Wednesday 15 August 2012

આખરી કશુંજ નથી.....................


આખરી કશુંજ નથી.....................
માણસના અકારણ અભિમાન  અહંકારનું એક રમૂજી દ્રષ્ટાંત વોલ્ટેરે પોતાના પુસ્તક ફિલોસોફિકલ ડિક્શનરીમાં આપ્યું છે.
એક મોટા મહેલની બહાર બે વાંદા બેઠા છે અને એક વાંદો બીજા વાંદાને કહે છે ઃ આ ઇમારતની બાંધણી તો જુઓ! હું સ્પષ્ટ કહેવા માગું છું કે હું આ મકાનનો આર્કિટેક્ટ નથી! સાહેબ, હું જે ઇમારતનો સ્થપતિ હોઉં તેમાં આવી ખામીઓ હોય જ નહીં!બીજા વાંદાએ કહ્યું: આ ઇમારત બનાવનારે મને પણ કંઈ પૂછ્યું નથી! આપણને કોઈ પૂછે જ નહીં ત્યારે આપણે શું કરીએ?’
આ પૃથ્વી વિશે, આ સંસાર વિશે, આ બ્રહ્માંડ વિશે કેટલાક માણસો પણ પેલા વાંદાઓની જેવા જ સંવાદ ચલાવ્યા કરતા હોય છે! તેમનું અભિમાન એટલું બધું છે કે પોતાની અલ્પતા અને પોતાની આંખ સામેની જ આ અવર્ણનીય ભવ્યતાને ઓળખી જ શકતા નથી.
મોન્ટેનનું પોતાનું એક સૂત્ર હતું:  હું શું જાણું છું? હું કંઈ જ જાણતો નથી.સાચી વાત આ જ છે. માણસ ખરેખર કંઈ જ જાણતો નથી અને છતાં તે ઘણું બધું જાણે છે તેના ભ્રમમાં જ જીવ્યા કરે છે. જેઓ ખરેખર કંઈ પણ જાણે છે તેમનું પોતાનું મર્યાદિતજ્ઞાન પોતે જે નથી જાણતા અને જાણી શકે તેમ નથી તેવા વિરાટ અજ્ઞાનને માપવાના માપદંડ તરીકે પણ ચાલી શકે તેવું નથી તેનું તેમને બરાબર ભાન હોય છે. એટલે જ્યારે વિજ્ઞાની આઇઝેક ન્યૂટનની શોધોની વાહવાહ થાય છે ત્યારે ન્યૂટન પોતે તો પૂરી નમ્રતાથી કહે છે કે, ‘મારું જ્ઞાન અનંત મહાસાગરના કિનારા ઉપર વીણેલાં શંખછીપલાં કરતાં જરાય વધારે નથી!
ઈશ્વરે મનુષ્યને ભાનઆપ્યું છે, ‘શુદ્ધિઆપી છે અને અબૂઝ જિજ્ઞાસા પણ આપી છે. એટલે સોક્રેટિસ કહે છે કે મૃત્યુ મારી નજીક આવીને ઊભું હોવા છતાં કંઈ ને કંઈ નવું જાણવાની મારી જિજ્ઞાસા જરાય ઓછી થઈ નથી એટલે મને લાગે છે કે મૃત્યુ પછી પણ જીવન હોવું જોઈએ. વૈજ્ઞાનિકો માને છે કે માણસ સિવાય બીજું કોઈ પ્રાણી પોતાના મૃત્યુની નિશ્ચિતતા અને અનિવાર્યતા વિશે સજાગ નથી! પ્રાણીઓ વિશે આપણે ઘણું બધું જાણવાનો દાવો વાજબી રીતે કરી શકીએ તેમ છીએ અને છતાં આ બાબતમાં પણ સાચી હકીકત શું છે તે તો કોઈ દાવા સાથે કહી ન શકે, કેમ કે આપણે ભૂતકાળમાં જોયું છે કે માણસને પોતાને પ્રાપ્ત થયેલા જ્ઞાનના ભરોસે જ્યારે તેણે એવો દાવો કર્યો કે બસ, છેવટની વાત આ જ છે ત્યારે જ વળી કોઈક નવી શોધ લઈને આગળ આવીને કહે છે કે ના, વાત કંઈક બીજી જ છે! આપણે જોઈએ છીએ કે ગઈ કાલે આપણે જેને પાકી સાચી વૈજ્ઞાનિક હકીકત ગણી હતી તે આજે ગલત ખ્યાલ ગણાઈને અસ્વીકાર્ય બની જાય છે. માણસ અનુભવે સમજી ગયો કે વિજ્ઞાનમાં પણ કશું આખરી નથી! વૈજ્ઞાનિક જ નહીં, ધાર્મિક માન્યતાઓ પણ સમય જતાં બદલાતી રહી છે.
સમગ્ર બ્રહ્માંડમાં એટલાં બધાં રહસ્યો પડેલાં છે કે તેને કોઈ એક જન્મારામાં પામવાનું માણસ માટે અશક્ય જ છે. જે કંઈ છે તે બધું જ પરમેશ્વરની અભિવ્યક્તિરૂપે, તેના પ્રાગટ્યરૂપે, તેની લીલારૂપે જોઈને જ તેનો આછોપાતળો પાર પામવાનું શક્ય છે. ખુદ વૈજ્ઞાનિકોએ પણ કબૂલ કર્યું છે કે ઘણી બધી શોધોની ચાવીઓ તેમને બુદ્ધિતર્કના રસ્તે મળી નથી  કાં તો તે અંતઃપ્રેરણાથી મળી છે કે સ્વપ્નસંકેતરૂપે હાંસલ થઈ છે. વૈજ્ઞાનિક રીતે ખુલાસા શક્ય છે, પ્રતીતિકર પણ લાગે, પણ બધી જ દલીલો સમજી ગયા પછી એવી લાગણી થાય છે કે કાંઈક રહસ્ય ખૂલ્યા વગરનું રહી ગયું છે! માંસના એક લોચામાંથી આંખો શેની બને છે, મગજ શેનું બને છે, હૃદય શેનું બને છે, ફેફસાં શેનાં બને છે, નાકની વિશેષતા અને કાનનું ધ્વનિતંત્ર શેમાંથી બને છે તેનો ખુલાસો વૈજ્ઞાનિક રીતે જે હોય તે  એવા ખુલાસા પછી ચમત્કૃતિનું એક તત્ત્વ બાકી બચી જાય છે. વધુ કંઈ નહીં તો આ સાવ સાચો વિસ્મય જે ઈશ્વરે બાળકને તેના જન્મ સાથે આપ્યો છે તેને અદૂષિત જીવંત રાખવાનું કામ માણસ કરે તો તેને ઈશ્વરની સાચી ઝાંખી પણ થાય અને તે માણસ તરીકે વધુ સાચી રીતે, વધુ સારી રીતે જીવી શકે.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી.......

No comments:

Post a Comment