Saturday 18 May 2013

સાચા સ્નેહસંબંધનું કાળજું છે હનુમાનવૃત્તિ!



 એક સામાન્ય માણસ ગુજરી ગયો અને તેની સ્મશાનયાત્રામાં અને બેસણામાં એટલા બધા માણસો હાજર રહ્યા કે તેના પ્રસિદ્ધ-શ્રીમંત પાડોશીઓને અચંબો થયો. માણસ સામાન્ય સ્થિતિનો હતો. ધનથી ઝાઝું ઘસાઈ શકે તેમ નહોતો પણ મનથી અને તનથી ખૂબ ઘસાતો હતો. એણે ઘણાબધાને ઘણુંબધું આપ્યું હતું એટલે તેના મૃત્યુના સમાચારને અખબારમાં કોઈ બહોળી પ્રસિદ્ધિ આપવાની પણ જરૃર ના રહી. સ્મશાનનો અગ્નિ તેને સ્પર્શે તે પહેલાં તો આગની જેમ સમાચાર કાનોકાન ફેલાઈ ગયા. કીર્તિ-બીર્તિ તો ઠીક છે, પણ એક સામાન્ય માણસ મરણોત્તર માનમાં પોતાની મોટાઈ રીતે પ્રગટ કરી જાય છે. અમેરિકાના પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટનના રાષ્ટ્રપ્રેમ અને પ્રજાભક્તિને કારણે લોકો તેમને 'રાજા' બનાવવા તલપાપડ થયા હતા. એક ઐતિહાસિક હકીકત છે-પણ વોશિંગ્ટને રાજા બનવાની ના પાડી. તેણે કહ્યું કે હું તમારા સૌના હૃદયમાં છું તે ઓછું છે? લોકશાહીમાં વળી રાજા કેવો? પ્રજા રાજા! એણે બદલો લીધો હોત તો તેને માટે લાભને બદલે હાનિરૃપ બની જાત.

મૃત્યુના બિછાને પડેલા એક મહાત્માને ભક્તોએ પૂછ્યું, "લોકો તમને કઈ રીતે યાદ કરે તો ગમે?" મહાત્માએ કહ્યું "કોઈ ખાસ યાદ તો શું કરે પણ મારો ક્યાંય ઉલ્લેખ થાય તો સાંભળનાર એટલું કહે કે માણસ માત્ર પોતાને માટે જીવ્યો નહોતો એટલું મારે મન બસ છે!" કોઈ પણ માણસની જિંદગી ખરેખર તો એકલતાની યાત્રા છે. તમે બીજાઓની સાથે જોડાઓ છો અને વળી બીજાઓને તમારી સાથે જોડો છો ત્યારે એકાંતવાસમાંથી સહવાસ પામો છો. હું મારી જાતને માત્ર અરીસામાં જોતો રહું તો માત્ર મને જોઉં છું, બીજું કોઈ મને જોતું નથી અને હું મારી બહાર પણ નીકળતો નથી, પણ જ્યારે બીજા માણસની આંખમાં હું દેખાઉં છું ત્યારે અમે બંને એકબીજાને જોઇએ છીએ. છેવટે જિંદગી બે આંખની શોભા છે. મરનાર જાણે છે કે તેણે એકલાએ જવાનું છે છતાં તે ચાર માણસોની હાજરી અંતકાળે ઇચ્છે છે. એકલાં એકલાં તો મરવાનુંય ના ગમે. પછી રીતે જીવવાનું તો ગમે કઈ રીતે? જે માણસ પોતાની જિંદગીને પ્રસાદીનો થાળ ગણીને વહેંચે છે તેની 'તૃપ્તિ' અનન્ય હોય છે. માણસ જ્યારે પોતાની જિંદગીને પેટપૂજાની થાળી ગણે છે ત્યારે તેમાં ઝાઝો સ્વાદ કે ઝાઝો સંતોષ સંભવતો નથી.

પ્રામાણિક બનવાનું લાભકારક હોય અને માણસ પ્રામાણિકતાથી વર્તે તો ગુણ નથી. ગુણ તો પ્રામાણિક રીતે વર્તવાથી નુકસાન થાય તો પણ પ્રામાણિકપણે વર્તે તે છે. તેવી રીતે સંબંધો જ્યાં લાભકારક હોય ત્યાં તે નિભાવીએ તો તે કોઈ ગુણ નથી પણ જ્યારે સંબંધો નુકસાનકારક હોવાનો સંભવ હોવા છતાં નિભાવીએ તેમાં ગુણ છે. કમાતો દીકરો વહાલો લાગે તેમાં શી નવાઈ? પુત્ર જ્યાં જવાબદારીરૃપ બની જાય ત્યાં પણ તમે તેને વળગી રહો તો તે પિતાનો પ્રેમ કહેવાય. સ્વાર્થના કુંડાળાની બહાર તમને તે લઈ જાય તે સ્નેહ, લાગણી અને સહૃદયતા. એક યુવાન બીજા યુવાનને મજાકમાં કે પછી ગંભીરતાથી પૂછે છે કે એલા, તારી ભાઇબંધીમાં મને શું લાભ? બીજો જુવાન જવાબ આપે છે કે ભાઇબંધી લાભ! મિત્રતા પોતે એક સિદ્ધિ છે.

સંબંધ લોહીનો હોય કે લાગણીનો, સાચા સ્નેહસંબંધનું કાળજું છે હનુમાનવૃત્તિ. હનુમાનજીએ ભગવાન રામચંદ્રને પોતાના ઋણી બનાવ્યા હતા અને ભગવાન જેવા ભગવાન પાસેથી કંઈ પણ મેળવવા કરતાં આપવામાં સાર્થકતા જોઈ હતી. રામચંદ્રજી અને લક્ષ્મણને જ્યારે રાવણનો મિત્ર અહિરાવણ ઉપાડી ગયો ત્યારે લક્ષ્મણ વ્યાકુળ બન્યા હતા. ભગવાન, કંઈક કરો ત્યારે રામચંદ્રજીએ કહ્યું કે મારા ભક્તો ભીડમાં આવી પડે ત્યારે હું અચૂક એમની વહારે જાઉં છું, પણ હું સંકટમાં હોઉં ત્યારે હનુમાનજીને યાદ કરું છું અને તેની જવાબદારી તેના માથે નાખું છું. અહિરાવણ તો મહાકાળીનો ભક્ત હતો અને રામચંદ્રજી અને લક્ષ્મણનો ભોગ ધરી દેવા તલપાપડ હતો. અહિરાવણને હરાવીને હનુમાનજી રામ-લક્ષ્મણને છોડાવી લાવે છે. આવી હનુમાનવૃત્તિ ઘણા માણસોમાં હોય છે. જેમણે આવો એકાદ પણ સંબંધ બાંધ્યો હોય છે તેમને જિંદગીની ગમે તેવી કપરી પળે પણ તદ્દન નાસીપાસ થયાની લાગણી નથી થતી.
તમારા પોતાના માટે તમે સંકટનો સામનો કરો છો ત્યારે તમે જે હિંમત બતાવો છો તે તમારી આત્મરક્ષાની વૃત્તિની નીપજ માત્ર હોય છે, પણ જ્યારે તમે બીજા કોઇને માટે આપત્તિનો મુકાબલો કરો ત્યારે તે તમારા માનવી તરીકેના દૈવતની શોભા બને છે. આવું બને છે ત્યારે તમારી જિંદગી માત્ર તમને વહાલી નથી રહેતી. તમે જેની ઢાલ બનવા આતુર છો તે બધાંને તમારી જિંદગી વહાલી બની જાય છે. દરેકને એમ થાય કે મારે કોઈ દિલાવર મિત્ર હોય, પણ સારો મિત્ર મેળવવાનું આપણા એકલાના હાથમાં નથી, પણ તમે જાતે સાચા અને સારા મિત્ર બનવા માગતા હો તો તમારા હાથમાં છે.


- લેખકના પુસ્તકમાંથી

No comments:

Post a Comment