Thursday 16 August 2012

આપણે આપણી ત્રુટિઓને દૂર કરવાની કોશિશ કરવાની છે.......................


આપણે આપણી ત્રુટિઓને દૂર કરવાની કોશિશ કરવાની છે.......................

એક સુખી ગૃહસ્થને એક વાર ખબર પડી કે તેમના સંબંધી તેમને સમાજમાં હલકા પાડવાની વ્યવસ્થિત પ્રવૃત્તિ કરતા રહે છે. થોડાક દિવસ તો એ ગૃહસ્થ એક પ્રકારની માનસિક ઉત્તેજનામાં રહ્યા અને પોતાને સમાજમાં હલકા પાડવાની પ્રવૃત્તિ કરનારી વ્યક્તિની હિલચાલ ઉપર સતત નજર રાખતા રહ્યા. તેમની આવી પ્રવૃત્તિના પુરાવાઓ પણ શોધતા રહ્યા. પછી એક દિવસ તેમણે આ બાબતને મનમાંથી દૂર કરી નાખી. તેમના એક મિત્રે પૂછ્યુઃ તમે કેમ એકદમ પાછા હટી ગયા? તમને બદનામ કરવાની પ્રવૃત્તિ કરી રહેલા તમારા સંબંધીનો બરાબર સામનો કરવાનો ખ્યાલ તમે કેમ છોડી દીધો? બે માણસો વચ્ચે લડાઈ થાય અને કડવાશ વધે તે જોવામાં મને રસ છે તેમ તમે માનશો નહીં. પણ આ જાતની પ્રવૃત્તિ અંગે મારી માન્યતા એવી છે કે આવા માણસો પ્રત્યે આંખ આડા કાન કરવાથી સરવાળે એવું બને છે કે આવા માણસો ફાવી જાય છે. તેમની આ પ્રવૃત્તિ વધુ ફાલેફૂલે છે અને આવા માણસો બેધડક અને કશા વળતા પ્રતિકારની ભડક વગર આગળ વધતા રહે છે, ત્યારે સારા માણસને સમાજમાં નુકસાન થાય છે. શરૂઆતમાં તમે આ પ્રવૃત્તિને ગંભીર ગણી હતી, પણ પછી તમે એ પ્રવૃત્તિ પ્રત્યે બેધ્યાન બની ગયા. આ તમે ઠીક ન કર્યું, તમે આવું કેમ કર્યું? શું તમે તેનાથી ડરી ગયા?’
થોડીક વાર ચૂપ રહીને ગૃહસ્થે જવાબ આપ્યોઃ તમારા દ્રષ્ટિબિંદુની કદર કરું છું. ખરેખર અગાઉ મારું દ્રષ્ટિબિંદુ પણ તમારા જેવું જ હતું. પણ થોડાક અનુભવને અને વધુ તો આ બાબતનો પૂરેપૂરો વિચાર કરતાં મને એવું લાગ્યું છે કે આવી બાબતોમાં પુરાવાઓ ભેગા કરવા કરતાં આરોપીને શંકાનો લાભ આપીને છોડી મૂકવાનું વધુ ડહાપણભર્યું હોય છે.ઈર્ષાથી પ્રેરાઈને અગર અણગમાથી એક માણસ બીજા માણસ સામે કાદવ ઉછાળતો હોય તેવા કિસ્સામાં બદનામીનો ભોગ બનેલો માણસ જ્યારે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટેની હકીકતો આગળ કરે છે અગર ખરાબ બોલનાર વ્યક્તિ પોતે જ ખરાબ છે તેવું સિદ્ધ કરવા મથે છે ત્યારે તે પોતે જ સૌથી વધુ દુખી થાય છે. એક માણસની બદનામી કરવાની પ્રવૃત્તિ બીજો માણસ કરે ત્યારે એ બીજા માણસની પ્રવૃત્તિ ચોક્કસ નિંદાપાત્ર છે. પણ હાથ ધરે ત્યારે તેની એ પ્રવૃત્તિ પણ એટલી જ અનિચ્છનીય બની રહે છે. છેવટે તમારા વિશે અમુક માણસ શું માને છે અગર શું કહે છે તે તમારા માટે એટલું મહત્ત્વનું નથી. સૌથી વધુ મહત્ત્વનું તો એ છે કે તમે તમારા વિશે શું માનો છો? તમારી સામેના આક્ષેપો તમે તદ્દન જૂઠા માનતા હોય તો તમારે એટલા બેચેન બનવાની જરૂર નથી. તમારી સામેના આક્ષેપોમાં તમને કંઈ પણ તથ્ય લાગતું હોય તો તમારા માટે વધુ સારો રસ્તો તમારી એ ત્રુટિઓને દૂર કરવાની કોશિશ કરવાનો છે. એક અગર બીજા પ્રકારની નિંદા કરનારાઓ પ્રત્યે આપણે અસહિષ્ણુ બનીએ છીએ તેનું કારણ એ જ હોય છે કે આપણી ખામીઓ અને મર્યાદાઓ સ્વીકારી શકતા નથી.
રખે કોઈ માને કે આવા આક્ષેપો જાહેર જીવનમાં પડેલાઓની સામે જ થાય છે. રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ સહિત અનેક ધર્માત્મામહાત્માઓ વિશે આવા આક્ષેપો થયા છે. મોટા ભાગે આવા ધર્માત્માઓ સામે એવો આક્ષેપ બહુ જ પ્રચલિત છે કે તેમનું મગજ ચસકેલું હતું! તેઓ મનોરોગી હતા!
એક સામાન્ય માણસ જરૂર કહી શકે કે આવા મોટા માણસોની નાની કે મોટી બદનામીની વાત સમજાય તેવી છે. તેમનાં જપ, તેજ, તેમની બુદ્ધિપ્રતિભા કે પ્રભાવકીર્તિ જોઈ  સાંખી નહીં શકનારા કોઈ ને કોઈ માણસો તેમની બદનામી કરવા મેદાને પડે તે બરાબર છે. પણ મારા જેવો સામાન્ય માણસ શું કોઈની ઈર્ષા નોતરતો હોય છે? સામાન્ય માણસ તો બિચારો બાંધી મુઠ્ઠી લાખની ગણીને બેઠો હોય છે. આજીવિકા કમાવા માટે પરસેવો પાડતો હોય છે. આબરૂભેર પોતાનો વહેવાર ચલાવવા સતત તાણીતાણીને છેડા બાંધતો હોય છે. આવા માણસની સામે જીભનું ઝેર ફેલાવવામાં આવે ત્યારે તેની દશા શું થાય? તેણે પોતાના મનની શાંતિ શી રીતે ટકાવી રાખવી? તેણે પોતાનું મોં બીજાઓને બતાવવાની હિંમત શામાંથી ઊભી કરવી?
આવા સામાન્ય માણસની વાત એક રીતે સાચી છે. પણ તેની વાતમાં અમુક તથ્ય હોવા છતાં તેણે લાચાર બનીને આ બાબતમાં વિચારવાની જરૂર નથી.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃતમાંથી...................

No comments:

Post a Comment