Thursday 16 August 2012

આપણી નિંદાના કારણે આપણને હતાશા પેદા થાય તો આત્મ પરિક્ષણ કરવું................

અમેરિકન લેખક માર્ક ટ્વેઇને વિનોદી શૈલીમાં એવું કહ્યું છે કે, આ દુનિયામાં કોઈ પણ માણસને દુખી થવા માટે દુશ્મન કે ખરાબ બોલનાર પૂરતો થઈ પડતો નથી. તમારી સાથે દુશ્મની કરનાર કે તમારા વિશે નિંદા કરનારની એ ચેષ્ટા અને વાણી તમારા કાન સુધી પહોંચાડનારો કોઈ મિત્ર પણ જોઈને ને? તમારો આ મિત્ર કોઈ ત્રીજી વ્યક્તિએ કરેલી તમારી નિંદાનો ઝડપી સંદેશાવાહક બને છે.
માર્ક ટ્વેઇન માનવસ્વભાવના કાબેલ પરીક્ષક હતા ને તેમણે માનવસંબંધોમાં પ્રેમધિક્કાર, ઈર્ષા, અણગમા વગેરેના સૂક્ષ્મ તારની ગૂંથણી જોઈસમજીને પછી તેને પોતાની વિનોદી શૈલીમાં વાર્તા કે પ્રસંગકથારૂપે ઠેર ઠેર રજૂ કરી છે.
અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનને તેમના એક સંબંધીએ કહ્યુઃ તમે જેને ખૂબ મદદ કરી છે તેવો અમુક માણસ તમારા વિશે આવું આવું બોલે છે! તમે એની સાથે શું કામ સંબંધ રાખો છો?’
લિંકને એવો જવાબ આપ્યો હતો કે એ માણસ મારી રૂબરૂ આવું કશું કહે નહીં ત્યાં સુધી મારે તેને ધ્યાન પર લેવાની જરૂર હું જોતો નથી. કેટલીક વાર માણસો આવેશ કે મિજાજની અમુક પળોમાં કેટલુંક બોલી જતા હોય છે, પછી મનમાં ને મનમાં પસ્તાતા પણ હોય છે. આપણે સારા હોઈએ કે બૂરા હોઈએ  આપણા મિત્રો, સંબંધીઓ, પરિચિતોના મનમાં ખરેખર આપણી શી છાપ હશે તે આપણે જાણી શકતા નથી. આને માટે કોઈનું હૃદય ચીરી શકાતું નથી અને આપણે પોતે પણ આપણું હૃદય ચીરીને કોઈને બતાવી શકતા નથી.
આપણે જાણીએ છીએ કે આ વાત સાચી છે. માણસોના અંતરમાં પડેલી આપણી આવી જુદી જુદી છબીઓ આપણે ભેગી કરવા જઈએ તો આપણે પોતે જ એક દુખદાયક ભુલભુલામણીમાં પડી જઈએ. માણસોના મન પર પડતી આવી છબીઓ પડછાયા જેવી હોય છે, કોઈ સુરેખ સંગીન ચિત્ર નથી હોતું, તેની કોઈ સ્થિર રેખાઓ નથી હોતી, તે વખતોવખત બદલાયા કરે છે. અમુક વ્યક્તિનો આ પડછાયો છે તેટલી બાબત ચોક્કસ અને આવા ઝાંખા તો ઝાંખા પડછાયાની એક વિશિષ્ટ મુદ્રા પણ ચોક્કસ, બાકી તેની અંદરની રંગરેખાઓ સુધારાવધારાને પાત્ર જ હોય છે.
એ વાત સાચી છે કે માણસો એકબીજા વિશે તેમની ગેરહાજરીમાં નિંદા કરતા હોય છે, ટીકા કરતા હોય છે, ફરિયાદ કરતા હોય છે અને ઘણી વાર તો ગંભીર તહોમતનામાં પણ જાહેર કરતા હોય છે. મુશ્કેલી એ છે કે તેઓ આ બધી નિંદા કે આક્ષેપને પુરવાર કરવા કે નાસાબિત કરવા ઇચ્છતા નથી. આવા રીતસરના મુકાબલામાં તે ઊતરવા માગતા નથી. તેઓ ક્યારેય સાચજૂઠ કરાવવાની ઘડી આવી પહોંચે તો નામક્કર જતા હોય છે. તે કહેશે કે મેં આમ નહીં પણ જરા તેમ કહ્યું હતું. અગર તે બોલતો હતો અને મેં પહેલા તમારો બચાવ કર્યો પણ પછી એક બે મુદ્દા પર મારાથી તેની વાતમાં સૂર પુરાવાઈ ગયો!
આપણા કાન સુધી જેઓ આ નિંદાવચનો લઈ આવે છે, તેમના ઇરાદા વિશે શંકા કરવા જેવું હોય છે, છતાં મુદ્દલ શંકા ન કરીએ તો પણ સમજવા જેવું એ છે કે તેને બહુ ગંભીર રીતે મન પર લઈને દુખી થવાની પણ જરૂર હોતી નથી અને તેના જવાબમાં કોઈ બચાવનામાં રજૂ કરવાની પણ જરૂર હોતી નથી. આવી નિંદાટીકાનો સામનો કરવાની લિંકનની શૈલી સર્વાંશે સાચી છે. અબ્રાહમ લિંકનની સામે જાહેર રીતે મલિન પ્રહારો થયા ત્યારે પણ તેમણે તેના વાદવિવાદમાં પડવા કરતાં વધુ શાંત અને સાત્ત્વિક ઉપચાર અજમાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ બધી નિંદાટીકાને હું મારી વર્તનશુદ્ધિથી જૂઠી પુરવાર કરી આપીશ તો કોઈ નિંદા ટકી શકવાની નથી અને મારા વર્તનમાં જો આ નિંદાને સમર્થન આપનારી કશીક ચેષ્ટા થશે તો મારો કોઈ ખુલાસો બીજાઓને ગળે ઊતરવાનો નથી!
આપણી નિંદાના કારણે બેચેની કે હતાશા પેદા ન થાય તેવું કરવું હોય તો તેનો રસ્તો એ છે કે તેમાંથી આપણી પોતાની આત્મનિંદા તરીકે જે વિચારવા-તપાસવા જેવું લાગે તે જોવું, તપાસવું અને બાકીનું ફેંકી દેવું. છતાં ધ્યાન રાખવું કે આજ સુધીની તવારીખમાં નિષ્કલંકમાં નિષ્કલંક માણસો પારાવાર નિંદા અને જાહેર શૂળીથી બચી શક્યા નથી.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃતમાંથી...................

1 comment:

  1. thanks for that kind beatuful things give to me. i am afreaid bcoz some pepole gosping about me. but now i was read ur article and relax and cool felling. if i m right then i dont prove anything. thanks.

    ReplyDelete