Thursday 16 August 2012

પ્રેમ એ જ માણસ-માણસ વચ્ચેની સાર્થક ભાગીદારીનો વણલખ્યો કરાર છે....................


પ્રેમ એ જ માણસ-માણસ વચ્ચેની સાર્થક ભાગીદારીનો વણલખ્યો કરાર છે....................

જવાહરલાલ નહેરુએ એમનાં પત્ની કમલા નહેરુના અકાળ અવસાન પછી એવી લાગણી અનુભવી હતી કે, ‘હું એને સમજી શક્યો નહીં. આજે તો એ નથી ત્યારે તેને સમજવા મથું છું. પણ એ હયાત હતી ત્યારે તેને સમજવાની પૂરતી કોશિશ કરી નહીં. કમલા અત્યંત સ્વમાની અને અત્યંત સંવેદનશીલ હતી. હું મારી જાતને બહુ જ બુદ્ધિશાળી ગણતો અને તે ઓછું ભણેલી છે તેમ માનતો. એટલે કદી સંવાદ રચાયો નહીં.
બહુ જ ઓછા માણસો આ પ્રકારના અફસોસથી બચી શક્યા છે. આવો અફસોસ કોઈએ પત્ની સંબંધે, કોઈએ માતા સંબંધે, કોઈએ બહેન સંબંધે, કોઈએ પોતાના ભાઈ સંબંધે અને કોઈએ પોતાના મિત્ર સંબંધે વ્યક્ત કર્યો છે. દરેક વ્યક્તિ કહે છે  એટલું બધું કામ માથા ઉપર હતું કે આને માટે સમય જ રહ્યો નહીં! માણસની કરુણતા એ છે કે એ પ્રવૃત્તિની પોતાની ભૂખને જ જીવન સમજે છે અને ખરેખર જે કરવાનું કામ છે  જીવવાનું  એને કામ જ ગણતો નથી. જે જીવવાનું ખરંુ કામ છે તેને યાંત્રિકબનાવી દે છે અને આજીવિકાની, વિશેષ ધન મેળવવાની, મિલકત ઊભી કરવાની મહત્ત્વાકાંક્ષાને આગળ વધારવાની અને સત્તા કે નામ મેળવવાની પ્રવૃત્તિને જ ખરંુ જીવન સમજી બેસે છે. આવી પ્રવૃત્તિઓનો એ એવો પહાડ ખડો કરી દે છે કે તેની નીચે તે સંપૂર્ણપણે દબાઈ જાય છે, ઢંકાઈ જાય છે અને તેની જાણ બહાર જ એ એક જંતુબની જાય છે.
માણસો કહે છે કે અમે જીવનનો આનંદ મેળવવા માટે જ ઘણાં બધાં કામો કરીએ છીએ. એ બધાં કામો ભલે બીજા લોકોની નજરે નકામાં કે સમયની ફિઝૂલખર્ચી જેવાં લાગે! પણ આ રીતે આનંદ મેળવવા કરતાં આનંદ મેળવવાનો બીજો પણ માર્ગ છે. માણસને અણગમતાં લાગતાં હોય, પણ જે ખરેખર કરવા જેવાં કામ હોય તેવાં કામમાંથી પણ માણસ ધારે તો આનંદ મેળવી શકે છે. તમે કોઈ પણ વ્યક્તિને ચાહશો, તમે કોઈ પણ પ્રવૃત્તિને ચાહશો તો વ્યક્તિ કે તે પ્રવૃત્તિ તમારા માટે આનંદની પાતાળગંગા બની જશે. એક મિત્રે હમણાં એક સફળમાણસની વાત કરી. એણે સમાજમાં મોટું નામ મેળવ્યું. પૈસા પણ એ મોટા નામમાંથી જ નિપજાવ્યા. એમની પત્નીનું અવસાન થયું. પત્નીને ઇસ્પિતાલમાં દાખલ કરવામાં આવી ત્યારે તે ત્યાં હાજર નહોતા. એવું નહોતું કે હાજર થઈ શકે તેમ નહોતા,  પણ તેમણે જેમ પત્નીને કદી ગંભીરતાથી ગણતરીમાં લીધી નહોતી તેમ તેનાં રોગ કે પીડાને પણ ગંભીર ગણી શક્યા નહીં. પત્નીને શો રોગ હતો તેની પણ તેમને ખબર નહોતી. કામમાં ગળાડૂબ માણસ  પોતાનું ડૂબતું ઘર જ એને દેખાતું નહોતું. પત્ની તો ગઈ એક પ્રશ્નના મોટા પ્રશ્નાર્થ મૂકીને ચાલી ગઈ. જેમને માટે પત્ની એક પ્રશ્ન જ રહે છે તેમને માટે સંતાનો પણ એ પ્રશ્નના મોટા ગુણાકારમાં પલટાઈ જાય છે.
આ સંસારમાં નિવારી ન શકાય તેવાં દુખો અને પીડાનો કોઈ પાર નથી. પણ માણસ પોતાના હૃદયની ક્ષિતિજો લંબાવીને તેની ઉપર કાબૂ મેળવવા સતત મથતો જ રહે છે. કરુણાની અમીનજરમાં એ પીડાનો ડંખ ધોવાની કંઈક શક્તિ પડેલી છે. પ્રેમ એ જ માણસમાણસ વચ્ચેની સાર્થક ભાગીદારીનો વણલખ્યો કરાર છે. આપણી એ કમનસીબી કહેવાય કે એ કરાર આપણને દેખાતો નથી. પ્રેમને ઈશ્વરસ્વરૂપ ગણ્યો છે, કેમ કે તે એ નથી તો પછી કશું જ નથી.
 પોતાના ઘરના કોઈ રૂપાળા આરસપહાણની સગાઈ માણસ કબૂલે છે. પોતાનું નામ વધુ ને વધુ મોટા અક્ષરોમાં ચીતરીને તેને જ તે તરણોપાય ગણીને વળગી પડે છે. કારોબારીની વધુ ને વધુ વિશાળ જાળ પાથરીને માછલી જેવું ચંચળ ધન ભેગું કરવા મથે છે, પણ મોટો બંગલો માણસની મંજિલ નથી, મોટો કારોબાર પણ એની મંજિલ નથી અને મોટું ધન એ પણ એની મંજિલ નથી. આ રીતે એ દોડીદોડીને જ્યાં પહોંચે છે તે તો મૃતદેહની મંજિલ જ હોય છે.
પોતાના નાનકડા દરની અંદર સુખના પાંચ દાણા ખેંચી લાવીને, સંઘરીને કે તેને હજમ કરીને જીવવું એ કંઈ જીવન નથી. પોતાના હૃદયને સંતાડીને, સંકોચીને, સાચવીને સલામતીથી જીવવું એ જીવન નથી. પોતાના હૃદયને જ સંગ્રહસ્થાન બનાવીને જીવનારા છેવટે અસહ્ય ગૂંગળામણ અનુભવે છે. ઈશ્વરે માણસને માણસની બંધ મુઠ્ઠી જેવું હૃદય આપ્યું છે. માણસ એ બંધ મુઠ્ઠી પૂરેપૂરી નિઃસંકોચ ખોલીને જીવે તો ઈશ્વર સહિતનું બધું જ તેને માટે હસ્તગત બની જાય છે.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃતમાંથી...................

1 comment:

  1. what is life?
    money, power, or posotion.
    nothing .
    life is who u r?

    ReplyDelete