Thursday 16 August 2012

એ માણસ તો પતી ગયો. સાંભળીએ ત્યારે આવા માણસો ફરી બેઠા થાય છે...........

એ માણસ તો પતી ગયો.’ ‘એ માણસનો સૂરજ હંમેશ માટે આથમી ગયો. હવે તેનું નામ છેકી જ નાખો!આવું આવું આપણે કોઈ ને કોઈ માણસ વિશે કોઈ ને કોઈના મુખે સાંભળતા હોઈએ છીએ, પણ દુર્ભાગ્યના મરણતોલ પ્રહારો પછી પણ આવા માણસો ફરી બેઠા થાય, વધુ તાકાત સાથે આપણી સાથે આપણી સામે આવીને ઊભા રહે એવું નથી બનતું?

કોઈક માણસ ખરાબ સમયના ચક્કરમાં અટવાઈ જાય ત્યારે તેની પ્રત્યે કોઈ હમદર્દી તો બતાવે કે ન બતાવે, પણ તેને ઓળખતા ઘણા બધા માણસો તેના વિશે સર્વસંમતિથી એક ચુકાદો આપી દે છે ઃ બસ, સાહેબ હવે એ માણસ ભલે તમને જીવતો લાગે, પણ તે હવે ઊકલી જ ગયો છે! એ માણસ ખલાસ થઈ ગયો. તેની આયુષ્યરેખા જેટલી બાકી હશે તે પૂરી કરશે બાકી તેનું નસીબ પૂરું થઈ ગયું! હવે તે ફરી વાર બેઠો નહીં થાય! તમારે એને ચોપડાની માંડી વાળેલી રકમજ ગણી લેવો! એ હવે ફરી વાર ઊભો થાય કે માથું ઊંચું કરીને જીવી શકે તેવું માનવું જ નહીં! માણસની જિંદગીમાં ખાડાટેકરા આવે તે તો સૌ સમજી શકે છે! સારોમાઠો સમય આવે, સુખ અને દુખનું એક ચક્ર ચાલે, પણ હવે આ માણસ ફરી વાર કંઈ કરી શકે તેવું માની જ શકાતું નથી! એ તો પતી જ ગયો છે અને તેના વિશે હવે કોઈ જ ઉમ્મીદ રાખી શકાય તેવું નથી! તેને પોતાને પૂછશો તો તે પોતે પણ તમને કહેશે કે હું પતી ગયો છું મારો ખેલ ખલાસ થઈ ગયો! હવે તો જેટલી આવરદા બાકી રહી હશે તેટલી પૂરી કરવાની!
પણ ખરેખર માણસ આ રીતે પતી જતો નથી. એક વાર અંગ્રેજ હકૂમતે આ રીતે જ માની લીધું કે મહાત્મા ગાંધી પતી ગયા છે, ખર્ચાઈ ચૂકેલું બળછે, એને હવે ગણતરીમાં લેવાની જરૂર નથી. ઉપવાસ પર ઊતરેલા મહાત્મા ગાંધીની ચિતા માટે ચંદનનાં લાકડાં પણ તૈયાર રાખ્યાં હતાં! પણ મહાત્મા ગાંધી પતી ગયા નહોતા. એ ફરી કરેંગે યા મરેંગેની હાકલ સાથે સામે આવ્યા. બ્રિટનમાં ૬૦ વર્ષ પૂરાં કરી ચૂકેલા વિન્સ્ટન ચર્ચિલ માટે બધા માનતા હતા કે, ચર્ચિલ પતી ગયો છે! તેનું હવે કોઈ જ ભવિષ્ય નથી. એ માણસ ફરી બેઠો થાય, કંઈક બને કંઈક કરે તે અશક્ય! પણ આપણે સૌ જાણીએ છીએ કે ચર્ચિલનો સુવર્ણકાળ ૬૫ વર્ષની ઉંમરે જ શરૂ થયો. આપણે ત્યાં જયપ્રકાશ નારાયણ, સુભાષચંદ્ર બોઝ, મોરારજી દેસાઈ અને ઇન્દિરા ગાંધી ઘણા બધાની બાબતમાં આવું જ બન્યું છે. 

આપણા જેવા સામાન્ય માનવી વિશે વિચાર કરીએ તો તેમાં પણ એવું જ બન્યું છે. એક ગૃહસ્થ એક મોટી આર્થિક આફતમાં સપડાઈ ગયા. બંગલો, મોટર, મિલકત, વેપાર બધું જ અલોપ થઈ ગયું! તેમનાં તમામ સગાંસંબંધીઓ અને ઓળખીતાઓએ પોતાની યાદીમાંથી એમનું નામ કમી કરી નાખ્યું! લગ્નમાંય નહીં બોલાવવાના અને સ્મશાનયાત્રામાં પણ તેમને બોલાવવાના જ નહીં! એ ગૃહસ્થ બરાબર બાર વર્ષ આવી હાલતમાં રહ્યા અને ફરી એમનો સમય બુલંદ બન્યો. જે જાદુઈ રીતે બધું અલોપ થઈ ગયું હતું તે બધું જ અને તેનાથી પણ વધારે ઘણું બધું તેમને મળ્યું! જેમણે જેમણે એમનું નામ પોતાની યાદીમાંથી રદ કરી દીધું  હતું અને એ ખતમ થઈ ગયા છે એવું માની લીધું હતું તે બધા ભોંઠા પડી ગયા. ફરી વાર તેમનો સંપર્કર્ સાધવા નવા સેતુ બાંધવાની ભાંજગડમાં પડી ગયા! ગૃહસ્થ ઉદાર અને પ્રેમાળ માણસ હતા. તેમણે તો તેમનું નામ છેકી નાખનારાઓને કોઈ મેહેણાંટોણા માર્યાં નહીં અને કોઈનું અપમાન પણ ન કર્યું. જેમણે જેમણે એમને સંપૂર્ણ નાદાર ગણી કાઢ્યા હતા તેમણે પણ જ્યારે મદદ માટે તેમની પાસે હાથ લંબાવ્યો ત્યારે તેમણે તેમને એક પણ કડવો શબ્દો કહ્યા વિના મદદ કરી!

રખે કોઈ માને કે માણસની પડતી વખતે તેનાં સગાંસંબંધીઓ કે બહારના માણસો જ તેને માંડી વાળેલી રકમગણી કાઢે છે. કેટલીક વાર તો આવી વ્યક્તિનાં સ્વજનો-પત્ની, ભાઈ કે સંતાન પણ તેના વિશે એવું માની લે છે કે  એમના જીવનમાં કશું જ નવું કે સારું બનવાની આશા રખાય જ નહીં! ઘણી વાર માબાપો પોતાનાં બાળકો માટે પણ આવું માની લે છે! એક નબળાદૂબળા અને શરૂઆતનાં વર્ષોમાં તો ભણવામાં પણ નબળા લાગતા બાળક વિશે કોઈનાં કોઈ માબાપ માની લે છે કે આ છોકરાનું કોઈ ભવિષ્ય નથી. ભગવાન એને સારોસાજો રાખે અને તે પોતાનું ગુજરાન ચલાવવા જેટલું કમાતો થઈ જાય તોય ઘણું! પણ આવું નબળું બાળક કેટલીક વાર એકદમ ઝળકી ઊઠે છે અને આગળ ઉપર એના પુરુષાર્થથી એ નામ અને દામ બન્ને કમાય છે ત્યારે માબાપના અચંબાનો પાર રહેતો નથી.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃતમાંથી...................

1 comment: