Saturday 1 November 2014

સ્વ.ભૂપત વડોદરિયાને આચાર્ય તુલસી સન્માન એવોર્ડ એનાયત



સ્વ.ભૂપત વડોદરિયાને આચાર્ય તુલસી સન્માન એવોર્ડ એનાયત


અમદાવાદ, શનિવાર - સમભાવ ગ્રૂપના સંસ્થાપક અને પ્રસિદ્ધ  સાહિત્યકાર સ્વ.ભૂપત વડોદરિયાને આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચ તથા રાજકુમાર પુગલિયા દ્વારા આયોજિત 'આચાર્ય તુલસી સન્માન એવોર્ડ'  એનાયત કરાયો હતો. ગુજરાતના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીને હસ્તે એવોર્ડ શ્રી ભૂપત વડોદરિયા વતી તેમના પૌત્ર દીપ વડોદરિયાએ સ્વીકાર્યો હતો. કાર્યક્રમમાં તેરાપંથ ધર્મસંઘના વર્તમાન આચાર્ય શ્રી મહાશ્રમણજી, સાધ્વી પ્રમુખ શ્રી કનકપ્રભાજી ઉપરાંત સાધુ-સાધ્વીગણ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

કાર્યક્રમને સંબોધતા દીપ વડોદરિયાએ જણાવ્યું હતું કે, આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચ દ્વારા સમાજમાં નૈતિક મૂલ્યોની સ્થાપના તથા સકારાત્મક પત્રકારત્વ બદલ પત્રકાર જગતની વિભૂતિને દર વર્ષે પ્રતિષ્ઠિત આચાર્ય તુલસી સન્માન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. મંચ દ્વારા વર્ષ ૨૦૦૭ માટે મારા પૂજ્ય દાદાજી શ્રી ભૂપતભાઇ વડોદરિયાની સન્માન માટે પસંદગી કરાઇ હતી. આજે આપણી વચ્ચે નથી. સંજોગોવશ તેઓને સન્માન ત્યારે મળ્યું નહતું. આજે અવસર આવ્યો છે.  

પત્રકારત્વમાં ૬૦ વર્ષનો અવિરત સમય પસાર કરનારા મારા દાદાજી વતી સન્માન મેળવતા હું ગદગદિત થઇ ઉઠ્યો છું. મંચ દ્વારા કરવામાં આવેલા ઉમદા કાર્યની હું પ્રશંસા કરું છું કે એક પત્રકારને તેઓનાં નિર્ભય લખાણ અને નૈતિક મૂલ્યો માટે સન્માનિત કરવામાં આવે છે.