Tuesday 28 August 2012

માણસમાણસ વચ્ચે શુભેચ્છા અને સહયોગનો જે જીવંત વહેવાર ચાલ્યા કરતો હોય છે.........

માણસ-માણસ વચ્ચે શુભેચ્છા અને સહયોગનો જે જીવંત વહેવાર ચાલ્યા કરતો હોય છે.........
 
તમે તમારું મોં ખોલો તે પહેલાં જ કેટલાક માણસો પોતાના મિજાજનું પ્રોસ્પેક્ટસ તમારી સમક્ષ જાહેર કરી દે છે. તમે મને કંઈ પણ કહો કે મારી સાથે કંઈ પણ કામ પાડો તે પહેલાં જ હું તમને કહી દઉં કે મારો મિજાજ બહુ ગરમ છે. એક વાર મારો મિજાજ જાય પછી તે જલદી કાબૂમાં આવતો નથી.
 આવા ગરમ મિજાજના એક સંબંધીના સ્વભાવમાં અચાનક પરિવર્તન આવી ગયું અને એ એકદમ ઠંડી પ્રકૃતિના બની ગયા. એટલે સ્વાભાવિક રીતે જ કુતૂહલ થયું અને એમને સીધો જ પ્રશ્ન કર્યો ઃ તમે તો આગ જેવા એકદમ ગરમ હતા. એકદમ આમ ઠંડા કેમ પડી ગયા?’
સંબંધીએ ખુલાસો કર્યો તમે માનો છો એટલું ઓચિંતું પરિવર્તન મારામાં આવ્યું નથી. એક વાર મારો સ્વભાવ બિલકુલ જ્વાળામુખી જેવો હતો. જ્વાળામુખીની જેમ નાનામોટા પ્રસંગે તેમાંથી લાવા વહેવા માંડતો અને સંપર્કમાં આવનારા નજીકનાદૂરના માણસોને દઝાડતો. હું માનતો કે મારો આ ગરમ મિજાજ મારું મોટું બળ છે મારું એક અસરકારક શસ્ત્ર છે. એના વડે હું મારી જાતની અને મારા હિતની રક્ષા કરી શકું છું. પછી એક દિવસ મારી બીમાર માતા પર મારો મિજાજ ગયો મારે મિજાજ ગુમાવવો જ પડે એવું તો કાંઈ કારણ હતું નહીં. એક તદ્દન નજીવી બાબતમાં મારો મિજાજ ગયો. મારી માતાએ મને કહ્યું ઃ ભાઈ, મારી એક વાત સાંભળ. તું ઘરનો મોભી છે અને દરેક જણ તારી આમન્યા જાળવે છે. તું કોઈક કારણસર કે કંઈ પણ કારણ વગર ગુસ્સે થઈ જાય છે ત્યારે કોઈ તને સામો જવાબ આપતું નથી. હું તો તારી મા છું આજે છું અને કાલે નહીં હોઉં! પણ મારી એક વાત ધ્યાનથી સાંભળ! ઘરડા માણસને સલાહ આપવાની ટેવ હોય છે તેમ સમજીને તેને તરછોડી કાઢીશ નહીં. એ વાત સાંભળ્યા પછી પણ તારે તારો મિજાજ ન જ બદલવો હોય તો પણ મને વાંધો નથી! બેટા, હું બહુ ભણેલીગણેલી નથી, પણ મેં મારી જિંદગીમાં સારોમાઠો સમય ખૂબ જોયો છે. મારા અનુભવે હું એટલું શીખી છું કે માણસનો સમય સારો ચાલતો હોય ત્યારે તે તેના ખરાબ મિજાજથી સારો સમય ખરાબ કરી નાખે છે અને માણસનો સમય જ્યારે ખરાબ ચાલતો હોય ત્યારે તે પોતાના ખરાબ મિજાજથી ખરાબ સમયને વધુ ખરાબ બનાવી દે છે. આથી ઊલટું માણસનો મિજાજ જો સારો હોય તો તે પોતાના સારા સમયને વધુ સારો બનાવી દે છે અને ખરાબ સમય ચાલતો હોય તો તે ખરાબ સમયને પોતાના સારા મિજાજથી ઓછો ખરાબ પુરવાર કરી શકે છે. મારી વાતને બ્રહ્મવાક્ય સમજવાની જરૂર નથી, પણ તું શાંતિથી તેના પર વિચાર કરજે અને મારી વાત સાચી લાગે તો તેને અમલમાં મૂકજે.
પછી માતા તો ગુજરી ગયાં. મેં એમની વાત પર થોડો વિચાર કર્યો અને મને લાગ્યું કે મારી માની વાત તો બિલકુલ સાચી હતી. મારી મિજાજ ગુમાવી બેસવાની ટેવને કારણે મારી નજીકના અને દૂરના માણસોને થોડુંઘણું નુકસાન થયું હતું. મારા ખરાબ મિજાજને કારણે સૌથી વધુ નુકસાન તો મને જ થયું હતું. મેં મારા ખરાબ સ્વભાવથી અનેકનાં દિલ દુભાવ્યાં હતાં અને પરિણામે એ લોકો પાસેથી મને જે લાભમળવો જોઈતો હતો લાભએટલે અર્થલાભ કે સ્વાર્થલાભ નહીં, પણ માણસમાણસ વચ્ચે શુભેચ્છા અને સહયોગનો જે જીવંત વહેવાર ચાલ્યા કરતો હોય છે તેની વાત કરું છું  એ લાભ મને મળ્યો નહોતો. વળી હું એ પણ જોઈ શક્યો  કે મારા ગરમ સ્વભાવને લીધે મારા ઘણા સારા પ્રસંગોનું હવામાન બગડી ગયું હતું અને સરવાળે આનંદની જે નીપજ થવી જોઈએ તે થઈ નહોતી. માતાની વાત સાચી હતી, પણ તે મુજબ મારા સ્વભાવમાં પરિવર્તન આણતાં મને થોડો સમય લાગ્યો.
આ સંબંધીએ પોતાના અંગે જે નિદાન કર્યું છે તે એકદમ સાચું છે. નાની નાની વાતમાં મિજાજ ગુમાવી બેસતો કોઈ પણ માણસ થોડુંક પણ આત્મનિરીક્ષણ કરે તો તેને આ નિદાનનું તથ્ય ગળે ઊતર્યા વગર રહે નહીં. મિજાજ એકદમ તપી જવાનું એક કારણ એ હોય છે કે આપણી સામે જે કોઈ વ્યક્તિ આવે તેની વર્તણૂકમાં આપણે ચોક્કસ ઇરાદાનું આરોપણ કરીએ છીએ.
ભૂપત વડોદરિળાના પુસ્તક પંચામૃત માંથી..................

No comments:

Post a Comment