Thursday 13 September 2012

માણસની જિંદગી આમ જુઓ તો અનેક જોખમોથી ભરેલી છે...............

માણસની જિંદગી આમ જુઓ તો અનેક જોખમોથી ભરેલી છે...............

થોડા સમય પહેલાં એક જુવાન મળવા આવ્યો. તેણે એક યુવતીને પ્રેમ કર્યો હતો અને બંનેએ લગ્ન કરવાનું પણ નક્કી કરી નાખ્યું હતું, પણ અચાનક યુવતી બીજા યુવાનને પરણી ગઈ  કોઈક શ્રીમંતના પુત્રને પરણી ગઈ. હવે પ્રેમભંગ થયેલા આ યુવાનનો પ્રશ્ન એ હતો કે તેણે શું કરવું? તેણે એ યુવતીના પતિનો સંપર્ક સાધતાં પહેલાં યુવતી સાથે વાત કરવી કે નહીં? ખાસ તો એને એ જાણવું હતું કે તેણે પોતાની નુકસાનીના વળતરરૂપે કેટલી રકમ માગવી? યુવાને કહ્યું કે એ યુવતીનો પતિ ખૂબ માલદાર છે! એટલે તેની પાસેથી પોતે મોટી નુકસાની વસૂલ કરવા માગે છે.

ટૂંકમાં તમારું હૃદય કોઈકે તોડ્યું એટલે તમારું હૃદય ખરેખર તૂટ્યું હોય કે ન તૂટ્યું હોય, તમે તેની નુકસાનીના વળતરની રકમ મેળવી લો એટલે તમારું હૃદય પાછું યથાવત્ થઈ જાય. હૃદયની પીડા શમી જાય અને હૃદયમાં ટાઢક થઈ જાય. યુવાનની વાત સાંભળ્યા પછી હસવું કે રડવું તે જ નક્કી થઈ ન શકે, પણ આમાં આ એક જ યુવાનનો વાંક ક્યાં કાઢીએ? માણસનો વિચારવાનો આખો ઢંગ જ જ્યાં બદલાઈ ગયો છે!

તે જાણે જિંદગીની બધી જ પીડા, બધી જ નુકસાની, બધી જ ખોટનો વિચાર વળતરની રકમના રૂપમાં જ કરે છે. તમે પ્રેમભંગ થયા અને તમે ચાહેલી યુવતી બીજે પરણી ગઈ  ગમે તે કારણે પરણી ગઈ એટલે તમે તેને શિક્ષા કરવાના હકદાર થઈ ગયા અને એ શિક્ષા એટલે બીજું કંઈ નહીં, માત્ર તમે નક્કી કરેલો દંડ અને તે પણ રોકડા રૂપિયામાં! તમે તમારા હૃદયની શી કિંમત આંકી? તમે તમારા પ્રેમની શી કિંમત આંકી? તમે પેલી યુવતીના પ્રેમની શી કિંમત આંકી? એ યુવતીની ઇજ્જત કે આબરૂની શી કિંમત તમે તમારા મનમાં આંકી? આવા પ્રેમસંબંધમાં શી શોભા? તમે નિષ્ફળ ગયા  તમે કંઈક અમૂલ્ય એવું ગુમાવ્યું, પણ પ્રેમની બાબતમાં તો કશુંક અમૂલ્ય ગુમાવ્યાની કિંમત પણ અમૂલ્ય હોય છે  પ્રેમમાં તો હારની પણ એક શોભા હોય છે. તમે તો દરેક જખમ પછી  તે શરીરનો હોય, હૃદયનો હોય, તમારો સ્વમાનનો હોય, તમારી ઇજ્જતનો હોય  તમે તો દરેક જખમને વેચવામાં જ માનો છો!

જો જિંદગીમાં દરેક પીડા, દરેક નુકસાની, દરેક ખોટને સરભર કરી શકે તેવું કિંમતનું  વળતરની રકમનું  ભાવપત્રક નિશ્ચિત રૂપમાં હોત તો તો પછી જિંદગીમાં જીવવા જેવું, સહન કરવા જેવું, માણવા જેવું, સ્મરણ કરવા જેવું રહ્યું જ શું? માણસની જિંદગી ખુદ જો આવો એક રોકડિયો વેપાર જ હોય તો પછી માણસની શોભા, તેનું ગૌરવ, એનું ખમીર, એની ખાનદાની  કશું જ રહેતું નથી!

કોઈક લાચાર માણસ પોતાનું લોહી વેચે, પોતાની કિડની વેચે કે પોતાનું કશુંક વેચે તે સમજી શકાય છે, પણ માણસ પોતાની વેદના કે પોતાના શોકને જ્યારે આ રીતે વેચવા નીકળે છે ત્યારે તેનો અર્થ એટલો જ નીકળે કે તેની વેદના સાચી વેદના નહોતી અને તેનો શોક પણ સાચો નથી. સાચી વેદના અને સાચા શોકની કિંમત ઘણી મોટી છે  જો માણસ તેનો વેપાર ન કરે તો! જ્યારે તે તેનો વેપાર કરે છે ત્યારે તેની કિંમત કંઈ જ રહેતી નથી. પછી ભલે તે વળતરની ગમે તેટલી મોટી રકમ મેળવે!

અકસ્માતનો ભોગ બનેલો માણસ જરૂર વળતરનો હકદાર છે. તેને આવું વળતર મળ્યા પછી પણ તેને થયેલી હાનિનો પૂરેપૂરો બદલો મળતો નથી. એક માણસ રસ્તા પરના અકસ્માતમાં કે કારખાનામાં પોતાનો હાથ કે પગ ગુમાવી બેસે અને તેને કાયદા મુજબનું કે ઉદાર માનવતા મુજબનું કોઈ પણ વળતર રૂપિયામાં મળે તો પણ તેની ખોટ તેનાથી પૂરી થતી નથી. માણસની જિંદગી આમ જુઓ તો અનેક જોખમોથી ભરેલી છે અને તે જ્યારે કંઈક ગુમાવે છે ત્યારે તેને મળેલું વળતર ખરેખર તો તેને થયેલા નુકસાનના પ્રમાણમાં ઓછું જ હોય છે. આ બાબતમાં કશું જ કહેવાનું નથી, પણ આપણો મુદ્દો અહીં બીજો જ છે. અહીં જે મુદ્દો છે તે તો એ છે કે માણસ પોતાની કોઈ ને કોઈ ઈજા કે ખોટ કે શોકને વટાવવાનું વલણ કેળવે અને એમ કરીને તેની ખોટ કે શોકનું સંપૂર્ણપણે અવમૂલ્યન કરી નાખે ત્યારે તે માણસ તરીકેની તેની યોગ્યતાને  શોભાને એક ગંભીર ધક્કો પહોંચાડે છે. દાક્તરની ગમે તેટલી કાળજી પછી પણ દરેક દરદી બચી જ જાય તેવું બનતું નથી અને આ કે તે દરદી દાક્તરની ગેરકાળજીને કારણે જ મરે છે તેમ માનવું પણ બરોબર નથી. અમુક કિસ્સામાં તે સાચું હોય તો પણ તેને માત્ર વેચાણની ચીજ બનાવવાનું વલણ નૈતિક રીતે યોગ્ય કે તંદુરસ્ત નથી.

ભૂપત વડોદરિયાના પુસ્તક માંથી...................

No comments:

Post a Comment