Friday 17 August 2012

ભાષા, દેશ અને ધર્મની ભિન્નતા છતાં ક્યાંક કશુંક સુંદર જોયું, સાંભળ્યું કે વાંચ્યું તેને દુનિયા સમક્ષ પહોંચાડવાની લગની કેવી હોય........


ભાષા, દેશ અને ધર્મની ભિન્નતા છતાં ક્યાંક કશુંક સુંદર જોયું, સાંભળ્યું કે વાંચ્યું તેને દુનિયા સમક્ષ પહોંચાડવાની લગની કેવી હોય........

એક અમેરિકને પચાસેક વર્ષો પહેલાં કારસન સિટી (નેવાડા)માં ભગવાન કૃષ્ણની ભગવદ્ગીતાની એક વિસ્તૃત અંગ્રેજી આવૃત્તિ ખોળી કાઢી હતી. અમેરિકનની ઉંમર બાવીસ વર્ષની હતી. 

ભગવદ્ગીતાએ એની પર વશીકરણ કર્યું. અમેરિકન યુવાન ભારતના ધાર્મિક સાહિત્યના અભ્યાસમાં ડૂબી ગયો. તેણે રામાયણની કથા અંગ્રજીમાં ઉતારી. એણે મહાભારતની કથા પ્રવાહી શૈલીમાં અંગ્રેજીમાં તૈયારી કરી. એની ઇચ્છા હરિવંશને પણ અંગ્રેજીમાં ઉતારવાની હતી પણ તે કામ અધૂરું રહ્યું, કેમ કે ૧૯૭૦માં આ યુવાનનું ૩૭ વર્ષની ઉંમરે અવસાન થયું. આ અમેરિકન યુવાન કોઈ જાણીતો લેખક નહોતો કે કોઈ જાણીતો માણસ પણ નહોતો, એનું નામ વિલિયમ બક હતું. પણ વાલ્મીકિ અને વ્યાસનાં મહાન સર્જનો તેના દિલને ડોલાવી ગયાં. ભગવદ્ગીતા વાંચીને તેને મહાભારત વાંચવાની લગની લાગી. તેને તો સંપૂર્ણ મહાભારતનો અભ્યાસ કરવો હતો. તેને ખબર પડી કે ભારતમાં અગિયાર ગ્રંથોમાં મહાભારતના સંપૂર્ણ પાઠનું પુનર્મુદ્રણ થઈ રહ્યું છે, ત્યારે તેની ઉત્તેજનાનો પાર રહ્યો નહીં, પણ આ પુનર્મુદ્રણનું કાર્ય પરિપૂર્ણ કરવા માટે પ્રકાશક પાસે પૂરતાં નાણાં નથી તેવી તેને ખબર પડી ત્યારે તેણે પોતાનાં નાણાં તેમાં હોમ્યાં.

વિલિયમ બકે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો  વર્ષો સુધી તેણે આ મહાન ગ્રંથોનું અધ્યયન કર્યું. તેની ઇચ્છા એક જ હતી   પશ્ચિમના લોકો સમક્ષ આ બંને મહાકથાઓને નવેસરથી રજૂ કરવી. પશ્ચિમના લોકો આ ગ્રંથોના અક્ષરશઃ અનુવાદથી કે પાંડિત્યપૂર્ણ વિવેચનથી તેનું કાવ્ય ચૂકી જાય છે, તેની કથાનો પ્રવાહ ચૂકી જાય છે અને તેની જે ચોટ તેમના અંતરને લાગવી જોઈએ તે લાગતી નથી. રામાયણનો અંગ્રેજી પાઠ તો એણે એવી ઉમેદથી તૈયાર કર્યો છે કે જેમ રામાયણના સંસ્કૃત અગર હિંદી પાઠ ઊંચા સાદમાં થઈ શકે છે અને કર્ણમધુર લાગે છે, તેમ તેના અંગ્રેજી રૂપાંતરનો પાઠ પણ મોટા અવાજ સાથે થઈ શકે. મૂળ કૃતિઓના સંગીત અને ડોલનને તેણે અંગ્રેજી ભાષામાં ઉતારવાની કોશિશ કરી છે.
વાલ્મીકિ અને વ્યાસની એક સંયુક્ત લઘુ છબી બનાવવાની કોશિશ વિલિયમ બકે કરી છે. તેને કેટલી અને કેવી સફળતા મળી છે તે વિવેચકો કહેશે  પશ્ચિમના ઘણા બધાએ આ બંને પુસ્તકોની ખૂબ તારીફ કરી છે, પણ અહીં મૂળ મુદ્દો આ નથી. અહીં મૂળ મુદ્દો ભાષા, દેશ અને ધર્મની ભિન્નતા છતાં ક્યાંક કશુંક સુંદર જોયું, સાંભળ્યું કે વાંચ્યું તેને પોતાના લોકો સમક્ષ પહોંચાડવાની લગની છે. વિલિયમ બકે આવું કામ માથે લેતાં પહેલાં પોતાની સજ્જતાનો વિચાર કર્યો હોત તે આ કામમાં એક ડગલું પણ આગળ વધી શક્યો ન હોત. પણ તેણે પોતાની સૌથી મોટી લાયકાત પોતાની સચ્ચાઈને ગણી અને બીજી લાયકાત ગમે તેવા અઘરા કામને અથાક પ્રયાસોથી પહોંચી વળવાની ઠંડી તાકાતને ગણી. વિલિયમ બકને હનુમાનજીનું ગજબનું આકર્ષણ થયું. શંકા કે સવાલ કર્યા વગર પોતે જેને સ્વામી ગણે છે તેની ભક્તિમાં તરબતર એવું આ વ્યક્તિત્વ તેના ચિત્તમાં ચોંટી ગયું.

પશ્ચિમમાં ઘણું બધું સારું અને ઘણું બધું ખરાબ હશે, પણ ઈંગ્લેન્ડમાં, જર્મનીમાં, ફ્રાંસમાં, ઇટાલીમાં, સ્પેનમાં અને યુરોપના બીજા અનેક મુલકોમાં આવા માણસો નીકળી પડે છે, જેઓ પોતાના અજ્ઞાન અને બિનઆવડતને જ એક મોટી મૂડી બનાવી દઈને વેપાર શરૂ કરે છે, અને પોતાના ઉદ્યમ અને ધગશથી અજેયમાં અજેય શિખર સુધી પહોંચે છે. ઘણા લોકો એક ઘરેડમાં જ જીવે છે. જ્યાં ને ત્યાં તેઓ પોતાના બિનઅનુભવ કે બિનઆવડતને આગળ કરે છે. તેઓ જેમતેમ પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે અને માને છે કે આ જ તેમનું કિસ્મત છે. તેઓ માને છે કે અન્યાયોથી ભરેલા આ સમાજમાં તેમને માટે કોઈ આશા નથી, પણ કેટલાક કિસ્મત કે સામાજિક અન્યાયોના ભેદભરમમાં અટવાયા વગર ગમે તે કામ ઉપાડી લે છે. આપણે ત્યાં કહેવત છે કે કામ કામને શીખવે છે. કોઈ પણ કામ શીખવાનો રસ્તો તે કામને હાથમાં લેવાનો છે.

માણસને તરતાં શીખવું હોય તો તેણે પાણીમાં પડ્યા વગર છૂટકો થતો નથી. હાથમાં લેવા ધારેલા કામ માટે જરૂરી સ્ફૂર્તિ અને શક્તિ જોઈએ. સ્ફૂર્તિ અને શક્તિ પણ માત્ર શારીરિક હોઈ ન શકે. જ્યાં મન પાછું પડશે ત્યાં કંઈ સ્ફૂર્તિ અને શક્તિનો ભાસ નહીં થાય; પણ મન તૈયાર હશે તો શારીરિક મર્યાદાઓ નડતરરૂપ નહીં બને.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃતમાંથી.......

1 comment: