Thursday 30 August 2012

જોવું એવી રીતે કે જીવ્‍યા જેવું લાગે! જીવવું એવી રીતે કે જોયા જેવું લાગે!

જોવું એવી રીતે કે જીવ્‍યા જેવું લાગે! જીવવું એવી રીતે કે જોયા જેવું લાગે!..........

જર્મન લેખક હરમાન હેસની નવલકથા સ્‍ટેપન વુલ્‍ફ્‍'માં આમ તો હેસે આત્‍મકથાના આલબમમાંથી પોતાની કેટલીક તસવીરો રજૂ કરી લાગે છે. આ નોબેલ પારિતોષિક વિજેતા લેખકને હંમેશાં એવી ઊંડી અને તીવ્ર સભાનતા સતાવતી રહી છે કે હું એક જ વ્‍યક્‍તિ નથી. હું એકરૂપ વ્‍યક્‍તિ નથી. ઘણાંબધાં ભિન્‍ન ભિન્‍ન અને કેટલાંક વિરોધાભાસી વ્‍યક્‍તિત્‍વોનો એક જમેલો હું છું. સ્‍ટેપન વુલ્‍ફ્‍' એટલે ઘાસના જંગલનું વરુ. વરુ જાણે કે શહેરમાં આવ્‍યું છે! આમાં એક માણસ છે, જે અડધો માણસ છે અને અડધો વરુ છે. આ સ્‍ટેપન વુલ્‍ફ્‍' કેટલીક પળોએ માણસની જેમ વર્તે છે અને બીજી કેટલીક પળોમાં વરુની જેમ વર્તે છે. સ્‍ટેપન વુલ્‍ફ્‍' પુસ્‍તકોનો કીડો છે, એકલો છે અને એકલતાના કુંડમાં જ રમતો જીવ છે. તેને થાય છે કે શું દરેક માણસમાં એક અર્ધો માણસ અને એક અર્ધપ્રાણી રહેલું હોય તે બનવાજોગ નથી? કોઈક માણસ અડધો માણસ હોય છે  અને તેમાં અડધો સિંહ હોય છે. બીજા એક માણસમાં અડધો માનવી અને અડધો હિસ્‍સો શિયાળનો હોય છે. એવી જ રીતે કોઈકમાં અડધો વાઘ, અડધો હાથી,  અડધો ઘોડો, અડધો હંસ, અડધો કાગડો કે અડધી ચકલી પણ હોય છે! માણસ અમુક અંશે એક જંગલી પ્રાણી છે-જુદા જુદા પ્રસંગોએ તેનું આ પ્રાણીત્‍વ ઊપસી આવે છે. નર કે નારી અને પ્રાણીના આ મિશ્ર રૂપને આખો માનવી' બનાવવાની એક કોશિશ જાણ્‍યે-અજાણ્‍યે જિંદગીભર ચાલ્‍યા જ કરતી હોય છે.

માણસ પોતાની અંદર પણ ભટકતો રહે છે અને બહાર પણ ભટકતો રહે છે. આમાંથી કેટલાક તો ભૂલાં પડી ગયેલાં પ્રાણીઓની જેમ સતત ભટકતા રહે છે! દરેક માણસમાં પ્રવાસની એક ઝંખના દટાયેલી પડી હોય છે. એને ઘણાં બધાં સ્‍થળો જોવા મળે છે. કેટલાક માણસો એક અગર બીજા નિમિત્તે વધુ ને વધુ સ્‍થળો જોઈ નાખવાની ધૂનમાં જીવે છે. અમેરિકા જોયું, ઈંગ્‍લેન્‍ડ જોયું, ફ્રાંસ, ઈટાલી, જર્મની, સ્‍વિટ્‍ઝર્લેન્‍ડ, રશિયા, જાપાન, ચીન એ દૂર દૂર જાય છે અને ફ્‍રી પાછી ઘરની અબૂઝ ઝંખના તેમને પોતાના વતનમાં પાછા ખેંચી લાવે છે. કેટલાક નર્યા સહેલાણી છે, કેટલાક યાત્રિકો છે. કેટલાક ધાર્મિક યાત્રાળુઓ છે-કેટલાક વળી સાંસ્‍કૃતિક યાત્રિકો છે. કોઈકને અબ્રાહમ લિંકન જ્‍યાં જન્‍મ્‍યા હતા ત્‍યાં જવું છે. કેટલાકને નાટયસ્‍વામી શેક્‍સપિયરનું સરનામું જાતે જઈને જોઈ આવવું છે, છતાં કોઈ માનવ પ્રવાસી આખી પૃથ્‍વીને પૂરી જોઈ શકતો નથી. તે પોતાનો આવો પ્રયાસ પૂરો કરી શકે એટલું લાંબું જિંદગીનું ભાથું પહોંચતું નથી. થોડાંક મુલકો માંડ માંડ એ જોઈ શકે છે. દુનિયા જોવાની તીખી તરસ છે પણ આ તરસ બુઝાઈ શકે તેમ નથી તે હકીકત કોઈ ને કોઈ તબક્કે તેને સમજાઈ જાય છે. કેટલાક માણસો-ઘણાબધા માણસો આ અણખૂટ યાત્રાની નિરર્થકતા આત્‍મસૂઝથી પામી ગયા હોય તેમ વતનમાં જ ખોડાઈ જાય છે.એ ક્‍યાંય પહોંચવા રવાના થતા જ નથી. આ માણસને બરાબર ખબર છે કે લંડનમાં જન્‍મેલાએ પણ આખું  લંડન જોયું નથી. અરે, મુંબઈમાં જન્‍મેલાએ પણ આખું મુંબઈ જોયું હોતું નથી. માણસની વિમાસણ ખરેખર મોટી છે. શું શું જોવું અને શું શું જતું કરવું!

માણસની મુશ્‍કેલી એ છે કે એને નવું નવું જોવું છે, પણ પોતાની નજરને નવી તાજી કરવા જેટલી તસ્‍દી લેવી નથી! એક ખાલીખમ નજરની જાળીમાંથી આપણે બધું જોઈએ છીએ અને તેથી કાંઈ વિશેષ આપણને દેખાતું નથી. આપણી નજર એટલી આળસુ અને આદતપરસ્‍ત બની ગઈ છે કે આપણે ખરેખર કશું બરાબર નિહાળતા-અવલોકતા જ નથી! આપણી આંખો એવાં ચશ્‍માંમાં ઢંકાઈ ગઈ છે કે કોઈક દહાડો આકાશમાંથી સૂરજ ચોરાઈ જાય તો પણ  આપણને પાવર હાઉસની નિષ્‍ફ્‍ળતાનો જ ખ્‍યાલ પહેલો આગળ આવે છે! આકાશના તારાઓમાં, ચંદ્રની વધતી જતી કળાઓના પ્રકાશમાં આપણે આપણી આંખોને તાજગીનાં શીતળ જળ છાંટી શકીએ છીએ. સવારના કે સાંજના સૂરજના અબીલ-ગુલાલમાં આપણી નજર એક રંગ પકડી શકે-શિયાળાની, ઉનાળાની અને ચોમાસાની ઋતુઓમાં ધરતીની માટીના ટાઢા-ઊના, સૂકા-ભીના સ્‍પર્શ દ્વારા આપણે પગથી માથા સુધી કંઈક મોજાં ઝીલી શકીએ-પણ આપણે એક વાર કાપડ કાપ્‍યા વગર તાકાના તાકા માપ્‍યા કરતા ખુશ ખુશ વેપારીની જેમ નજરના વારથી બધું જ માપી લેવું છે-કશું જ વેતરવું નથી, કશામાંથી પોતાનું વસ્ર બનાવવું નથી, આખી ને આખી જિંદગી આમ માપવામાં ચાલી જાય છે. એક અકબંધ તાકો ઉખેળી નાખ્‍યો અને સંકેલ્‍યા વગરનો એક ઢગલો બનાવી દીધો! કશું વેતર્યું નથી, કશું અંગે કે આંખે અડાડયું નથી, કશું અનુભવ્‍યું નથી, કશું માણ્‍યું નથી!

જાણે ઘણુંબધું જોયું ને કંઈ જોયું નહીં! ઘણું લાંબું જીવ્‍યા પણ કંઈ જીવ્‍યા નહીં!

જોવું એવી રીતે કે જીવ્‍યા જેવું લાગે! જીવવું એવી રીતે કે જોયા જેવું લાગે!


Wednesday 29 August 2012

માનવીના જીવનમાં ભૌતિક સફળતાની બહાર પણ કોઈ બીજા પ્રકારની સિદ્ધિ કે સંતોષનું કારણ સંભવી શકે છે.......

માનવીના જીવનમાં ભૌતિક સફળતાની બહાર પણ કોઈ બીજા પ્રકારની સિદ્ધિ કે સંતોષનું કારણ સંભવી શકે છે....... 
ડેથ ઓફ એ સેલ્‍સમેન' અને ઓલ માય સન્‍સ' જેવાં સફળ નાટકોના લેખક અમેરિકન નાટયકાર આર્થર મિલરે વર્ષાે પહેલાં આપેલી એક મુલાકાતનું બયાન હમણાં વાંચ્‍યું. અમેરિકા જઈ વસેલી કેટલીય ભારતીય વ્‍યક્‍તિઓના મોંએ ત્‍યાંના જીવનની ભરપૂર પ્રશંસાની વચ્‍ચે પણ જે એક બળતરા અછાની રહેતી નથી તે પણ આ જ છે.

મુલાકાત લેનારે આર્થર મિલરને પ્રશ્‍ન કર્યા હતો : તમે ડેથ ઓફ એ સેલ્‍સમેન' નાટક લખ્‍યું ત્‍યારે અમેરિકાના જીવનમાં અંગત સફળતા માટેની જે લાલચા અને દોડધામ હતી તેમાં આજે વધારે થયો છે એવું તમે માનો છો? જવાબમાં આર્થર મિલરે કહ્યું : હું માનું છું કે મેં ‘‘ડેથ ઓફ એ સેલ્‍સમેન'' નાટક લખ્‍યું (ઈ. સ. ૧૯૪૯) ત્‍યારે અમેરિકામાં અંગત સફળતા માટેનો જે ધખારો હતો તે અત્‍યારે (ઈ. સ. ૧૯૬૬) ઊલટો વધ્‍યો છે. આજે તો લાલસા પાગલપન જેવી બની ગઈ છે.' આર્થર મિલરનું આ મંતવ્‍ય તેમણે વ્‍યક્‍ત કર્યું તે પછીના ત્રણ દાયકામાં આ ચસકો વધ્‍યો છે. તેનું સમર્થન અમેરિકામાં સંપત્તિ અને સુખ શોધવા ગયેલા અને ભારત પાછા ફરેલા હિંદીઓ છે. દુનિયાના લગભગ તમામ સમાજોમાં વધતાઓછા અંશે આ ઝંખના જોવા મળે છે. અલબત્ત, જે દેશોમાં ધાર્મિકતાનું વિશેષ બળ છે ત્‍યાં આ ઝંખનાનું જોર ઓછું હોવું જોઈએ. છતાં આપણા દેશમાં ઊંડી ધાર્મિકતાના વિશાળ દાવા છતાં આ ઝંખનાએ ઘણું બધું જોર પકડયું છે. પશ્‍ચિમની દુનિયા અને ખાસ કરીને અમેરિકાના જીવનને એક અર્વાચીન આદર્શ ગણીને તેનું અનુકરણ કરવાની તાલાવેલી વધી ગઈ છે. 

અંગત સફળતાને આરાધ્‍ય દેવ બનાવી દેવાની આ તત્‍પરતા સમાજવાદી દેશમાં નહીં હોય એવું માનવાનું મન થાય. પણ તાજેતરમાં રશિયા અને ચેકોસ્‍લોવેકિયા જેવા સમાજવાદી દેશોની ઊડતી મુલાકાતે જઈને પાછા ફરેલા એક ગૃહસ્‍થે કહ્યું કે દર ત્રીજા કુટુંબમાં છૂટાછેડા અને ખંડિત લગ્ન જોયું. બહારથી બધું બરાબર છે. શ્રેષ્‍ઠ ગાય કે શ્રેષ્‍ઠ ભેંસની જેવી સ્‍પર્ધામાં જાણે માણસ ઊભો છે. પણ તે બહારથી તાજો-તગડો લાગતો હોવા છતાં તેની આંખમાં એક ભય અને દીનતા છે. આવો ભાવ હરીફાઈઓમાં ઊભેલા પ્રાણીની આંખમાં પણ નથી હોતો. પ્રાણી હરીફાઈમાં ભલે ઊભું પણ તે પોતાની પસંદગીથી ઊભું નથી. જીતી જવાય તો ઠીક નહીંતર મારા કેટલા ટકા? એટલી ખુમારી તેની આંખમાં છે, આવી ખુમારી ત્‍યાં માણસની આંખમાં નથી.

આર્થર મિલરે સાચું જ કહ્યું છે કે વ્‍યક્‍તિગત સફળતાની આ ધૂન એક કેદખાનું છે - સફળતાની આ કોટડી તરફ દોડનારી વ્‍યક્‍તિએ તેને આશ્રયસ્‍થાન માન્‍યું હોય છે. પણ જ્‍યારે તે આ કુટિર પર પહોંચે છે ત્‍યારે તેને ખબર પડે છે કે આ રક્ષણસ્‍થાન નથી, પણ કેદખાનું છે. પછી આ વ્‍યક્‍તિ આ કેદખાનામાંથી છટકી પણ શકતી નથી. માણસે જ્‍યારે પ્રથમ વાર સફળતા ઝંખી હોય છે ત્‍યારે તેણે એમ માનીને સફળતાની આરાધના કરી હોય છે કે મને સફળતા મળશે એટલે હું મુક્‍ત માણસ' બનીશ. મને જિંદગીમાં મનમાની પસંદગીનો વિકલ્‍પ મળશે, પણ આવો વિકલ્‍પ રહેતો જ નથી. સફળતા બાંધે છે - એવું બંધન બને છે કે તમારી સ્‍વતંત્રતા લુપ્‍ત થઈ જાય છે અને તમારું જીવન સફળતાના જ એકમાત્ર ગણિતના આધારે આગળ ચાલે છે.

મિલરે કહ્યું છે કે મેં ક્‍યાંય આવું જોયું નથી. એક અમેરિકા જ એવો દેશ છે કે જ્‍યાં તમે કોઈકને ઘેર મળવા જાઓ એટલે હજુ પૂરા બેઠા પણ ન હો ત્‍યાં સવાલ પૂછવામાં આવે છે કે, ‘તમે શું કરો છો? તમારો ધંધો શું છે? તમારી આવક શું?' એક અમેરિકન તરીકે હું ખુદ આવી ભૂલ કરી બેઠો છું અને બીજા લોકોને આવો સવાલ કરી બેઠો છું. સવાલ કર્યા પછી હું મૂંઝાયો પણ છું અને પસ્‍તાયો પણ છું. મને મારી ભૂલ સમજાઈ છે. શું કામ આપણે સામે મળતા દરેક માણસને આ એક જ માપદંડથી માપીએ? તમે માણસને માણસ તરીકેના ગુણોથી બિલકુલ માપવા જ માગતા નથી? શું દરેક માણસ રેસકોર્સનું એક પ્રાણી જ છે અને શું તમે તેની ઉપર એક બાજી ખેલીને બેઠા છો?

આપણે ત્‍યાં અંગત જીવનની સફળતાની આ ધૂન અમેરિકાની બરોબરીમાં આવે એટલી નહીં હોય છતાં તે ઉત્તરોત્તર વધી રહી છે તે એક હકીકત છે. આ ધૂનને લીધે ઘણા બધા માણસો નિરાશા અને હતાશાનાં ચક્કરમાં સપડાયા છે. માનવીના જીવનમાં ભૌતિક સફળતાની બહાર પણ કોઈ બીજા પ્રકારની સિદ્ધિ કે સંતોષનું કારણ સંભવી શકે છે તે ભૂલવા જેવું નથી.

'Panchamrut'  by Bhupat Vadodaria 

Tuesday 28 August 2012

માણસમાણસ વચ્ચે શુભેચ્છા અને સહયોગનો જે જીવંત વહેવાર ચાલ્યા કરતો હોય છે.........

માણસ-માણસ વચ્ચે શુભેચ્છા અને સહયોગનો જે જીવંત વહેવાર ચાલ્યા કરતો હોય છે.........
 
તમે તમારું મોં ખોલો તે પહેલાં જ કેટલાક માણસો પોતાના મિજાજનું પ્રોસ્પેક્ટસ તમારી સમક્ષ જાહેર કરી દે છે. તમે મને કંઈ પણ કહો કે મારી સાથે કંઈ પણ કામ પાડો તે પહેલાં જ હું તમને કહી દઉં કે મારો મિજાજ બહુ ગરમ છે. એક વાર મારો મિજાજ જાય પછી તે જલદી કાબૂમાં આવતો નથી.
 આવા ગરમ મિજાજના એક સંબંધીના સ્વભાવમાં અચાનક પરિવર્તન આવી ગયું અને એ એકદમ ઠંડી પ્રકૃતિના બની ગયા. એટલે સ્વાભાવિક રીતે જ કુતૂહલ થયું અને એમને સીધો જ પ્રશ્ન કર્યો ઃ તમે તો આગ જેવા એકદમ ગરમ હતા. એકદમ આમ ઠંડા કેમ પડી ગયા?’
સંબંધીએ ખુલાસો કર્યો તમે માનો છો એટલું ઓચિંતું પરિવર્તન મારામાં આવ્યું નથી. એક વાર મારો સ્વભાવ બિલકુલ જ્વાળામુખી જેવો હતો. જ્વાળામુખીની જેમ નાનામોટા પ્રસંગે તેમાંથી લાવા વહેવા માંડતો અને સંપર્કમાં આવનારા નજીકનાદૂરના માણસોને દઝાડતો. હું માનતો કે મારો આ ગરમ મિજાજ મારું મોટું બળ છે મારું એક અસરકારક શસ્ત્ર છે. એના વડે હું મારી જાતની અને મારા હિતની રક્ષા કરી શકું છું. પછી એક દિવસ મારી બીમાર માતા પર મારો મિજાજ ગયો મારે મિજાજ ગુમાવવો જ પડે એવું તો કાંઈ કારણ હતું નહીં. એક તદ્દન નજીવી બાબતમાં મારો મિજાજ ગયો. મારી માતાએ મને કહ્યું ઃ ભાઈ, મારી એક વાત સાંભળ. તું ઘરનો મોભી છે અને દરેક જણ તારી આમન્યા જાળવે છે. તું કોઈક કારણસર કે કંઈ પણ કારણ વગર ગુસ્સે થઈ જાય છે ત્યારે કોઈ તને સામો જવાબ આપતું નથી. હું તો તારી મા છું આજે છું અને કાલે નહીં હોઉં! પણ મારી એક વાત ધ્યાનથી સાંભળ! ઘરડા માણસને સલાહ આપવાની ટેવ હોય છે તેમ સમજીને તેને તરછોડી કાઢીશ નહીં. એ વાત સાંભળ્યા પછી પણ તારે તારો મિજાજ ન જ બદલવો હોય તો પણ મને વાંધો નથી! બેટા, હું બહુ ભણેલીગણેલી નથી, પણ મેં મારી જિંદગીમાં સારોમાઠો સમય ખૂબ જોયો છે. મારા અનુભવે હું એટલું શીખી છું કે માણસનો સમય સારો ચાલતો હોય ત્યારે તે તેના ખરાબ મિજાજથી સારો સમય ખરાબ કરી નાખે છે અને માણસનો સમય જ્યારે ખરાબ ચાલતો હોય ત્યારે તે પોતાના ખરાબ મિજાજથી ખરાબ સમયને વધુ ખરાબ બનાવી દે છે. આથી ઊલટું માણસનો મિજાજ જો સારો હોય તો તે પોતાના સારા સમયને વધુ સારો બનાવી દે છે અને ખરાબ સમય ચાલતો હોય તો તે ખરાબ સમયને પોતાના સારા મિજાજથી ઓછો ખરાબ પુરવાર કરી શકે છે. મારી વાતને બ્રહ્મવાક્ય સમજવાની જરૂર નથી, પણ તું શાંતિથી તેના પર વિચાર કરજે અને મારી વાત સાચી લાગે તો તેને અમલમાં મૂકજે.
પછી માતા તો ગુજરી ગયાં. મેં એમની વાત પર થોડો વિચાર કર્યો અને મને લાગ્યું કે મારી માની વાત તો બિલકુલ સાચી હતી. મારી મિજાજ ગુમાવી બેસવાની ટેવને કારણે મારી નજીકના અને દૂરના માણસોને થોડુંઘણું નુકસાન થયું હતું. મારા ખરાબ મિજાજને કારણે સૌથી વધુ નુકસાન તો મને જ થયું હતું. મેં મારા ખરાબ સ્વભાવથી અનેકનાં દિલ દુભાવ્યાં હતાં અને પરિણામે એ લોકો પાસેથી મને જે લાભમળવો જોઈતો હતો લાભએટલે અર્થલાભ કે સ્વાર્થલાભ નહીં, પણ માણસમાણસ વચ્ચે શુભેચ્છા અને સહયોગનો જે જીવંત વહેવાર ચાલ્યા કરતો હોય છે તેની વાત કરું છું  એ લાભ મને મળ્યો નહોતો. વળી હું એ પણ જોઈ શક્યો  કે મારા ગરમ સ્વભાવને લીધે મારા ઘણા સારા પ્રસંગોનું હવામાન બગડી ગયું હતું અને સરવાળે આનંદની જે નીપજ થવી જોઈએ તે થઈ નહોતી. માતાની વાત સાચી હતી, પણ તે મુજબ મારા સ્વભાવમાં પરિવર્તન આણતાં મને થોડો સમય લાગ્યો.
આ સંબંધીએ પોતાના અંગે જે નિદાન કર્યું છે તે એકદમ સાચું છે. નાની નાની વાતમાં મિજાજ ગુમાવી બેસતો કોઈ પણ માણસ થોડુંક પણ આત્મનિરીક્ષણ કરે તો તેને આ નિદાનનું તથ્ય ગળે ઊતર્યા વગર રહે નહીં. મિજાજ એકદમ તપી જવાનું એક કારણ એ હોય છે કે આપણી સામે જે કોઈ વ્યક્તિ આવે તેની વર્તણૂકમાં આપણે ચોક્કસ ઇરાદાનું આરોપણ કરીએ છીએ.
ભૂપત વડોદરિળાના પુસ્તક પંચામૃત માંથી..................

Sunday 19 August 2012

મોતની ક્ષણે મૂલ્યવિહીન મીંડું બની ગયાની લાગણી કેવી હોય.................


મોતની ક્ષણે મૂલ્યવિહીન મીંડું બની ગયાની લાગણી કેવી હોય.................

તમારી જિંદગીના પત્રકમાં જુદાંજુદાં ખાનાંમાં તમે શું શું જમા કર્યું છે તેના પરથી તેનો એકંદર ગુણાંક નક્કી થશે. તમે કોઈ સ્ત્રીને જિંદગીભર નિઃસ્વાર્થભાવે ચાહી છે? તે સ્ત્રી તમારી માતા હોય કે પત્ની હોય કે પ્રિયતમા હોય કે બહેન હોય કે પુત્રી હોય. તમે કોઈ મિત્રને દિલોજાનથી ચાહ્યો છે? એવો કોઈ મિત્ર જેને યાદ કરતાં તમને ક્યારેક કૃષ્ણનો ભાવ તો ક્યારે સુદામાનો ભાવ હૃદયમાં ઊભરાયો હોય. 

તમારી જિંદગીમાં તમે એક માણસ તરીકેની કેટલી પરીક્ષામાં પાસ થયા અને કેટલી કસોટીમાં નિષ્ફળ નીવડ્યા તેનો કોઈ હિસાબ માંડ્યો છે? ગમે તેટલા કપરા સંજોગોની વચ્ચે તમે જીવનનો શુદ્ધ રસ કેટલો પીધો, એમાંથી કેટલો આનંદ મેળવ્યો તેનો કોઈ ખ્યાલ કર્યો છે?
જીવતાં હોવાનો જ એક આનંદ છે, પણ એ આનંદ પણ માણસ મિલકતની જેમ સંતાડી રાખે છે. અડોશપડોશમાં, સગાંસંબંધીઓમાં, બીજે ક્યાંક મોત દરોડો પાડે છે ત્યારે રખે મારો દલ્લોલૂંટાઈ જાય તેનો ડર તેની પાસે એ મિલકત જાહેર કરાવે છે અને પછી મોત કોઈકને ઉપાડી ગયું પણ પોતે બચી ગયા  પોતાનો દલ્લોબચી ગયો તેનો આનંદ એક ક્ષણિક ઊભરારૂપે પ્રગટ થાય છે. પણ જીવતા હોવાનો જ આ એક અનોખો આનંદ રોજબરોજના જીવનમાં પ્રગટ થતો નથી. આપણો ઘણો બધો સમય આપણા માટે કીમતી પોશાક તૈયાર કરવામાં અને કીમતી રહેઠાણ તૈયાર કરવામાં જાય છે. પોશાકો તૈયાર થઈ જાય, રહેઠાણ તૈયાર થઈ જાય, આખી જિંદગી ખૂબ ખૂબ મહેનત કરીને ઘણું કમાયા તેનું માનપત્રપણ તૈયાર થઈ જાય પણ પછી મૂળ માણસ પાસે નિજાનંદે જીવવાનો ઝાઝો વખત રહ્યો જ નથી હોતો. આનંદથી જીવવા માટે પણ એક મિજાજ જોઈએ છે. 

હાસ્યકથાઓના મશહૂર લેખક પી. જી. વૂડહાઉસે આત્મકથનીના એક લેખમાં લખ્યું છે કે મારી પાસે ઘણા બધા માણસો આવે છે અને મને કહે છે કે તમે મારી જિંદગીની કથા સાંભળો! મારી જિંદગીની કથા સાંભળીને આફરીનપોકારી ઊઠશો અને પછી તેના ઉપરથી તમે જે વાર્તા લખશો તે એટલી રસિક અને દિલધડક હશે કે વાચકો ખુશખુશ થઈ જશે. જ્યારે એ પોતાની જિંદગીની કથા કહેવા માંડે છે ત્યારે ઘણું બધું કહી નાખવાના તાનમાં હોય છે, પણ પછી લોચા વાળવા માંડે છે. એમની જિંદગીની કથા હું સાંભળી લઉં પછી મને થાય છે કે આ માણસોને શું કહું? તેમને સાચું કહું તો તેમને માઠું લાગી જાય. બાકી એમને એટલું કહેવાનું મને મન થાય છે કે, ભલા માણસ, ઠીક છે. તમે મલાવી મલાવીને તમારી જિંદગીની વાત તો કરી પણ આમાં ક્યાં છે રસ, ક્યાં છે દિલધડક પ્રસંગો, ક્યાં છે સાહસ, ક્યાં છે શૌર્ય? શું છે તમારી જિંદગીમાં? એવું લાગે છે કે તમે તો ખરેખર સાચા અર્થમાં જીવ્યા જ નથી. 

કેટલાક માણસો માને છે કે સુખસંપત્તિનાં સાધનો ગમે તે ભોગે ઊભાં કરવાં, પેદા કરવાં એનું નામ જિંદગી. બીજા કેટલાક વળી માને છે કે સાચાં કે ખોટાં જાતજાતનાં માનપત્રો અને પ્રમાણપત્રો ભેગાં કરવાં એ જ જિંદગી! બીજા કેટલાક વળી એમ જ માને છે કે બસ ક્યાંક નજર ચોંટેલી રહેવી જોઈએ, નહીં પોતાની અંદર જોવાનું, નહીં આસપાસ નજર કરવાની, નહીં દિલને ઢંઢોળવાનું કે નહીં મગજને ક્યાંક સાચી રીતે કસોટીએ ચઢાવવાનું. દુનિયા જેને સુખ’, ‘આનંદ’, ‘વૈભવ’, ‘નસીબસમજે છે તે તો માત્ર રૂપિયાની જાદુગરી છે! એટલે ગમે તેમ કરીને ગમે તે ભોગે રૂપિયા મેળવોબસ! એ માટે ભલે બધું હોમી દેવું પડે. જિંદગીમાં જે કંઈ લીલુંછમ છે તે બધું ભલે બળીને કાળુંમેંશ કે રાખ થઈ જાય. પછી માણસ પાસે કંઈ જ બચતું નથી. તે પોતે પણ બચી શકે તેમ નથી હોતો ત્યારે તેને અંતિમ ક્ષણે સંભવતઃ ભાન થાય છે કે જિંદગીમાંથી કશું કામનું તો પામ્યા નહીં અને જે પામ્યા તે હવે પોતાના કોઈ કામનું જ તો રહ્યું જ નથી. 

પોતાની અંદર જ પરમ આત્માના કે પરમ શક્તિનાં દર્શન કર્યાં હોત, સમગ્ર સૃષ્ટિમાં પ્રાણ અને પદાર્થના અગણિત આવિષ્કારોમાં પરમ આત્માના કે પરમ શક્તિના એક અંશરૂપે પોતાની જ છબીનાં પણ દર્શન કર્યાં હોત આ બધાંમાં પોતાને ભેળવીને અને પોતાનામાં આ બધું મેળવીને જીવ્યા હોત તો જિંદગીનો આનંદ કાંઈક જુદો જ હોત. એવું કર્યું હોત તો મોતની ક્ષણે મૂલ્યવિહીન મીંડું બની ગયાની  નામશેષ થઈ ગયાની લાગણી ન થાત, પણ પ્રેમ અને પ્રકાશની પરમ ચેતનામાં ભળી જઈને મુક્તિ પામ્યાનો આનંદ જ થયો હોત. 

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી......

Friday 17 August 2012

ભાષા, દેશ અને ધર્મની ભિન્નતા છતાં ક્યાંક કશુંક સુંદર જોયું, સાંભળ્યું કે વાંચ્યું તેને દુનિયા સમક્ષ પહોંચાડવાની લગની કેવી હોય........


ભાષા, દેશ અને ધર્મની ભિન્નતા છતાં ક્યાંક કશુંક સુંદર જોયું, સાંભળ્યું કે વાંચ્યું તેને દુનિયા સમક્ષ પહોંચાડવાની લગની કેવી હોય........

એક અમેરિકને પચાસેક વર્ષો પહેલાં કારસન સિટી (નેવાડા)માં ભગવાન કૃષ્ણની ભગવદ્ગીતાની એક વિસ્તૃત અંગ્રેજી આવૃત્તિ ખોળી કાઢી હતી. અમેરિકનની ઉંમર બાવીસ વર્ષની હતી. 

ભગવદ્ગીતાએ એની પર વશીકરણ કર્યું. અમેરિકન યુવાન ભારતના ધાર્મિક સાહિત્યના અભ્યાસમાં ડૂબી ગયો. તેણે રામાયણની કથા અંગ્રજીમાં ઉતારી. એણે મહાભારતની કથા પ્રવાહી શૈલીમાં અંગ્રેજીમાં તૈયારી કરી. એની ઇચ્છા હરિવંશને પણ અંગ્રેજીમાં ઉતારવાની હતી પણ તે કામ અધૂરું રહ્યું, કેમ કે ૧૯૭૦માં આ યુવાનનું ૩૭ વર્ષની ઉંમરે અવસાન થયું. આ અમેરિકન યુવાન કોઈ જાણીતો લેખક નહોતો કે કોઈ જાણીતો માણસ પણ નહોતો, એનું નામ વિલિયમ બક હતું. પણ વાલ્મીકિ અને વ્યાસનાં મહાન સર્જનો તેના દિલને ડોલાવી ગયાં. ભગવદ્ગીતા વાંચીને તેને મહાભારત વાંચવાની લગની લાગી. તેને તો સંપૂર્ણ મહાભારતનો અભ્યાસ કરવો હતો. તેને ખબર પડી કે ભારતમાં અગિયાર ગ્રંથોમાં મહાભારતના સંપૂર્ણ પાઠનું પુનર્મુદ્રણ થઈ રહ્યું છે, ત્યારે તેની ઉત્તેજનાનો પાર રહ્યો નહીં, પણ આ પુનર્મુદ્રણનું કાર્ય પરિપૂર્ણ કરવા માટે પ્રકાશક પાસે પૂરતાં નાણાં નથી તેવી તેને ખબર પડી ત્યારે તેણે પોતાનાં નાણાં તેમાં હોમ્યાં.

વિલિયમ બકે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો  વર્ષો સુધી તેણે આ મહાન ગ્રંથોનું અધ્યયન કર્યું. તેની ઇચ્છા એક જ હતી   પશ્ચિમના લોકો સમક્ષ આ બંને મહાકથાઓને નવેસરથી રજૂ કરવી. પશ્ચિમના લોકો આ ગ્રંથોના અક્ષરશઃ અનુવાદથી કે પાંડિત્યપૂર્ણ વિવેચનથી તેનું કાવ્ય ચૂકી જાય છે, તેની કથાનો પ્રવાહ ચૂકી જાય છે અને તેની જે ચોટ તેમના અંતરને લાગવી જોઈએ તે લાગતી નથી. રામાયણનો અંગ્રેજી પાઠ તો એણે એવી ઉમેદથી તૈયાર કર્યો છે કે જેમ રામાયણના સંસ્કૃત અગર હિંદી પાઠ ઊંચા સાદમાં થઈ શકે છે અને કર્ણમધુર લાગે છે, તેમ તેના અંગ્રેજી રૂપાંતરનો પાઠ પણ મોટા અવાજ સાથે થઈ શકે. મૂળ કૃતિઓના સંગીત અને ડોલનને તેણે અંગ્રેજી ભાષામાં ઉતારવાની કોશિશ કરી છે.
વાલ્મીકિ અને વ્યાસની એક સંયુક્ત લઘુ છબી બનાવવાની કોશિશ વિલિયમ બકે કરી છે. તેને કેટલી અને કેવી સફળતા મળી છે તે વિવેચકો કહેશે  પશ્ચિમના ઘણા બધાએ આ બંને પુસ્તકોની ખૂબ તારીફ કરી છે, પણ અહીં મૂળ મુદ્દો આ નથી. અહીં મૂળ મુદ્દો ભાષા, દેશ અને ધર્મની ભિન્નતા છતાં ક્યાંક કશુંક સુંદર જોયું, સાંભળ્યું કે વાંચ્યું તેને પોતાના લોકો સમક્ષ પહોંચાડવાની લગની છે. વિલિયમ બકે આવું કામ માથે લેતાં પહેલાં પોતાની સજ્જતાનો વિચાર કર્યો હોત તે આ કામમાં એક ડગલું પણ આગળ વધી શક્યો ન હોત. પણ તેણે પોતાની સૌથી મોટી લાયકાત પોતાની સચ્ચાઈને ગણી અને બીજી લાયકાત ગમે તેવા અઘરા કામને અથાક પ્રયાસોથી પહોંચી વળવાની ઠંડી તાકાતને ગણી. વિલિયમ બકને હનુમાનજીનું ગજબનું આકર્ષણ થયું. શંકા કે સવાલ કર્યા વગર પોતે જેને સ્વામી ગણે છે તેની ભક્તિમાં તરબતર એવું આ વ્યક્તિત્વ તેના ચિત્તમાં ચોંટી ગયું.

પશ્ચિમમાં ઘણું બધું સારું અને ઘણું બધું ખરાબ હશે, પણ ઈંગ્લેન્ડમાં, જર્મનીમાં, ફ્રાંસમાં, ઇટાલીમાં, સ્પેનમાં અને યુરોપના બીજા અનેક મુલકોમાં આવા માણસો નીકળી પડે છે, જેઓ પોતાના અજ્ઞાન અને બિનઆવડતને જ એક મોટી મૂડી બનાવી દઈને વેપાર શરૂ કરે છે, અને પોતાના ઉદ્યમ અને ધગશથી અજેયમાં અજેય શિખર સુધી પહોંચે છે. ઘણા લોકો એક ઘરેડમાં જ જીવે છે. જ્યાં ને ત્યાં તેઓ પોતાના બિનઅનુભવ કે બિનઆવડતને આગળ કરે છે. તેઓ જેમતેમ પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે અને માને છે કે આ જ તેમનું કિસ્મત છે. તેઓ માને છે કે અન્યાયોથી ભરેલા આ સમાજમાં તેમને માટે કોઈ આશા નથી, પણ કેટલાક કિસ્મત કે સામાજિક અન્યાયોના ભેદભરમમાં અટવાયા વગર ગમે તે કામ ઉપાડી લે છે. આપણે ત્યાં કહેવત છે કે કામ કામને શીખવે છે. કોઈ પણ કામ શીખવાનો રસ્તો તે કામને હાથમાં લેવાનો છે.

માણસને તરતાં શીખવું હોય તો તેણે પાણીમાં પડ્યા વગર છૂટકો થતો નથી. હાથમાં લેવા ધારેલા કામ માટે જરૂરી સ્ફૂર્તિ અને શક્તિ જોઈએ. સ્ફૂર્તિ અને શક્તિ પણ માત્ર શારીરિક હોઈ ન શકે. જ્યાં મન પાછું પડશે ત્યાં કંઈ સ્ફૂર્તિ અને શક્તિનો ભાસ નહીં થાય; પણ મન તૈયાર હશે તો શારીરિક મર્યાદાઓ નડતરરૂપ નહીં બને.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃતમાંથી.......

માણસે પોતાની જાત માટે માન અને ગૌરવની લાગણી કેળવવી જોઇએ....................


માણસે પોતાની જાત માટે માન અને ગૌરવની લાગણી કેળવવી જોઇએ....................

કેટલાક માણસોને મોટપનો ખ્યાલ સતાવ્યા કરે છે. આવા માણસો કોઈ પણ પ્રસંગે પોતાની મોટાઈ આગળ કર્યા કરે છે. હું મહત્ત્વનો માણસ છું. મારો એક ચોક્કસ દરજ્જો છે. મને મારી મોટપ પ્રમાણે મહત્ત્વ આપવું જોઈએ. કોઈ મારી અવગણના કરશે તો હું સાંખી નહીં લઉં, જે માણસને પોતાના આવા માની લાધેલી મહત્ત્વનો ખ્યાલ પજવ્યા કરે છે તેને ડગલે ને પગલે પોતાની અવગણના થઈ રહેલી લાગે છે. નાનામાં નાની બાબતોમાં તેઓ પોતાની મોટાઈનું આઇડેન્ટિટી કાર્ડ બતાવ્યા કરે છે. તેમને ઘણા બધા પ્રસંગે એવું લાગે છે કે તેમની અવગણના જાણી જોઈને થઈ રહી છે.

મોટાઈના દરજ્જાના એક ખોટા ખ્યાલ નીચે આપણે નાનામાં નાના પ્રસંગે માનના ખોટા તકાદા કરી બેસીએ છીએ, ખરેખર આપણે આપણી જાતને માનવંતી ગણતા જ હોઈએ તો આપણને માનની આટલી ઊણપ હરેક પ્રસંગે લાગવી ન જોઈએ. મહાત્મા ગાંધીએ, અબ્રાહમ લિંકને અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા મહાપુરુષોએ પોતાના જીવનમાં આવા અનેક અવગણના કે અપમાનના પ્રસંગો જોયા છે અને તેમાંથી સહેજ પણ અપમાનનો ડાઘ વેઠ્યા વગર તેમાંથી ખુશમિજાજ બહાર આવ્યા છે. તમે સાચે જ તમારી જાતને માન આપતા હશો તો તમને જ્યાં ને ત્યાં માન મેળવવા માટે ડોક લંબાવવાનું મન નહીં થાય અને તમે જ્યાં ને ત્યાં સલામીનહીં શોધો. માણસને પોતાની જાત માટે માન અને ગૌરવની સાચી લાગણી હોય છે, ત્યારે તેને એક જુદા જ પ્રકારનો આત્મવિશ્વાસ અને ખુશમિજાજી મળે છે. કોઈ ગફલતથી ચા ઢોળી બેસે કે ઇસ્ત્રીની ગડ વીંખી નાખે તેનાથી તેમના મનના ઘડામાં મોટો ગોબો પડી ગયા જેવું લાગતું નથી. તેમની ખુશમિજાજી ખતમ થઈ જતી નથી. આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવો માણસ ક્યારેક બસ પાછળ દોડે અને છતાં બસ દોડી જાય ત્યારે તેને પોતાના હડહડતા અપમાનના પ્રસંગ તરીકે નહીં ઝીલે કે દાંત કચકચાવી નહીં બેસે. તે જાણે છે કે મોટા ભાગે કોઈ માણસો જાણી જોઈને કોઈનું અપમાન કરતા નથી અને તેની અવગણના પણ કરતા નથી હોતા. મોટા ભાગે અજાણપણે જ તેઓ આવું કરી બેસે છે. અજાણપણે આપણે બધા કોઈ ને કોઈ પ્રસંગે આવું કરી બેસતા હોઈએ છીએ. દરેક માણસ દિવસમાં આવી વર્તણૂક અજાણપણે કરી બેસે છે. તેનો અફસોસ બેમાંથી એક પણ પક્ષે કરવાનો જ ન હોય. સ્વામી વિવેકાનંદે અમેરિકાની મુલાકાતમાં આવા અનેક પ્રસંગોને રમૂજના પ્રસંગોમાં કે બોધપાઠનાં દ્રષ્ટાંતોમાં પલટાવી નાખ્યા હતા.

ચીનનો એક ચિંતક કહે છે કે કેટલાક માણસો પોતાના માનમોટાઈની છત્રી માથે લઈને ફરે છે. છત્રીની ખાસ જરૂર ન હોય છતાં પોતાના માથે તેનું એક નાનકડું સ્વતંત્ર આકાશ બનાવીને ફરે છે, તમે છત્રી બંધ રાખીને બગલમાં રાખો કે હાથ પર લટકાવો ત્યાં સુધી તો બરાબર છે, પણ તમે જ્યાં ને ત્યાં માથે ખુલ્લી છત્રી સાથે ફર્યા કરો તે ખોટું છે. તમારી છત્રીનો સળિયો કોઈ ને કોઈના ખભા પર વાગ્યા વગર નહીં રહે અને છતાં તમને તો એમ જ લાગે બધા જાણી જોઈને તમારી છત્રીનો સિળયો ખેંચે છે. તમે ખુલ્લી છત્રી લઈને આગળ વધશો ત્યારે તમારી છત્રી જ દૂર હટો, દૂર હટો, મને આગળ વધવા દો, એવી ગર્જના કર્યા જ કરશે! તમે ચાલવા માટે પણ વધુ ને વધુ જગ્યા માગ્યા કરશો.

તલવાર મ્યાનમાં જ રાખીને નીકળી શકાય અને કેટલાક માણસોનો માનમોટાઈનો ખ્યાલ છત્રી કરતાં વધુ તો તલવાર જેવો હોય છે. આવા લોકો ખુલ્લી તલવાર લઈને નીકળી પડે છે, પણ તલવારની એકંદર શોભા મ્યાનમાં જ છે. 

તમે જ્યારે તમારી પોતાની જાત માટે જ્યાં ને ત્યાં માનના તકાદા કરવાનું બંધ કરશો અને તમારા પોતાના હૃદયમાં પડેલા પટારામાંથી માનનાં દાગીના અને શાલરૂમાલ બીજાઓને વહેંચવા માંડશો ત્યારે આ રીતે તમારા દ્વારા અકારણ અને નિઃસ્વાર્થ રીતે સન્માનિત બનેલી વ્યક્તિઓ તમને પોતાના માથા ઉપર ઊંચકી લેશે. માન માગવાથી મળતું નથી. ભગવાન બુદ્ધે પોતાના જીવનમાં અપમાનના પ્રસંગો જોયા હતા પણ ભગવાન બુદ્ધે તો બધાને માન જ આપ્યું હતું અને પોતે કોઈની પાસેથી રોકડ અપમાનનો સિક્કો સ્વીકાર્યો નહોતો. બુદ્ધનો જવાબ હંમેશાં કંઈક આવો જ રહ્યો છે કે ભાઈ, ભૂલથી તમે ખોટો સિક્કો આપી રહ્યા છો.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃતમાંથી.......

Thursday 16 August 2012

એ માણસ તો પતી ગયો. સાંભળીએ ત્યારે આવા માણસો ફરી બેઠા થાય છે...........

એ માણસ તો પતી ગયો.’ ‘એ માણસનો સૂરજ હંમેશ માટે આથમી ગયો. હવે તેનું નામ છેકી જ નાખો!આવું આવું આપણે કોઈ ને કોઈ માણસ વિશે કોઈ ને કોઈના મુખે સાંભળતા હોઈએ છીએ, પણ દુર્ભાગ્યના મરણતોલ પ્રહારો પછી પણ આવા માણસો ફરી બેઠા થાય, વધુ તાકાત સાથે આપણી સાથે આપણી સામે આવીને ઊભા રહે એવું નથી બનતું?

કોઈક માણસ ખરાબ સમયના ચક્કરમાં અટવાઈ જાય ત્યારે તેની પ્રત્યે કોઈ હમદર્દી તો બતાવે કે ન બતાવે, પણ તેને ઓળખતા ઘણા બધા માણસો તેના વિશે સર્વસંમતિથી એક ચુકાદો આપી દે છે ઃ બસ, સાહેબ હવે એ માણસ ભલે તમને જીવતો લાગે, પણ તે હવે ઊકલી જ ગયો છે! એ માણસ ખલાસ થઈ ગયો. તેની આયુષ્યરેખા જેટલી બાકી હશે તે પૂરી કરશે બાકી તેનું નસીબ પૂરું થઈ ગયું! હવે તે ફરી વાર બેઠો નહીં થાય! તમારે એને ચોપડાની માંડી વાળેલી રકમજ ગણી લેવો! એ હવે ફરી વાર ઊભો થાય કે માથું ઊંચું કરીને જીવી શકે તેવું માનવું જ નહીં! માણસની જિંદગીમાં ખાડાટેકરા આવે તે તો સૌ સમજી શકે છે! સારોમાઠો સમય આવે, સુખ અને દુખનું એક ચક્ર ચાલે, પણ હવે આ માણસ ફરી વાર કંઈ કરી શકે તેવું માની જ શકાતું નથી! એ તો પતી જ ગયો છે અને તેના વિશે હવે કોઈ જ ઉમ્મીદ રાખી શકાય તેવું નથી! તેને પોતાને પૂછશો તો તે પોતે પણ તમને કહેશે કે હું પતી ગયો છું મારો ખેલ ખલાસ થઈ ગયો! હવે તો જેટલી આવરદા બાકી રહી હશે તેટલી પૂરી કરવાની!
પણ ખરેખર માણસ આ રીતે પતી જતો નથી. એક વાર અંગ્રેજ હકૂમતે આ રીતે જ માની લીધું કે મહાત્મા ગાંધી પતી ગયા છે, ખર્ચાઈ ચૂકેલું બળછે, એને હવે ગણતરીમાં લેવાની જરૂર નથી. ઉપવાસ પર ઊતરેલા મહાત્મા ગાંધીની ચિતા માટે ચંદનનાં લાકડાં પણ તૈયાર રાખ્યાં હતાં! પણ મહાત્મા ગાંધી પતી ગયા નહોતા. એ ફરી કરેંગે યા મરેંગેની હાકલ સાથે સામે આવ્યા. બ્રિટનમાં ૬૦ વર્ષ પૂરાં કરી ચૂકેલા વિન્સ્ટન ચર્ચિલ માટે બધા માનતા હતા કે, ચર્ચિલ પતી ગયો છે! તેનું હવે કોઈ જ ભવિષ્ય નથી. એ માણસ ફરી બેઠો થાય, કંઈક બને કંઈક કરે તે અશક્ય! પણ આપણે સૌ જાણીએ છીએ કે ચર્ચિલનો સુવર્ણકાળ ૬૫ વર્ષની ઉંમરે જ શરૂ થયો. આપણે ત્યાં જયપ્રકાશ નારાયણ, સુભાષચંદ્ર બોઝ, મોરારજી દેસાઈ અને ઇન્દિરા ગાંધી ઘણા બધાની બાબતમાં આવું જ બન્યું છે. 

આપણા જેવા સામાન્ય માનવી વિશે વિચાર કરીએ તો તેમાં પણ એવું જ બન્યું છે. એક ગૃહસ્થ એક મોટી આર્થિક આફતમાં સપડાઈ ગયા. બંગલો, મોટર, મિલકત, વેપાર બધું જ અલોપ થઈ ગયું! તેમનાં તમામ સગાંસંબંધીઓ અને ઓળખીતાઓએ પોતાની યાદીમાંથી એમનું નામ કમી કરી નાખ્યું! લગ્નમાંય નહીં બોલાવવાના અને સ્મશાનયાત્રામાં પણ તેમને બોલાવવાના જ નહીં! એ ગૃહસ્થ બરાબર બાર વર્ષ આવી હાલતમાં રહ્યા અને ફરી એમનો સમય બુલંદ બન્યો. જે જાદુઈ રીતે બધું અલોપ થઈ ગયું હતું તે બધું જ અને તેનાથી પણ વધારે ઘણું બધું તેમને મળ્યું! જેમણે જેમણે એમનું નામ પોતાની યાદીમાંથી રદ કરી દીધું  હતું અને એ ખતમ થઈ ગયા છે એવું માની લીધું હતું તે બધા ભોંઠા પડી ગયા. ફરી વાર તેમનો સંપર્કર્ સાધવા નવા સેતુ બાંધવાની ભાંજગડમાં પડી ગયા! ગૃહસ્થ ઉદાર અને પ્રેમાળ માણસ હતા. તેમણે તો તેમનું નામ છેકી નાખનારાઓને કોઈ મેહેણાંટોણા માર્યાં નહીં અને કોઈનું અપમાન પણ ન કર્યું. જેમણે જેમણે એમને સંપૂર્ણ નાદાર ગણી કાઢ્યા હતા તેમણે પણ જ્યારે મદદ માટે તેમની પાસે હાથ લંબાવ્યો ત્યારે તેમણે તેમને એક પણ કડવો શબ્દો કહ્યા વિના મદદ કરી!

રખે કોઈ માને કે માણસની પડતી વખતે તેનાં સગાંસંબંધીઓ કે બહારના માણસો જ તેને માંડી વાળેલી રકમગણી કાઢે છે. કેટલીક વાર તો આવી વ્યક્તિનાં સ્વજનો-પત્ની, ભાઈ કે સંતાન પણ તેના વિશે એવું માની લે છે કે  એમના જીવનમાં કશું જ નવું કે સારું બનવાની આશા રખાય જ નહીં! ઘણી વાર માબાપો પોતાનાં બાળકો માટે પણ આવું માની લે છે! એક નબળાદૂબળા અને શરૂઆતનાં વર્ષોમાં તો ભણવામાં પણ નબળા લાગતા બાળક વિશે કોઈનાં કોઈ માબાપ માની લે છે કે આ છોકરાનું કોઈ ભવિષ્ય નથી. ભગવાન એને સારોસાજો રાખે અને તે પોતાનું ગુજરાન ચલાવવા જેટલું કમાતો થઈ જાય તોય ઘણું! પણ આવું નબળું બાળક કેટલીક વાર એકદમ ઝળકી ઊઠે છે અને આગળ ઉપર એના પુરુષાર્થથી એ નામ અને દામ બન્ને કમાય છે ત્યારે માબાપના અચંબાનો પાર રહેતો નથી.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃતમાંથી...................