Saturday 18 May 2013

સફળતાનો શરાબ


એક મિત્ર બીજા મિત્રને કહે છે - ''યાદ છે, આપણે બંને આજથી ત્રીસ વરસ પહેલાં કૉલેજમાં સાથે
ભણતા હતા ત્યારે મારો કેવો વટ હતો? આખી કૉલેજ પર હું છવાઈ ગયો હતો, ત્યારે તું તો પાછળ રહેતો, શરમાઈને-સંકોચાઈને ખૂણો શોધતો અને ભણવામાં પણ તું ખાસ ફાવ્યો નહોતો, પણ પછી કંઈક એવું બન્યું કે તું આગળ ને આગળ વધતો ગયો ને હું આકર્ષક લાગેલી કારકિર્દીમાં એવો ફસાઈ ગયો છું કે બિલકુલ આગળ વધી શક્યો નથી. મને પોતાને ખબર નથી પડતી કે ત્રીસ વર્ષની કારકિર્દીમાં હું મારી શરૃઆતના સ્થાનની તુલનામાં અત્યારે ક્યાં ઊભો છું? કેટલીક વાર મને ભણતર, જીવન, મારું અસ્તિત્વ અને વ્યક્તિત્વ બધું પાણીમાં ગયા જેવું લાગે છે!''
મિત્રની આવી વાત સાંભળીને બીજો મિત્ર મનમાં ને મનમાં ખૂબ ફુલાય છે અને પોતાને મળેલું ઉચ્ચતાનું પ્રમાણપત્ર ઉપરના ખિસ્સામાં ગુલાબના ફૂલની જેમ લટકાવે છે. ત્યાં તેને કોઈ બીજો મિત્ર મળે છે. મિત્રની પાસે હવે એની દશા 'જિંદગી પાણીમાં પડી ગયા'ની ફરિયાદ કરનાર પેલા મિત્ર જેવી થાય છે. સફળતાની સીડી પર પોતે એક પગથિયું ઊંચા ઊભા હતા, તેનો આનંદ માણતા હતા, ત્યાં માણસ નીકળી પડ્યો, જે એનાથી પણ એક પગથિયું ઊંચે ઊભો છે! હાય સફળતાની સીડી! પગથિયાં અગણિત છે અને ગમે તેટલા ઊંચા પગથિયા પર ઊભેલો માણસ નીચે જુએ તો ફુલાય અને ઉપર નજર કરે તો છાતીનાં પાટિયાં બેસી જાય છે!
આખરે સફળતા શું છે? સફળતા એક એવી ચાદર છે કે જો તમે પગ બરાબર ઢાંકો તો માથું ખુલ્લું રહી જાય છે અને માથું બરાબર ઢાંકો તો પગ સહેજ બહાર રહી જાય છે! તમે હનુમાન કૂદકો મારીને એક ઊંચી જગ્યાએ બેસી ગયા પણ તમારા ઘરમાં જે અંધારું ઉલેચવાનું હતું તે તમે ઉલેચી શક્યા નહિ. તમે બેધ્યાન રહ્યા! વૃદ્ધ પિતાની છેલ્લી ઇચ્છા પૂર્ણ કરી શક્યા નહિ. ઘરડી માતાની એક ફરિયાદનો નિકાલ કરી શક્યા નહિ, પત્નીને કંઈ આપી શક્યા નહિ અને દીકરા સાથેનો સંબંધ એટલો કામચલાઉ અને ઉપર ઉપરનો રાખ્યો કે પણ તમારાથી દૂર જતો રહ્યો!
સ્વિટ્ઝર્લેન્ડના એક કવિલેખક બ્લેઈ સેન્ડ્રોર્સે પોતાનાં સંસ્મરણોમાં નોંધ્યું છે કે, ''અમેરિકાના નોબલ પારિતોષિક વિજેતા સિંકલેર લૂઈ રોમ શહેરમાં આવ્યા. હંુ ત્યારે રોમમાં હતો. ૧૯૩૦ની સાલની વાત છે. નવલકથા માટે નોબલ ઈનામ મેળવનાર લેખકની સફળતા અને સુખની ઈર્ષા કોને ના થાય? મેં માણસને મદિરાના નશામાં જે રીતે ચકચૂર જોયો-જાતજાતની વ્યથાઓને ઢાંકવા માટેના એક પડદારૃપે ઘેનના શરણે જતો જોયો ત્યારે મને થતું કે શું છે આની કિંમત?''
જરાક ઝીણી નજરે જોઈએ તો આવાં દૃશ્યો આપણે ચોપાસ જોતા નથી? જિંદગીમાં કે તે ક્ષેત્રમાં સફળતાનો ઝંડો ફરકાવી રહેલા માણસની પીઠ પાછળ બધું અસ્તવ્યસ્ત પડ્યું હોય છે. એના મકાનની ભવ્યતા અને મજબૂતાઈ જબરદસ્ત પણ તેના ઘરની દીવાલો, તેના ગૃહસ્થી જીવનની દીવાલોમાં તિરાડો પડી હોય છે અને કુટુંબજીવનમાં ક્યાંય ચેન જોવા મળતું નથી. ભડકો બનીને કલહ-કુસંપ બહાર પડે કે ના પડે, પણ અંદરખાને જે એક ધૂંધવાટ ચાલ્યા કરતો હોય છે, તેના ધુમાડાથી દરેક આંખમાં આંસુ અને ગળામાં ગૂંગળામણ જન્મે છે.
સફળતાની ધૂનની મોટી મુશ્કેલી છે કે તેમાં કદી કોઈ પણ માણસને એક સફળતાથી સંતોષ થતો નથી. એક સફળતા મળે એટલે બીજી શોધવી પડે છે. એક એવો શરાબ છે, જેમાં દરેક પ્યાલી એક તરસ પેદા કરે છે અને તરસ કદી છીપતી નથી. સફળતાના પંથ પર આખરી મંજિલ કોઈને મળતી નથી. જેમ રસ્તો કાપો તેમ રસ્તો વધુ ને વધુ લંબાય છે અને છેવટના સ્તંભ પર પહોંચવા માટેની તાલાવેલીમાં જિંદગીના રોજબરોજના આનંદો, વ્યક્તિગત સંતોષની શક્યતાઓ અને કુટુંબજીવનની ઘણીબધી ગુંજાશો નષ્ટ થાય તેવું બને છે. છેવટે આપણે જેે સફળતા કહીએ છીએ તે જિંદગીના મેદાનના અનેક પટ અને પટ્ટામાંથી માત્ર એક લીટી હોય છે.
ભર્યું ભર્યું જીવન જીવવું એક નેમ હોઈ શકે. એક અમોલ તક છે, જે ફરી કદી આવવાની નથી. સંસારમાં નિષ્ફળમાં નિષ્ફળ અને દુઃખી માણસો જીવનનો મધુરસ પામ્યા છે- તેમની પોતાની ત્રેવડથી. ઈશ્વરે માણસને પૂરી સજ્જતા આપી છેઃ તનની, મનની અને હૃદયની. જગતને જાણવા-માણવા અને પામવાની ક્ષમતા આપણી પાસે છે. આમાં ક્યાંક સુખ આવે, ક્યાંક દુઃખ આવે, ક્યાંક આનંદ મળે, ક્યાંક પીડા જાગે. કોઈ પણ જીવતા જીવને ભાતભાતના અનુભવો અને સંવેદનામાંથી પસાર થવાનું આવે છે. જિંદગીને માપવાના ઘણાબધા માપદંડ છે. સફળતા, વ્યક્તિગત સફળતાની ધૂન ખોટી છે, કેમ કે એક એવો ટૂંકો અને અર્થહીન માપદંડ છે કે તેનાથી જિંદગીને માપવા જતાં આપણે ખુદ આપણી પોતાની જિંદગીનું ખોટું મૂલ્યાંકન કરી બેસીએ તેવો સંભવ રહે છે.
- લેખકના પુસ્તકમાંથી

No comments:

Post a Comment