Thursday 6 September 2012

પૂરી નિષ્ઠાથી, પૂરા કૌશલથી કરેલા કામની તૃપ્તિનો સંતોષ કંઇક ઔર છે..........................


પૂરી નિષ્ઠાથી, પૂરા કૌશલથી કરેલા કામની તૃપ્તિનો સંતોષ કંઇક ઔર છે.......................... 

 બાળકોને જ નહીં, મોટેરાંઓને પણ વાંચવી ગમે તેવી પરીકથાઓના લેખક હાન્સ ક્રિશ્ચિયન એન્ડરસનનું નામ એની માતૃભૂમિ ડેન્માર્કની અને આખી દુનિયામાં આજે પણ જાણીતું છે. એના પિતા મોચી હતા અને માતા ધોબીનું કામ કરતી હતી. એન્ડરસને પહેલાં તો અભિનેતા બનવાની મહત્ત્વાકાંક્ષા સેવી, પણ તેમને નિષ્ફળતા મળી અને ભૂખમરો વેઠ્યો. રાજા છઠ્ઠા ફ્રેડરિકે તેમને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. એન્ડરસને નવલકથા, પ્રવાસવર્ણનનાં પુસ્તકો લખ્યાં છે, પણ તેમને ખ્યાતિ મળી  તેમની પરીકથાઓ માટે. એમાં જીવનનો ઊંડો મર્મ છે.
 
એન્ડરસનને પોતાના દેશમાં બહુ માન મળ્યું હતું અને છતાં એમની માનની ભૂખ જાણે કદી સંતોષાઈ જ નહોતી! બ્રિટનના મહાન નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સ સાથે એન્ડરસનને દોસ્તી બંધાઈ હતી. ડિકન્સ એન્ડરસનની કલમના ચાહક હતા. એન્ડરસનને ડિકન્સ માટે પુષ્કળ અહોભાવ હતો. એન્ડરસન ઈંગ્લેન્ડ જાય ત્યારે ચાર્લ્સ ડિકન્સના મહેમાન બનતા. તેમને ડિકન્સને ઘેર ચાર-છ દહાડા રહેવું ગમતું! હકીકતે એ ડિકન્સની પાસે પ્રશંસા અને પ્રોત્સાહન મેળવવા જ જતા હતા. એમના તરફથી મળતી પ્રશંસા અને પ્રોત્સાહન બાદ પણ એન્ડરસનનું પેટ ભરાતું જ નહીં! તેમને હંમેશાં એવી જ લાગણી થતી કે ચામાં પૂરતી ખાંડ નથી!

આ એન્ડરસનનો જ શબ્દપ્રયોગ છે. ચાના કપમાં એક ચમચી ખાંડ નાખો, બે ચમચી ખાંડ નાખો અને છતાં તેમને લાગે કે ‘ચામાં પૂરતી ખાંડ નથી!’ તેમને ચા મોળી જ લાગે! નવાઈની વાત છે કે ગળપણ જેમને પસંદ હોય છે તેમને મીઠાઈનાં ત્રણચાર કે પાંચ ચોસલાં ખાધા પછી ‘બસ’ થઈ જાય છે! પણ માણસની માનની ભૂખ  કદરની ભૂખ  કદી સંતોષાતી જ નથી! કેટલાક માણસો એવા હોય છે જેમને તેમની ગમે તેટલી ઊંચી સિદ્ધિ છતાં માન ન મળે, યોગ્ય કદર ન થાય છતાં તેમને હતાશા જેવું લાગતું નથી. આવા માણસો જાતે જ પોતાના કાર્યના ટીકાકાર પણ બની શકે છે અને તેમને પ્રતીતિ થાય છે કે પોતે પોતાનું કાર્ય સારી રીતે પાર પાડ્યું છે ત્યારે પોતાના એ સંતોષને જ પૂરતો ગણે છે. 

તમે એક કાર્ય પૂરી નિષ્ઠાથી અને પૂરા કૌશલથી કર્યું  તમને એક તૃપ્તિની, સંતોષની લાગણી થવી જોઈએ. બીજાઓ તેની પ્રશંસા કરે  તેની કદર કરે તો તે સારી વાત છે, પણ આવી પ્રશંસા કે કદર ન મળે તો તેથી તમે કરેલા કાર્યની કિંમત ઓછી નથી થતી. એવું બને છે કે જ્યારે દુનિયા એક માણસની ચઢિયાતી સિદ્ધિની કદર ન કરે અને તેનાથી ઊતરતી કોટિની કામગીરીની વાહવાહ કરે ત્યારે કાચના ટુકડાઓની આવી પ્રશંસા સાંભળીને સાચા હીરાવાળાને ઓછું આવી જાય! સમજવા જેવું એ છે કે જેણે ખરેખર જીવનને સાર્થક કરવું હોય, કોઈ પણ ક્ષેત્રમાં કશુંક નક્કર કામ કરવું હોય તેણે માન અને અવગણનાની સરહદોની આગળ નીકળી જવું પડે છે.

માણસની મુશ્કેલી એ છે કે દરેકને પોતાની કદર થાય, માન મળે, પ્રશંસા થાય તેવી તીવ્ર ઝંખના રહ્યા કરે છે, પણ તેને બીજાઓની એવી કદર કરવાનું મન થતું નથી! દરેકને માન લેવું છે, બીજા કોઈને માન આપવાની એની તત્પરતા નથી. વળી જે કોઈ બીજાને માન આપવા ઉત્સુક દેખાય છે તે બધા સન્માનના કાઉન્ટર ઉપર પોતાની ચલણી નોટનું રૂપાંતર જ માગી રહ્યા હોય છે. લ્યો, હું તમારા સન્માનમાં જોડાઉં છું, હવે તમે મારું સન્માન કરો!

‘કદરના બે શબ્દો’ સાંભળવાનું માણસને મન થાય તો તેમાં કશું અસ્વાભાવિક નથી કે તેમાં કશું વાંધો લેવા જેવું નથી, પણ આ બાબતમાં પણ સંતોષનો કિનારો તો બાંધવો જ પડે છે. છેવટે તો આ બાબતમાં પણ અંતરયામીનો જ આશ્રય લેવો પડે છે. અંતરયામી જ બધું જાણે છે અને એ જ તમારી કદર ખરેખર કરવાની શક્તિ ધરાવે છે. બીજાઓ તમારી સાચી કદર કરે તેવી પ્રેરણા એ જ બીજાઓને આપી શકે છે. કોઈ આપણી કદર કરવાને બદલે ટીકા કરે ત્યારે તેને પણ પરમાત્માની પ્રેરણા ગણવામાં વધુ લાભ છે.
ફિલસૂફ પ્લેટોને કોઈએ કહ્યુઃ ‘તમે જ્યારે ગીત ગાઓ છો ત્યારે શેરીમાં છોકરાં તમારી મશ્કરી કરતાં હોય છે’

પ્લેટોએ કહ્યું: ‘એનો અર્થ એ જ કે મારે વધુ સારી રીતે ગાતાં શીખવું જોઈએ.’ બીજા એક પ્રસંગે કોઈકે ફિલસૂફ પ્લેટોનું ધ્યાન દોર્યું કે, ‘તમારા ટીકાકારોની સંખ્યા મોટી છે.’ પ્લેટોએ કહ્યું: ‘હું એવી રીતે જીવવાની કોશિશ કરીશ કે ટીકાકારોની ટીકા લોકો સાચી જ ન માને.’ માણસના ઇતિહાસ ઉપર નજર કરીએ ત્યારે આપણને ખબર પડે છે કે સાચી કદર જ્વલ્લે જ જોવા મળે છે. સાચી ટીકા પણ ઓછી જોવા મળે છે  ઘણા ભાગે ખોટી કદર અને ખોટી ટીકાનું પ્રમાણ બહુ મોટું જોવા મળે છે. એવું પણ બને છે કે કદરપાત્ર વ્યક્તિની કદર ખોટાં કારણોસર થાય છે અને ત્યારે એ વ્યક્તિને ‘ખાંડની એ ચમચી’ કડવી ઝેર લાગે છે! મશહૂર વાર્તાકારનવલકથાકાર સમરસેટ મોમ દુનિયામાં ખૂબ ફર્યા હતા. તેમણે કહ્યું છે કે ‘મને મળીને લોકો જ્યારે મારી નવલકથા કે નાટકનાં વખાણ કરે ત્યારે હું સહેજ ખુશ થવા જાઉં ત્યાં જ એ પ્રશંસા કરનાર કોઈ બીજા લેખકે લખેલી નવલકથા મેં લખેલી છે તેમ માનીને તેનાં વખાણ કરવા માંડે છે ત્યારે મારી બૂરી વલે થાય છે! પછી મને આ વાત ઉપર હસવું આવી જાય છે.’

No comments:

Post a Comment