Tuesday 25 September 2012

માનવીના જીવનમાં ભૌતિક સફળતાની સિવાય પણ કંઇ છે તે ભૂલવું ન જોઇએ..............

માનવીના જીવનમાં ભૌતિક સફળતાની સિવાય પણ કંઇ છે તે ભૂલવું ન જોઇએ..............

ડેથ ઓફ એ સેલ્સમેનઅને ઓલ માય સન્સજેવાં સફળ નાટકોના લેખક અમેરિકન નાટ્યકાર આર્થર મિલરે વર્ષો પહેલાં આપેલી એક મુલાકાતનું બયાન હમણાં વાંચ્યું. અમેરિકા જઈ વસેલી કેટલીય ભારતીય વ્યક્તિઓના મોંએ ત્યાંના જીવનની ભરપૂર પ્રશંસાની વચ્ચે પણ જે એક બળતરા અછાની રહેતી નથી તે પણ આ જ છે.

મુલાકાત લેનારે આર્થર મિલરને પ્રશ્ન કર્યો હતોઃ તમે ડેથ ઓફ એ સેલ્સમેનનાટક લખ્યું ત્યારે અમેરિકાના જીવનમાં અંગત સફળતા માટેની જે લાલચા અને દોડધામ હતી તેમાં આજે વધારે થયો છે એવું તમે માનો છો? જવાબમાં આર્થર મિલરે કહ્યુઃ  હું માનું છું કે મેં ‘‘ડેથ ઓફ એ સેલ્સમેન’’ નાટક લખ્યું (ઈ. સ. ૧૯૪૯) ત્યારે અમેરિકામાં અંગત સફળતા માટેનો જે ધખારો હતો તે અત્યારે (ઈ. સ. ૧૯૬૬) ઊલટો વધ્યો છે. આજે તો લાલસા પાગલપન જેવી બની ગઈ છે.આર્થર મિલરનું આ મંતવ્ય તેમણે વ્યક્ત કર્યું તે પછીના ત્રણ દાયકામાં આ ચસકો વધ્યો છે. તેનું સમર્થન અમેરિકામાં સંપત્તિ અને સુખ શોધવા ગયેલા અને ભારત પાછા ફરેલા હિંદીઓ છે. દુનિયાના લગભગ તમામ સમાજોમાં વધતાઓછા અંશે આ ઝંખના જોવા મળે છે. અલબત્ત, જે દેશોમાં ધાર્મિકતાનું વિશેષ બળ છે ત્યાં આ ઝંખનાનું જોર ઓછું હોવું જોઈએ. છતાં આપણા દેશમાં ઊંડી ધાર્મિકતાના વિશાળ દાવા છતાં આ ઝંખનાએ ઘણું બધું જોર પકડ્યું છે. પશ્ચિમની દુનિયા અને ખાસ કરીને અમેરિકાના જીવનને એક અર્વાચીન આદર્શ ગણીને તેનું અનુકરણ કરવાની તાલાવેલી વધી ગઈ છે. 

અંગત સફળતાને આરાધ્ય દેવ બનાવી દેવાની આ તત્પરતા સમાજવાદી દેશમાં નહીં હોય એવું માનવાનું મન થાય. પણ તાજેતરમાં રશિયા અને ચેકોસ્લોવેકિયા જેવા સમાજવાદી દેશોની ઊડતી મુલાકાતે જઈને પાછા ફરેલા એક ગૃહસ્થે કહ્યું કે દર ત્રીજા કુટુંબમાં છૂટાછેડા અને ખંડિત લગ્ન જોયું. બહારથી બધું બરાબર છે. શ્રેષ્ઠ ગાય કે શ્રેષ્ઠ ભેંસની જેવી સ્પર્ધામાં જાણે માણસ ઊભો છે. પણ તે બહારથી તાજોતગડો લાગતો હોવા છતાં તેની આંખમાં એક ભય અને દીનતા છે. આવો ભાવ હરીફાઈઓમાં ઊભેલા પ્રાણીની આંખમાં પણ નથી હોતો. પ્રાણી હરીફાઈમાં ભલે ઊભું પણ તે પોતાની પસંદગીથી ઊભું નથી. જીતી જવાય તો ઠીક નહીંતર મારા કેટલા ટકા? એટલી ખુમારી તેની આંખમાં છે, આવી ખુમારી ત્યાં માણસની આંખમાં નથી.

આર્થર મિલરે સાચું જ કહ્યું છે કે વ્યક્તિગત સફળતાની આ ધૂન એક કેદખાનું છે  સફળતાની આ કોટડી તરફ દોડનારી વ્યક્તિએ તેને આશ્રયસ્થાન માન્યું હોય છે. પણ જ્યારે તે આ કુટિર પર પહોંચે છે ત્યારે તેને ખબર પડે છે કે આ રક્ષણસ્થાન નથી, પણ કેદખાનું છે. પછી આ વ્યક્તિ આ કેદખાનામાંથી છટકી પણ શકતી નથી. માણસે જ્યારે પ્રથમ વાર સફળતા ઝંખી હોય છે ત્યારે તેણે એમ માનીને સફળતાની આરાધના કરી હોય છે કે મને સફળતા મળશે એટલે હું મુક્ત માણસબનીશ. મને જિંદગીમાં મનમાની પસંદગીનો વિકલ્પ મળશે, પણ આવો વિકલ્પ રહેતો જ નથી. સફળતા બાંધે છે  એવું બંધન બને છે કે તમારી સ્વતંત્રતા લુપ્ત થઈ જાય છે અને તમારું જીવન સફળતાના જ એકમાત્ર ગણિતના આધારે આગળ ચાલે છે.

મિલરે કહ્યું છે કે મેં ક્યાંય આવું જોયું નથી. એક અમેરિકા જ એવો દેશ છે કે જ્યાં તમે કોઈકને ઘેર મળવા જાઓ એટલે હજુ પૂરા બેઠા પણ ન હો ત્યાં સવાલ પૂછવામાં આવે છે કે, ‘તમે શું કરો છો? તમારો ધંધો શું છે? તમારી આવક શું?’ એક અમેરિકન તરીકે હું ખુદ આવી ભૂલ કરી બેઠો છું અને બીજા લોકોને આવો સવાલ કરી બેઠો છું. સવાલ કર્યા પછી હું મૂંઝાયો પણ છું અને પસ્તાયો પણ છું. મને મારી ભૂલ સમજાઈ છે. શું કામ આપણે સામે મળતા દરેક માણસને આ એક જ માપદંડથી માપીએ? તમે માણસને માણસ તરીકેના ગુણોથી બિલકુલ માપવા જ માગતા નથી? શું દરેક માણસ રેસકોર્સનું એક પ્રાણી જ છે અને શું તમે તેની ઉપર એક બાજી ખેલીને બેઠા છો?

આપણે ત્યાં અંગત જીવનની સફળતાની આ ધૂન અમેરિકાની બરોબરીમાં આવે એટલી નહીં હોય છતાં તે ઉત્તરોત્તર વધી રહી છે તે એક હકીકત છે. આ ધૂનને લીધે ઘણા બધા માણસો નિરાશા અને હતાશાનાં ચક્કરમાં સપડાયા છે. માનવીના જીવનમાં ભૌતિક સફળતાની બહાર પણ કોઈ બીજા પ્રકારની સિદ્ધિ કે સંતોષનું કારણ સંભવી શકે છે તે ભૂલવા જેવું નથી.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃતમાંથી............

No comments:

Post a Comment