Sunday 4 August 2013

સુખમાં દુઃખનું અને દુઃખમાં સુખનું બીજ હોઈ શકે

યુવક કે યુવતી પ્રશ્ન કરે છે કે મારો ભાગ્યોદય ક્યારે થશે? કોઈ વળી બીજા શબ્દોમાં પ્રશ્ન પૂછે છે કે જિંદગીની સાચી શરૃઆત કઈ ઉંમરે થયેલી ગણાય? અંગ્રેજીમાં કહે છે કે, 'લાઇફ બિગિન્સ એટ ફોર્ટી!' માણસની ચાલીસ વર્ષની ઉંમરે જિંદગી શરૃ થઈ ગણાય! પણ શું સાચું છે? ઘણા બધા લોકોની જિંદગી ચાલીસ વર્ષની ઉંમરે પણ શરૃ થઈ હોતી નથી. અલબત્ત, અહીં મુદ્દો તો કારકિર્દી કે સ્થિરતાનો હોય છે.

બ્રિટનના વિન્સ્ટન ચર્ચિલે પોતાની જિંદગીમાં ઘણા ચઢાવ-ઉતાર જોયા. છેક પંચાવન વર્ષની ઉંમરે નાદાર જેવી સ્થિતિમાં મુકાઈ ગયા. રડી પડ્યા અને પત્નીને પ્રશ્ન કર્યો કે, મારું દુર્ભાગ્ય મારો પીછો ક્યારે છોડશે? દિવસોમાં એમણે અખબારોમાં લેખો લખીને પોતાનું ભરણપોષણ કરવું પડતું. ૬૦ વર્ષની ઉંમરે ભાગ્ય ખીલી ઊઠ્યું અને બ્રિટનના વડા પ્રધાન બન્યા. અમેરિકાના હેરી એસ. ટ્રુમેને ચાલીસ વર્ષની ઉંમરે ભાગીદારીના ધંધામાં મોટી ખોટ ખાધી. બે રસ્તા ખુલ્લા હતા. કાં તો નાદારી નોંધાવવી અને કાં તો હપતે હપતે દેવું ચૂકવવું. દર મહિને અડધો કોળિયો ખાઈને પચીસ-પચીસ ડોલરના હપતા કરીને દેવું ચૂકવતાં તેમને વીસ વર્ષ લાગ્યાં!

અમેરિકાના મહાન હાસ્યલેખક માર્ક ટ્વેઇન ૬૦ વર્ષની ઉંમરે દેવાદાર બની ગયા. નાહિંમત થયા વિના એમણે દુનિયાનો પ્રવાસ કર્યો. ઠેરઠેર પ્રવચન કરીને કમાયા અને દેવાંમાંથી મુક્ત થયા. માણસનું ભાગ્ય કોઈ ધ્રુવતારા જેવો સ્થિર તારો નથી કે તે અનંત ચમક્યા કરે! સૂરજ જેવા સૂરજના ઉદયથી અસ્ત સુધીની યાત્રા છે અને વચ્ચે વચ્ચે વાદળો આવે તે જુદાં! વળી, માણસનું ભાગ્ય કોઈ એક મુદ્દાનો સવાલ નથી.
સરસ નોકરી કે ધંધો મળી જાય તે સદ્ભાગ્ય, પણ સાથે પત્ની કે બાળક ગંભીર માંદગીમાં પટકાય તેનો મુકાબલો કરવો પડે! કોઈક બાબતમાં સારું અને કોઈક બાબતમાં ખરાબ એવી સ્થિતિ સાથોસાથ જોવા મળે છે. એટલે માણસનું ભગીરથ કાર્ય એક છે- જિંદગીની બધી આકસ્મિકતાઓને હિંમત હાર્યા વગર, હસતા ચહેરે કઈ રીતે પહોંચી વળવું! જિંદગી અનેકાનેક ઘટનાઓની એક એવી સાંકળ છે જેમાં એક અંકોડો સદ્ભાગ્યનો તો બીજો દુર્ભાગ્યનો લાગે છે! ચીનની વાત છે. એક દિવસ એક શ્રદ્ધાળુએ સંત-ફિલસૂફને સારા સમાચાર આપ્યા. તેણે રાજીરાજી થઈ જતાં કહ્યુંઃ 'મહાત્મા, મારા દીકરાને લશ્કરમાં સૈનિકની નોકરી મળી ગઈ!'

મહાત્માએ કહ્યું- 'એમાં શું સારું અને શું ખરાબ!' તેને માઠું લાગ્યું. દીકરાને લશ્કરમાં સારી નોકરી મળી ગઈ તે સારું કહેવાય ને? એમાં ખરાબ શું?

થોડા દહાડા પછી માણસ મહાત્મા પાસે રડતો રડતો આવ્યો અને બોલ્યોઃ 'મહાત્મા, મારો પુત્ર લડાઈમાં માર્યો ગયો!' મહાત્મા - 'એમાં શું સારું, શું ખરાબ!' પેલા માણસને થયું, મારો જુવાન દીકરો ગુજરી ગયો તેના માટે અફસોસના બે શબ્દો નથી!

થોડાક સમય પછી પેલો માણસ પાછો આવ્યો અને સારા ખબર આપ્યા કે સરકારે મારા પુત્રના મૃત્યુના વળતરરૃપે મને ખેતી કરવા જમીન આપી! મહાત્માએ કહ્યું - 'એમાં શું સારું, શું ખરાબ!' મહાત્માના શબ્દોનો અર્થ હવે પેલા માણસને સમજાયો. ક્યાંક 'ખરાબ' થાય છે તેમાં 'સારા'નું બીજ હોય છે. ક્યાંક 'સારું' થાય છે તેમાં 'ખરાબ'નું બીજ હોઈ શકે છે.

જે કંઈ નથી તે મળે તો સદ્ભાગ્ય લાગે છે. જેની જરૃર છે તે નથી મળતું તો તે કમભાગ્ય લાગે છે. જે છે તે ચાલ્યું જાય તો દુર્ભાગ્ય લાગે છે, પણ જિંદગી તો નદીના પ્રવાહ જેવી છે. ક્યાંક ભરતી છે, ક્યાંક કાંકરા છે,કિનારા પણ બદલાયા કરે છે. જે કંઈ સામે આવી પડે તેને હિંમતથી હસતા ચહેરે પહોંચી વળવાની કોશિશનું એક 'પરાક્રમ' માણસ કરી શકે.

જિંદગી બરોબર જીવવાનો નિર્ણય માણસ જ્યારથી કરે ત્યારથી જિંદગીનો ખરો આરંભ થઈ ચૂક્યો ગણાય. ઘણાબધા માણસોએ અર્થમાં ઘણું વહેલું વહેલાસર જીવવાનું શરૃ કરી દીધું હોય છે. તેઓ જિંદગીને માથા ઉપરનો ભાર ગણતા નથી, પણ એક માણસ તરીકેનો મુગટ ગણે છે અને સુખમાં કે દુઃખમાં જિંદગીને માણે છે.
*****.