Sunday 12 August 2012

અગવડને પણ આનંદદાયક અનુભવમાં પલટાવી શકાય.... !


અગવડને પણ આનંદદાયક અનુભવમાં પલટાવી શકાય.... !

મહાત્મા ગાંધીના જીવન પર પ્રબળ પ્રભાવ પાડનારા પુસ્તક અનટુ ધી લાસ્ટના લેખક જોન રસ્કિને પોતાની જિંદગીની સ્મરણકથા લખી છે. તેમાં તેણે બાળપણનો એક પ્રસંગ વર્ણવ્યો છે. પિતાની સાથે તે એક મહેલ જોવા જાય છે. મહેલની ભવ્યતા જોઈને બાળક રસ્કિન તો ઝૂમી ઊઠે છે. એક ક્ષણ થાય છે કે હું આવા મહેલમાં રહેતો હોત તો કેટલું સારું હોત! પછી ઈંગ્લેન્ડના બીજા એક લેખક કાર્લાઇલનું એક વાક્ય યાદ આવ્યું ઃ મહેલમાં રહીને આંખ સામે ઝૂંપડીઓ જોવા કરતાં ઝૂંપડીમાં રહીને મહેલ જોવામાં વધુ મજા છે!
થોડીક ભવ્યતાના કે થોડાક સૌંદર્યના માલિક બનવા કરતાં આંખ સામે પડેલી અનંત ભવ્યતા અને અનંત સૌંદર્યને જોવામાં વિશેષ આનંદ રહેલો છે. કોઈ માણસ વસાવી વસાવીને કેટલા મહેલો વસાવી શકે? કેટલા બગીચા બનાવી શકે? ગમે તેવા મોટા બંગલામાં કે મહેલમાં કે કિલ્લામાં રહો, છેવટે જિંદગીમાં ખરી મજા ખુલ્લા મને અને ખુલ્લા પગે ગમે ત્યાં જઈ પહોંચવાની અને પ્રકૃતિનાં રૂપઅરૂપ જોવાની સ્વતંત્રતામાં રહેલી છે. કેટલીક વાર માણસો મોટા મહેલ પોતાના જ માટે બનાવે છે જે છેવટે તેમને પોતાને માટે જ જેલ બની જાય છે.
કેટલાક માણસો તરેહતરેહના માલિકીહક્કો મેળવવાની અને ભેગા કરવાની એક માથાફોડ જિંદગીભર કર્યા કરે છે, પણ ભૂલ ત્યાં છે કે કોઈ પણ બાબતમાં માલિકી એ તેને ભોગવવાની, સારી રીતે માણી શકવાની ખાતરીબંધ બાંયધરી તમારા માટે બની શકતી નથી. માણસનો આજ સુધીનો આ જ અનુભવ છે, પણ આપણે અનુભવ પરથી કશું શીખવા તૈયાર હોતા નથી એટલે માણસ આ અનુભવની બાબતમાં પણ ખાસ કંઈ શીખ્યો નથી. માણસ માને છે કે માલિકી એ ભોગવટાનું તામ્રપત્ર છે, પણ આપણે જાણીએ છીએ કે અનેક લોકો મોટી મિલકતના અને લાંબી આવરદાના માલિક હતા છતાં જીવનને માણવાની બાબતમાં તેમને પાસમાર્ક પણ મળ્યા નહોતા! ઇટાલીની ખ્યાતનામ અભિનેત્રી સોફિયા લોરેને એક વાર એવું કહ્યું હતું કે જિંદગીમાં મને જે સૌથી કીમતી બોધપાઠ મળ્યો તે એ છે કે ખરી મજા જિંદગીમાં સૌંદર્યને જોવામાણવામાં છે, તેના માલિક થવામાં નથી.
હું જે દિવસે તાજમહાલ ખરીદી લઉં તે ક્ષણે તાજમહાલનું બધું સૌંદર્ય, તેની બધી જ ભવ્યતા મારા માટે અલોપ! માણસની કમનસીબી જુઓ  જિંદગીના ઘૂઘવતા દરિયાના કિનારેકિનારે કે દરિયાનાં ઊછળતાં મોજાં ઉપર ઊભેલા માણસોના જીવનમાં ભાગીદાર બનીને મહેફિલની મજા વધારવાને બદલે માણસો એકબીજા સાથે ઝઘડતા જ રહે છે! હકના નામે, અહંકારના નામે, મિલકતના નામે  ગમે તે બહાનું આગળ કરીને માણસ લડે છે. લડવા માટે કંઈ ને કંઈ સાચુંખોટું કારણ આગળ કરવું પડે છે. ચાહવા માટે, દોસ્તી માટે કોઈ બહાનાની જરૂર નથી! માણસને સાચાં કે ખોટાં કારણ વગર ચાલતું જ નથી. સ્વાર્થમાં ભરપૂર કારણ મળે છે. નિઃસ્વાર્થીપણામાં કે પ્રેમમાં ખાસ કારણો જોઈતાં નથી.
અનેક માણસો અનુભવ કરી ચૂક્યા છે કે સુખ કોઈ સાધનમાં નથી, એ સાધન વડે સુખ નિષ્પન્ન કરવાની તમારી પોતાની ગુંજાશમાં છે. માણસને તમે સંગીતનું શ્રેષ્ઠ વાજિંત્ર આપો, પણ તેને વગાડતાં ન આવડતું હોય અને બીજું કોઈ વગાડે ત્યારે તેનું સંગીત સાંભળવા માટેના કાન જ તેની પાસે નથી કે તેને માણવા માટેની ત્રેવડ જ નથી તો તે કીમતી વાજિંત્રના માલિક હોવું કે ન હોવું તેમાં શો ફેર પડે છે? તે માત્ર તમારી મિલકતની એક જણસ બની શકે  તે કંઈ તમારા વ્યક્તિત્વનો શણગાર બની ન શકે. જ્ઞાન કોઈ પુસ્તકમાં નથી  તમે એ પુસ્તકમાંથી શું વાંચો છો, શું સમજો છો, તેનો શો નિષ્કર્ષ કાઢો છો તે માટેની તમારી ગુંજાશમાં રહેલું છે.
કેટલાક માણસો સગવડનાં સાધનોમાંથી પણ કશી સગવડનું સાચું સુખ પ્રાપ્ત કરી શકતા નથી. જ્યારે તે સગવડનું સાધન ખોટવાય ત્યારે જ તેમને અગવડપડે છે તેનું જ દુખ તેમને સાચું લાગે છે. સાધન ખોટવાય કે છીનવાય ત્યારે તેમને સાધનની ખોટ સાલે છે! પણ એવા પણ ઘણા માણસો છે જે સગવડ હોય તો તેને માણી શકે છે અને અગવડ આવી પડે ત્યારે અગવડને પણ આનંદદાયક અનુભવમાં પલટાવી શકે છે!

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી......

No comments:

Post a Comment