Sunday 2 September 2012

રોગની જ ચિંતા કરીશું તો જીવવાનું જ ભૂલી જઈશું......................

રોગની જ ચિંતા કરીશું તો જીવવાનું જ ભૂલી જઈશું......................

 એક તેજસ્વી જુવાન હમણાં અચાનક બીમાર પડ્યો. હૃદયરોગનો હુમલો હતો. દાક્તરોએ ઝડપથી તેને ઇસ્પિતાલમાં ખસેડ્યો. પખવાડિયાની સારવાર પછી તે ઘેર પાછો ફર્યો. તેની ખબર કાઢવા ગયેલા મિત્રોએ જોયું તો આ જિજ્ઞાસુ અભ્યાસી જુવાન હૃદયરોગ વિશેનો તબીબી ગ્રંથ વાંચી રહ્યો હતો.

એક વકીલે ટકોર કરી: તમારી પેઢીનો પુસ્તકો સાથેનો આ પ્રેમસંબંધ અમને માન ઉપજાવે છે. કોઈ રોગ, કોઈ સામાજિક સમસ્યા, કાયદાની કોઈ ઠોકર તમને વાગે છે અને તમે તેને વિશેના ગ્રંથો ઉપાડી લાવો છો અને તેના અભ્યાસમાં પરોવાઈ જાઓ છો. બીજી બાબતોની મને ઝાઝી ખબર નથી પણ રોગની બાબતમાં એક વાત કહું તો ખોટું લગાડશો નહીં. તમે જેટલા રોગમાં ઊંડા ઊતરશો એટલો રોગ તમારામાં ઊંડો ઊતરશે. રોગ આવે ત્યારે તેને બુદ્ધિના સૂક્ષ્મદર્શક કાચમાંથી બહુ જોવાની કોશિશ ન કરવી. દવા જરૂર લેવી, સારવાર જરૂર કરાવવી, પણ રોગમાં બહુ રસ લેવો નહીં. તમારી જાણ બહાર રોગ તમારા મનમાં કીડાની જેમ ઘર કરે છે. રોગની દવા જરૂર લેવી, પણ રોગની પાછળ પડવું નહીં. રોગ સામાન્ય હોય કે ગંભીર હોય, તેની ઊંડી પિછાણ કેળવવાની જરૂર જ નહીં. 

માણસનું શરીર અટપટું યંત્ર છે અને છતા તે યંત્ર જ નથી. યંત્રના ભાગોની ખરાબી, તેની ભૂમિકા, તેનું સંયોજન  બધાં વિશે જરૂર જ્ઞાન મેળવી શકાય અને તે જ્ઞાન યંત્રને બરોબર ચલાવવામાં કે તેના બગાડની દુરસ્તી કરવામાં ઉપયોગી બને, પણ શરીરની બાબતમાં આ વાત શક્ય કે વહેવારુ નથી. કેટલીક વાર શરીરમાં જ આપણું ધ્યાન ખોવાઈ જાય, રોગમાં જ આપણું મન ખૂંચી જાય તો જીવવાનું જ ભૂલી જઈએ તેવું બની બેસે છે.

હમણાં એક તબીબી સામયિકે એક માણસનો કેસ આપ્યો હતો. એણે જાહેર ઇસ્પિતાલોમાં સરકારના ખર્ચે, સમાજના ખર્ચે વર્ષો સુધી સારવાર લીધી, કેટલીયે શસ્ત્રક્રિયાઓ કરાવી, પરીક્ષાઓ કરાવી, દવાઓ લીધી, પણ આ માણસને ખરેખર કોઈ રોગ નહોતો. તેનું કલ્પનાશીલ મન જે અનેક ચિત્રો દોરતું રહેલું તે ચિત્રો જ દાક્તરો પાસે આવતાં રહ્યાં. એ માણસ આ કે તે રોગનાં લક્ષણો વર્ણવે, દવા લે અને આ રીતે તરેહતરેહની સારવારનાં સલામત કોચલાં શોધ્યા કરે છે. તબીબી સામયિકનો સૂર એવો હતો કે આવા દર્દીઓ સરકાર અને સમાજને માથે એક બોજો બનતા હોય છે. તેમને કંઈ હોતું નથી પણ તેઓ આ રીતે જાહેર આરોગ્ય સેવાઓનો ગેરલાભ ઉઠાવે છે.

અલબત્ત, આવા કિસ્સા અપવાદરૂપ જ હોય છે, પણ બધાને માટે આ એક જોખમના નિર્દેશરૂપ છે, અને દરેક માણસે આ જોખમ સમજવાની જરૂર છે. માણસ પ્રેમભૂખ્યો છે, તેને લાલનપાલન, ચાકરી, વિશેષ ધ્યાન, વિશેષ મહત્ત્વ બહુ જ ગમે છે. નાનકડા બાળકને વહાલ જોઈએ છે ત્યારે એ માને કહે છે કે, ‘મા, એવું માથું દુઃખે છે! તું જરા દબાવ ને!માત્ર બાળકો જ આવું કહે છે તેમ માનવા જેવું નથી. પુખ્ત વયના માણસો લાગણીની ભૂખની બાબતમાં બાળકની જેમ જ વર્તતા ઘણી વાર જોવા મળે છે. કહેવાનો આશય એવો નથી કે મોટા ભાગે માણસો સાચા રોગ કરતાં કલ્પિત રોગમાં સપડાયા હોય છે. આ દુનિયામાં નાનાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના અસંખ્ય લોકોની શારીરિક યાતનાઓથી આપણે અજાણ હોઈ ન શકીએ. માણસોની એક પોચી માટી છે તેમ એક કઠણ માટી પણ છે. ગમે તેવી પીડા છતાં આવા માનવી મોંમાંથી હરફ નથી ઉચ્ચારતા અને ચહેરા પરનું સ્મિત ભૂંસાવા નથી દેતા.

અહીં મુદ્દો એ છે કે રોગ સાચો હોય તો પણ તેમાં મનને પરોવવા જેવું નથી. રોગને રજા આપવી હોય તો તેને ભૂલી જાઓ. દવાસારવારનો વિરોધ નથી. રોગને ભૂલી જવાની જરૂર એટલા માટે છે કે તેની સતત યાદ આપણા મનને રંગે છે અને શરીરમાં જાતજાતના સ્ત્રાવો પર પ્રતિકૂળ અસર પાડે છે. ગોલ્ડા મીર કેન્સરને ભૂલી ન હોત તો ઇઝરાયલ માટે તે કાંઈ કરી શકી ન હોત. ગાંધીજી લોહીના અત્યંત નીચા દબાણને ભૂલ્યા ન હોત તો તેઓ હિંદુસ્તાનની રજભાર ચિંતા કરી શક્યા ન હોત. રામકૃષ્ણ પરમહંસ પોતાના ગંભીર રોગને ભૂલ્યા ન હોત તો ભગવાનમાં આટલા ઓતપ્રોત થઈ શક્યા ન હોત. લેનિન તેમના રોજ દુઃખતા માથાને પકડીને બેઠા હોત તો રશિયામાં ક્રાંતિ કે બીજું કાંઈ તે કરી શક્યા ન હોત. સામાન્ય માનવીઓમાંય એવા અનેક મળી આવશે, જેઓ રોગને ભૂલીને જીવે છે, બરાબર જીવે છે અને કાંઈક ઉપયોગી કામ કરે છે. તેઓ દવાખાને જરૂર જાય છે, દવા જરૂર લે છે, પણ રોગને કંઠીની જેમ ગળામાં પહેરતા નથી.

No comments:

Post a Comment