Thursday 30 August 2012

જોવું એવી રીતે કે જીવ્‍યા જેવું લાગે! જીવવું એવી રીતે કે જોયા જેવું લાગે!

જોવું એવી રીતે કે જીવ્‍યા જેવું લાગે! જીવવું એવી રીતે કે જોયા જેવું લાગે!..........

જર્મન લેખક હરમાન હેસની નવલકથા સ્‍ટેપન વુલ્‍ફ્‍'માં આમ તો હેસે આત્‍મકથાના આલબમમાંથી પોતાની કેટલીક તસવીરો રજૂ કરી લાગે છે. આ નોબેલ પારિતોષિક વિજેતા લેખકને હંમેશાં એવી ઊંડી અને તીવ્ર સભાનતા સતાવતી રહી છે કે હું એક જ વ્‍યક્‍તિ નથી. હું એકરૂપ વ્‍યક્‍તિ નથી. ઘણાંબધાં ભિન્‍ન ભિન્‍ન અને કેટલાંક વિરોધાભાસી વ્‍યક્‍તિત્‍વોનો એક જમેલો હું છું. સ્‍ટેપન વુલ્‍ફ્‍' એટલે ઘાસના જંગલનું વરુ. વરુ જાણે કે શહેરમાં આવ્‍યું છે! આમાં એક માણસ છે, જે અડધો માણસ છે અને અડધો વરુ છે. આ સ્‍ટેપન વુલ્‍ફ્‍' કેટલીક પળોએ માણસની જેમ વર્તે છે અને બીજી કેટલીક પળોમાં વરુની જેમ વર્તે છે. સ્‍ટેપન વુલ્‍ફ્‍' પુસ્‍તકોનો કીડો છે, એકલો છે અને એકલતાના કુંડમાં જ રમતો જીવ છે. તેને થાય છે કે શું દરેક માણસમાં એક અર્ધો માણસ અને એક અર્ધપ્રાણી રહેલું હોય તે બનવાજોગ નથી? કોઈક માણસ અડધો માણસ હોય છે  અને તેમાં અડધો સિંહ હોય છે. બીજા એક માણસમાં અડધો માનવી અને અડધો હિસ્‍સો શિયાળનો હોય છે. એવી જ રીતે કોઈકમાં અડધો વાઘ, અડધો હાથી,  અડધો ઘોડો, અડધો હંસ, અડધો કાગડો કે અડધી ચકલી પણ હોય છે! માણસ અમુક અંશે એક જંગલી પ્રાણી છે-જુદા જુદા પ્રસંગોએ તેનું આ પ્રાણીત્‍વ ઊપસી આવે છે. નર કે નારી અને પ્રાણીના આ મિશ્ર રૂપને આખો માનવી' બનાવવાની એક કોશિશ જાણ્‍યે-અજાણ્‍યે જિંદગીભર ચાલ્‍યા જ કરતી હોય છે.

માણસ પોતાની અંદર પણ ભટકતો રહે છે અને બહાર પણ ભટકતો રહે છે. આમાંથી કેટલાક તો ભૂલાં પડી ગયેલાં પ્રાણીઓની જેમ સતત ભટકતા રહે છે! દરેક માણસમાં પ્રવાસની એક ઝંખના દટાયેલી પડી હોય છે. એને ઘણાં બધાં સ્‍થળો જોવા મળે છે. કેટલાક માણસો એક અગર બીજા નિમિત્તે વધુ ને વધુ સ્‍થળો જોઈ નાખવાની ધૂનમાં જીવે છે. અમેરિકા જોયું, ઈંગ્‍લેન્‍ડ જોયું, ફ્રાંસ, ઈટાલી, જર્મની, સ્‍વિટ્‍ઝર્લેન્‍ડ, રશિયા, જાપાન, ચીન એ દૂર દૂર જાય છે અને ફ્‍રી પાછી ઘરની અબૂઝ ઝંખના તેમને પોતાના વતનમાં પાછા ખેંચી લાવે છે. કેટલાક નર્યા સહેલાણી છે, કેટલાક યાત્રિકો છે. કેટલાક ધાર્મિક યાત્રાળુઓ છે-કેટલાક વળી સાંસ્‍કૃતિક યાત્રિકો છે. કોઈકને અબ્રાહમ લિંકન જ્‍યાં જન્‍મ્‍યા હતા ત્‍યાં જવું છે. કેટલાકને નાટયસ્‍વામી શેક્‍સપિયરનું સરનામું જાતે જઈને જોઈ આવવું છે, છતાં કોઈ માનવ પ્રવાસી આખી પૃથ્‍વીને પૂરી જોઈ શકતો નથી. તે પોતાનો આવો પ્રયાસ પૂરો કરી શકે એટલું લાંબું જિંદગીનું ભાથું પહોંચતું નથી. થોડાંક મુલકો માંડ માંડ એ જોઈ શકે છે. દુનિયા જોવાની તીખી તરસ છે પણ આ તરસ બુઝાઈ શકે તેમ નથી તે હકીકત કોઈ ને કોઈ તબક્કે તેને સમજાઈ જાય છે. કેટલાક માણસો-ઘણાબધા માણસો આ અણખૂટ યાત્રાની નિરર્થકતા આત્‍મસૂઝથી પામી ગયા હોય તેમ વતનમાં જ ખોડાઈ જાય છે.એ ક્‍યાંય પહોંચવા રવાના થતા જ નથી. આ માણસને બરાબર ખબર છે કે લંડનમાં જન્‍મેલાએ પણ આખું  લંડન જોયું નથી. અરે, મુંબઈમાં જન્‍મેલાએ પણ આખું મુંબઈ જોયું હોતું નથી. માણસની વિમાસણ ખરેખર મોટી છે. શું શું જોવું અને શું શું જતું કરવું!

માણસની મુશ્‍કેલી એ છે કે એને નવું નવું જોવું છે, પણ પોતાની નજરને નવી તાજી કરવા જેટલી તસ્‍દી લેવી નથી! એક ખાલીખમ નજરની જાળીમાંથી આપણે બધું જોઈએ છીએ અને તેથી કાંઈ વિશેષ આપણને દેખાતું નથી. આપણી નજર એટલી આળસુ અને આદતપરસ્‍ત બની ગઈ છે કે આપણે ખરેખર કશું બરાબર નિહાળતા-અવલોકતા જ નથી! આપણી આંખો એવાં ચશ્‍માંમાં ઢંકાઈ ગઈ છે કે કોઈક દહાડો આકાશમાંથી સૂરજ ચોરાઈ જાય તો પણ  આપણને પાવર હાઉસની નિષ્‍ફ્‍ળતાનો જ ખ્‍યાલ પહેલો આગળ આવે છે! આકાશના તારાઓમાં, ચંદ્રની વધતી જતી કળાઓના પ્રકાશમાં આપણે આપણી આંખોને તાજગીનાં શીતળ જળ છાંટી શકીએ છીએ. સવારના કે સાંજના સૂરજના અબીલ-ગુલાલમાં આપણી નજર એક રંગ પકડી શકે-શિયાળાની, ઉનાળાની અને ચોમાસાની ઋતુઓમાં ધરતીની માટીના ટાઢા-ઊના, સૂકા-ભીના સ્‍પર્શ દ્વારા આપણે પગથી માથા સુધી કંઈક મોજાં ઝીલી શકીએ-પણ આપણે એક વાર કાપડ કાપ્‍યા વગર તાકાના તાકા માપ્‍યા કરતા ખુશ ખુશ વેપારીની જેમ નજરના વારથી બધું જ માપી લેવું છે-કશું જ વેતરવું નથી, કશામાંથી પોતાનું વસ્ર બનાવવું નથી, આખી ને આખી જિંદગી આમ માપવામાં ચાલી જાય છે. એક અકબંધ તાકો ઉખેળી નાખ્‍યો અને સંકેલ્‍યા વગરનો એક ઢગલો બનાવી દીધો! કશું વેતર્યું નથી, કશું અંગે કે આંખે અડાડયું નથી, કશું અનુભવ્‍યું નથી, કશું માણ્‍યું નથી!

જાણે ઘણુંબધું જોયું ને કંઈ જોયું નહીં! ઘણું લાંબું જીવ્‍યા પણ કંઈ જીવ્‍યા નહીં!

જોવું એવી રીતે કે જીવ્‍યા જેવું લાગે! જીવવું એવી રીતે કે જોયા જેવું લાગે!


No comments:

Post a Comment