Monday 13 July 2020

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

શહેરની એક ઇસ્પિતાલમાં એક જુવાન બેભાન અવસ્થામાં છે. એક મોટરઅકસ્માતમાં જુવાનના માથામાં ગંભીર ઈજાઓ થઈ છે. ઓપરેશન કરવાનું છે, પણ પરિણામ વિશે ખુદ તબીબ દ્વિધામાં છે. જુવાનના કુટુંબીઓનાં મૂંગાં ડૂસકાંનો ભાર છે. જુવાનની માતા દાક્તરને બીતાં બીતાં પૂછે છે, ‘શું લાગે છે?’ એ સવાલમાં ચોખ્ખી પૃચ્છા હતી કે, ‘છોકરો બચશે કે નહીં બચે?’ એકનો એક દીકરો છે અને તેજસ્વી છે.
તબીબ કહે છે કે જાે તેમણે ‘સાચો જ રિપોર્ટ’ આપવાનો હોત તો એ કહી શક્યા હોત કે બચવાની ઝાઝી આશા નથી. છોકરાની તબીબી પરીક્ષાના રિપોર્ટમાંથી આવું તથ્ય નીકળી શકતું હતું, છતાં આંકડાઓ અને હકીકતો ગમે તેટલાં નક્કર હોય, પણ તેના આધારે કોઈ અફર આગાહી થઈ શકતી નથી. જીવન આંકડાઓ અને હકીકતોના આધારે વળાંક લેતું નથી. સખત વાવાઝોડામાં એક છોડ બચી જાય છે તેવું બને છે, પણ કેમ બચી ગયો તેના જવાબમાં જીવનને રક્ષણ આપનારી કોઈ ગૂઢ શક્તિનો સંકેત જ વાંચવો પડે છે. તેનો વાસ્તવિક ખુલાસો શક્ય હોતો નથી. વાવાઝોડાની ગતિ, તેની વ્યાપકતા, છોડનું કુમળાપણું, પવન સામે ટકવાની તેની ત્રેવડ એ બધાના આધારે કોઈ પણ કહી શકે કે છોડ ઊખડીને ફેંકાઈ જશે, પણ વાવાઝોડું પસાર થઈ ગયા પછી છોડ હસતો ને હસતો, કંઈક વીંખાઈ ગયેલો પણ મૂળમાંથી નહીં ડગેલો, અણનમ ઊભેલો આપણે જાેઈએ એવું નથી બનતું?

તબીબે પેલી માતાને કહ્યું, ‘ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો. છોકરાને કંઈ થવાનું નથી.’ દાક્તરના હાથમાં ઘણું હતું અને છતાં છેવટની વાત તો તેના હાથમાં નહોતી, કોઈના હાથમાં નથી હોતી. ઓપરેશન થઈ ગયું. બધાં ઑપરેશન ‘સફળ’ જ હોય છે તબીબી પરિભાષામાં, પણ જીવનની પરિભાષામાં કેટલાંક કોડિયાંની વાટ સંકોચાય છે. ઘણાબધાં કોડિયાં બૂઝાઈ જાય છે. આ જુવાન બચી ગયો. થોડાક દિવસ પછી માબાપ સાથે વાતો કરવા લાગ્યો. જ્યાં હોસ્પિટલમાં ઉદાસીનાં પૂર ઊભરાતાં હતાં ત્યાં જીવનનું ખિલખિલાટ હાસ્ય છલકી ઊઠ્યું.

છોકરાની માએ પ્રાર્થના કરી હશે તે નક્કી, પણ તેની પ્રાર્થનાને બળ આપ્યું દાક્તરના આશ્વાસનના, શ્રદ્ધાના શબ્દોએ. શ્રદ્ધા હકીકતોની ઓશિયાળી હોતી નથી. છેવટનું પરિણામ આપણા હાથમાં હોતું નથી. કોઈની જિંદગીનો સવાલ હોય કે બીજી ગમે તે બાબત હોય, તે કેવી જાતનો વળાંક લેશે તેની કોઈને ખબર હોતી નથી. આપણે બધા અનુભવે જાણીએ છીએ કે જીવલેણ રોગથી માંડીને કોઈ પણ હાર-જીત સુધીનાં પરિણામોની આપણી આગાહીઓમાં ભારે ગરબડ થતી હોય છે.

અમુક બાબતોમાં પરિણામો આપણા હાથમાં નથી ત્યારે તેના વિશે અગાઉથી મોતના ફેંસલા આપણે શા માટે આપવા? માણસે તો મંગળની, શુભની કામના કરવી. અમંગળ કે અશુભ આવી જ પડે તો મીરાંબાઈ જે શ્રદ્ધાથી રાણાએ મોકલેલા ઝેરનો પ્યાલો ગટગટાવી ગયાં હતાં તેમ ગટગટાવી જવું.

કેટલાક લોકો શ્રદ્ધા ફેલાવે છે, તો ઘણા લોકો જ્યાં ને ત્યાં અંધશ્રદ્ધાનાં જંતુ ફેલાવે છે. આમાં કોઈને કંઈ સ્વાર્થ કે હેતુ હોય છે તેવું પણ નથી. આ જીવનનો એક અભિગમ હોય છે. કેટલાક નિરાશાજનક હકીકતોના ઓથાર વચ્ચે પણ પોતાની શ્રદ્ધાને નાનકડી કીડીની જેમ જીવતી અને ચાલતી રાખે છે. કેટલાક આશાસ્પદ સંજાેગો વચ્ચે પણ પોતાની આશંકા અને અંધશ્રદ્ધાનો શંખ ફૂંકે છે.

શ્રદ્ધાને વાચા આપનારા નિરાશ હૈયામાં હિંમત ભરે છે અને તેમની એ શ્રદ્ધા ગૂઢ રીતે જાણે કે પરિણામોની અશુભ અસર ધોઈ નાખતી હોય તેવો ભાસ થાય છે. બીજી બાજુ કેટલાક અમંગળ વેણ ઉચ્ચારે છે અને અત્યંત આશાસ્પદ સંજાેગોમાં ઝેરનું એક ટીપું રેડે છે. જાણે તેમની એ આશંકા જ દૂધના અમૃતકટોરાને વિષમય કરી મૂકે છે.

એક માણસ તરીકે આપણુ કામ શ્રદ્ધા ફેલાવવાનું છે. આપણે અશ્રદ્ધાનાં જંતુઓના વાહક બનવાની જરૂર નથી. જિંદગીના જુદા જુદા મોડ ઉપર ઊભેલાં બાળકો, સ્ત્રીઓ, પુરુષો કોઈકના શ્રદ્ધા અને આશ્વાસનના એક જ બોલના ધક્કે ખીણ ઓળંગી જાય છે અને આપણી એક જ અમંગળ આગાહી તેમને ડગુમગુ પુલ ઉપરથી નીચે ફેંકી દેવા પૂરતી થઈ પડે છે. કેટલાક લોકો હૈયામાં શ્રદ્ધાને ઘૂંટ્યા કરતા હોય છે અને તેમનો સંપર્ક એક સુવાસનું વાતાવરણ સર્જે છે.