છે. એટલે તેમનો આઘાત સમજી શકાય છે. વૃદ્ધાવસ્થામાં જીવનસાથીની સોબતની ખાસ જરૂર પડે છે. 

આવી સ્થિતિમાં આવી પડેલ કોઈ પણ વ્યક્તિએ છેવટે મન વાળવું જ પડે છે. માનવીને સ્મૃતિનું એક વરદાન મળેલું છે અને એવું જ વરદાન વિસ્મૃતિનું છે. તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે માણસે નક્કી કરવાનું છે. જે સ્મૃતિઓ જીવનપોષક હોય તેનું જતન કરવું જોઈએ અને જે સ્મૃતિઓ જીવનશોષક હોય તેને ખંખેરી નાખવી જોઈએ. માણસના જીવનમાં લાભગેરલાભ, સુખદુઃખ, આનંદશોક, મિલનવિયોગ અને માનઅપમાનના પ્રસંગોની એક મોટી હારમાળા સરજાતી હોય છે. તેણે શું સાચવવું અને શું છોડવું તેનો નિર્ણય વખતોવખત કરવો જ પડે છે. કેટલાક લોકો પોતાના ઘરમાં કામની અને નકામી ચીજોનો સંગ્રહ કર્યા જ કરે છે અને સામાનના ગંજના ગંજ ખડા કરે છે અને તેમને પોતાને રહેવા માટે, મોકળાશથી જીવવા માટે જગ્યા બચતી નથી અને માણસને ગૂંગળામણની લાગણી થાય છે.

એવી જ રીતે માણસો જાતજાતની સ્મૃતિઓને મનમાં ભેગી કર્યા જ કરે છે. નાનીનાની ઝીણીઝીણી વાતોને મનમાં સંઘર્યા કરે છે. આ રીતે તે કામની અને નકામી બધી સ્મૃતિઓનો સંગ્રહ કર્યા કરે છે. પછી માણસના મનમાં આ બધો ભરાવો એટલી હદે વધી પડે છે કે તેને પોતાનું મન પણ સંકોચાઈ જતુંસાંકડું બની જતું લાગે છે. પોતાના મનની અંદર જે એક સલામત ખૂણો હોય છે અને જયાં માણસ વારંવાર શાંતિ શોધતો  નિરાંત અનુભવતો હોય છે તે ખૂણો જ બચતો નથી. અને ઘરની ગૂંગળામણ થાય છે તેમ મનની પણ ગૂંગળામણ થાય છે. એટલે જેમ કોઈ પણ માણસ માટે ઘરમાં પૂરતી મોકળાશ જાળવી રાખવા માટે બિનજરૂરી ચીજોનો નિકાલ વખતોવખત કરવાનું અનિવાર્ય બની રહે છે તે જ રીતે મનની પૂરી મોકળાશ જાળવી રાખવા માટે તેણે બિનજરૂરી સ્મૃતિઓનો નિકાલ કરવો પડે છે. અહીં તેને માટે વિસ્મૃતિનું વરદાન કામે લગાડવું પડે છે. માણસે છેવટે શુદ્ધ જીવનપોષક સ્મૃતિઓની રક્ષા કરવા માટે પોતાના મનમાં સારી ગળણી જેવું કંઈક ગોઠવવું પડે છે. તો જ જીવનનો અમીરસ તમે માણી શકો અને અશુદ્ધિઓથી બચી શકો. ગળણીના છિદ્રો વાટે જે પ્રવાહી છે  પોષક છે તે મનના એક પાત્રમાં જમા થાય છે અને જે અશુદ્ધિઓ છે તે ગળણીમાં બાકી રહી જાય છે. પછી આપણે તેને ફેંકી જ દઈએ છીએ. ગળણીની કરામત આમ તો કુદરતે જ માણસના મગજમાં મૂકી છે, પણ આપણે તેને સક્રિય કરતા નથી અને બળપૂર્વક મનમાં જ કેટલીક સ્મૃતિઓને પકડી રાખીએ છીએ, તેનો સંગ્રહ કરીએ છીએ. આમ કરવાથી મનની એકંદર તંદુરસ્તીને નુકસાન થાય છે.

હવે જે ગૃહસ્થે પત્ર લખ્યો છે તેનો મુખ્ય મુદ્દો જોઈએ. માણસને એકલતા જેવું લાગે અને સોબત કે સહાનુભૂતિની તીવ્ર ઝંખના થાય ત્યારે તેને રડવું આવી જાય છે કોઈ વાર રુદન મદદ માગવા માટેની ચીસ હોય છે. કોઈક વાર તેમાં પશ્ચાત્તાપનાં આંસુ હોય છે અને જૂના મિત્રોસંબંધીઓ મળે ત્યારે આવી જતાં આંસુ તો વિયોગ પછીના મિલનનો ભાવઊભરો હોય છે. રડવું આવે તો તેમાં શરમાવા જેવું કંઈ નથી. હા, માણસ ધારે તો લાગણીના આ પ્રવાહ પર સંયમનું ઢાંકણું ગોઠવી પણ શકે છે. રડવાથી ખરેખર મન હળવું થવું જોઈએ, એટલું જ નહીં પણ વરસાદ વરસી ગયા પછી જેમ સૂરજનો ઊજળો તડકો નીકળે તેમ માણસનો મિજાજ ઝગમગવો જોઈએ.

No comments:

Post a Comment