Wednesday 5 September 2012

માણસને નાનામોટા આંચકા સહન કરતાં અને હજમ કરતાં શીખવું પડે છે………...

માણસને નાનામોટા આંચકા સહન કરતાં અને હજમ કરતાં શીખવું પડે છે………...

રશિયન નવલકથાકાર દોસ્તોવસ્કીનું એક વિધાન છે, ‘બે ગુણ્યા બે, કે બે વત્તા બે એટલે ચાર આ ગણિત જિંદગીનું નથી!જિંદગી આવી કોઈ ગણતરીઓને સાચી પડવા દેતી નથી. છતાં બધા માણસો જાતજાતની ગણતરીઓ કરે છે  પોતાની ગણતરી ઉપર તેમનો મદાર હોય છે. માણસ ખૂબ જ ચીવટથી, અટપટી ગણતરી કરે છે અને ધાર્યું પરિણામ આવવાની ખાતરીરાખીને હરખાય છે, પણ જ્યારે તે જુએ છે કે તેની કાળજીપૂર્વકની બધી જ ગણતરીઓ ખોટી પડી છે  ખોટી પડવાનું ચોક્કસ કારણ પણ તે શોધી શકતો નથી ત્યારે તેની મૂંઝવણનો અને હતાશાનો પાર રહેતો નથી.

માણસ જિંદગીને ગણિતનો દાખલો ગણીને ચોક્કસ ગણતરી કરે છે, પણ કોઈક અકળ તત્ત્વ દાખલ થઈ જાય છે અને કશુંક અણધાર્યુંઅચાનક બને છે. બધી જ ગણતરી ખોટી પડી જાય છે. માણસની આ જ ખરી પરીક્ષા છે  અચાનક કઈ રીતે પહોંચી વળવું? કોઈક અદીઠ શક્તિનો આ બધો દોરીસંચાર છે તેમ સમજીને જે કંઈ સામે આવે તેને અપનાવી લેવું પડે છે. કોઈક પરમ શક્તિમાં શ્રદ્ધા રાખીને જિંદગીને ચાહવાનું ચાલુ રાખવું પડે છે. કશા જ વાજબી કારણ વગર માતા પોતાના નાદાન બાળકને પણ ચાહે એ રીતે જિંદગીને ચાહવી પડે છે. 

જિંદગીમાં અણગમતી પરિસ્થિતિ આવે ત્યારે માણસે તેને હસતે મુખે જ પહોંચી વળવું પડે છે. આપત્તિને પણ મજાક ગણી લેવી પડે છે. નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શોના પિતા એક દિવસ ઘેર આવ્યા  પેટ પકડીને એ હસતા હતા. ઘરના બધાને નવાઈ લાગી. આટલું બધું હસવાનું? શોના પિતાએ કહ્યુંઃ મારો ધંધો ચોપટ થઈ ગયો છે! એટલી મોટી ખોટ ગઈ છે કે વાત ન પૂછો! હસું નહીં તો બીજું શું કરું? હસવા સિવાય બીજો કોઈ ઇલાજ દેખાતો નથી.

અમેરિકાના હાસ્યલેખક માર્ક ટ્વેઇન કીમતી ખનીજની ખાણની ખોજમાં દોડી રહેલા ટોળામાં જોડાયા અને મોટી ખોટ ખાધી. આ અનુભવનું વર્ણન કરતાં તેમણે એક મિત્રને લખ્યું ઃ મેં મારી જિંદગીમાં આજે આર્થિક ધરતીકંપની પહેલી ધ્રુજારીનો અનુભવ કર્યો!કોઈકને જિંદગીમાં આવો નાનો કે મોટો આર્થિક ધરતીકંપનો આંચકો લાગે છે, પણ આવા આંચકાના પ્રકાર તો અનેક હોય છે. માણસને આવા નાનામોટા આંચકા સહન કરતાં અને હજમ કરતાં શીખવું પડે છે. જે કંઈ અચાનક બને છે તે બધું જ ખરાબ હોય છે એવું પણ નથી. કેટલીક વાર તો સુખદ આંચકો આપી જાય એવું કશું બને છે. એવું પણ બને છે કે કોઈ કોઈ વાર અચાનકનો ચહેરો પ્રથમ નજરે બિહામણો લાગે પણ તેનંુ પરિણામ આગળ ઉપર એવું સુખદ આવે કે એક વાર જે અનિષ્ટ લાગ્યું હોય તે જ પરમ હિતકારી લાગે!

કશુંક અચાનક સામે આવી પડે ત્યારે તેને કિસ્મતનો આખરી ફેંસલો ગણીને ગભરાઈ ન જવું! હાસ્યરસિક નવલકથાઓના લેખક પી. જી. વૂડહાઉસ સિત્તેર વર્ષના થયા અને એમને લાગ્યું કે પગ પાણીપાણી થઈ જાય છે. મગજ જાણે બહેર મારી ગયું હોય તેવું લાગે છે! ચક્કર આવતાં હોય એવું લાગે છે. તેમણે તબીબોની મદદ માગી. એવો અભિપ્રાય આવ્યો કે મગજમાં કેન્સરની ગાંઠ છે. વૂડહાઉસ કહે છે કે નિદાન સાંભળીને પહેલી ક્ષણે તો મોતિયા મરી ગયા, પણ પછી વળી વિશેષ તબીબી જાંચ કરાવી. દાક્તરે કહ્યું કે મગજમાં કેન્સરની ગાંઠ નથી. તમને જે કંઈ નબળાઈ લાગે છે તે વૃદ્ધાવસ્થાની અસર છે! તબિયતની સંભાળ લો! પી. જી. વૂડહાઉસ નેવું વર્ષથી પણ વધુ જીવ્યા અને લખતા રહ્યા.
કશુંક અચાનક બને, આપત્તિજનક લાગે ત્યારે તેનાથી એકદમ ગભરાઈ ગયા વિના તેને હળવી રીતે જોવાની સલાહ વૂડહાઉસ આપે છે. અલબત્ત, આમ કહેવું જેટલું સહેલું છે તેટલું અમલમાં મૂકવાનું સહેલું નથી. છતાં ઘણા માણસો કોઈ ને કોઈ શ્રદ્ધાના બળે મનને મજબૂત કરે છે અને ભાંગી પડતા નથી.
જિંદગીને બે વત્તા બે એટલે ચારએવા ગણિતનો સાદો દાખલો ગણશો તો ડગલે ને પગલે તમારે નિરાશ થવું પડશે. પણ જિંદગીને ઉકેલવો મુશ્કેલ એવો એક કોયડો માનીને તેને ઉકેલવાની કોશિશ કરશો તો એવી કોશિશની જ એક મજા માણી શકો એવો પૂરો સંભવ છે.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી ......................

No comments:

Post a Comment