Wednesday 15 August 2012

માતા-પિતાનું પ્રતિબિંબ સંતાનોમાં દેખાય...............................


માતા-પિતાનું પ્રતિબિંબ સંતાનોમાં દેખાય...............................

જર્મનીના મહાકવિ ગેટે અને શીલર પોતપોતાની માતાને ખૂબ ચાહતા હતા અને પોતાને મળેલી બુદ્ધિ અને સંવેદનશીલતાને માતા તરફથી મળેલી અમૂલ્ય બક્ષિસોગણતા. ગેટે એક વાર ફ્રેંક્ફર્ટ ગયા ત્યારે પોતાની માતા પ્રત્યે જે જે વ્યક્તિએ માયાળુ વર્તન દાખવ્યું હતું તે દરેકને રૂબરૂ મળીને તેમનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો. અંગ્રેજી ભાષાનો પ્રથમ શબ્દકોશ આપનારા સેમ્યુઅલ જોન્સન આમ તો બરછટ માણસ હતા, પણ પોતાની માતાની વાત નીકળે ત્યારે એકદમ નરમમધુર બની જતા. વર્ષો સુધી જોન્સન પોતે જ ખૂબ ગરીબ હતા છતાં માતાની જરૂરિયાતો અંગે તે સતત કાળજી રાખતા. માતા મૃત્યુ પામી ત્યારે તેની અંતિમવિધિના ખર્ચને પહોંચી વળવા તથા માતાના શિરે જે પરચૂરણ દેવું હતું તે ભરપાઈ કરવા તેમણે તાબડતોબ રસેલાસવાર્તા લખી કાઢી હતી અને માતૃઙ્ગણ અદા કર્યું હતું.
અમેરિકાના પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન અગિયાર વર્ષના હતા ત્યારે તેમના પિતા ગુજરી ગયા હતા. માતા વિધવા બની. તેનાં પાંચ સંતાનોમાં સૌથી મોટા જ્યોર્જ વોશિંગ્ટન. વોશિંગ્ટને નોંધ્યું છે કે પાંચપાંચ બાળકોનું ભરણપોષણ અને શિક્ષણ તથા ઘડતરનું કામ જે રીતે માતાએ કર્યું તે કદી મારા મન ઉપરથી ભૂંસાયું નથી. જિંદગીમાં તકલીફોઅડચણો આવે ત્યારે નાહિંમત થયા વિના તેને કઈ રીતે પહોંચી વળવું તેની સૂઝસમજ મને મારી માતાના જીવનમાંથી મળી.
આપણે ત્યાં મહાત્મા ગાંધી પોતાની સત્યનિષ્ઠા અને ધૈર્ય તેમજ હિંમત માટે પોતાની માતા પૂતળીબાઈને યશ આપે છે. સ્વ. જવાહરલાલ નહેરુ ઉપર માતા કરતાં પિતાનો વધુ પ્રભાવ દેખાય છે, પણ જવાહરલાલ માતાને કેટલી બધી ચાહે છે તે તો માતા સ્વરૂપરાનીદેવીને ગોરા સૈનિકોએ ઘોડાની અડફેટે ચઢાવ્યાં ત્યારે જેલ ભોગવી રહેલા જવાહરલાલે ગાંધીજી ઉપરના પત્રમાં વ્યક્ત કરેલી વેદનામાં દેખાય છે.
સુભાષચંદ્ર બોઝ એમનાં માતાપિતાનું નવમું સંતાન હતા. દીકરા તરીકે એમનો છઠ્ઠો નંબર. સુભાષબાબુએ કહ્યંુ છે કે પિતા કંઈક અતડા અને એમને માથે બહારની જવાબદારી ઘણી તેથી મને હંમેશાં દૂરદૂર લાગ્યા કરતા, પણ હું મારી માતાની ઠીકઠીક નજીક હતો અને મારા મનની વાતો તેમને કહેતો. સુભાષબાબુને મન માતા ધર્મગુરુ અને માર્ગદર્શક જેવી હતી. સુભાષબાબુ પર રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદના પ્રભાવમાં પણ એમની માતાનો હિસ્સો દેખાય છે. ભારતમાતાની મૂર્તિ પણ સંભવતઃ એમને એ રીતે જ દેખાઈ.
કોઈ પણ માણસ તે મહાન હોય કે સામાન્ય, તેનાં જીવન પર તેના માતાપિતાની પ્રબળ અસર પડે જ છે. ઘણા કિસ્સામાં માબાપ બંનેનું સુખ વર્ષોના હિસાબે ઘણું લાબું મળ્યું હોય, પણ ખરેખર માબાપ અને સંતાન વચ્ચે કોઈ જીવંત સંબંધન સ્થપાયો હોય. આવા કોઈ સંવાદ વગર પણ સંતાનો માતાપિતાના જીવનમાંથી સારાનરસા સંદેશા ઝીલે એવું પણ બને છે.
વિન્સ્ટન ચર્ચિલને માતાનો સ્નેહ ખાસ મળ્યો જ નહીં. માતા પુત્ર અંગે કંઈક નાનપની લાગણી અનુભવતી (પોતે કેટલી સુંદર સ્ત્રી છે અને બાળક કેવું બેડોળ છે!) આના પરિણામે ચર્ચિલ શરૂઆતમાં શરમાળઢીલાબીકણ અને પછી અત્યંત હિંમતવાન અને નીડર બની જાય છે. માતાના બધા હલકા અંદાજોને તે પોતાના જીવનચરિત્ર દ્વારા રદબાતલ ઠરાવવા મેદાને પડે છે. બીજો કિસ્સો ફ્રેન્ચ લેખક વોલ્ટેરનો છે. વોલ્ટેરને જન્મ આપીને તેની માતા એકદમ હતાશ થઈ ગઈ હતી. આવું કદરૂપું બાળક? વોલ્ટેરે પોતાનું નબળું શરીર અને નરમ તબિયત છતાં જાણે માતાના અભિપ્રાયને બિલકુલ ખોટો પાડવા કમર કસી હોય તેમ એ જન્મટાણાના તદ્દન ઘાટઘૂટ વગરના પિંડમાંથી એ જાતે ફ્રેન્ચ ઇતિહાસમાં પોતાની ઊંચી પ્રતિભાશાળી મૂર્તિ ઘડી કાઢે છે.
કેટલાક કિસ્સા એવા જોવા મળે છે કે જેમાં સંતાનો માબાપ સાથે નિર્દય વહેવાર કરે અને તેમનું જીવવું ઝેર કરી દે. ક્યારેક આવાં સંતાનો માબાપના મૃત્યુ બાદ પસ્તાવાની તીવ્ર લાગણી અનુભવીને પછી માબાપની છબીઓને પૂજાખંડમાં ગોઠવી દે છે અને પોતાનું જે ઉદાત્ત ચરિત્રમાબાપને તેમની હયાતીમાં બતાવી ન શક્યા તે ચરિત્ર તેમની ગેરહાજરીમાં ઉપસાવવા મથે છે અને એવી આશા કે શ્રદ્ધા સાથે એવું ઇચ્છે છે કે પોતાનાં માબાપ જે લોકમાં હોય એ લોકમાંથી તેમનું આ નવું અને વધુ સાચું રૂપ જુએ અને શાબાશી આપે!

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી...............

No comments:

Post a Comment