Sunday 9 September 2012

વેરની વસૂલાત.....એ ધંધામાં નથી નફો કે નથી રળતર.........

વેરની વસૂલાત................. એ ધંધામાં નથી નફો કે નથી રળતર.........

ધર્મગ્રંથો અને અવતારી પુરુષો કહેતા રહ્યા છે કે વેરથી વેર શમતું નથી - વેરથી વેર વધે છે. વેર શમે છે ક્ષમા અને પ્રેમથી પણ વીસમી સદીનો માણસ પણ બીજી ઘણી બાબતોમાં પોતાની સંસ્કારિતાનો ધજાગરો ફરકાવે છે પણ વેર લેવાની વાતમાં એ હજુ ગુફાવાસી માનવ જેવું જ વર્તન કરે છે. તેની તીક્ષ્ણ બુદ્ધિ છતાં તેને એટલી સાદી વાત સમજાતી નથી કે વેરનો બદલો લઈને એ શું મેળવે છે? વેરની વસૂલાત કર્યાનો એક ક્ષણિક પાશવી આનંદ એને થતો હોય તો ભલે - બાકી તો વેરનું એ કૃત્ય તેની પોતાની જ ખાનાખરાબી કરે છે. તે પોતે પાંચ કે પંદર વર્ષ જેલમાં જઈને તેની જિંદગીનાં ઉત્તમ વર્ષો બરબાદ કરે છે - ત્યારે એ માને છે કે પાંચ-પંદર વર્ષ તો આંખો મીચતાં વીંતી જશે અને નવી જિંદગી શરૂ કરીશ, પણ તેને ખબર નથી કે જિંદગી કાપડનો એવો સળંગ તાકો છે કે તેમાં વચ્ચેથી વાર-બે વાર કાપડ કાપીને ફેંકી દઈ શકાતું નથી. પછી તાકો સળંગ તો રહેતો જ નથી. 

તમે જિંદગીમાં વચ્ચેનાં થોડાંક વર્ષો કાપીને ફેંકી દો એવું બની શકતું જ નથી. તમને જેલની કોટડીમાં અને કાં તો બહાર આવ્યા પછી ખબર પડી જાય છે કે વેરથી વેર શમ્યું નથી. તમે એક માણસને મારી નાખો છો ત્યારે તમે તમારી જાતને પણ મારી નાખો છો. તમારી પત્ની, તમારાં બાળકો, તમારા મિત્રો, તમારી સાથે કદી નિર્ભયતા અને પ્રેમની હૂંફ ફરી અનુભવી શકતાં નથી. તમે ગમે તેટલું કરો પણ તેમના વર્તનમાં અગાઉના જેવી સહજતા અને નિખાલસતા આવી જ શકતાં નથી. એક માનવીના હાથે પોતાના ખેતરમાં એક મજૂરની હત્યા થઈ ગઈ હતી - હેતુપૂર્વકની હત્યા નહીં - અજાણતાં મનુષ્યવધ. તેને થોડાંક વર્ષોની જેલ પડી. કેસ લડવામાં ધનની સારી એવી બરબાદી કરી. પછી આશ્વાસન લીધું કે જેલમાંથી છૂટીને નવી જિંદગી શરૂ કરીશ. ઘેર પ્રમાળ પત્ની છે, બાળક છે, ખેતર છે. ગઈ ગુજરી ભૂલી જઈશું. પણ ઘેર આવ્યા પછી તેણે જોયું તો જે પત્ની જ એક વાર તેને દિલેજાનથી ચાહતી હતી તે હવે તેની સાથે એકાંત ટાળતી હતી, સંકોચથી વર્તતી હતી, પતિની પ્રેમચેષ્ટાથી પણ તેના દેહમાં ઠંડીનું મોજું ફરી વળતું હતું. પત્ની અબૂધ કે ડરપોક નહોતી. તે જાણતી હતી કે તેનો પતિ ગમે તેનું ખૂન કરે, પોતાનું તો ન જ કરે અને છતાં તેનું મન આ રીતે જ વર્તતું હતું. સંસાર ઝેર જેવો થઈ ગયો. જેલ કરતાંય વધુ મોટી સજા તેને પોતાના ઘરમાં જ થઈ.

જેઓ મનની  ખરલમાં ક્રોધ અને વેરની લાગણીને બરાબર ઘૂંટતા રહે છે અને તેમાંથી કાતિલ તેજાબ તૈયાર કરે છે તે લોકોને ત્યારે ખબર નથી હોતી કે આ તેજાબથી તો જે કોઈ મરે તે સૌથી વધુ મોટું મોત પોતાનું જ થવાનું છે કેમ કે તમે મનની ખરલમાં કાતિલ ઝેર ઘૂંટો છો ત્યારે તે આખી ખરલને નકામી બનાવી દો છો. એ ખરલમાં પછી પ્રેમનો રસ ઘુંટાતો નથી. એ ખરલના વિષ-પાશને ધોવા માટે કેટલાં બધાં આંસુઓ સારવાં પડે છે તેની ખબર તેને પાછળથી પડે છે ત્યારે મોડું થઈ ગયું હોય છે.

માણસ વેર લેતી વખતે માને છે કે પોતાના પિતાની કે અન્ય કોઈ સ્નેહીજનની હત્યાનું વેર પોતે બરાબર લઈ લીધું પણ તે જરાક વિચાર કરે તો તેને સમજાય કે તેણે પોતાના કપાળ ઉપર ખૂનીનો ટીકો ચોડવા સિવાય બીજું કશું વધારે પ્રાપ્ત કર્યું નથી. તેણે પેલા માણસની સાથે પોતાની જિંદગીનું પણ ખૂન કર્યું છે. તે હવે કદી પૂર્વવત્ પોતાનો સંસાર-વહેવાર શરૂ કરી નહીં શકે. તેણે પોતાનાં ઉત્તમ વર્ષો અને તે ઉપરાંત બાકીની જિંદગી પણ કચરાટોપલીમાં નાખી દીધી છે.

વેરની વૃત્તિ નાની કે મોટી બાબતમાં મુદ્દલ કેળવવા જેવી નથી. તમે એકવાર વેરવૃત્તિથી જિંદગીમાં વિચારવાનું શરૂ કરશો પચી તમને બધા જ તમારા દુશ્મન લાગશે. તમે નિર્ભયતાની લાગમી હંમેશ માટે ગુમાવી બેસશો. તમારા મનમાં દરેક માનવીના ઈરાદા અને વર્તન વિષે શંકાની લાગણી જાગતી જ રહેશે. તમે પોતે જ તમારી જિંદગી માણી નહીં શકો. દુનિયામાં આપણા હાથે બીજા માણસોનું જાણ્યે-અજાણ્યે ઘણું અહિત થતું હોય છે અને એવી રીતે બીજાઓના હાથે આપણું પણ નાનું મોટું અહિત થતું જ હોય છે. તમે એકવાર જિંદગીની આ બધી બીનાઓને વેરની વસૂલાતની કોષ્ટકમાં ગોઠવવા માંડો છો ત્યારે તમે જિંદગીને એક ધંધાદારી હત્યારાના શાપમાં ફેરવી નાખો છો. સૌથી વધુ આઘાત આપનારી બાબત એ બની જાય છે કે તમને શંકા પડે છે કે વેરની વસૂલાતનો મારો ચોપડો બીજાઓ મંજૂર નહીં કરે તો? કોઈ માથાફરેલ માણસ કહેશે કે ના, તું મારી પાસે બે વેર માગે છે પણ મારે તારી પાસેથી ચાર વેર લેવાનાં છે! વાત વેરની અને વળી વેરના હિસાબમાંય ઝઘડો અને નવું વેર! 
 
સહેજ પણ સમજણશક્તિ ધરાવતો માણસ અકળાઈ ઊઠે એવી ભયાનક શક્યતાઓનું આ જંગલ છે. પણ વેર લેવા નીકલેલો માણસ કશું વિચરતો જ નથી. એક વેર લેવા નીકળેલો માણસ અને બીજો આત્મહત્યા કરવા નીકળેલો માણસ આગળની વાત વિચારવા રોકાતા નથી. આગળની વાત વિચારે તો તેઓ પોતાના આત્મઘાતક પંથેથી પાછા ફરી ગયા વગર રહે નહીં. વેર લેનારને વિચાર થવો જોઈએ કે આ વેર લેવાથી મને ખરેખર શું મળશે? મારા પિતા કે પુત્ર મને પાછા મળશે? જે મને પાછા મળવાના નથી તેમના આત્માની સદ્ગતિ માટે કાંઈક  કરવાને બદલે હું શું કામ મારી પોતાની પણ દુર્ગતિ કરું છું? મને તો સજા થાય તે ખરી - મારા કુટુંબના માણસોને પણ એથી વધુ આકરી સજા થવાની. આ બધું શા માટે? મારા પિતા કે પુત્ર, કોઈ પૂરમાં તણાઈ ગયા હોત કે કોઈ કૂવામાં પડી ગયા હોત તો હું શું કરત? એ પૂરનો નાશ હું કઈ રીતે કરત? શું પેલો કૂવો મેં તોડીફોડી નાખ્યો હોત? ખૂન કરનાર ગમે તે હોય, ગમે તે કારણસર તેણે ખૂન કર્યું હોય - તેની અંદર એક પૂર જ દોડતું હોય છે, ક્રોધનું, ગાંડપણનું, ઝનૂનનું પૂર. તમે આવા ખૂનીને મારી નાખો - તમે માનશો કે તમે વેર લીધું. હકીકતે વિધાતા હસતાં હોય છે. તમે ખૂનીને મારી નાખીને જાતે ખૂની બન્યા! હત્યા એ ચેપી રોગ છે - જે કોઈ તેને સ્પર્શે છે તે જાતે જ તેનો ભોગ બને છે. તેનું નિવારણ ક્ષમા અને પ્રેમ જ છે. જે માણસને પોતાની જિંદગીની કાંઈક પણ કિંમત હશે, જે માણસને પોતાના કુટુંબ અને મિત્રો માટે કાંઈક પણ સ્નેહ હશે તે આવા ખૂનખરાબામાં નહીં પડે. આમ કરવામાં કોઈ બહાદુરી કે મર્દાનગી છે તેવી માન્યતા પણ શૌર્ય વિષેના આપણા વિકૃત ખ્યાલમાંથી જ જન્મેલી છે. આ કોઈ  બહાદુરી નથી. બહાદુરી ગમે તેવો ઘા ઝીલવામાં અને એ ઘાથી આપણું મોત ના થાય તેવી પ્રબળ જીવનશક્તિનો પરચો આપવામાં છે. માણસ હંમેશા બહાદુરીથી હુમલો કરે છે તે સાચું નથી - મોટે ભાગે માણસ ભયથી પ્રેરાઈને હુમલો કરે છે. વાઘના ચહેરા ઉપર તમને જે વિકરાળતા દેકાય છે, તે તેના ભયનો નકશો હોય છે. 

તમારા ભયને લીધે તમારા ચહેરા ઉપર પણ એવી જ ભયાનકતા જન્મે છે. તમે માનો છો કે વાઘ ભયંકર છે. વાઘ માને છે કે આ માણસ ભયંકર છે. આંટ્રેજીદ કહે છે કે ભયના સિક્કાની બીજી બાજુ ઉપર ક્રૂરતાની છાપ હોય છે. તેને ભૂંસીને કરુણાની છાપ બનાવો. માણસ છીએ તો સાચો કે ખોટો ભય તો લાગવાનો, પણ એ ભયને ભૂંસી નાખીએ. એ ભયને ભૂંસી નાખવા માટે આપણે આપણા ઈરાદાઓમાંથી વેરવૃત્તિને ફેંકી દઈએ અને બીજા લોકોની વેરવૃત્તિનો ખ્યાલ પરમકૃપાળુ પરમાત્મા કરશે ને તેને સાચવી સંભાળી લેશે એવી શ્રદ્ધા કેળવીએ. બંદૂક કે તલવારથી હિસાબ કરવા નીકળેલા બે-ચાર માણસોથી ભયભીત થઈને આપણે શા માટે ખૂનીનો પોશાક પહેરીએ છીએ? પ્રાણથી પણ પ્યારો પુત્ર યુદ્ધના મોરચે ખપી જાય છે. તેનું વેર કઈ રીતે લઈશું? વહાલી માતાનું મોત યાત્રાએથી પાછા ફરતાં એક વાહનની ટક્કરમાં નીપજે છે. તેનું વેર કઈ રીતે લઈશું? પત્ની તેના નાના ભાઈની બેફામ જિંદગીથી દુઃખી થઈને માનસિક સ્વસ્થતા ગુમાવીને ગુમસુમ થઈ ગઈ છે. તેની પણ કાંઈક અંશતઃ હત્યા જ થઈ છે. આનું વેર કોની સામે લેવા જેવું? જિંદગીમાં સુખ, આનંદ, વફાદારી કશું જ નિર્ભેળ અને અદૂષિત નથી. મીઠામાં મીઠા ફળમાં પણ કોઈક પંખીની ચાંચ વાગેલી છે, સહેજ ડાઘ પડેલો છે, ક્યાંક ઈયળ પેસી ગઈ છે. 

તમે જિંદગીનું આખું ને આખું ફળ ફેંકી દઈને શું કરશો? તમે પંખીની એક ચાંચનું કે એક ઈયળનું વેર લેવા આખા ફળને ખલાસ કરી નાખશો? વેરની  વસૂલાત ખોટનો ધંધો છે. તમે આ દુનિયાનો ઈતિહાસ, પુરાણકથાઓ, ઉત્તમ વાર્તાઓ, નાટકો બધું જ જોઈ લ્યો - તમને પોતાને જ ખાતરી થશે કે વેરથી  વેરની વસૂલાત એ તદ્દન ખોટનો ધંધો છે. તેનાથી કોઈને કશું મળતું નથી. જેની હત્યા કરો છો તેનું કુટુંબ પણ દુઃખી થાય છે અને તમે હત્યા કરી હોય તો તમારું કુટુંબ તેથી વધુ દુઃખી થવાનું છે. ગમે તેટલા ચક્રવર્તી વ્યાજ સાથે વેરની વસૂલાત કરશો તો પણ તમને સરવાળે ખોટ જવાની છે. કેમ કે વેરનો અંત નથી. તમે એક વેરનો બદલો લીધો અને માન્યું કે એક હિસાબ પૂરો. તમારી દષ્ટિએ તમારો હિસાબ સાચો પણ જેણે પ્રહાર વેઠ્યો છે તેના ચોપડે આ નવી એન્ટ્રી સમજવી. તે લાગ શોધશે કે તે તમારી ખબર લઈ નાખે. બસ,  વેરનો આ હિસાબ ક્યાંય પૂરો થતો નથી જ.

ફ્રાંસના એક મશહૂર લેખકે કહેલી આ વાત છે. એક સ્ત્રી વેરનો બદલો લેવા માટે પોતાના કૂતરાને બરાબર તાલીમ આપે છે. એવી તાલીમ આપે છે કે એક દિવસ એ કૂતરો જેની ઉપર વેર લેવાનું છે તેને ફાડી જ ખાય. ખૂનનો કોઈ ગુનો કાયદામાં નોંધાયા નહીં, વેરની વસૂલાત થઈ જાય અને પોતાને પછી નિરાંત!

પણ વેરની વસૂલાત કરી આપનાર કૂતરાનો જ પછી ડર લાગે છે! દરેક કૂતરાનો ડર લાગે છે. બસ આ જ સૌથી મોટી સજા છે. કૂતરાને શું, માણસને પણ તમારો ડર લાગે છે. અને તમને દરેક જણનો એતી પણ વધુ ડર લાગે છે. સૌરાષ્ટ્રના એક ખૂંખાર ડાકુએ પાકિસ્તાનમાં આશ્રય લીધો.  સજામાંથી એ છટકી ગયો. સેંકડો મોતનો ભાર તેના શિરે હતો. ત્યાં તેણે નવું ઘર વસાવ્યું. ગુજરાતના એક પત્રકારે એની મુલાકાત લીધી.  પત્રકારે તેની પત્નીને પૂછ્યું, "તમને એનો ડર નથી લાગતો? આ માણસે આટલાં બધાં ખૂન કર્યાં છે તે વાત જાણ્યા પછી તમે એનાથી સંકોચ અનુભવતાં નથી?" મુસ્લિમ પત્નીએ જવાબમાં કહ્યું કે ના, મને ડર લાગતો નથી. અલબત્ત, ડાકુ ત્યાં હાજર જ હતો. તમારે કેટલીક વાર ડરન માર્યા પણ એવું નિવેદન કરવું પડતું હોય છે કે મને ડર નથી લાગતો!

માણસ માણસ વચ્ચેના સ્નેહ અને મમતાના હિસાબ તમે પતાવો અને વેરનો હિસાબ કુદરત ઉપર, ઈશ્વર ઉપર છોડી દો. સૌથી સહેલો અને સલામત રસ્તો એ એક જ છે.
(લેખકના પુસ્તકમાંથી)

No comments:

Post a Comment