Monday 27 May 2013

મનની પાટી પર સ્વપ્નનું પોતું ફરતાં મન સાફ થઈ જાય



તમને રાત્રે સ્વપ્ન આવે છે? આવો પ્રશ્ન કોઈને કરીએ તો કોઈ કહેશે કે, મને રાત્રે ખરાબ સપનાં આવે છે, તેથી કેટલીક વાર ઊંઘ બગડી જાય છે. કોઈ બીજું વળી કહે છે કે, મને રાત્રે સરસ સપનાં આવે છે, પણ સવારે તેને યાદ કરવાની કોશિશ કરું તો કંઈ યાદ આવતું નથી! માણસ પોતાના સારા કે ખરાબ સ્વપ્નનું અર્થઘટન શોધવા પ્રયત્ન કરે છે. સ્વપ્નના સંકેત ઉપર પુસ્તકો પણ છે. મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઇડનું પણ એક પુસ્તક છે- 'ધી ઇન્ટરપ્રેટેસન્સ ઓફ ડ્રીમ્સ.' ફ્રોઇડ તો અલબત્ત એમાં પણ માણસની કામવૃત્તિનો આવિષ્કાર જુએ છે, પણ સ્વપ્નનો સંકેત પામવાની કોશિશમાં બહુ ઊંડા ઊતરવા જેવું નથી. અહીં પણ વહેમ અને શંકાનું મોકળું મેદાન સામે આવવાની શક્યતા રહે છે. એક બાબતમાં મનોવિજ્ઞાનીઓ ઠીક અંશે સહમત છે કે ઘણુંખરું આપણાં સ્વપ્નો આપણા મનના ડાઘ દૂર કરવાના રબ્બર જેવું કામ કરે છે.

તમારા ઉપરી અધિકારીએ તમને ઠપકો આપ્યો. રીતસર અપમાન જ કર્યું. તમને એક ધક્કો વાગ્યો. તમારા મન ઉપર એક દબાણ ઊભું થયું. તે કઈ રીતે દૂર થાય? સંભવ છે કે તમને રાત્રે એવું સ્વપ્ન આવે કે તમારા ઉપરી અધિકારી બસમાં ચઢતા કે મોટરમાં બેસવા જતાં ગબડી પડ્યા અને તમે ખડખડાટ હસી પડ્યા! એક નાનકડો હિસાબ પતી ગયો. આ રીતે સ્વપ્ન આપણી વાસ્તવિક જિંદગીના નાના-મોટા ધક્કાને ભૂંસી નાખે છે.

કોઈ વળી એવું કહે છે કે, મને તો કદી સ્વપ્ન આવતું જ નથી! હું તો બસ પથારીમાં પડું એટલે ઘસઘસાટ ઊંઘી જ જાઉં છું, પણ મનોવિજ્ઞાન કહે છે કે, સ્વપ્ન વગર તો ઊંઘ શક્ય જ નથી. એ વાત ખરી કે આપણને સ્વપ્ન યાદ રહેતું નથી. કોઈ વાર ખરાબ કે સારાં સ્વપ્નમાંથી જાગી જઈએ ત્યારે તે સ્વપ્ન આછુંપાતળું યાદ હોય છે, પણ ફરી ઊંઘીને સવારે ઊઠીએ ત્યારે કશું મુદ્દલ યાદ હોતું નથી. એક રીતે કુદરતની આ સારી વ્યવસ્થા છે. કેમ કે જો રાતનાં સપનાં યાદ રહેતાં હોત તો તેના પડછાયા આપણી દિવસની જિંદગીને ઘેરી વળતા હોત. રાતે આપણને આવતાં સપનાંમાં આપણી શંકા કે આપણાં ડરનાં ચિત્રણો હોય છે. એમાં આપણી ઇચ્છાઓ કે ઝંખનાઓનું ચિત્રણ પણ હોય છે. આ રીતે સ્વપ્ન મારફતે જિંદગીના નાના-મોટા ધક્કાઓનું નિરાકરણ થતું રહે છે અને મનની પાટી પર સ્વપ્નનું પોતું ફરી વળતાં સાફ થઈ જાય છે.
રાતનાં સપનાંની વાત તો ઠીક છે, પણ દિવસે પણ આપણને સપનાં આવતાં હોય છે. દિવસના આ સ્વપ્ન વગર કોઈને ચાલતું નથી! ઉઘાડી આંખનું આ સપનું દરેક જણ જુએ છે. આજની આપણી કરુણતા એ છે કે દિવસનાં સપનાં ઓછાં થઈ ગયાં છે. છેવટે દિવસનું સપનું શું છે? એક સુંદર વિચાર કે એક સુંદર કલ્પના કે એક સુંદર નકશો! સ્વપ્નની આ બ્લૂ પ્રિન્ટને માણસ પુરુષાર્થ વડે નક્કર રૃપ આપે છે.

તાજમહાલ નહોતો ત્યારે પણ તે કોઈનું સુંદર સ્વપ્ન જ હશે. પછી તે સ્વપ્નને કોઈએ આરસપહાણના નક્કર રૃપમાં પ્રગટ કર્યું. આપણે જેને મહાન સ્થાપત્યો, મોટા મહેલો, વિશાળ ઉદ્યાનો, વિશાળ બંધો, મહાન છબીઓ કે મહાન ચિત્રો તરીકે આજે આંખ સામે પ્રગટ રૃપમાં જોઈએ છીએ તે બધાં કોઈ ને કોઈ માનવીના મનમાં સ્વપ્નરૃપે બીજ બનીને પાંગર્યાં હશે.

- સ્વપ્ન જોવું જ જોઈએ. કોઈ કહેશે કે શેખચલ્લીનાં સપનાં? ના, શેખચલ્લીનાં સપનાં નહીં, પણ એક પુરુષાર્થપ્રેમી વ્યક્તિનાં સપનાં. કોઈને નવી શોધ કરવી છે, કોઈને નવું સાહસ કરવું છે, કોઈને નવો ઉદ્યોગ સ્થાપવો છે, કોઈને નવી કવિતા કરવી છે, કોઈને વાર્તા કે નવલકથાનું સર્જન કરવું છે- આ બધું દિવાસ્વપ્ન વગર શક્ય જ નથી. તમારું મન કલ્પનાના એક સુંદર પ્રદેશમાં ટહેલવા માંડે છે અને કોઈક ક્ષણે મનમાં એક ઝબકારો થાય છે અને દિવસનું એક સ્વપ્ન રચાય છે. પછી એ સ્વપ્નને તમે નક્કર રૃપ આપવા મથો છો. સપનાં કોઈનાં બધાં જ સફળ થતાં નથી, પણ દરેક જીવનપોથી એક સ્વપ્નની પોથી હોય છે. કોઈ ને કોઈ સ્વપ્ન સાકાર થાય, બીજાં ઘણાં સ્વપ્નો જ રહે! એનો અફસોસ ન હોય! માણસ ગરીબ હોઈ શકે છે, તે સ્વપ્ન-દરિદ્ર હોવો ન જોઈએ.

No comments:

Post a Comment