Monday 24 September 2012

માણસે મિજાજની અમીરી જરાય ઝાંખી પડવા દેવી ન જોઇએ.......................

માણસે મિજાજની અમીરી જરાય ઝાંખી પડવા દેવી ન જોઇએ.......................

પોતાના ભાગમાં આવેલી વાડી એ વર્ષો સુધી વેચી શક્યો નહીં, કેમ કે તેને વાજબી કિંમત મળતી નહોતી. વાડી ખરીદવા કોઈ આગળ આવતું નહોતું. બીજી મિલકતમાં એક નાનકડું કારખાનું હતું જાહેરમાર્ગ પર એ મોકાની જગ્યા હતી. કારખાનું પેટગુજારા જેટલી કમાણી આપતું હતું એટલે તે જગ્યાની કિંમત પ્રમાણમાં સારી મળે તેમ હતું તે છતાં તે વેચવાની ઇચ્છા થતી નહોતી. માથે ઠીકઠીક કરજ હતું. ગાડું ગબડતું હતું.

થોડાંક વર્ષો પછી વાડીની સારી કિંમત ઊપજી અને કારખાનાની જગ્યા ઉપર એક ઊંચી ઇમારત ઊભી કરવાની યોજના ભાગીદારીમાં સફળ થઈ. હવે કોઈ દુખ ન રહ્યું. સંજોગો બદલાઈ ગયા અને બધું જ સુગમ બની ગયું. આખી જિંદગી આવકજાવકના બે છેડા મેળવવાની મથામણ રહી  હવે જિંદગીની ઢળતી સાંજે બધું જ સુખદાયક લાગતું હતું. પણ હવે શરીર જાણે તોફાને ચઢતું હતું. શરીર તો આ જ હતું  દુખના દિવસો હતા ત્યારે તેણે બરાબર સાથ આપ્યો પણ સુખના દિવસો આવ્યા ત્યારે શરીર જાણે હવે સાથ આપવાની ના પાડતું હતું! આવા સંજોગોમાં મુકાયેલા માણસને દુખ થાય કે ઈશ્વરનો કે કિસ્મતનો આ કેવો ન્યાય કે દુખમાં શરીરે કોઈ ફરિયાદ કરી નહીં  ચૂપચાપ મૂંગામૂંગા સાથ આપતું રહ્યું અને હવે જ્યારે સુખની ઘડી આવી ત્યારે શરીર સમજાય ન સમજાય તેવી જાતજાતની ફરિયાદો આગળ કરવા માંડ્યું હતું!

આમાં કોઈને અન્યાયજેવું લાગે, પણ માણસ શાંતિથી વિચારે તો એને જરૂર લાગે કે આમાં ખાસ અન્યાયજેવું કાંઈ નથી. શરીરના સંપૂર્ણ સાથની જ્યારે ખૂબ જરૂર હતી ત્યારે શરીરે બરોબર સાથ આપ્યો. આજે તો હવે આરામ લેવાનું  ગમે તેવી મોંઘી દવા અને સારવાર લેવાનું પરવડે તેમ હતું! પત્નીની જેમ તમારી તબિયત પણ સુખના દિવસોમાં નવી માગણીઓ અને નવા દાવા આગળ કરે તો નારાજ થવા જેવું નથી. માણસની જિંદગી આવી મજાકમશ્કરી કરતી જ રહે છે  તેનાથી માઠું લગાડવાનું ન હોય. સૌ કોઈ જાણે છે કે જ્યારે બદામ ખરીદવાના પૈસા ન હોય ત્યારે દાંત મજબૂત હોય છે અને જ્યારે બદામકાજુ ખરીદવાની ત્રેવડ હોય ત્યારે દાંત ચાલ્યા ગયા હોય છે. દાંત ન હોય અને બદામકાજુનો સ્વાદ માણવો હોય તો તેને ખાંડીને ખાવાં પડે! એમાં દુખી થવાની જરૂર નથી.

૭૫ વર્ષની ઉંમરના એક સંબંધી મળ્યા. પચાસ વર્ષ પહેલાં એમને ઘરે દોમદોમ સાહ્યબી હતી. મુંબઈના એક શ્રીમંત પરામાં બગીચાની પાસે જ એમનો બંગલો હતો. કીમતી જમીનો હતી. શહેરની મધ્યમાં કારોબારી કચેરીઓ હતી. ઔદ્યોગિક વિસ્તારમાં કરોડોની કિંમતનું એક કારખાનું હતું. એ બધું જ ચાલ્યું ગયું હતું. એક આખું કુટુંબ જે એક વાર સમૃદ્ધિની ટોચ પર હતું તે આજે તદ્દન સામાન્ય સ્થિતિમાં આવી પડ્યું હતું. પણ પંચોતેર વર્ષના આ ગૃહસ્થના મિજાજની અમીરી જરાય ઝાંખી પડી ગઈ નહોતી. ચહેરા પર એ જ હાસ્ય અને વાતચીતમાં ક્યાંય કડવાશ કે વસવસો નહીં. તબિયતના પ્રશ્નો પણ હતા. પરિવારના પણ પ્રશ્નો હતા પણ ગૃહસ્થ તેના કારણે ઢીલા પડી ગયા નહોતા.

એમણે કહ્યું ઃ નેપોલિયને કહ્યું છે કે માણસો પોતાના સંજોગોના પૂરેપૂરા બરોબરિયા તો કદી પુરવાર થતા નથી પણ દરેક માણસ એક કોશિશ કરે છે. સંજોગો સામે લડવાની ઉંમરે માણસ જરૂર લડે, પણ એવી ઉંમર પણ આવે છે જ્યારે લડી લેવાની એટલી શક્તિ જ હોતી નથી. હારી ગયાની લાગણીથી બચી જઈને પણ માણસ એક સમાધાન જરૂર કરી શકે છે.’ 

એક ડોક્ટરમિત્રે કહ્યું કે કોઈનું શરીર સંપૂર્ણ નીરોગી હોતું નથી. રોગ અને પીડા આવે છે અને જાય છે. કેટલીક વાર અંત સુધી સાથે રહે છે. તોફાની અશ્વ ઉપર કાબેલ ઘોડેસવાર જે રીતે સવારી કરે તે રીતે ઘણી વાર તો માણસે પોતાની તબિયત પર કાબૂ મેળવવો પડે છે. હિંમત રાખીને લગામને હાથમાં રાખવી પડે છે. માણસ ઢીલો પડે કે ગભરાઈ જાય તો ગબડી પડવાની શક્યતા વિશેષ રહે છે.
માત્ર તબિયત માટે જીવવાનું નથી  જીવવા માટે તબિયતની અલબત્ત, જરૂર પડે છે. છતાં ઘણા બધા માણસોએ તો નબળી તબિયત પાસેથી પણ ઘણું સારું કામ લીધું હોય તેવું બન્યું છે.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી...............

No comments:

Post a Comment