Thursday 27 September 2012

પૈસાથી શું મેળવી શું કોને મનાવી શકીશું – એ વિચાર કર્યો છે ખરો.....

પૈસાથી શું મેળવી શું કોને મનાવી શકીશું – એ વિચાર કર્યો છે ખરો.....

માણસે ઈશ્વરને નહીં, માણસને મદદ કરવાની ખાસ જરૂર છે. ઈશ્વરને માણસની મદદની જરૂર નથી  માણસની મદદની જરૂર માણસને છે. મંદિરોની સંખ્યા અનેકગણી કરી નાખવાથી ઈશ્વરનો મહિમા વધવાનો નથી  તેને આટલાં બધાં ધર્મસ્થાનોની જરૂર પણ નથી, કેમ કે ઈશ્વરમાં માનતા જ હો તો ઈશ્વર તો કણેકણમાં અને ક્ષણેક્ષણમાં વસે છે. તે તો સર્વત્ર અને સર્વવ્યાપી છે. ઈશ્વર ન હોય એવું કોઈ અવકાશનું સ્થળ જ નથી. ધર્મસ્થાનો જરૂર હોવાં જોઈએ, પણ વેપારી ગણિત અને વેપારી ગણતરીથી ધાર્મિક સ્થળો ખીલે અને વધે તેમાં નથી ઈશ્વરનો કોઈ મહિમા કે નથી માણસની કોઈ શોભા. જે એક દુખી માણસને કંઈ પણ મદદ કરે છે તે ઈશ્વરને જ મદદ કરે છે  ઈશ્વરના વતી એમનું જ કામ કરે છે. છેવટે મંદિરમાં જઈને શું કરવાનું છે? મૂ્ર્તિ જોતાંવેંત તમારું હૃદય અરીસો બનીને તમારા અંતરમાં પ્રભુને પ્રગટ ન કરે તો પછી એ દેવદર્શનનો કંઈ અર્થ નીકળતો નથી. જે માનવી પોતાના હૃદયમાં ઈશ્વરને સ્થાન આપવા માગતો હશે તેણે પહેલાં ત્યાં માનવીને આશ્રય આપવો પડશે. ઈશ્વરની મૂર્તિ આગળ અન્નકૂટ અને જીવતા માણસને ખાવાના સાંસા એવું ધર્મનું વાતાવરણ હોઈ ન શકે. દુખથી કણસતા દરેક મનુષ્યમાં ઈશ્વરને જ કણસતો જોઈ શકીએ એ જ ધર્મનો સાચો મર્મ છે.

માણસો ધર્મ વિશે જે ખોટી સમજ કેળવે છે તે ઉપરથી તો એવું જ લાગે કે તેને પહેલાં બારમા ધોરણની પરીક્ષા પાસ કરવી નથી અને એ વિના ગ્રેજ્યુએટ થઈ જવું છે. તેને પહેલાં માણસ બનવું નથી અને માણસ બન્યા વિના જ દેવ બની જવું છે.

માણસની સામે સૌથી મોટો પડકાર આ જ છે  તે જો સંપૂર્ણ મનુષ્યત્વ પ્રાપ્ત કરે તો તે સુખીથઈ શકે અને બીજાઓને પણ સાચા અર્થમાં સુખી કરી શકે. પણ એ આવો પડકાર ઝીલે નહીં અને માત્ર પોતાના અહંકારને સંતોષવા માટે માત્ર પોતાને માટે જ કશુંક હાંસલ કરવા મથે ત્યારે તે ભલે ગમે તેટલું ધન કે સત્તા કે કીર્તિ હાંસલ કરે  તેને કશું સાચું સુખ કે સાચી શાંતિ પ્રાપ્ત નહીં થાય. આપણે એવાં અનેક દ્રષ્ટાંતો જાણીએ છીએ જેમાં માણસ પોતાની આખી જિંદગીને સત્તાની કે ધનની કે કીર્તિની એક ખોજ બનાવી દે અને તેણે ઝંખેલું આ બધું તેને મળી જાય ત્યારે તેને લાગે કે હું આટલા ઊંચા શિખર ઉપર ચઢી ગયો અને સાવ એકલો પડી ગયો! તેને લાગશે કે આટલી બધી કઠિન યાત્રા પછી તેને ખરેખર તો કાંઈ મળ્યું નહીં. જે કંઈ મેળવ્યું તે માત્ર પોતાના માટે જ મેળવ્યું અને તેમાં કોઈને ભાગીદાર તો બનાવી ન શક્યો! તેને છેવટે એટલું ભાન થાય છે કે બધાંમાંથી પોતે ધાર્યું હતું એવાં કોઈ સુખશાંતિ કે સાર્થકતા પણ પ્રાપ્ત થયાં નહીં.

કેટલાક માણસોને સાચા કે ખોટા રસ્તે લક્ષ્મી મળે એટલે એમના મનમાં એવી હવા ભરાઈ જાય કે લક્ષ્મીજીને કબજે કરી લીધાં એટલે હવે ભગવાન વિષ્ણુ પણ આપણા ખિસ્સામાં આવી ગયા! પણ લક્ષ્મી તો કોઈની થઈ નથી અને કદી થવાની નથી. માણસ માને છે કે પૈસા આવ્યા છે તો લાવો થોડાક પૈસા ભગવાનને આપીએ! ભગવાન કેમ જાણે કોઈક ભ્રષ્ટ સત્તાધિકારી હોય! ભગવાનને આ રીતે કોઈ મનાવી શક્યું નથી. આ રીતે પૈસાથી કોઈને મનાવી શકાતા નથી પત્નીને પણ નહીંં અને સગા સંતાનને પણ નહીં. એવા દાખલા છે કે જેમાં કોઈ પુત્ર કે પુત્રીએ નિર્ધન માબાપની સેવાચાકરી પૂરા ભક્તિભાવથી કરી હોય અને એવા પણ દાખલા છે કે શ્રીમંત માબાપની ચાકરી કરવા તેમનાં સંતાનો આગળ આવ્યાં જ ન હોય!

એક શ્રીમંત કુટુંબના જુવાને ઘર છોડ્યું ત્યારે કોઈએ તેને પૂછ્યું કે તમને શેનું દુઃખ હતું? યુવાને કહ્યું કે મારા પિતા  દરેક પ્રસંગે પોતાની લક્ષ્મી આગળ કરતા હતા  તેમણે હંમેશાં મને પૈસા જ બતાવ્યા  કદી પ્રેમ બતાવ્યો નહીં! મારે પૈસા નથી જોઈતા! મને ખબર છે કે પૈસાની બહુ મોટી તાકાત હોય છે, પણ મારે એમની તાકાતનો વારસો જોઈતો નથી! હું બાપના પૈસાની તાકાત ઉપર મારું વાવટો ફરકાવવા માગતો નથી! હું પોતે મારું પોતાનું સુખ અને મારું પોતાનું સ્વમાન નિર્માણ કરવા માગું છું. હું નથી માનતો કે મારા પિતાના પૈસાથી મને કોઈ મોટું સુખ મળી જાય! સુખને વારસામાં જ લઈને હું શું કરું! એમાં મજા પણ શું! સુખ તો હું જાતે કમાઉં તો જ મને મજા પડે!

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃતમાંથી...............

No comments:

Post a Comment