Friday 17 August 2012

માણસે પોતાની જાત માટે માન અને ગૌરવની લાગણી કેળવવી જોઇએ....................


માણસે પોતાની જાત માટે માન અને ગૌરવની લાગણી કેળવવી જોઇએ....................

કેટલાક માણસોને મોટપનો ખ્યાલ સતાવ્યા કરે છે. આવા માણસો કોઈ પણ પ્રસંગે પોતાની મોટાઈ આગળ કર્યા કરે છે. હું મહત્ત્વનો માણસ છું. મારો એક ચોક્કસ દરજ્જો છે. મને મારી મોટપ પ્રમાણે મહત્ત્વ આપવું જોઈએ. કોઈ મારી અવગણના કરશે તો હું સાંખી નહીં લઉં, જે માણસને પોતાના આવા માની લાધેલી મહત્ત્વનો ખ્યાલ પજવ્યા કરે છે તેને ડગલે ને પગલે પોતાની અવગણના થઈ રહેલી લાગે છે. નાનામાં નાની બાબતોમાં તેઓ પોતાની મોટાઈનું આઇડેન્ટિટી કાર્ડ બતાવ્યા કરે છે. તેમને ઘણા બધા પ્રસંગે એવું લાગે છે કે તેમની અવગણના જાણી જોઈને થઈ રહી છે.

મોટાઈના દરજ્જાના એક ખોટા ખ્યાલ નીચે આપણે નાનામાં નાના પ્રસંગે માનના ખોટા તકાદા કરી બેસીએ છીએ, ખરેખર આપણે આપણી જાતને માનવંતી ગણતા જ હોઈએ તો આપણને માનની આટલી ઊણપ હરેક પ્રસંગે લાગવી ન જોઈએ. મહાત્મા ગાંધીએ, અબ્રાહમ લિંકને અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા મહાપુરુષોએ પોતાના જીવનમાં આવા અનેક અવગણના કે અપમાનના પ્રસંગો જોયા છે અને તેમાંથી સહેજ પણ અપમાનનો ડાઘ વેઠ્યા વગર તેમાંથી ખુશમિજાજ બહાર આવ્યા છે. તમે સાચે જ તમારી જાતને માન આપતા હશો તો તમને જ્યાં ને ત્યાં માન મેળવવા માટે ડોક લંબાવવાનું મન નહીં થાય અને તમે જ્યાં ને ત્યાં સલામીનહીં શોધો. માણસને પોતાની જાત માટે માન અને ગૌરવની સાચી લાગણી હોય છે, ત્યારે તેને એક જુદા જ પ્રકારનો આત્મવિશ્વાસ અને ખુશમિજાજી મળે છે. કોઈ ગફલતથી ચા ઢોળી બેસે કે ઇસ્ત્રીની ગડ વીંખી નાખે તેનાથી તેમના મનના ઘડામાં મોટો ગોબો પડી ગયા જેવું લાગતું નથી. તેમની ખુશમિજાજી ખતમ થઈ જતી નથી. આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવો માણસ ક્યારેક બસ પાછળ દોડે અને છતાં બસ દોડી જાય ત્યારે તેને પોતાના હડહડતા અપમાનના પ્રસંગ તરીકે નહીં ઝીલે કે દાંત કચકચાવી નહીં બેસે. તે જાણે છે કે મોટા ભાગે કોઈ માણસો જાણી જોઈને કોઈનું અપમાન કરતા નથી અને તેની અવગણના પણ કરતા નથી હોતા. મોટા ભાગે અજાણપણે જ તેઓ આવું કરી બેસે છે. અજાણપણે આપણે બધા કોઈ ને કોઈ પ્રસંગે આવું કરી બેસતા હોઈએ છીએ. દરેક માણસ દિવસમાં આવી વર્તણૂક અજાણપણે કરી બેસે છે. તેનો અફસોસ બેમાંથી એક પણ પક્ષે કરવાનો જ ન હોય. સ્વામી વિવેકાનંદે અમેરિકાની મુલાકાતમાં આવા અનેક પ્રસંગોને રમૂજના પ્રસંગોમાં કે બોધપાઠનાં દ્રષ્ટાંતોમાં પલટાવી નાખ્યા હતા.

ચીનનો એક ચિંતક કહે છે કે કેટલાક માણસો પોતાના માનમોટાઈની છત્રી માથે લઈને ફરે છે. છત્રીની ખાસ જરૂર ન હોય છતાં પોતાના માથે તેનું એક નાનકડું સ્વતંત્ર આકાશ બનાવીને ફરે છે, તમે છત્રી બંધ રાખીને બગલમાં રાખો કે હાથ પર લટકાવો ત્યાં સુધી તો બરાબર છે, પણ તમે જ્યાં ને ત્યાં માથે ખુલ્લી છત્રી સાથે ફર્યા કરો તે ખોટું છે. તમારી છત્રીનો સળિયો કોઈ ને કોઈના ખભા પર વાગ્યા વગર નહીં રહે અને છતાં તમને તો એમ જ લાગે બધા જાણી જોઈને તમારી છત્રીનો સિળયો ખેંચે છે. તમે ખુલ્લી છત્રી લઈને આગળ વધશો ત્યારે તમારી છત્રી જ દૂર હટો, દૂર હટો, મને આગળ વધવા દો, એવી ગર્જના કર્યા જ કરશે! તમે ચાલવા માટે પણ વધુ ને વધુ જગ્યા માગ્યા કરશો.

તલવાર મ્યાનમાં જ રાખીને નીકળી શકાય અને કેટલાક માણસોનો માનમોટાઈનો ખ્યાલ છત્રી કરતાં વધુ તો તલવાર જેવો હોય છે. આવા લોકો ખુલ્લી તલવાર લઈને નીકળી પડે છે, પણ તલવારની એકંદર શોભા મ્યાનમાં જ છે. 

તમે જ્યારે તમારી પોતાની જાત માટે જ્યાં ને ત્યાં માનના તકાદા કરવાનું બંધ કરશો અને તમારા પોતાના હૃદયમાં પડેલા પટારામાંથી માનનાં દાગીના અને શાલરૂમાલ બીજાઓને વહેંચવા માંડશો ત્યારે આ રીતે તમારા દ્વારા અકારણ અને નિઃસ્વાર્થ રીતે સન્માનિત બનેલી વ્યક્તિઓ તમને પોતાના માથા ઉપર ઊંચકી લેશે. માન માગવાથી મળતું નથી. ભગવાન બુદ્ધે પોતાના જીવનમાં અપમાનના પ્રસંગો જોયા હતા પણ ભગવાન બુદ્ધે તો બધાને માન જ આપ્યું હતું અને પોતે કોઈની પાસેથી રોકડ અપમાનનો સિક્કો સ્વીકાર્યો નહોતો. બુદ્ધનો જવાબ હંમેશાં કંઈક આવો જ રહ્યો છે કે ભાઈ, ભૂલથી તમે ખોટો સિક્કો આપી રહ્યા છો.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃતમાંથી.......

1 comment:

  1. thats one great thing what i can learn. thanks bhupat dada

    ReplyDelete