Monday 10 December 2012

જિંદગીને સાર્થક રીતે જીવવી હોય તો શ્રદ્ધાનો કોઈ વિકલ્પ નથી…..

જિંદગીને સાર્થક રીતે જીવવી હોય તો શ્રદ્ધાનો કોઈ વિકલ્પ નથી…..

માણસ પ્રશ્ન કરે છેઃ જીવનનો અર્થ શું? આ પ્રશ્ન વિશે જેમણે થોડુંક પણ વિચાર્યું છે તેઓ સાદો જવાબ આપે છે. જીવનનો અર્થ એક જ છે. ભરપૂર જીવો. આ પૃથ્વી ઉપર જે અનંત જીવસૃષ્ટિ આપણે જોઈ રહ્યા છીએ તેનો ભેદ કોઈ ઉકેલી શકે તેમ નથી. એટલે જ શ્રદ્ધાળુ મનુષ્યો કહે છે કે ઈશ્વરની લીલા અપાર છે અને તેનું રહસ્ય પામવાનું મુશ્કેલ છે. માણસ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, આ બધું કોણે બનાવ્યું એવા પ્રશ્નોના જંગલમાં તો ભૂલા પડી જવાય એવું છે. એટલે સાચો માર્ગ એક જ છે કે માણસને જિંદગીની જે એક વારની અમૂલ્ય ભેટ મળી છે તે બરાબર માણવી. બરાબર જીવવું. બીજાઓને માટે જીવવું. એવી રીતે જીવવું કે અંત આવે ત્યારે નિરર્થકતાની નહીં, સાર્થકતાની લાગણી થાય. સુખદુઃખના ચક્રથી કોઈ બાકાત નથી, પણ આપણે જોઈએ છીએ કે એક નાના બાળકથી માંડીને કિશોરો, યુવાનો, પ્રૌઢો અને વૃદ્ધો પણ હસતા મોંએ આકરી પીડા સહન કરી લે છે. વિકટ પરિસ્થિતિમાં પણ હિંમત હારી ન જવી અને માણસે પોતાનું કર્તવ્ય બજાવવું એ જ સાચો રસ્તો છે.

આ સંસારમાં અનેક મનુષ્યોએ પોતાની જિંદગીને સુખદુઃખના ત્રાજવે તોળવાનો ઇનકાર કર્યો છે અને પોતાનું જીવન રાજીખુશીથી હાથ ધરેલી વિકટ ધર્મયાત્રા તરીકે જીવવાનું પસંદ કર્યું છે. બદરી-કેદારનાથ કે માનસરોવરની યાત્રાએ જનાર વ્યક્તિઓને અનેક સંકટ વેઠવા પડે છે. કોઈ વાર દુર્ઘટનામાં પ્રાણ પણ જાય છે, પણ તેથી કરીને એ યાત્રા નિરર્થક બની જતી નથી. જે શ્રદ્ધાળુ છે તેને માટે તે સંપૂર્ણ સાર્થક જ છે. કોઈ પણ ધર્મની વ્યક્તિ માટે આ વાત સાચી છે. ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા રાખવી અને એ શ્રદ્ધાનું આત્મશ્રદ્ધામાં રૂપાંતર કરવું એ જ માણસનો પુરુષાર્થ બની રહેવો જોઈએ. જિંદગીને સાર્થક રીતે જીવવી હોય તો શ્રદ્ધાનો કોઈ વિકલ્પ નથી.

ફ્રાંસના એક વારના પ્રમુખ ચાર્લ્સ દગોલ માટે એવું કહેવાય છે કે એ ઈશ્વરને પ્રાર્થના કરતા ત્યારે કહેતા કે, ‘હે ઈશ્વર, તું મારામાં વિશ્વાસ રાખ!આ આત્મશ્રદ્ધાનો અતિરેક પણ લાગે, પણ ઈશ્વર શ્રદ્ધા કોઈક વ્યક્તિની બાબતમાં આવી આત્મ શ્રદ્ધારૂપે પ્રગટ થાય એવું બની શકે. ઈશ્વર શ્રદ્ધા અને આત્મશ્રદ્ધા એક જ સિક્કાની બે બાજુ છે. આત્મા ઈશ્વરનો અંશ જ છે અને ઈશ્વરની શ્રદ્ધાનું રૂપાંતર આત્મ શ્રદ્ધામાં અને આત્મશ્રદ્ધાનું રૂપાંતર ઈશ્વર શ્રદ્ધામાં થતું જ રહેતું હોય છે. આત્મા અને પરમાત્મા વચ્ચે આ એક જીવંત વહેણ બની શકે છે. લંકાના રાજા રાવણની જેમ તેની અનન્ય શિવભક્તિ અભિમાનના-અહંકારના અતિરેકમાં પરિણમે તો તે ખોટું છે.

અમદાવાદમાં લગભગ નેવું વર્ષની ઉંમરના એક ડોક્ટર આજે પણ ગરીબોની સેવામાં ગળાડૂબ છે. પૈસાદાર નથી. તબિયતના પણ પ્રશ્નો હશે પણ તેમને માટે જિંદગીનો મર્મ દુઃખી મનુષ્યોની સેવા એ જ છે. બીજી એક વૃદ્ધા કહે છે કે, ‘હું ભણી નથી પણ એમ માનું છું કે કટાઈ મરવા કરતાં ઘસાઈ મરવું સારું!કોઈકને માટે કંઈ ને કંઈ કરી છૂટવું. બીજા માણસને મદદ કરવાથી માણસનું મન પ્રસન્ન થાય છે. અમેરિકન વાર્તાકાર અર્નેસ્ટ હેમિંગ્વેએ એટલે જ કહ્યું છે કે, ‘હું માનું છું કે હું કાંઈક કરું અને એ કર્યા પછી મનને સારું લાગે એ ધર્મ.

ભગવાન બુદ્ધે કહ્યું છે કે, ‘બધા જ જીવો પર જેને કરુણા જાગે એ મનુષ્ય ઉમદા છે.
માણસે આ જીવનમાં અને આ જગતમાં જ રસ લેવો જોઈએ. જવાહરલાલ નહેરુએ એવું કહ્યું છે કે, ‘મને આ જિંદગીમાં અને આ જગતમાં જ રસ છે. કોઈ બીજી દુનિયામાં કે મૃત્યુ પછીની જિંદગીમાં નહીં.ફિલસૂફ સોરેન કીર્કગાર્ડે એવું કહ્યું છે કે, ‘જિંદગી એ કોઈ ઉકેલવા માટેનો કોયડો નથી- અનુભવવા જેવી વાસ્તવિકતા છે.નિત્સે કહે છે કે, ‘આ જિંદગી એટલી ટૂંકી છે કે તેમાં કંટાળાને સ્થાન હોઈ ન શકે.એક વધુ દિવસ સવારે જાગવું એના જેવો અમૂલ્ય અનુભવ બીજો એકેય નથી.

ભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી

No comments:

Post a Comment