Saturday 22 September 2012

આપણા સ્વજનો આપણી પાસે જ હોય છે ત્યારે આપણે તેમને પૂરા ચાહતા નથી...........

આપણા સ્વજનો આપણી પાસે જ હોય છે ત્યારે આપણે તેમને પૂરા ચાહતા નથી...........

માણસની જિંદગીમાં કોઈ કોઈ એવી ક્ષણ આવે છે કે એ કોઈને આશ્વાસનના બે શબ્દો કહેવા જઈ રહ્યો હોય છે અને તેને આશ્વાસનના સાચા બે શબ્દો  માત્ર બે જ શબ્દો  સૂઝતા નથી. અને બે શબ્દો જીભ પર ચડે છે તો તે શબ્દો ખુદ બોલનારને પોતાને જ રણકા વગરના લાગે છે.

૬૮ વર્ષના પિતાનો ત્રીસબત્રીસ વર્ષનો પુત્ર અચાનક મૃત્યુ પામ્યો. કશી જ માંદગી નહીં, કશી જ ચેતવણી નહીં. ખુદ મોત આવીને જિંદગીનું અપહરણ કરી ગયું! ત્યારે માણસે હૃદયના ગમે તે ખૂણેથી શોધીને કાઢેલા આશ્વાસનના શબ્દો એકદમ લુખ્ખા લાગવા માંડે છે. એ ગૃહસ્થ પોતે જ્યારે માતાના ઉદરમાં હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. તેમણે પિતાનું મોં મુદ્દલ જોયું નહોતું. માતાએ પારકાં કામ કરીને દીકરાને મોટો કર્યો હતો. એ દીકરો આખી જિંદગી કાળી મજૂરી કરીને જ્યારે હવે જિંદગીનાં અંતિમ વર્ષોમાં કાંઈક સુગમતા અને કાંઈક શાંતિની આશા રાખી રહ્યો હતો ત્યાં જ તેની ઉપર આ કારમો પ્રહાર થયો. જુવાનજોધ દીકરો જતો રહ્યો. ગૃહસ્થે કહ્યું ઃ એક જ દિવસમાં હું તો સિંહમાંથી શિયાળ થઈ ગયો! મોતને મારા ઘરેથી જ એક માથું જોઈતું તો હતું મેં મારું માથું આપવાની ક્યાં આનાકાની કરી હતી! હું તો તૈયાર જ બેઠો હતો, પણ આવું કેમ બને છે! મોતને ભૂખરાધોળા વાળ ઓછા ગમે છે અને કાળાભમ્મર વાળ જ તેને વધુ ગમે છે! તમે જ કહોજનારો તો જતો રહ્યો. તેના નાનકડા છોકરાને હું શો જવાબ આપું! એ એની કાલીકાલી બોલીમાં મને પૂછે કે દાદાજી, તમે મારા  પપ્પાને શું કામ જવા દીધા? તેમને બદલે તમે જ કેમ ન ગયા, દાદાજી? આ બાળકને હું કઈ રીતે સમજાવું કે તારા પપ્પાને બદલે ભગવાને મને જ ઉપાડી લીધો હોત તો કેટલું સારું હતું! પણ હું શું કરું? મારા હાથની વાત જ નથી.આ કોઈના હાથની વાત નથી. જિંદગી અને મોત અંગે તો ન સમજાય તેવા ચુકાદા ગળે ન ઊતરે એવા ચુકાદા સ્વીકારી જ લેવા પડે છે, ગરદન ઝુકાવીને ચુકાદાને માથે ચઢાવવા પડે છે.

એક ગૃહસ્થનાં પત્ની મૃત્યુ પામ્યાં પછી તેમનું દુખ જોઈને કોઈ મિત્રે કહ્યુઃ તમે તમારી પત્નીને ખૂબ ચાહતા હતા તેથી તમને આટલું બધું દુખ થાય છે, નહીં?’ ગૃહસ્થે પૂરી પ્રામાણિકતાથી કહ્યું ઃ એ વાત સાચી હોય તો કેટલું સારું હતું! મને આટલી બધી પીડા થવાનું સાચું કારણ એ છે કે એ ચાલી ગઈ ત્યારે જ મને ભાન થયું કે મારે તેને જેટલી ચાહવી જોઈતી હતી એટલી મેં એને ચાહી નહીં! મને ખરેખર પસ્તાવો થાય છે કે એ જીવતી હતી ત્યારે મેં તેને વિશેષ ચાહી હોત તો એ કેટલું બધું પામી હોતહું કેટલું પામ્યો હોત!આપણા સ્વજનો આપણી પાસે જ હોય છે ત્યારે આપણે તેમને પૂરા ચાહતા નથી, તેમને સમજતા નથી! પછી કોઈ સ્વજન ચાલ્યું જાય છે ત્યારે આપણે એક મિલકત ગુમાવી બેઠાનું દુખ વેઠીએ છીએ અને છાતીફાટ રુદન કરીએ છીએ?

દરેક જાણે છે કે કોઈ કશું સાથે લઈ જઈ શકતું નથી. બધું અહીંનું અહીં જ મૂકીને જવાનું છે અને છતાં તે આપ્તજનો સાથે અને અજાણ્યાઓ સાથે પણ સરાસર અન્યાયનો વહેવાર કરે છે. એક માણસે મૃત્યુશય્યા ઉપર એવી કબૂલાત કરી હતી કે મેં ઘણા બધાને નિર્દયતાથી લૂંટ્યા અને પછી મારા કપૂતોએ મને લૂંટી લીધો! બીજા એક માણસે એવી વાત અંતિમ ક્ષણે અફસોસ સાથે કરી હતી કે જ્યારે આપવાની સ્થિતિમાં હતો ત્યારે મેં કોઈને કશું આપ્યું નહીં અને હવે આપવાનું મન થાય છે પણ આપવાનું કશું મારી પાસે જ રહ્યું નથી!

આપવા માટે ધન તો ઘણા બધા માણસો પાસે નથી હોતું, પણ તેમની પાસે ધન સિવાય પણ આપવા જેવું ઘણું બધું હોય છે  પ્રેમ, આદરના બે શબ્દો, શુભેચ્છાનું એક વચન  પણ માણસ એ પણ આપતો નથી.

એક વ્યક્તિના પોતાના જીવનનો આ અનુભવ છે. તેણે કહ્યું કે, ‘મારી પુત્રીએ આત્મહત્યા તો કરી પણ  તે પહેલાં મેં તેની હત્યાએક અર્થમાં કરી નાખી હતી. મેં એને સવારે જ ન કહેવાના શબ્દો કહ્યા હતા! હું જાણતો હતો કે હું જે કહી રહ્યો છું તેમાં કશું જ તથ્ય નથી! તે મારી જીભનું ઝેર છે અને છતાં હું ચૂપ રહ્યો નહીં. મેં એને ન કહેવાના શબ્દ કહ્યા! એમ કરીને મેં એની જીવવાની ઇચ્છાને જ મારી નાખી! પછી જે કાંઈ બન્યું તે તો માત્ર સંજોગોએ સર્જેલો એક અકસ્માત જ હશે.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી.............

No comments:

Post a Comment