Monday 20 May 2013

આપત્તિ ટાણે 'સગાં' અને 'વહાલાં'


આર્થિક આંધીમાં સપડાઇ ગયેલા એક જુવાન, હમણાં કહ્યું - "કંઇક ચમત્કાર જેવું બન્યું અને હું મારા આંટીઘૂંટીભર્યા આર્થિક વહેવારોમાંથી બહાર નીકળી ગયો. પણ મેં આર્થિક સમસ્યાઓનાં જે ત્રણ વર્ષ વીતાવ્યાં છે તેની પીડા ફક્ત હું જાણું છું. મને એટલું સમજાઇ ગયું છે કે જે સગાં છે તે વહાલાં નથી અને જે વહાલાં છે તે સગાં નથી !"

પછી તેણે વિગતે મને વાત કરી. તેણે કહ્યું કે, "મેં એવો અનુભવ કર્યો કે જેની સાથે લોહીનો કોઇ સંબંધ નહોતો અને લાગણીનો પણ એવો કોઇ લાંબો સંબંધ નહોતો. તેમણે કપરી પળે મદદ કરી ! મદદ કરી એટલું નહીં પણ કોઇ મોટો ઉપકાર કરતા હોય તેવું બતાવ્યા વિના મદદ કરી ! કોઇ શિખામણ નહીં, કોઇ ઠપકો નહીં- બસ માંદા માણસને કોઇ પાડોશી કે પરિચિત દવા આપે- એવી સહજતાથી મદદ કરી ! એમની આંખમાં એવો ભાવ હતો કે દવા મારા ઘરમાં પડી હતી, મારે કોઇ કામની નહોતી અને તેમને તેની જરૃર હતી. મેં તેમને તે આપી. મારી દવા તેમને ખપમાં આવી એટલે કે જાણે મને ખપ લાગી !

આથી તદ્દન ઊલટું ચિત્ર પણ જોયું. એક તદ્દન નજીકના સગા પાસે માત્ર બસ્સો રૃપિયા માગ્યા. તેમણે કહ્યુંકે "બે દિવસ પછી આપીશ." બીજે દિવસે સવારે મુંબઇથી મારાં ફૈબાનો ટેલિફોન આવ્યો, ફૈબાએ ઠપકાના સૂરે કહ્યું કે, ભાઇ તું શું એવી મુશ્કેલીમાં આવી પડ્યો છે તે બધા પાસેથી પૈસા માગતો ફરે છે ? મેં સ્પષ્ટતા કરી પણ તે તો ઠીક પણ મને ખબર પડી કે જે નિકટના સગા પાસે મેં બસ્સો રૃપિયા માગ્યા હતા અને જેમણે હજુ મને બસ્સો રૃપિયા આપ્યા પણ નહોતા. તેમણે છેક મુંબઇ ખબર પહોંચાડી દીધા કે, "મેં એમની પાસેથી રૃપિયા બસોની લોન માગી છે. અને હું બધી જગ્યાએ પૈસા માટે હાથ લંબાવ્યા કરું છું !"

યુવાને કહ્યું કે, "મારી આર્થિક મુશ્કેલીમાં મને ઘણુંબધું જાણવાનું અને શીખવાનું મળ્યું. મને સમજાયું કે જેમની સાથે લોહી અને લાગણીનો સંબંધ હોય છે તેવા માણસો પૈસાની બાબતમાં બિલકુલ અજાણ્યા માણસ જેવું વર્તન કરે છે અને સહાનુભૂતિ કે સહાયની વાત તો દૂર રહી, તેઓ જાણે અંદરખાને રાજી થતા હોય અને તેમને ઠઠ્ઠા મશ્કરીનો મોકો મળી ગયો હોય એવું તેમના વર્તનમાં સાફ દેખાય છે."
જેમની જેમની જિંદગીમાં આવા પ્રસંગો હોય છે તેમને અચૂક ખબર પડે છે કે કેટલાક માણસો પૈસાના વહેવારમાં તદ્દન હલકું વર્તન કરે છે અને કેટલાક માણસો પોતે પણ ગરીબ હોય તે છતાં ઉદારતાથી- મનની મોટપથી વર્તે છે. પૈસાની બાબતમાં માણસના વલણ પરથી તેની માણસાઇનું માપ નીકળી જાય છે.

પૈસાના વહેવાર બાબતમાં એક માણસ ગૌરવપૂર્વક જાહેર કરશે કે બક્ષિસ લાખની પણ હિસાબ કોડીનો ! રીતે એક કોડીનો પણ હિસાબ કરનારા લાખની તો શું કદી બક્ષિસ કરી શકતા નથી તે હકીકત છે. તેઓ સતત એક બાબતનો ખ્યાલ રાખે છે કે પોતે પૈસાની બાબતમાં મુદ્દલ છેતરાઇ જવા નહીં જોઇએ ! કોઇ વ્યક્તિ તમને જાણ્યેઅજાણ્યે કશો ઘસારો આપી જવી નહીં જોઇએ. કોઇનાં બે પૈસા પોતાની પાસે આવી જાય તો વાંધો નહીં પણ પોતાનો એક પણ પૈસો બીજા પાસે જવો નહીં જોઇએ ! કોઇ કોઇ તો વળી બીજાના બે પૈસા પોતાની પાસે આવી ગયા હોય તો તરત ભડકીને તુરત પાછા વાળી દે છે- તેમને લાગે છે કે કદાચ તેમને મોટા ખાડામાં ઉતારવાની સામા માણસની ચાલ હશે !
પેલા જુવાનને એક સુખદ અનુભવ પણ થયો હતો. તેની વાત કરતાં તે ગળગળો થઇ ગયો. પોતાની બાજુમાં રહેતા અને પરચૂરણ કામો કરીને જીવનનિર્વાહ ચલાવતા એક માણસે વગર માગ્યે મદદ કરી. સામે પગલે રૃપિયા આપવા આવ્યો ! યુવાને કહ્યું કે, "ભાગ્યનું ચક્ર ફર્યું અને મારા હાથમાં પૈસા આવ્યા એટલે હું રાતે ને રાતે એને પૈસા આપવા ગયો ! પૈસા પાછા આપતાં મને એટલો બધો આનંદ થયો કે ના પૂછો વાત !"

જુવાન જેવા તરેહ તરેહના અનુભવો લગભગ દરેક માણસને થયા હોય છે. જેમના અનુભવો સુખદ હોય તેમની શ્રદ્ધા જીવનમાં અને માણસમાં પણ વધે છે. જેમને કડવા અનુભવો થયા હોય છે તેમને માણસની સારપમાંથી શ્રદ્ધા ઊડી જાય છે. તેને લાગે છે કે કોઇ કોઇને ચાહતું નથી. દરેક માણસ રૃપિયાને ચાહે છે ! માણસ માણસનો ચહેરો પિછાનતો નથી. તે માત્ર રૃપિયાને ઓળખે છે ! પૈસાના વહેવારમાં જેમને કડવા અનુભવો થયા હોય છે તેઓ પોતાની સાથે થયેલો વહેવાર યાદ રાખીને બીજાઓની સાથે એવો વહેવાર કરે છે. ઘણી હાડમારી જોયા પછી એક ભાઇ પૈસેટકે સુખી થયા. તેમનો એક ગરીબ ભાણેજ કૉલેજમાં ભણતો હતો. તેણે મદદ માગી ત્યારે મામાએ કહ્યું કે, "હું આવી કોઇ મદદ કરવામાં માનતો નથી ! શક્તિ હોય તો ભણવું નહિતર ના ભણવું ! મજૂરીએ લાગી જવું ! આગળ ભણવાની વાતનો આશ્રય લઇને પણ રીતે કોઇની પાસે હાથ લંબાવવો તેને હું નાપસંદ કરું છું ! વાત જાણીને ભાઇના એક નિકટના મિત્રે કહ્યું કે તમે ખોટું કર્યું ! તમારી પાસે પૈસા છે ! ત્રાહિતને તો ઠીક પણ સગા ભાણેજને પણ તમે મદદ કરી હોત તો તેની જિંદગી સુધરી હોત. તમે મદદ ના કરી, સંભવ છે કે તેને બીજી કોઇ વ્યક્તિ મદદ કરશે પણ તમે મદદ કરી હોત તો તમને એક સારું કામ કર્યાનો સંતોષ થાત ! તમે શા માટે મદદ ના કરી ?

પેલા ભાઇએ કહ્યું કે, "મને કોઇએ મદદ કરી નહોતી! હું શા માટે બીજા કોઇને મદદ કરું ?" રીતે કડવા અનુભવોમાંથી પસાર થયેલા કેટલાક માણસો પોતાની કડવાશ બધે વહેંચે છે. આથી ઊલટું ઘણા માણસો પોતાના અત્યંત કડવા અનુભવમાંથી મીઠાશ નિતારે છે અને એવું વિચારે છે કે ભલે મને કોઇએ મદદ કરી નહોતી પણ હું મારી શક્તિ પ્રમાણે કોઇને પણ મદદ કરવા તત્પર રહીશ !
દરેક માણસ પાસે અમીરનું ખિસ્સું નથી હોતું પણ અમીરનું ખિસ્સું હોય તે માણસ ગરીબ-જરૃરતમંદ માનવીને જોઇને તેને મદદ કરવાને બદલે વધુ ગરીબની જેમ વર્તે- કંજૂસાઇથી અને કઠોરતાથી વર્તે ત્યારે તેની અમીરીની કોઇ કિંમત રહેતી નથી. માણસ પાસે અમીરનું ખિસ્સું હોય કે ના હોય તેનું મન તો અમીરનું હોવું જોઇએ. તો તેને તેનું ધન સુખ આપી શકે અને તે બીજાને પણ સુખ આપી શકે.

માણસ પૈસાને ચાહે છે કેમ કે સદીઓથી માણસ લક્ષ્મીને તમામ સુખોની વરદાયિની રૃપે જોતો આવ્યો છે પણ માણસનો અનુભવ રહ્યો છે કે બધાં સુખો ધનથી ખરીદી શકાતાં નથી ને ધન માત્ર સુખ નહીં પુષ્કળ દુઃખ પણ આપીશકે છે. તે પિતાપુત્ર વચ્ચે, સગા ભાઇઓ વચ્ચે, પતિ અને પત્ની વચ્ચે, મિત્રો અને સ્નેહીઓ વચ્ચે વેરઝેરનું કારણ બની શકે છે. પૈસા વગર દુઃખી થયેલા માણસોના કિસ્સા અસંખ્ય હશે પણ પૈસા છતાં અને પૈસાને કારણે દુઃખી થયેલા માણસોની સંખ્યા પણ નાનીસૂની નથી. પૈસામાં ખરેખર કોઇને શું સુખ કે દુઃખ આપવાની શક્તિ નથી. શક્તિ માણસમાં છે અને માણસ બીજા માણસને કે ખુદ પોતાની જાતને સુખ આપે કે દુઃખ આપે- પૈસા તો તેમાં માત્ર સાધન કે નિમિત્ત બને છે.

હમણાં એક ભાઇ મળ્યા. તેમને વધુ ઊંચા પગારની સારી નોકરી મળતી હતી પણ તેમણે તે નોકરી લેવાને બદલે જ્યાં પંદર વર્ષથી નોકરી કરતા હતા ત્યાં રહેવાનું પસંદ કર્યું. કોઇએ તેમને આનું કારણ પૂછ્યું - તમને દોઢ ગણો પગાર મળતો હતો છતાં નવી નોકરી કેમ ના લીધી ? જૂની નોકરીમાં એવું શું છે ?
ભાઇએ રહસ્યસ્ફોટ કર્યો - "જૂની નોકરીમાં એવું કશું નથી પણ જૂના શેઠમાં છે. મને નોકરીમાં રહ્યાને પાંચ વર્ષ થયાં હતાં અને તે વખતે મારી કૌટુંબિક પરિસ્થિતિ એવી હતી કે મારે અહીંતહીંથી પૈસા ઉછીના લીધા વિના છૂટકો થાય તેમ નહોતો. મારી કંપનીના કેટલાક કર્મચારીઓ-સહકાર્યકરો પાસેથી મેં નાનીમોટી રકમો વ્યાજે લીધી. પછી બધાનો તકાદો વધી પડ્યો. એક દિવસ એવો ઊગ્યો કે નોકરી પર જવાની હિંમત ના રહી છતાં હિંમત કરીને નોકરી પર ગયો. જેઓ મારી પાસે પૈસા માગતા હતા તે બધા હમણાં ટોળે વળશે, મને ઘેરી લેશે એવો ડર મને હતો પણ જ્યારે આમાંથી દરેક જણ મને જોઇને આંખ ચોરવા લાગ્યો ત્યારે મને નવાઇ લાગી. મને તાજુબી થઇ- અરે ગઇકાલ સુધી જે લેણદાર મારી ઉપર હુમલો કરવાના મિજાજમાં હતા તે આજે મારાથી દૂર ભાગે છે તેનું કારણ શું હશે ? જાણે મારાથી શરમાય છે ? જાણે પસ્તાવો કરી રહ્યા છે એવું કેમ લાગે છે ? હું મારી ખુરશી પર બેઠો પણ મારું કૂતુહલ મને ચટકા ભરતું હતું. કોને પૂછું ? પછી જે એક લેણદાર પ્રમાણમાં નરમ હતો તેને મેં કહ્યું "માઠું લગાડવાની જરૃર નથી. "હું પૈસાની ગોઠવણ કરી રહ્યો છું. અઠવાડિયામાં પતી જશે."
પેલા ભાઇએ કહ્યું - "અરે હવે વાત ના કરશો ? શેઠ સાહેબે તમારા બધા લેણદારોને હમણાં બોલાવ્યા હતા અને બધાને પૈસા ચૂકવી આપવાનું ફરમાન એકાઉન્ટન્ટને કર્યું ! શેઠ સાહેબે અમને બધાને ખખડાવ્યા! અમને તો ડર લાગ્યો હતો કે, અમારી નોકરી જશે કે શું ?"

શેઠની ઉદારતાથી હું ચિંતામુક્ત થયો અને એક નવું પ્રકરણ મારા જીવનમાં આરંભાયું ! ધીરે ધીરે મારી સ્થિતિ સુધરવા માંડી. તમે કહો- આવા શેઠને હું છોડીને કઇ રીતે જાઉં ?
શેઠ ખરેખર ઉદાર હશે પણ માત્ર ઉદાર નહીં- તે શાણા માણસ પણ ગણાવા જોઇએ. ડાહ્યામાં ડાહ્યા માણસો કેટલીક વાર સાદી વાત સમજતા નથી. તેઓ રોકાણ કરે છે, મિલકતમાં નાણાં રોકે છે, મકાનોમાં નાણાં રોકે છે, ધંધામાં નાણાં રોકે છે, યંત્રસામગ્રીમાં નાણાં રોકે છે- પણ માણસમાં નાણાં રોકવાની સૂઝ કેટલાકને હોય છે. મહત્વની બાબત છે. કેટલીક વાર માબાપો પણ વાત નથી સમજતાં તે બાળકોને મિલકત આપવા તત્પર છે. તેમનામાં નાણાંનું રોકાણ કરવા એટલાં તત્પર નથી હોતાં. જમીનમાં વાવેલું જેમ મોટા ભાગે નિષ્ફળ જતું નથી તેમ માણસમાં કરેલું રોકાણ મોટા ભાગે નિષ્ફળ જતું નથી. ધનથી કુશળ કારીગર પેદા થતો નથી પણ કુશળ કારીગરથી ધન પેદા થાય છે. માણસમાં કરેલું રોકાણ ઊગી નીકળે છે. પછી તે તમારો કારીગરથી ધન પેદા થાય છે. માણસમાં કરેલું રોકાણ ઊગી નીકળે છે. પછી તે તમારો કર્મચારી હોય કે તમારો પુત્ર હોય કે તમારો મિત્ર હોય. આમાં સીધા વ્યાજનો હિસાબ નહિ ચાલે. વ્યાજથી લક્ષ્મી વધે છે પણ તે વધારો લોખંડના કાટ કે ચરબીના મેદ જેવો હોય છે.માણસમાં કરેલું રોકાણ પૈસાના ઝાડને નવાં પર્ણ, નવાં પુષ્પ અને નવાં ફળ આપી શકે છે.

એક મિત્રે પોતે કહેલો પોતાની જિંદગીનો એક યાદગાર કિસ્સો અહીં ટાંકવા જેવો લાગે છે.
મિત્ર જીવનના એક તબક્કે મુંબઇમાં એક સંબંધી પાસે મદદ લેવા ગયા. સંબંધી કંઇ મદદ કરી શક્યા નહીં એટલે નિરાશ થઇને પોતાની પિતરાઇ બહેનની પાસે ગયા. પિતરાઇ ભાઇને હારેલાથાકેલા જોઇને બહેને પૂછયું - "ભાઇ શું કાંઇ તકલીફ છે ?" ભાઇએ પોતાની મુશ્કેલીની વાતકરી. બહેને પોતાના દાગીના કાઢી આપ્યા અને કહ્યું કે તમે આની ઉપર નાણાં ઉપાડીને તમારો પ્રશ્ન પતાવો. મહિના સુધી વાંધો નથી. મહિના પછી મારે તેની જરૃર પડશે કેમ કે મારે મારી નણંદના લગ્ન વખતે દાગીનાની જરૃર પડશે.

પેલા ભાઇએ પિતરાઇ બહેનના સોનાના દાગીના ઉપર નાણાં ઉપાડ્યા. મહિના સુધીમાં તે છોડાવી શક્યા નહીં. જેણે સોનાના દાગીના ઉપર નાણાં ધીર્યાં હતાં તે કોઇ ધંધાદારી માણસ નહોતો પણ એક સંબંધી હતો. બહેને પત્ર લખ્યો કે મને અઠવાડિયામાં મારા દાગીના પાછા નહીં મળે તો મારે ઝેર પીવું પડશે ! બીજો કોઇ રસ્તો નથી.

પેલા ભાઇ બહેનનો પત્ર લઇને જે સંબંધીએ દાગીના ઉપર નાણાં ધીર્યાં હતાં તેની પાસે ગયા. તેમણે કહ્યું કે, "વ્યાજસહિતનો જે રકમનો ચેક તમે માગો તે ચેક આપી દઉં. તમે કહો તે લખાણ કરી આપું ! મને પેલા દાગીના આપો ! મારે મારી બહેનને પરત કર્યા વિના ચાલે તેમ નથી અને જો હું હવે પરત નહીં કરું તો મોટો અનર્થ સમજાય તેમ છે !"
પેલા ભાઇએ આનાકાની કરી એટલે તેમની પત્નીએ કહ્યું - "તમે એમને દાગીના પાછા આપી દો ! તેને બદલે હું મારા પિયરના સોનાના દાગીના આપું છું !"
પત્નીની આવી વાત સાંભળીને પેલા સંબંધી શરમાઇ ગયા અને દાગીના સોંપી દીધા. ચેક કે લખાણ કશું લીધા વિના !

આસપાસના તમામ જરૃરતમંદોને વહેંચી શકે એટલું ધન તો કોઇની પાસે હોતું નથી. ધન વહેંચવાની વાત નથી. વાત છે માણસ માણસ વચ્ચે સુખ-દુઃખની ભાગીદારી છે. ગમે તેવું  સુખ માણસ એકલો એકલો ભોગવી શકતો નથી. તે ગમે તેટલો એકલપેટો બને. તે રીતે સુખનો વિચાર કરે તો તેની સુખની કોઇ અનુભૂતિ થઇ ના શકે. પણ માણવા માટે બીજી વ્યક્તિ કે વ્યક્તિઓને તેમાં સામેલ કરવી પડે છે. ભાગીદાર બનાવવી પડે છે. જે વાત સુખને લાગુ પડે છે તે દુઃખની બાબતમાં પણ એટલી સાચી છે.

માણસ માણસની ભાગીદારીમાં સૌથી મોટું રોકાણ પ્રેમનું - માણસાઇનું હોય છે. તેમાં એક ચલણ તરીકે, વિનિમયના સાધન તરીકે રૃપિયાની કિંમત છે- બસ, એટલી તેની કિંમત છે વધારે નહીં.
(લેખકના પુસ્તકમાંથી)

No comments:

Post a Comment