Tuesday 11 September 2012

માણસને જિંદગીની પ્રત્યેક ક્ષણને બરાબર જીવવાની સાચી તલપ જાગે!................

માણસને જિંદગીની પ્રત્યેક ક્ષણને બરાબર જીવવાની સાચી તલપ જાગે!................

પોતાની ગદ્યશૈલી માટે ખૂબ જ પ્રશંસા પામેલા ઈંગ્લેન્ડના વિવેચકનિબંધકાર વિલિયમ હેઝિલીટે તેમના એક લેખમાં એવી લાગણી વ્યક્ત કરી છે કે જે રીતે આપણે અગાઉ જોયેલી જૂની જગ્યાઓની મુલાકાત લઈ શકીએ છીએ તેમ આપણે વીતી ગયેલા સમયમાં પાછા ફરી શકતા હોત તો? માણસ એકના એક સ્થળની બીજી મુલાકાત લઈ શકે છે, પણ અમુક ચોક્કસ સમયની ફરી મુલાકાત અશક્ય છે. માણસ સ્મરણયાત્રા કરી શકે.

બાળપણના ઘરમાં વિતાવેલી પળોને  તે પ્રસંગને સ્મૃતિમંત્ર વડે જીવતદાન આપી શકે, પણ તે માત્ર મનોજગતમાં! ભૂતકાળમાં જેની મુલાકાત લીધી હતી તે સ્થળે ગામની નદી, નિશાળ કે કોઈ પણ સ્થળે ફરી પાછો જઈ શકે છે. તે સ્થળના એના એ જ ખંડમાં પ્રવેશી શકે છે. સમયના એના એ જ ખંડમાં પ્રવેશી શકતો નથી. ફરી તે બાળક બનીને ત્યાં જઈ શકતો નથી. માણસ જિંદગીની પ્રત્યેક ક્ષણની આ અનન્યતાનો વિચાર કરે તો તેને એ ક્ષણને બરાબર જીવવાની સાચી તલપ જાગે!

કેટલાક માણસોને પોતે જે સમયમાં જન્મ્યા એ સમય જ ગમતો નથી! હું આ જમાનામાં જન્મ્યો તે કરતાં બીજા કોઈ જમાનામાં જન્મ્યો હોત તો? હું કળિયુગ ને બદલે સતયુગ કે દ્વાપરયુગ કે ત્રેતાયુગમાં જન્મ્યો હોત તો? ચૌદમા સૈકાના ઇટાલીનાં ઊર્મિકાવ્યોના મહાન કવિ પેટ્રાર્ચને આવું જ દુઃખ હતું. પોતાની જિંદગીના એક ટૂંકા બયાનમાં તેણે એવું નોંધ્યું છે કે હું જે સમયમાં જન્મ્યો છું એ સમય મને મુદ્દલ ગમતો નથી. હું બીજા કોઈ યુગમાં જન્મ્યો હોત તો કેવું સારું હતું! મને અગાઉના યુગો ખૂબ ગમે છે. મને ભૂતકાળ ખૂબ ગમે છે. પ્રાચીન સમય મને ખૂબ ગમે છે. હું એટલે જ ઇતિહાસનો ખૂબ શોખીન છું. હું જે સમયમાં જન્મ્યો છું તેને બદલે બીજા કોઈ સમયખંડમાં મને જન્મવાનું વધુ ગમ્યું હોત, પણ મારે આ બાબતમાં મારું મન માંડી વાળવું પડે છે.
કેમ કે મારાં સ્નેહીઓવહાલાંઓનું શું? મતલબ કે મારાં પ્રિયજનોનો વિયોગ હું કલ્પી શકતો જ નથી અને હું બીજા કોઈ સમયમાં જન્મ્યો હોત તો આ પ્રિયજનો મને મળત નહીં. આ માતા, આ પ્રિયતમા, આ બધું  આ મિત્રો. આ ખોટ સહન થઈ શકે તેવી જ નથી.

આખી વાતમાં આ માર્મિક મુદ્દો સમજવા જેવો છે. સમય એ કોઈ કાચની શીશી નથી. માણસ કાચની શીશીમાં પુરાયેલું જીવજંતુ નથી. તે એક છોડ કે વૃક્ષ છે, જે જમીનમાં મૂળ નાખે છે અને આકાશ તરફ મીટ માંડે છે. તેને રક્ષણપોષણ આપતા વાતાવરણ સાથે ગાઢ સગાઈ છે અને તેને બીજા છોડ અને વૃક્ષોની પણ એવી જ માયા છે.

ઇટાલીના મહાન કવિ પેટ્રાર્ચને પોતે બીજા કોઈ યુગમાં જન્મ્યો હોત તો સારું થાત એવી લાગણી થાય છે. પણ પછી પોતાના પ્રિયજનોની માયાની વાત તેને મનનું સમાધાન કરી લેવાની ફરજ પાડે છે. આવી જ રીતે કોઈને થાય છે કે હું ભારતને બદલે અમેરિકામાં જન્મ્યો હોત! આવા લોકો એવું માને છે કે ભારત કરતાં અમેરિકાની ભૂગોળ વધુ ભાગ્યશાળી છે, પણ પછી અનુભવ થાય ત્યારે ખબર પડે છે કે કોઈ પણ દેશમાં જિંદગીની મૂળભૂત સમસ્યાઓ એકસરખી જ છે અને અમેરિકામાં થોડી વધારે સગવડો છે તો બીજી ઘણી એવી મોટી અગવડો પણ છે.

ભારતની આઝાદી પૂર્વના સમયમાં ભાવનગરમાં શામળદાસ કોલેજમાં કોઈ કોઈ એવા મિત્રો હતા જેમને હંમેશાં એવો વસવસો રહ્યા કરતો  ભગવાને ભારતને બદલે પોતાને રશિયામાં જન્મ આપ્યો હોત. તે દિવસોમાં જુવાનોને રશિયા સ્વર્ગભૂમિ જેવી લાગતી. જ્યાં બધા જ માણસો સમાન હોય, કોઈ ગરીબ નથી, કોઈ અમીર નથી. કોઈનું કશું શોષણ થતું નથી અને સૌને કામ મળે છે. રશિયામાં આજે તો એક અકલ્પિત પરિવર્તન આવ્યું છે. જિંદગીની હાડમારીઓની આજની વાતો સાંભળનારાને ઓચિંતું ભાન થાય છે કે આવી જ હાડમારીઓ પચાસ વર્ષ પહેલાં પણ ત્યાં હોવાનો પૂરો સંભવ છે. તમે ગમે તે ભૂમિમાં જન્મ માગો, આવી દરેક ભૂમિની માટીના કેટલાક લાભો હશે, કેટલાક ગેરલાભો પણ હશે. જેઓ માને છે કે અમેરિકામાં જન્મ્યો હોત તો સારું હતું તેમને કદાચ અમેરિકાના સંઘર્ષમય ઇતિહાસની પૂરી ખબર નથી અને કદાચ આજનું જીવન પણ ત્યાં કેટકેટલા પડકારોની વચ્ચે આ ‘સાહ્યબી’ ભોગવી રહ્યું છે તેની પણ પૂરી જાણકારી કદાચ તેમને નથી.

 ભૂપત વડોદરિયાના પુસ્તક માંથી................

No comments:

Post a Comment