Sunday 12 August 2012

એક બાજુ ક્ષુલ્લક પ્રવૃત્તિઓ વધી છે અને તેની સાથે કંટાળો પણ વધ્યો છે..........


એક બાજુ ક્ષુલ્લક પ્રવૃત્તિઓ વધી છે અને તેની સાથે કંટાળો પણ વધ્યો છે..........
 
મુંબઈથી અમદાવાદની ઊડતી મુલાકાતે આવેલી એક બહેને કહ્યુઃ મારી પુત્રી દસ વર્ષની છે, શાળાએ જાય છે, હોશિયાર છે, પણ એ અવારનવાર ફરિયાદ કર્યા કરે છે કે મમ્મી, મને કંટાળો આવે છે! હું એને હસીને પૂછું છું કે બેટા, કંટાળો ક્યાંથી આવે? કંટાળો કેમ આવે છે? એ કંઈ જવાબ આપતી નથી પણ કંટાળાની ફરિયાદ કર્યા જ કરે છે! હું એને કહું છું કે તું કંઈક કામ કર  તારી બહેનપણીઓમાં વધુ હળવામળવાનું રાખ  તું તારા મનને કોઈક કામકાજમાં પરોવીશ તો પછી કંટાળો નહીં જ આવે!
મને મનમાં ને મનમાં સવાલ ઊઠે છે કે આટલી નાની છોકરી કંટાળાની ફરિયાદ કરે છે! મારા એક મિત્રની જુવાન પુત્રી પણ આવી જ ફરિયાદ કરે છે. એ મેડિકલનું ભણે છે! એનો પ્રશ્ન કંઈક જુદો લાગે છે. તે પોતાની અંદર ને અંદર ખોવાયેલી રહે છે અને વખતોવખત ફરિયાદ કરે છે કે મને સખત કંટાળો આવે છે. કોઈ કોઈ વાર રડ્યા કરે છે! એક વાર તો તેણે એની માતાને કહ્યું કે, મમ્મી, મને એટલો બધો કંટાળો આવે છે કે મને એમ થાય છે કે હું મરી જ જાઉં! મને સમજાતું નથી કે નાની ઉંમરનાં છોકરાછોકરીઓનાં મોંએ આવી ફરિયાદ ઊઠવાનું કારણ શું હશે?
નાની ઉંમરના કિશોરજુવાનોને કંટાળો આવે કે પ્રૌઢ વયની વ્યક્તિઓને કંટાળો આવે  કંટાળો આવવાની ફરિયાદ કરનાર દરેક જણને કદાચ ખબર નથી હોતી કે કંટાળો ક્યાંય બહારથી નથી આવતો  કંટાળો આપણી અંદરથી આવે છે. જેમ મોટરમાં પેટ્રોલ એકદમ ઓછું થઈ જાય ત્યારે લાલબત્તી થાય છે  રિઝર્વ બતાવે છે  એ ચેતવણી છે કે માંડ ઘેર પહોંચો કે પેટ્રોલપંપ ઉપર પહોંચો એટલું પેટ્રોલ છે! પેટ્રોલ ભરાવવાની જરૂર છે! રખે ધ્યાનબહાર જાય!
એવી જ રીતે કંટાળોએ ક્ષીણ થઈ રહેલા એકદમ નીચી સપાટીએ ચાલ્યા ગયેલા જીવનરસ અંગેની લાલબત્તી છે. જીવનમાં રસ એ બળતણ છે. એ બળતણ ઓછું થઈ જાય ત્યારે કંટાળાની લાગણી પેદા થાય છે. જેમને કંટાળો આવતો હોય તેમણે જીવનમાં નવો રસ પેદા કરવો જોઈએ. માણસ જ્યારે પોતાનામાં કંઈ રસ લેતો નથી ત્યારે તેને આસપાસની દુનિયામાં પણ રસ પડતો નથી, કેમ કે આપણને દુનિયામાં જે રસ પડે છે તે હકીકતમાં આપણી જાતમાં આપણને જે રસ હોય છે તેનો જ ઉછાળો છલકાઈને બહાર ફેલાય છે. દરેક વ્યક્તિ કેન્દ્રમાં તો હંમેશાં પોતાની જાતને જ રાખે છે. માણસ જે કંઈ પ્રવૃત્તિ કરે છે, જે કંઈ મનોરંજન કરે છે તે બધામાં પ્રગટ લક્ષ્ય ગમે તે બતાવે  અંતિમ લક્ષ્ય તો તેની પોતાની જાત જ હોય છે. પણ તેને જો પોતાની જાતમાં કંઈ જ રસ ન હોય તો તેને પોતાની સાથે નિકટમાં નિકટ રીતે સંકળાયેલી વ્યક્તિઓ કે બાબતોમાં પણ કંઈ રસ પડતો નથી!
વિખ્યાત મનોવૈજ્ઞાનિક કાર્લ જુંગે હતાશાને આ યુગના એક સૌથી મોટા વ્યાધિ તરીકે ઓળખાવી હતી. આપણે આજે કંટાળાને પણ આ યુગના એવા જ મોટા વ્યાધિ તરીકે ઓળખાવી શકીએ તેમ છીએ. અગાઉ કદી નહોતો એટલો કંટાળોઆજે આપણે જોઈએ છીએ. ઘણા બધા માણસો તેની ફરિયાદ કરે છે આનું કારણ શું?
એનાં કેટલાંક કારણો કલ્પી શકાય છે. એક તો એ કે અગાઉની ઊંડી ધાર્મિકતા ક્ષીણ થતી જાય છે એટલે હું ઈશ્વરનો જ અંશ છું, હું ક્ષુદ્રનથી, હું કોઈક મહાન શક્તિનો જ એક તણખો છું એવી શ્રદ્ધા રહી નથી અને તેથી માણસ કશી નમ્રતાવગર નિર્ભેળ પામરતાની લાગણી અનુભવે છે અને તેને મનુષ્યનું જીવન જ કશા હેતુ કે અર્થ વગરનું લાગે છે! તે પૃથ્વીથી માંડીને બ્રહ્માંડ સુધીનું એક અનંત ચિત્ર જોઈ શકતો નથી અને તે જેમ જેમ તેનો વિચાર કરે છે તેમ તેમ પોતાનું સ્થાન આમાં ક્યાં? એવી એની મૂંઝવણ વધે છે. બીજંુ, જૂના જમાનામાં માત્ર જીવતા રહેવા માટેનો જ જે જીવનસંઘર્ષ માણસને કરવો પડતો હતો એવો જીવનસંઘર્ષ આજે રહ્યો નથી. પુરુષ ગમે તેટલી આકરી નોકરી કરે કે ધંધાનો ભાર ઉપાડે  તેના એકંદર કામના કલાકો ઓછા થયા છે.
સ્ત્રીઓને અગાઉ જે વૈતરું કરવું પડતું હતું તેમાંથી તેનો છુટકારો થયો  તેને પણ લાગે છે કે તેની પાસે ફુરસદના કલાકો વધ્યા છે. હવે આ બધા સમયને માણસ કાં તો ક્ષુલ્લક બાબતોમાં કે પછી માત્ર સમય પસાર કરવા માટે જ હાથ ધરેલી રમતોમાં ખર્ચી નાખે છે. એમાંથી એને થોડીક મજાપડી એવું એ પોતાની જાતને મનાવે છે, પણ તેમાંથી કોઈ ઉમંગનું બળ તેને મળતું નથી. આથી એક બાજુ ક્ષુલ્લક પ્રવૃત્તિઓ વધી છે અને તેની સાથે કંટાળો પણ વધ્યો છે.
ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી......

No comments:

Post a Comment