Saturday 23 March 2013

સંપતિના સ્વાર્થના ચલણ તરીકે અનિસ્ટ પરમાર્થના ચલણ તરીકે ઇષ્ટ


પ્રુશિયાના રાજા સાઇરસે આર્મેનિયાનાં એ વખતનાં રાજા-રાણીને કેદ કર્યાં. સાઇરસે બંદીવાન રાજાને પૂછ્યું : ‘તમારી રાણીને મુક્ત કરવાની કેટલી કિંમત આપી શકો?’ રાજાએ જવાબ આપ્યો : ‘મારી પાસે આર્મેનિયાનું રાજય હોત તો તો મારી રાણીને છોડાવવા આખું રાજય જ તમને આપી દેત, પણ એ તો નથી એટલે રાણીને છોડાવવા માટે હું મારું જીવન આપી શકીશ.’ પ્રુશિયાના રાજાએ બંદીવાન રાજા-રાણીને તરત જ છોડી મૂક્યાં. રાજાના જવાબથી પ્રુશિયાનો રાજા ખુશ થઈ ગયો હતો. એ વાતને થોડો વખત વીતી ગયો. એક દિવસ આર્મેનિયાના રાજાએ રાણીને પ્રશ્ન કર્યો : ‘રાણી, પ્રુશિયાની જાહોજલાલી, દરબારનો ભપકો અને રાજાની ઉદારતા તમને કેવાં લાગ્યાં?’

રાણીએ કહ્યું : ‘કેદી તરીકે આપણે ત્યાં ગયાં ત્યારથી મારી નજર કે મારા વિચારો બીજા કશામાં રોકાયાં જ નથી. જે માનવી મારી મુક્તિ માટે પોતાનો પ્રાણ આપવા તૈયાર થયો હતો તેની પર જ મારું મન એકાગ્ર થયું હતું.’ કિસ્સો જૂના ઇતિહાસનો છે- ઇતિહાસમાં તેનું જે તથ્ય હોય તે, પણ તેમાં જે મર્મ છે તે જીવનના એક તથ્ય તરીકે કોઈ પણ સમય માટે સ્વીકારવો પડે તેવો છે.
દરેક વ્યક્તિ એક અગર બીજા પ્રસંગે એવું કહે છે- કોઈ મજાકના સૂરે કહે છે, કોઈ પૂરી ગંભીરતાથી કહે છે કે બીજાઓની નજરે મારી કાંઈ કિંમત જ નથી! પિતાની ફરિયાદ એ છે કે દીકરાઓને બાપની કિંમત નથી. જે કંઈ મારી કિંમત છે તેનો આધાર મિલકત છે. પુત્રની ફરિયાદ એ છે કે મારા પિતાની નજરમાં મારી કિંમત આવતી કાલના ‘કમાઉ દીકરા’ તરીકે છે! દીકરો કાલ સવારે રૂપિયા કમાઈને લાવવા માંડશે અને ઘરને લક્ષ્મીથી ભરી દેશે, તેવી ધારણા ગણતરી ઉપર જ દીકરાની કિંમત બાપની નજરમાં હોય છે!
હવે જેઓ આ રીતે વિચારે છે તેઓ કદી એટલું વિચારતા નથી કે તેમણે પોતે કદી ર્આિથક અને વહેવારની ગણતરીઓથી અલગ રીતે તેમની પોતાની કિંમત ઊંચી અંદાજાય એવું કંઈ કર્યું છે? પુત્ર ફરિયાદ કરે છે કે મારા પિતા માત્ર ચલણી નોટોનું જ મૂલ્ય સમજે છે એટલે મને પણ ચલણી નોટોના વજનથી તોળે છે, પણ આવી ફરિયાદ કરનાર પુત્રે વિચારવું રહ્યું કે તેણે પિતાને બીજા કોઈ ચલણનો પરિચય કરાવ્યો છે ખરો? જે કોઈ માણસ આ સંસારમાં સોના-રૂપાના સિક્કામાં થતા માણસના મૂલ્યાંકન વિશે ફરિયાદ કરે છે તે માણસે એથી ચઢિયાતા ચલણનો પરિચય કરાવવો જોઈએ. ઈશ્વરે માણસના હૃદયમાં પણ લક્ષ્મી મૂકી છે- લાગણીની લક્ષ્મી, પ્રેમની લક્ષ્મી, કરુણાની લક્ષ્મી, પણ માણસે તો પોતે કીમતી ધાતુઓને એક મોટી મૂડી ગણી અને તેને જ વધુ ને વધુ મહત્ત્વની ગણી એટલે છેવટે તમે જે હથિયાર બીજાની સામે ઉગામો એ જ હથિયાર તમારી સામે આવે એવું બનવાનો પૂરો સંભવ રહે છે.
કેટલાક કિસ્સામાં એવું પણ બને છે કે માણસ પોતાના હૃદયની લક્ષ્મી ભરપૂર લૂંટાવે અને છતાં દુનિયા તેની સાચી કિંમત કરે જ નહીં- તમે લાગણીનો સિક્કો આપો, પણ સામો માણસ તેની ગરજ ટાણે તમારો સિક્કો સ્વીકારે, પણ તમને તેનો ખપ પડે ત્યારે તે કહેશે કે તમે આપેલો સિક્કો ખાસ કિંમત વગરનો હતો અને તમે આજે મારી પાસે જે સિક્કો માગો છો તે તો સોના-ચાંદીનો છે- હું તમને તે કઈ રીતે આપી શકું? આવું કોઈ કોઈ વાર બને છે, પણ તેથી અસલ વાત ખોટી ઠરતી નથી. વહેવારની દુનિયામાં રૂપિયાનું ચલણ તો સ્વીકારવું જ પડે છે, પણ સોનું કે ચાંદી પોતે કંઈ ખરાબ નથી- તે સારાં કે ખરાબ તેનો નિર્ણય તમે તેનો વિનિમય કઈ રીતે કરો છો તેની પરથી થાય છે. સ્વાર્થ અને સંગ્રહના ચલણ તરીકે તે ‘અનિષ્ટ’ છે. પરમાર્થ-પ્રેમના ચલણ તરીકે તે ‘ઇષ્ટ’ છે. બ્રિટનના મહાન નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સના પિતા દીકરા માટે એક સમસ્યા બની ગયા હતા. ચાર્લ્સ ડિકન્સ બાળક હતા ત્યારે તેના પિતાને દેવું થઈ જતાં જેલમાં જવું પડ્યું હતું. પિતા આમ છતાં પુત્રને આગળ ભણાવવા માગતા હતા. ડિકન્સની માતા પોતાની સ્થિતિનો વિચાર કરીને તેને કામે લગાડવાના મતની હતી. માતાએ બાળક ચાર્લ્સને કારખાનામાં કામે લગાડી દીધો. બાળમજૂર તરીકે ચાર્લ્સને બહુ ઝાઝા દિવસ મજૂરી તો કરવી ન પડી, પણ માતાના વલણને તે કદી માફ કરી શક્યો નહીં! બીજી બાજુ ચાર્લ્સ ડિકન્સ સફળ નવલકથાકાર બનીને ખૂબ ધન કમાયો અને તેના પિતા પુત્ર (ચાર્લ્સ ડિકન્સ)ને કશું કહ્યા વગર તેના પ્રકાશકો પાસેથી પૈસા લઈ આવવા માંડ્યા. ત્યારે કોઈએ ડિકન્સને સલાહ આપી કે ‘તમારા પિતાને કોઈએ પૈસા આપવા નહીં, એવી સૂચના લાગતાવળગતાઓને આપી દો!’ ચાર્લ્સ ડિકન્સે ત્યારે એવું કરવાની સાફ ના પાડી- માયાળુ પિતાનું અપમાન એવી રીતે કઈ રીતે કરી શકાય? ‘સમસ્યા’રૂપી પિતા માત્ર ર્આિથક અર્થમાં ‘સમસ્યા’ હતા- સ્નેહની સમસ્યા નહોતા. માણસે પોતે જ માણસ કરતાં રૂપિયાને મોટો બનાવી દીધો છે અને હવે માણસ પોતે જ ફરિયાદ કરે છે કે રૂપિયો માણસ કરતાં બહુ મોટો થઈ પડ્યો- આવું તે હોય!

No comments:

Post a Comment